21મી સદીમાં ગુજરાતના રાજકારણમાં ‘શિક્ષિત’ નેતાઓનો વધ્યો દબદબો, જાણો

|

Apr 13, 2024 | 5:25 PM

લોકસભાની ચૂંટણીની શરુઆત સાથે હવે રાજકીય માહોલ ગરમ બન્યો છે. એક તરફ ઉનાળાની ગરમી કાળઝાળ વરસી રહી છે અને બીજી તરફ ચૂંટણીનો ગરમાવો વર્તાઈ રહ્યો છે. દર પાંચ વર્ષ આવતી ચૂંટણીમાં કેટલાક મહત્વના પરિવર્તન આવતા હોય છે. પ્રચારથી લઈને લોકોની અપેક્ષાઓ અને ઉમેદવારોથી લઈ પાર્ટી સુધીમાં કેટલાક ફેરફાર જોવા મળતા હોય છે. આ વખતે પણ લોકસભાની ચૂંટણીમાં મહત્વના ફેરફાર જોવા મળી રહ્યા છે.

21મી સદીમાં ગુજરાતના રાજકારણમાં શિક્ષિત નેતાઓનો વધ્યો દબદબો, જાણો
રાજકારણમાં વધ્યું 'ભણતર' નું મહત્વ

Follow us on

લોકસભાની ચૂંટણી આવતા જ દેશભરમાં રાજકીય માહોલ જામ્યો છે. ગુજરાતમાં પણ રાજકારણ ગરમ બન્યુ છે. એક તરફ કાળઝાળ ગરમી વર્તાઈ રહી છે, ત્યાં ચૂંટણીનો ગરમાવો પણ જામ્યો છે. 21મી સદીમાં લોકસભાની સામાન્ય ચૂંટણી 2004, 2009, 2014 અને 2019 માં યોજાઈ ચૂકી છે. કેટલીક બેઠકો પર પેટા ચૂંટણી પણ યોજાઈ છે. આમ મળીને 2001 બાદથી ગુજરાતમાં અત્યાર સુધીમાં 68 અલગ અલગ સાંસદ જોવા મળ્યા છે. જેમાં સૌથી વધુ ગ્રેજ્યુએટ સાંસદ ચૂંટાઈ આવ્યા છે. 18 સાંસદોએ ગ્રેજ્યુએશન કર્યુ છે. તો ત્રણ સાંસદોએ પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યુ છે.

જ્યારે 8 ડોક્ટર અને 7 વકીલ પણ સાંસદ ભવન સુધી ચૂંટણી લડીને પહોંચ્યા છે. તો 5 સાંસદો ડિપ્લોમાં અને 1 સાંસદ એન્જિનિયર જોવા મળ્યા છે. તો 12 પાસ સાંસદ 7 અને 10 પાસ સાંસદ 8 જોવા મળ્યા છે. જ્યારે પ્રાથમિક શિક્ષણ જ મેળવ્યુ હોય એવા 2 સાંસદ ચૂંટાયા હતા. આઈટીઆઈ થયેલા 1 સાંસદ પણ ચૂંટાઈ આવ્યા હતા. સરકારી કર્મચારીઓમાંથી વાત કરવામાં આવે તો 1 સાંસદ પહેલા પોલીસ કોન્સ્ટેબલ હતા, તો 2 સાંસદ શિક્ષક રહી ચૂક્યા છે.

Darshan Raval Wedding: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo
Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ

PM અને ગૃહપ્રધાને અમદાવાદથી અભ્યાસ કર્યો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શાળાકીય શિક્ષણ વતન વડનગરમાંથી મેળવ્યુ છે. જ્યારે તેઓએ અનુસ્નાતક સુધીનો અભ્યાસ અમદાવાદની ગુજરાત યુનિવર્સિટીમાંથી કર્યો હતો. તેઓ રાજ્ય શાસ્ત્ર વિષય સાથે અનુસ્નાસ્તક થયા હતા. પીએમ મોદી પોતે સારુ લેખન પણ કરે છે અને તેમના પુસ્તકો પણ પ્રસિદ્ધ થયા છે.

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ અમદાવાદની સીયુ શાહ સાયન્સ કોલેજથી બી.એસસી સુધીનો અભ્યાસ કર્યો હતો. અમિત શાહે બાયોકેમેસ્ટ્રી વિષય સાથે સાયન્સમાં ગ્રેજ્યુએટ થયા હતા. અભ્યાસ બાદ તેઓ પોતાના પિતાના ધંધામાં જોડાયા હતા.

આ બંને નેતા શિક્ષકથી સાંસદ થયા હતા.

આ બે શિક્ષકો ચૂંટાયા હતા લોકસભા સાંસદ

પરશોત્તમ રુપાલા શિક્ષક હતા અને તે રાજ્યસભાના સાંસદ બન્યા હતા. આ સિવાય પણ 2001 બાદ થી ગુજરાતમાંથી બે એવા સાંસદો હતા કે તેઓ રાજકારણમાં આવતા અગાઉ શિક્ષક હતા. જે બંને શિક્ષકો મંત્રીમંડળમાં પણ સ્થાન મેળવવામાં સફળ રહ્યા છે. અમદાવાદ પૂર્વથી ચૂંટાયેલા હરીન પાઠક અમદાવાદની નાલંદા વિદ્યાલયમાં અંગ્રેજી શિક્ષક હતા. તેઓ રાજ્યકક્ષાના કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રહી ચૂક્યા હતા.

જ્યારે 2009માં કોંગ્રેસમાંથી ચૂંટાયેલા સાંસદ કુંવરજી બાવળીયા રાજકારણમાં આવતા પહેલા શિક્ષક તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. તેઓ રાજકોટની જાણીતી શાળા કડવીબાઈ વિરાણી સ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા. રાજકારણમાં જોડાતા તેઓ પ્રથમવાર 1995માં ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. કુંવરજીભાઈ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા હતા અને તેઓ રાજ્યના અન્ન નાગરીક અને પાણી પુરવઠા પ્રધાન પદ સુધી પહોંચ્યા હતા.

શિક્ષિત ઉમેદવારો ચૂંટણી મેદાને

આમ તો ચૂંટણીમાં રાજકારણના આટા પાટા ખેલનારાઓને જલદી તક મળતી હોય છે. રાજકીય પક્ષો પણ આવા આટા પાટા ખેલનારાઓના પર જ દાવ ખેલતી હોય છે અને બેઠક પર પોતાનો ઝંડો લહેરાવતા હોય છે. પરંતુ આ વખતની લોકસભાની ચૂંટણીમાં કેટલીક બાબતો ઉડીને આંખે વળગી રહી છે. જેમાં સૌથી મહત્વની બાબત છે, શિક્ષિત ઉમેદવારો. આ વખતે લોકસભાના ઉમેદવારો તરીકે જે ટિકિટો આપી છે એમાં શિક્ષિત ઉમેદવારો વધારે નજર આવી રહ્યા છે. તો વળી શિક્ષકોનો તો આ વખતે દબદબો જોવા મળી રહ્યો છે.

શિક્ષક કે શિક્ષણ ક્ષેત્રમાં ફરજ બજાવતા જ ચૂંટણીના મેદાનમાં ઉતર્યા હોય એવા ઉમેદવારો પણ ચર્ચામાં રહ્યા છે. માત્ર પુરુષ નહીં મહિલા ઉમેદવારો પણ આ ક્ષેત્રમાંથી સીધી જ રાજકારણના મેદાનમાં ઉતરી છે. આવી બે મહિલાઓ હાલમાં રાજ્ય અને દેશમાં ખૂબ જ ચર્ચામાં છવાઈ છે. બનાસકાંઠાના રેખા ચૌધરી અને સાબરકાંઠાના શોભના બારૈયા સૌથી વધુ ચર્ચામાં રહેનારા ઉમેદવારોની યાદીમાંથી એક છે.

ઉત્તર ગુજરાતમાં શિક્ષિત ઉમેદવારોનો દબદબો

ભાજપ હોય કે કોંગ્રેસ બંને પક્ષો હવે શિક્ષિત ઉમેદવારોને મેદાને ઉતારવા માટે પ્રયાસ કરવા લાગ્યા છે. જોકે કોંગ્રેસને માટે છેલ્લી બે ચૂંટણીથી લોકસભામાં સફળતા નહીં મળતા પ્રજામાં વધુ જાણીતા ચહેરાને ઉતારવાની પ્રાથમિકતા આપી રહ્યું હોય એમ લાગે છે. જોકે આમ છતાં રાજકારણમાં હવે શિક્ષિતો માટે જગ્યા વધુ થઇ રહી છે.

ઉત્તર ગુજરાતની વાત કરવામાં આવે તો, ભાજપે ચારેય બેઠકો પર શિક્ષિત ઉમેદાવારોને મેદાને ઉતાર્યા છે. ચારમાંથી બે મહિલા અને બે પુરુષોને ટિકિટની તક આપવામાં આવી છે. ગુજરાતી શાળા એટલે કે સરકારી પ્રાથમિક શાળાના શિક્ષિકાને પણ ભાજપે ઉમેદવાર તરીકે ઉતાર્યા છે. તો એન્જિનિયરીંગ કોલેજના પ્રોફેસર, ફાઈન આર્ટસ કોલેજના પૂર્વ પ્રિન્સિપાલ અને એક વકીલને ભાજપે ટિકિટ આપી છે. તો કોંગ્રેસ જાહેર કરેલા ત્રણ પૈકી એક ડોક્ટર, એક 12 પાસ અને એક 10 પાસ ઉમેદવાર છે.

શિક્ષણ ક્ષેત્રમાંથી ત્રણ ઉમેદવાર

ગુજરાતના રાજકારણમાં વર્તમાન સમયમાં ઉત્તર ગુજરાત મહત્વનો વિસ્તાર છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉત્તર ગુજરાત વિસ્તારના એટલે કે મહેસાણા જિલ્લાના વડનગરના છે. દિગ્ગજ નેતા અમિત શાહનું વતન પણ માણસા છે. ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ પણ મહેસાણાના છે. જ્યારે ખૂબ ચર્ચામાં રહેલ લક્ષદ્વીપના પ્રશાસક સાબરકાંઠાના હિંમતનગરના છે. આમ ઉત્તર ગુજરાત પર સૌની નજર હોય એ સ્વાભાવિક છે.

શિક્ષિત ઉમેદવારનો દબદબો

ઉત્તર ગુજરાતની ચાર બેઠકો પૈકી બનાસકાંઠા, મહેસાણા અને સાબરકાંઠામાં ભાજપે શિક્ષણ ક્ષેત્રમાંથી આવતા ઉમેદવારોને મેદાને ઉતાર્યા છે. જેમાં મહેસાણાથી રેખાબેન ચૌધરી, મહેસાણાથી હરીભાઇ પટેલ અને સાબરકાંઠાથી શોભનાબેન બારૈયાને ટિકિટ આપી છે.

રેખા ચૌધરી, પ્રોફેસર

બનાસકાંઠા બેઠકના ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરી સરકારી ઈજનેરી કોલેજમાં પ્રોફેસર તરીકે 20 વર્ષથી ફરજ બજાવતા હતા. તેઓને ઉમેદવાર તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. ટિકિટ જાહેર કરવાના પ્રથમ તબક્કામાં રેખાબેનનું નામ જાહેર થતા જ સૌને માટે આશ્ચર્ય હોવા સાથે શિક્ષિત મહિલા ઉમેદવાર હોવાનો માહોલ સર્જાયો હતો.

હરીભાઈ ચૌધરી, પ્રિન્સિપાલ

મહેસાણા લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર હરીભાઈ ચૌધરી ફાઈન આર્ટ્સ કોલેજના પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. નિવૃત્તિ બાદ તેઓ સંપૂર્ણ રીતે રાજકારણમાં સક્રિય છે. તેઓ જિલ્લા અને તાલુકા પંચાયતમાં ચૂંટણી લડી ચૂક્યા છે. મહેસાણા જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ રહી ચૂક્યા છે. આમ ભાજપે મહેસાણામાં પણ શિક્ષણ ક્ષેત્રમાંથી આવતા ઉમેદવારને પસંદ કર્યો છે.

શોભનાબહેન બારૈયા, શિક્ષક

સાબરકાંઠા લોકસભા બેઠકના ઉમેદવાર તરીકે સામે આવેલ નામ સૌથી ચોંકાવનારુ હતુ. કારણ કે ગુજરાતી શાળાના એટલે કે સરકારી પ્રાથમિક શાળાના શિક્ષિકાને મેદાને ઉતારવામાં આવ્યા છે. પ્રાંતિજ તાલુકાની બાલીસણા પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શોભનાબહેન બારૈયાને ભાજપે ટિકિટ આપીને વધુ એક શિક્ષિત મહિલાને ચુંટણી લડાવવા માટે પસંદ કરી છે.

શોભનાબહેન 31 વર્ષથી શિક્ષિકા હતા અને તેઓએ રાજીનામું ધરીને ઉમેદવાર બન્યા છે. આવુ ઇતિહાસમાં પ્રથમવાર થયુ છે કે, સરકારી પ્રાથમિક શાળાના શિક્ષિકાને સાંસદની ટિકિટ મળી હોય. જેને લઈ રાજ્યની સરકારી શાળાના લાખો શિક્ષકોને માટે ગર્વ સમાન માહોલ સર્જાયો છે. શિક્ષણ પ્રધાન પણ આ અંગે નિવેદન કરી ચૂક્યા છે.

 

 

આ દિગ્ગજો હતા શિક્ષણ ક્ષેત્રમાં

ગુજરાતના રાજકારણમાં શિક્ષક અને શિક્ષણ ક્ષેત્રમાંથી આવીને ચૂંટણી લડનારાઓએ પોતાની રાજકીય કારકિર્દી ખૂબ જ ઉચ્ચ બનાવી હોય એવા અનેક નેતાઓ છે. જેમાં આનંદીબેન પટેલ, કેન્દ્રીય પ્રધાન પરશોત્તમ રુપાલા સહિત અનેક નેતાઓના નામ સામેલ છે.

આનંદીબેન પટેલઃ ગણિત અને વિજ્ઞાન વિષયના શિક્ષક તરીકે અમદાવાદની શાળામાં શિક્ષિકા હતા. દિગ્ગજ મહિલા રાજકીય નેતા 1994થી 1998 સુધી રાજ્યસભાના સાંસદ સભ્ય તરીકે ચૂંટાયા હતા. 1998 માં પ્રથમવાર ધારાસભ્ય તરીકે માંડલ બેઠક પરથી ચૂંટાઈ આવ્યા હતા. 2002 થી 2012 સુધી પાટણ બેઠકના ધારાસભ્ય ચૂંટાયા હતા. જ્યારે 2012માં ઘાટલોડીયા બેઠક પરથી ચૂંટાયા હતા. શિક્ષણ અને મહેસૂલ પ્રધાનથી લઈ રાજ્યના મુખ્યપ્રધાન પદને સંભાળી ચૂક્યા છે. રાજ્યના 15માં મુખ્યપ્રધાન તરીકે વર્ષ 2014માં શપથ લીધા હતા. 2018 થી તેઓ રાજ્યપાલ પદ પર છે. આનંદીબેન પટેલ હાલમાં ઉત્તર પ્રદેશના રાજ્યપાલ છે, જે પહેલા તેઓ મધ્યપ્રદેશના રાજ્યપાલ હતા.

રુપાલા હતા શાળામાં પ્રિન્સિપાલ

પરશોત્તમ રુપાલાઃ અમરેલીના બગસરામાં આવેલ હમાપુર હાઇસ્કૂલના પ્રિન્સિપાલ તરીકે 1977માં જોડાયા હતા. ત્યાર બાદ તેઓ 1983 થી 1987 સુધી અમરેલી નગર પાલિકાના મુખ્ય અધિકારી રહ્યા હતા. બાદમાં ફરથી શિક્ષકની ફરજ પર જોડાયા હતા. મ્યુનિસિપલ ગર્લ્સ હાઇસ્કૂલના પ્રિન્સિપાલ તરીકે 1987 થી 1988 સુધી રહ્યા હતા. રુપાલા પ્રથમવાર 1991 માં ધારાસભ્ય પદે અમરેલી બેઠક પરથી ચૂંટાઈ આવ્યા હતા. 1995-97 ફરીથી ધારાસભ્ય ચૂંટાયા હતા અને 1998 થી 2002 માં ત્રીજીવાર ધારાસભ્ય બન્યા હતા. 1995 માં પાણીપુરવઠા પ્રધાન, અને 2001 માં કૃષિ અને સહકાર પ્રધાન બન્યા હતા. 2006થી 2010 સુધી ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ રહ્યા હતા. રુપાલા 2008માં પ્રથમવાર, 2016માં બીજી અને 2018માં ત્રીજીવાર રાજ્યસભાના સાંસદ ચૂંટાયા હતા. 2016 થી 2021 સુધી રાજ્ય કક્ષાના કેન્દ્રીય પ્રધાન અને 2021 થી કેન્દ્રીય કેબિનેટ પ્રધાન પદ પર રહ્યા છે. ગુજરાતના મહત્વના નેતા તરીકે રુપાલાને જોવામાં આવે છે.

કુબેર ડિંડોરઃ સાબરકાંઠાના તલોદની આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવનાર કુબેર ડિંડોર હાલમાં ગુજરાતના કેબિનેટ શિક્ષણ પ્રધાન છે. કુબેર ડિંડોર 2017માં મહિસાગર જિલ્લાની સંતરામપુર બેઠક પરથી ચુંટણી જીત્યા હતા. 2021માં તેઓ રાજ્યકક્ષાના પ્રધાન તરીકે ગુજરાતના મંત્રીમંડળમાં સ્થાન પામ્યા હતા. 2022માં તેમને કેબિનેટ શિક્ષણ પ્રધાન પદની જવાબદારી ભૂપેન્દ્ર પટેલની સરકારમાં મળી હતી.

જયસિંહ ચૌહાણઃ સાબરકાંઠાના પ્રાંતિજ તાલુકામાં કરોલની શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા. તત્કાલીન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારના મંત્રીમંડળમાં વર્ષ 2007 થી 2012 સુધી તેઓ રાજ્ય કક્ષાના શિક્ષણ પ્રધાન તરીકે સ્થાન પામ્યા હતા. જયસિંહ ચૌહાણ વર્ષ 1996માં કપડવંજ બેઠક પરથી સાંસદ તરીકે ચૂંટાયા હતા. જ્યારે વર્ષ 1998માં બીજીવાર સાંસદ તરીકે ચૂંટાયા હતા. ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ ઉપાધ્યક્ષ તરીકે રહ્યા હતા અને હાલમાં લોકસભાની ચૂંટણીમાં પ્રદેશ ભાજપમાં મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે.

શિક્ષિત જન પ્રતિનિધિઓથી થશે ફાયદો

સામાન્ય રીતે જનપ્રતિનિધિ પ્રજા વચ્ચેથી સરકારમાં પહોંચતા હોય છે. તેઓ પ્રજાની વર્તમાન સ્થિતિ અને અપેક્ષાઓથી વાકેફ હોય છે. જેને તેઓ પોતાની સૂઝબૂઝ સાથે સરકારમાં રજૂ કરીને સમસ્યાઓના સમાધાન નિકાળતા હોય છે. વિકાસની ગતિને ઝડપી બનાવવા માટે પ્રયાસ કરતા હોય છે. પ્રાથમિક સુવિધાઓને વધુ શ્રેષ્ઠ કરવા પ્રયાસ કરતા હોય છે.

આમ, જો શિક્ષિત જનપ્રતિનિધિત્વ હોવું એ જેતે વિસ્તારને માટે મહત્વનું પાસુ બનતુ હોય છે. તેઓ યોગ્ય અભ્યાસ સાથે પોતાની વાતને સરકારમાં રજૂ કરી શકતા હોય છે. શિક્ષિત હોવાને લઈ અધિકારીઓ અને પદાધિકારીઓ વચ્ચે યોગ્ય માહોલ રચી શકે છે. ટેક્નોલોજીનો સારો ઉપયોગ પણ કરી શકે છે. આમ સ્થાનિય અને સરકારમાં યોગ્ય માહોલ રચવામાં ખૂબ જ મહત્વનો ભાગ શિક્ષિત પ્રતિનિધિ ભજવી શકે છે.

 

Published On - 4:34 pm, Sat, 13 April 24

Next Article