સસલાંને બદલે દીપડાનો શિકાર થઈ ગયો! હિંમતગર વનવિભાગે 5 શિકારી ઝડપ્યા
સાબરકાંઠા જિલ્લામાં શિકારની પ્રવૃત્તિ કરવા જતા શિકારીઓએ દિપડાને જ પોતાના ગોઠવેલા ફાંસલામાં ફસાવી દેતા જેલના હવાલે થવુ પડ્યુ છે. હિંમતનગર વિસ્તારમાં પાંચ શિકારી યુવાનો સસલા અને અન્ય અન્ય જંગલી જીવોનો શિકાર કરવા માટે પ્રયાસ કર્યો હતો. આ માટે ફાંસલો ગોઠવતા તેમાં દીપડો ફસાઈ જતા મોતને ભેટ્યો હતો.
સાબરકાંઠા જિલ્લામાં સસલા જેવા વન્ય જીવોનો શિકાર કરતી ટોળકીના ફાંસલામાં દીપડો ફસાઈ ગયો હતો. દીપડો ફસાઈ જવાને લઈ તે મોતને ભેટ્યો હતો. આ માટે વન વિભાગની ટીમે દીપડાના મોતને લઇ તપાસ હાથ ધરતા શિકારી કરનારી ટોળકી હોવાનું આશંકાએ તપાસ શરુ કરી હતી. જેમાં એક બાદ એક પાંચ આરોપીઓ સુધી વનવિભાગની ટીમ પહોંચી ગઇ હતી. પાંચ આરોપીઓની ધરપકડ કરીને વન વિભાગે જેલના હવાલે કર્યા છે.
ગત 12 ફેબ્રુઆરીએ હિંમતનગરના નરોડા વિસ્તારમાં આવેલા ગૌચરના જંગલ વિસ્તારમાં એક દીપડો ફાંસલામાં ફસાયો હોવાના સમાચાર વન વિભાગને મળ્યા હતા. જેને લઈ વન વિભાગના અધિકારીઓ અનિરુદ્ધસિંહ સિસોદીયા સહિતની ટીમ રેસક્યુ ટીમ સાથે સ્થળ પર પહોંચ્યા હતા. જ્યાં જંગલ વિસ્તારમાં ઝાડીઓમાં એક દીપડો ફસાયેલી હાલતમાં જોવા મળ્યો હતો.
દીપડાને બચાવવા કરાયો હતો પ્રયાસ
વન વિભાગની ટીમ દ્વારા દીપડાને શરુઆતમાં જીવ હોવાનું જણાતા તેને બચાવી લેવા માટે અથાગ પ્રયાસો કર્યા હતા. પરંતુ દીપડાએ ફાંસલામાંથી બહાર છૂટવા માટે અથાક પ્રયાસો કરતા ગાળીયો વધારે કસાઇ જતા જીવ ગુમાવી દીધો હતો. ઘટના બાદ વન વિભાગે મૃત દિપડાના અંતિમ સંસ્કાર કર્યા હતા.
જોકે દીપડો જે રીતે ફસાયો હતો એ જોતા આ કામ શિકારીઓનું હોવાની મજબૂત આશંકા સાથે તપાસ શરુ કરી હતી. આસપાસના ફૂટ માર્ક સહિતની કડીઓ મેળવવા સાથે શિકારીઓની ભાળ મેળવા માટે પ્રયાસ કરવામાં આવ્યો હતો. સસલા જેવા પ્રાણીનો શિકાર કરવા માટે બાઇક અને મોપેડના બ્રેક અને ક્લચના તારમાંથી ગાળીયો તૈયાર કરવામાં આવ્યો હતો. જેને જંગલની ઝાડીઓમાં ગોઠવવામાં આવ્યો હતો. વન વિભાગના અધિકારીઓએ આરોપીઓને સ્થળ પર લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કરાવી ગાળીયાની ગોઠવણ કરવાની રીત સહિતના પૂરાવાઓ એકઠા કર્યા હતા.
5 આરોપી જેલ હવાલે
તપાસ દરમિયાન એક બાદ એક પાંચ યુવકોના નામ સામે આવ્યા હતા. જેને લઈ વન વિભાગે પાંચ યુવાનોને ઝડપી લીધા હતા. પાંચેય યુવકોને ઝડપી લઈને વન વિભાગે તેમને સ્થાનિક કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડની માંગણી કરી હતી. જેમાં આરોપી યુવકોને એક દીવસના રિમાન્ડ પર સોંપવામાં આવેલ હતા. રિમાન્ડ પૂર્ણ થતાં, પાંચેય આરોપીઓને જ્યુડીશયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યા છે.
આ પણ વાંચો: પ્રાંતિજમાં બે જૂથ વચ્ચે અથડામણમાં હત્યાનો મામલો, પોલીસે વધુ 9 આરોપીઓ ઝડપ્યા
ઝડપાયેલા આરોપી
- અનીલ ઇશ્વરભાઈ ખરાડી, ઉંમર 26 વર્ષ
- હરીશ ઇશ્વરભાઈ ખરાડી, ઉંમર 25 વર્ષ
- દીનકર અમૃતભાઈ ખરાડી, ઉંમર 21 વર્ષ
- અક્ષય લક્ષ્મણભાઈ ખરાડી, ઉંમર 21 વર્ષ
- અલ્પેશ કાન્તિભાઈ ખરાડી, ઉંમર 20 વર્ષ, તમામ આરોપી રહે, જોડ ખાપરેટા, તા. હિંમતનગર, જિ. સાબરકાંઠા