Jamnagar: તંત્રની બેદરકારીના પાપે મોરકંડા ગામમાં નવી બનેલી આંગણવાડી બની ખંડેર, 9 વર્ષથી લાગેલુ છે અલીગઢી તાળુ઼
Jamnagar: જામનગરના મોરકંડા ગામમાં વર્ષો પહેલા નવી આંગણવાડી તો બની પરંતુ તેનુ તાળુ ક્યારેય ભૂલકાઓ માટે ખોલાયુ જ નહી. ગામ લોકોએ નવી આંગણવાડી માટે તંત્રને અનેક મૌખિક અને લેખિતમાં રજૂઆતો કરી પરંતુ તંત્ર દ્વારા તેના તરફ કોઈ ધ્યાન જ આપવામાં ન આવ્યુ. નવી બનેલ આંગણવાડીને ઈમારત છેલ્લા 9 વર્ષથી અલીગાઢી તાળુ લાગેલુ છે. જે ભૂલકાઓ માટે તેને બનાવવામાં આવી હતી એ ભૂલકાઓ માટે તેને ક્યારેય ખોલવામાં ન જ આવી.
Jamnagar: ખંડર બતા રહા હે કિ ઈમારત કિતની બુલંદ થી.. આવો જ કંઈક ઘાટ જામનગરના મોરકંડા ગામમાં 9 વર્ષ પહેલા નવી નકોર બનેલી આંગણવાડીનો થયો છે. વર્ષ 2014માં 5 લાખના ખર્ચે ભૂલકાઓ માટે નંદઘર બનાવવામાં આવ્યુ. પરંતુ તંત્ર તેને ખુલ્લી મુકવાનુ જ જાણે ભૂલી ગયુ. આંગણવાડીનું નામ પડે એટલે સહુની નજરમાં હસતાં-રમતા નાના ભૂલકાઓ નજરે પડે. જે રંગબેરંગી રમકડાથી રમી રહ્યા હોય, એકસૂરમાં મોટા અવાજે કવિતાઓે ગાઈ રહ્યા હોય પરંતુ મોરકંડા ગામે એક આંગણવાડી બની જે માત્ર નામથી જ આંગણવાડી રહી ગઈ.
9 વર્ષ પહેલા બનેલી આંગણવાડી બની ખંડેર
બાળકો માટે આ આંગણવાડીનું તાળુ ક્યારેય ખુલ્યુ જ નહીં. આ બાળકોની બદનસીબી કહો કે તંત્રની બેદરકારી. 5 લાખના ખર્ચે બનેલી આંગણવાડી તંત્ર દ્વારા છેલ્લા 9 વર્ષથી ખુલ્લી મુકવામાં ન આવતા આજે ખંડેર બની ગઈ છે. દરવાજા અને દીવાલો પર વેલ ઉગી છે. ખંઢેર હાલતમાં પડેલી આ બિલ્ડીંગ જામનગરના મોરકંડા ગામની આંગણવાડી માટે બની હતી. પરંતુ આંગણવાડીના ભુલકાઓ માટે આ દરવાજા કયારેય ખુલ્યા નહી.
ગામલોકો દ્વારા અનેક વખત રજૂઆતો કરાઈ પરંતુ તંત્ર દ્વારા આંગણવાડી શરૂ જ ન કરાઈ
નાના ભુલકાને આંગણવાડીમાં રમતા-રમતા શિક્ષણ મળી શકે તે માટે સરકાર દ્રારા કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે. પરંતુ સ્થાનિક તંત્રની બેદરકારીના કારણે ખર્ચ તો થાય છે. પરંતુ આંગણવાડીને સવલતો મળી શકતી નથી. મોરકંડા ગામમાં આંગણવાડી નંબર 4 માટે નવું બિલ્ડીંગ બનાવવામાં આવ્યુ. પરંતુ આ બિલ્ડીંગનો કયારેય ઉપયોગ થયો જ નહી. વર્ષોથી અન્ય વિસ્તારમાં આંગણવાડી ચાલે છે. જયા જવા માટે મુખ્ય હાઈવે પાર કરીને બાળકોને મુકવા માટે જવુ પડે છે. જે જોખમી હોય છે. જેથી આ વિસ્તારના લોકોએ અનેક વખત લેખીત -મૌખીક રજુઆત તંત્રને કરી છે. પરંતુ 9 વર્ષ પહેલા બનેલી આંગણવાડી ચાલુ કરવાની દાનત પણ દેખાતી નથી.
ફરી આંગણવાડી શરૂ કરવા માટે 1થી2 લાખનો ખર્ચ થશે
આંગણવાડી નવી હોવા છતા ગામમાં મકાનમાં ભાડા પર ચાલે છે. આંગણવાડીમાં હાલ 31 જેટલા બાળકો નિયમિત આવે છે. નવી બિલ્ડીંગ બની છે. ખંઢેર બની સુધી ત્યાં આંગણવાડી શરૂ કરવામાં આવી નથી. હાલ આ આંગણવાડીને ફરી શરૂ કરવા માટે 1 થી 2 લાખનો ખર્ચ થશે. હવે 9 વર્ષ બાદ ખંડેર બનેલી આંગણવાડીનું રીપેરીંગ થશે. ત્યારબાદ આંગણવાડી શરૂ થશે. હાલ તો સ્થાનિક તંત્ર દ્વારા તેને ફરી રિપેર કરવાની તૈયારી તો બતાવી છે પરંતુ ક્યારે રિપેર થશે અને એ બાદ ક્યારે કાર્યરત થશે તેના પર હજુ તંત્ર મગનુ નામ મરી પાડવા તૈયાર નથી.
જામનગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો