4 જૂનના મોટા સમાચાર: ઓડિશા ટ્રેન દુર્ઘટના પર સંયુક્ત રાષ્ટ્રે શોક વ્યક્ત કર્યો

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 04, 2023 | 11:52 PM

આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

4 જૂનના મોટા સમાચાર: ઓડિશા ટ્રેન દુર્ઘટના પર સંયુક્ત રાષ્ટ્રે શોક વ્યક્ત કર્યો
દિવસભરના મોટા અને મહત્વના સમાચાર

આજે 4 જુન અને રવિવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. સાથે જ આજે રથયાત્રા પૂર્વે જળયાત્રા યોજાશે. જાણો વરસાદ અને હવામાનનો હાલ. સાથે જ વાંચો ઓડીશામાં થયેલા ભીષણ ટ્રેન અકસ્માતની તમામ અપડેટસ તેમજ આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 04 Jun 2023 11:51 PM (IST)

    Amreli: ધારી અને ચલાલામાં કરા સાથે ધોધમાર વરસાદ, અસહ્ય ગરમી વચ્ચે લોકોને મળી ઠંડક

    અમરેલી જિલ્લાના વાતાવરણમાં પણ પલટો જોવા મળ્યો. ધારી અને ચલાલામાં કરા સાથે વરસાદ વરસ્યો હતો. ધારીના નાગધ્રા, જર, મોરજર સહિતના ગ્રામ્ય પંથકમાં વરસાદ પડ્યો હતો. અસહ્ય બફારા અને ગરમી વચ્ચે લોકોએ ઠંડકની અનુભૂતિ કરી હતી. અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની પણ સમસ્યા સામે આવી. તો કમોસમી વરસાદને કારણે ખેતીના પાકને પણ નુકસાનની ભીતિ ખેડૂતો સેવી રહ્યા છે.

    ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદન તૂટી પડ્યો હતો. ગરમી વચ્ચે વરસાદનું આગમન થતા લોકોએ વરસાદમાં ન્હાવાની પણ મજા માણી, તો કરા સાથે વરસાદ પડતા બાળકો નાના વાસણોમાં કરા લેવા દોડતા પણ જોવા મળ્યા હતા. જો કે માવઠાની સ્થિતિને કારમે જગતનો તાત ચિંતિત બન્યો છે અને ઉનાળુ પાકને નુકસાનની ચિંતા સતાવી રહી છે.

  • 04 Jun 2023 11:17 PM (IST)

    Vadodara: પાદરાના સાઘી ગામમાં વહેલી સવારે આવેલા વાવાઝોડાથી ભારે નુકસાન, પવનને કારણે ક્વાર્ટર્સ ધરાશાયી

    Vadodara: પાદરાના સાઘી ગામમાં વહેલી સવારે આવેલા વાવાઝોડાથી ભારે નુકસાન થયું છે. જેથી બંધુ સમાજ હાઇસ્કુલમાં રહેતા સાત શિક્ષક પરિવારોનું સ્થળાંતર કરવાની ફરજ પડી હતી. વહેલી સવારે આવેલા વાવાઝોડાના કારણે સ્કૂલના સાત જેટલા ક્વોટર્સને ભારે નુકસાન પહોંચ્યું હતું. ભારે પવનને કારણે વૃક્ષો પણ ધરાશાયી થયા હતા. જેથી વૃક્ષો નીચે પાર્ક કરેલા કાર અને વાહનોને પણ નુકસાન પહોંચ્યું છે. જો કે ઘટના બન્યા બાદ ગ્રામજનો મદદે દોડી આવ્યા હતા અને ક્વાટરમાં રહેતા શિક્ષકોને સુરક્ષિત સ્થાને ખસેડ્યા હતા.

  • 04 Jun 2023 10:48 PM (IST)

    સગીર મહિલા રેસલરે બ્રિજભૂષણ સામેની ફરિયાદ પાછી ખેંચી - સૂત્રો

    સૂત્રોના જણાવ્યા અનુસાર, સગીર મહિલા કુસ્તીબાજએ પટિયાલા હાઉસ કોર્ટમાં બ્રિજભૂષણ શરણ સિંહ વિરુદ્ધની તેની ફરિયાદ પાછી ખેંચી લીધી છે. આ ફરિયાદ 2 જૂને પાછી ખેંચી લેવામાં આવી છે. પોતાને સગીર ગણાવનારી મહિલા રેસલર પોતાના નિવેદનથી ફરી ગઈ છે. દિલ્હી પોલીસે પટિયાલા હાઉસ કોર્ટમાં કુસ્તીબાજનું નિવેદન નોંધ્યું છે. સગીરે બ્રિજભૂષણ શરણ સિંહ સામેના આરોપો પાછા ખેંચી લીધા છે.

  • 04 Jun 2023 10:20 PM (IST)

    છોટા ઉદેપુરમાં વાવાઝોડાથી કેળ, કેરી અને કપાસના પાકને વ્યાપક નુકસાન, અનેક છોડ થયા જમીનદોસ્ત

    Chhotaudepur: છોટાઉદેપુરમાં આજે વહેલી સવારથી વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો અને અચાનક વાવાઝોડુ આવી જતા ઠેર ઠેર નુકસાનીના દૃશ્યો જેવા મળ્યા. વરસાદ અને વાવાઝોડાથી કેળ, કેરી અને કપાસના પાકને મોટો ફટકો પડ્યો છે. કેળના છોડ જમીનદોસ્ત થઈ જતા ખેડૂતો ચિંતિત બન્યા છે. મોટાભાગના ખેડૂતોએ પાક ધિરાણ લઈને વાવેતર કર્યું છે. ત્યારે પાક જ ન બચતા હવે ખેડૂતો લોન કેવી રીતે ભરે તે મોટો સવાલ છે. તારાજ થઈ ગયેલા ખેડૂતો રાજ્ય સરકાર પાસે સહાયની માગ કરી છે. રાજ્ય સરકાર ઝડપથી સરવે કરાવીને સહાય ચુકવે તો ખેડૂતોની ચિંતા હળવી થાય.

  • 04 Jun 2023 09:46 PM (IST)

    Junagadh: ઈવનગરમાં શિકાર કરવા ગયેલી સિંહણને વાછરડાએ ભગાડી

    Junagadh: ઝૂકે છે દુનિયા ઝૂકાવનાર જોઈએ આ વાત તો તમે સાંભળી હશે, પરંતુ આ વાત અહીં સાબિત થાય છે. તમે જાણો છો સિંહને જંગલનો રાજા કહેવાય છે. સિંહ ભલે એકલો હોય પણ તેનાથી જંગલના બધા જ પ્રાણીઓ ડરતા હોય છે. પરંતુ જૂનાગઢમાં વિપરિત પરિસ્થિતિ જોવા મળી. એક વાછરડાએ સિંહણને ભગાડી. સિંહણ શિકાર કરવા જઈ રહી હતી, પરંતુ વાછરડાએ માથુ વીંઝતા સિંહણ દૂર ભાગી ગઈ. સિંહણે બે વખત શિકાર કરવાનો પ્રયત્ન કર્યો. પરંતુ બંને વખત તે નિષ્ફળ ગઈ. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

  • 04 Jun 2023 09:16 PM (IST)

    મણિપુરના કેટલાક જિલ્લાઓમાં કર્ફ્યુમાં રાહત આપવામાં આવી

    મણિપુર સરકારના સુરક્ષા સલાહકાર કુલદીપ સિંહે જણાવ્યું છે કે ઘણા જિલ્લાઓમાં 10 કલાક અને 7 કલાક માટે કર્ફ્યુમાં રાહત આપવામાં આવી છે. છેલ્લા 24 કલાક દરમિયાન વધુ 23 હથિયારો મળી આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 789 હથિયારો અને 10648 દારૂગોળો મળી આવ્યો છે.

  • 04 Jun 2023 08:34 PM (IST)

    Bhavnagar: BMCએ દબાણ હટાવવા નોટિસ મળતા લોકોમાં રોષ, કોર્ટ પાસે સમય આપવા કરી માગ

    Bhavnagar: શહેરમાં ગેરકાયદે દબાણો પર કોર્પોરેશનનું બુલડોઝર ફરી રહ્યું છે. ત્યારે 14 માળા વિસ્તારમાં કોર્પોરેશનના છ પ્લોટમાં 145 ગેરકાયદે બાંધકામોને હટાવવા નોટિસો અપાતા વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. ગેરકાયદે દબાણ દૂર કરવાની નોટિસ મળતા રોષે ભરાયેલા સ્થાનિકોએ વિરોધ કરતા વિવાદ થયો હતો અને 145 મકાનધારકોએ કોર્ટમાં સમય આપવા અરજી કરી છે.

    જેથી કોર્ટે 15 દિવસની અંદર સ્થાનિકોને માલિકી હકના દસ્તાવેજો રજૂ કરવા આદેશ કર્યો છે. જો મકાન ધારકો માલિકી હક્કના દસ્તાવેજો રજૂ નહીં કરી શકે તો કોર્પોરેશન આવનારા દિવસોમાં કોર્ટની સૂચના પ્રમાણે ડીમોલિશન ઝુંબેશ ચલાવશે.

  • 04 Jun 2023 08:08 PM (IST)

    બિહારના ભાગલપુરમાં ગંગા નદી પર બનેલો પુલ તૂટી પડ્યો, 1700 કરોડના ખર્ચે તૈયાર થઈ રહ્યો હતો,

    Bhagalpur : બિહાર રાજ્યમાંથી એક ચોંકવાનારા સમાચારા સામે આવ્યા છે. બિહારના ભાગલપુર જિલ્લામાં આજે રવિવારે સાંજે એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. ભાગલપુરમાં નિર્માણાધીન બ્રિજ ગંગા નદીમાં ધરાશાઈ થયો છે. આ નિર્માણાધીન બ્રિજ ખગડિયાના અગુવાની-સુલ્તાનગંજ વચ્ચે બની રહ્યો હતો. આ બ્રિજનો 200 મીટરનો ભાગ ગંગા નદીમાં પડ્યો છે. મળતી માહિતી અનુસાર કે આ ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાનિ થઈ નથી.

  • 04 Jun 2023 08:01 PM (IST)

    Gujarat News Live: મણિપુર હિંસાની તપાસ માટે 3 સભ્યોના તપાસ પંચની રચના

    ગૃહ મંત્રાલયે મણિપુર હિંસાની તપાસ માટે ત્રણ સભ્યોના તપાસ પંચની રચના કરી છે. આ પંચનું નેતૃત્વ ગૌહાટી હાઈકોર્ટના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ અજય લાંબા કરશે. અન્ય બે સભ્યોમાં હિમાંશુ શેખર દાસ, નિવૃત્ત IAS અધિકારી અને આલોક પ્રભાકર, નિવૃત્ત IPS છે.

  • 04 Jun 2023 07:06 PM (IST)

    Gujarat News Live: ઓડિશા ટ્રેન દુર્ઘટના પર સંયુક્ત રાષ્ટ્રે શોક વ્યક્ત કર્યો

    સંયુક્ત રાષ્ટ્રના વડા એન્ટોનિયો ગુટેરેસે, ઓડિશા ટ્રેન દુર્ઘટનામાં જીવ ગુમાવનારા લોકો પ્રત્યે શોક વ્યક્ત કર્યો છે. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 275 લોકોના મોત થયા છે.

  • 04 Jun 2023 06:46 PM (IST)

    Gujarat News Live: બાલાસોર ટ્રેન અકસ્માતની તપાસ CBI કરશે, રેલવે મંત્રીએ કરી જાહેરાત

    ઓડિશાના બાલાસોરમાં ટ્રેન અકસ્માતની તપાસ CBI કરશે. રેલવે મંત્રી અશ્વની વૈષ્ણવે આની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે રેલવે ટ્રેકનું કામ થઈ ગયું છે. હવે ઓવરહેડ વાયરનું કામ ચાલી રહ્યું છે. આ અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. સાથે જ ઘાયલોની સારવાર અલગ-અલગ હોસ્પિટલમાં ચાલી રહી છે. રેલવે બોર્ડે વધુ તપાસ માટે સમગ્ર મામલો સીબીઆઈને સોંપવાનો નિર્ણય કર્યો છે.

  • 04 Jun 2023 06:15 PM (IST)

    Gujarat News Live: PMએ તાત્કાલિક રેલવે પ્રધાનનું રાજીનામું લેવું જોઈએ: રાહુલ ગાંધી

    ઓડિશામાં ટ્રેન દુર્ઘટના પર શોક વ્યક્ત કરતા રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર પ્રહારો કર્યા છે અને કહ્યું છે કે આ અકસ્માતમાં 270 થી વધુ લોકોના મોત થયા છે. વડા પ્રધાને તાત્કાલિક રેલવે પ્રધાનનું રાજીનામું લઈ લેવું જોઈએ.

  • 04 Jun 2023 05:17 PM (IST)

    Gujarat News Live: જામનગર જિલ્લામાં બોરવેલમાં પડી જતાં બે વર્ષની બાળકીનું મોત

    જામનગર: ગુજરાતના જામનગર જિલ્લામાં શનિવારે બોરવેલમાં પડી જતાં 20 ફૂટ ઊંડે ફસાઈ ગયેલી બે વર્ષની બાળકીને વિવિધ બચાવ એજન્સીઓ દ્વારા 19 કલાક સુધી ચાલેલ રેસ્ક્યુ ઓપરેશનમાં બચાવી શકાઈ નથી. પીટીઆઈના અહેવાલ અનુસાર બોરવેલમાં પડી ગયેલ બાળકીનો, આજે મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો.

  • 04 Jun 2023 04:53 PM (IST)

    Gujarat News Live: મનસુખ માંડવીયાએ વૈષ્ણવ અને ધર્મેન્દ્ર પ્રધાન સાથે યોજી બેઠક

    ઓડિશામાં, કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ, બાલાસોર ટ્રેન દુર્ઘટના અંગે ચર્ચા કરવા માટે કેન્દ્રીય રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવ અને કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાન સાથે બેઠક યોજી છે. આ બેઠકમાં ટ્રેન અકસ્માતમાં ઈજા પામેલા 1000થી વધુ લોકોને અપાઈ રહેલી સારવાર અંગે ચર્ચા કરી હોવાનું જાણવા મળ્યું છે.

  • 04 Jun 2023 04:50 PM (IST)

    Gujarat News Live: રેલવે મંત્રીએ નૈતિકતાના ધોરણે રાજીનામું આપવું જોઈએ: પ્રિયંકા

    કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાએ બાલાસોલ ટ્રેન દુર્ઘટનાને લઈને કેન્દ્ર પર પ્રહાર કરતા કહ્યું કે બાલાસોરમાં ટ્રેન દુર્ઘટનાને 24 કલાકથી વધુ સમય વીતી ગયો છે. શું ટોચના હોદ્દા પર રહેલા લોકોની જવાબદારી નૈતિકતાના આધારે નક્કી ના થવી જોઈએ? શું રેલવે મંત્રીએ લાલ બહાદુર શાસ્ત્રીની જેમ નૈતિકતાના ધોરણે રાજીનામું ન આપવું જોઈએ?

  • 04 Jun 2023 04:48 PM (IST)

    Gujarat News Live: આંધ્રના સીએમ મૃતકોના પરિજનોને 10-10 લાખ રૂપિયા આપશે

    આંધ્રપ્રદેશના સીએમઓએ જણાવ્યું છે કે, મુખ્યમંત્રી વાયએસ જગન મોહન રેડ્ડીએ, આંઘ્રપ્રદેશના મૃતકોના દરેક પરિવારને 10 લાખ રૂપિયા, ગંભીર રીતે ઘાયલ થયેલા પ્રત્યેકને 5 લાખ રૂપિયા અને નજીવા ઈજાગ્રસ્તોને 1 લાખ રૂપિયા આપવાની સૂચના આપી છે.

  • 04 Jun 2023 03:35 PM (IST)

    Gujarat News Live: વાઘોડિયાના કુમેથા ગામે વીજળી પડવાથી આધેડનું મોત

    આજે મધ્ય ગુજરાતમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસેલા વરસાદમાં વીજળી પડવાથી એક આધેડનું મોત થયું છે. પ્રાથમિક માહિતી પ્રમાણે મોરલી પૂરા ગામ પાસે નર્મદા કેનાલ પાસે પસાર થતા હતા તે દરમિયાન વીજળી પડતાં આધેડનું મોત થયું છે.

  • 04 Jun 2023 01:43 PM (IST)

    Gujarat News Live: કોરોમંડલને લીલી ઝંડી મળી ગઈ હતી, ઓવર સ્પીડનો કોઈ કેસ નથી - રેલવે બોર્ડ

    બાલાસોર અકસ્માત અંગે રેલવે બોર્ડ વતી જયા વર્મા સિન્હાએ કહ્યું કે બંને ટ્રેનોને લીલી ઝંડી આપવામાં આવી હતી. બંને માલગાડીઓ લૂપ લાઈનમાં ઊભી હતી. ઊભેલી માલગાડીમાં લોખંડ ભરેલું હતું. ઓવર સ્પીડનો કોઈ કેસ નહોતો. તેમણે કહ્યું કે કોરોમંડલ એક્સપ્રેસ લૂપ લાઇન પર ઉભી રહેલી માલગાડી સાથે અથડાઈ હતી.

  • 04 Jun 2023 01:05 PM (IST)

    Gujarat News Live: રેલ સેફ્ટી ફંડમાં 79% ભંડોળ કેમ ઓછું કરવામાં આવ્યું? ખડગેએ કેન્દ્રને પૂછ્યા 7 સવાલ

    કેન્દ્ર પર પ્રહાર કરતા કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ 7 પ્રશ્નો પૂછ્યા છે. તેમણે કેન્દ્રને પૂછ્યું કે કેમ કેગ અનુસાર, નેશનલ રેલ સેફ્ટી ફંડમાં 79% ભંડોળનું કામ કરવામાં આવ્યું હતું, શા માટે ટ્રેકના નવીનીકરણના કામની રકમમાં ભારે ઘટાડો કરવામાં આવ્યો હતો.

  • 04 Jun 2023 12:41 PM (IST)

    Gujarat News Live: શું રેલ મંત્રી અશ્વિન વૈષ્ણવ રાજીનામું આપશે? કોંગ્રેસ નેતા પવન બંસલ

    પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસના નેતા પવન બંસલે કહ્યું કે, બાલાસોર ટ્રેન દુર્ઘટનાની નૈતિક જવાબદારી લેતા રેલ મંત્રી અશ્વિન વૈષ્ણવ રાજીનામું આપશે? આ ઉપરાંત કેગ, સંસદની સ્થાયી સમિતિના અહેવાલ પર સરકારને પ્રશ્નો પૂછવામાં આવશે.

  • 04 Jun 2023 12:05 PM (IST)

    Jalyatra 2023 : ભગવાન જગન્નાથને જ્યેષ્ઠાભિષેક કરાયો, જય રણછોડ માખણ ચોરનો નાદ ગુંજી ઉઠયો

    અમદાવાદમાં યોજાનારી 146મી રથયાત્રા પૂર્વે રવિવારે જળયાત્રા યોજાઇ હતી. જળયાત્રા બાદ સાબરમતી નદીના જળથી ભગવાન જગન્નાથનો જળા ભિષેક કરવામાં આવી રહ્યો છે. તેમજ તેની બાદ ભગવાનના ગજવેશ આજે દર્શન થશે. જેની બાદ આજે ભગવાન મોસાળ જશે.

  • 04 Jun 2023 11:37 AM (IST)

    Jalyatra 2023: જગન્નાથજીની જળયાત્રા પૂર્ણ, ભગવાનને જ્યેષ્ઠાભિષેક કરાયો

    જગન્નાથજીની જળયાત્રા પૂર્ણ થઈ ગય છે અને ભગવાન જગન્નાથજીને જ્યેષ્ઠાભિષેક કરાયો.

  • 04 Jun 2023 11:06 AM (IST)

    Jalyatra 2023: જય રણછોડ માખણ ચોરના નાદ સાથે જળયાત્રા

    જળયાત્રા જગન્નાથ મંદિરથી શોભાયાત્રા રૂપે શરૂ થઈ છે. ઢોલ-નગારા, ધજા પતાકા, બળદગાડા, બેન્ડ બાજા સાથે જળયાત્રા યોજાઈ છે. 108 કળશ સાથે મોટી સંખ્યામાં ભક્તો જળયાત્રામાં જોડાયા છે.

  • 04 Jun 2023 10:28 AM (IST)

    Jalyatra 2023: જગન્નાથ મંદિરમાં જળયાત્રા પૂર્વે મંદિરમાં ભક્તિમય માહોલ, ભક્તોની ભીડ ઉમટી

    અમદાવાદમાં(Ahmedabad)  જળયાત્રા (Jal Yatra) પૂર્વે જગન્નાથ મંદિરમાં ભક્તિમય વાતાવરણ જોવા મળી રહ્યો છે. જેમાં મોટી સંખ્યામાં ભક્તો મંદિરે પહોંચ્યા છે.અમદાવાદમાં યોજાનારી 146મી રથયાત્રા  પૂર્વે રવિવારે જળયાત્રા  યોજાશે. ત્યારે જળયાત્રાને લઇને મંદિરમાં સવારથી જ તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. રથયાત્રા પૂર્વે યોજાતી જળયાત્રાનું અનોખુ મહત્વ હોય છે. આજે  યોજાનારી જળયાત્રામાં મુખ્ય અતિથિ તરીકે શિવાનંદ આશ્રમના સ્વામી પરમાત્માનંદ સરસ્વતી મહારાજ હાજર રહેવાના છે.

  • 04 Jun 2023 09:34 AM (IST)

    Jalyatra 2023: આજે જગન્નાથજીની જળયાત્રા, જુઓ કેવી છે તૈયારી

    આજે જગન્નાથજીની જળયાત્રા, જુઓ તૈયારી કેવી છે.

  • 04 Jun 2023 09:01 AM (IST)

    Jalyatra 2023: જ્યેષ્ઠાભિષેક બાદ જગન્નાથજી અને બળભદ્રજીને ગજવેશ ધારણ કરાવાય છે

    ભક્તવત્સલ જગન્નાથ ભક્તોને તેમના ભાવ અનુસાર દર્શન દે છે. જેનું શ્રેષ્ઠ ઉદાહરણ એટલે પ્રભુનો ગજવેશ. જેઠ સુદ પૂનમના અવસરે જ્યેષ્ઠાભિષેક બાદ જગન્નાથજી અને બળભદ્રજીને ગજવેશ ધારણ કરાવાય છે. ગજવેશ ધરીને જગન્નાથજી તેમના ભક્તોને ગણપતિ રૂપે દર્શન દે છે. વર્ષમાં માત્ર આ એક જ દિવસ જગન્નાથજીના આ દિવ્ય સ્વરૂપના દર્શન થાય છે. કે જેની ઝલક નિહાળવા મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી પડે છે.

  • 04 Jun 2023 08:34 AM (IST)

    Jalyatra 2023: જ્યેષ્ઠાભિષેકની વિધિ

    108 કળશને નીજ ધામ લવાયા બાદ તેને પ્રભુની સન્મુખ મુકવામાં આવે છે. અને ત્યારબાદ જગન્નાથજીની જ્યેષ્ઠાભિષેકની વિધિનો પ્રારંભ થાય છે. જેમાં શંખની મદદથી પ્રભુ પર અભિષેક કરવામાં આવે છે. એક માન્યતા અનુસાર પૂર્ણાહુતિ તરફ વધી રહેલી ગ્રીષ્મ ઋતુના સમયમાં પ્રભુને ઠંડક મળે તે માટે આ અભિષેક થતો હોય છે. આ અભિષેકમાં સર્વ પ્રથમ તો પ્રભુને 108 કળશમાં લવાયેલા શુદ્ધ જળથી શુદ્ધોદક સ્નાન કરાવવામાં આવે છે. ત્યારબાદ તેમને ગુલાબજળ, ગંગાજળ અને કેસરથી સ્નાન કરાવાય છે. આ સ્નાન બાદ પંચામૃતથી સ્નાન કરાવવાનું માહાત્મ્ય છે. પંચામૃતમાં દૂધ, દહીં, ઘી, મધ અને સાકરનો સમાવેશ થાય છે. પંચામૃત સ્નાન બાદ પ્રભુને ચંદન સ્નાન કરાવવામાં આવે છે. ત્યારબાદ તેમને અત્તર મિશ્રીત જળથી પણ સ્નાન કરાવાય છે. આ તમામ સ્નાન પૂર્ણ થયા બાદ પ્રભુને પુન: શુદ્ધોદક સ્નાન કરાવવામાં આવે છે. સ્નાનવિધિ બાદ પ્રભુ પર દૂર્વા, તુલસી અને પુષ્પનો અભિષેક કરવામાં આવે છે.

  • 04 Jun 2023 07:54 AM (IST)

    Jalyatra 2023: ગંગા રૂપ સાબરમતીના નીરથી 108 કળશને ભરવામાં આવે છે

    પુરાણોમાં સાબરમતી નદીનો કળિયુગી ગંગા તેમજ કશ્યપી ગંગાના નામે ઉલ્લેખ મળે છે. ત્યારે સોમનાથ ભૂદરે શાસ્ત્રોક્ત વિધિથી ગંગા પૂજન કરવામાં આવે છે. ત્યારબાદ ગંગા રૂપ સાબરમતીના નીરથી 108 કળશને ભરવામાં આવે છે અને પછી શોભાયાત્રા એટલે કે જળયાત્રા મંદિર તરફ પ્રસ્થાન કરે છે.

  • 04 Jun 2023 07:35 AM (IST)

    Jalyatra 2023: રથયાત્રાનો પ્રથમ પડાવ જળયાત્રા માનવામાં આવે છે

    રથયાત્રાનો પ્રથમ પડાવ જળયાત્રા માનવામાં આવે છે. એટલા માટે મંદિર પરિસરમાં રથયાત્રા જેવી જ તૈયારીઓ જળયાત્રામાં પણ થતી હોય છે. ભગવાન જે બળદગાડામાં તૈયાર થઇને જતા હોય છે તેને તૈયાર કરવામાં આવ્યા છે. 108 જેટલા કળશ લઇને સાબરમતી નદી ભૂદરના આરે જવામાં આવે છે. આ તમામ 108 કળશમાં સાબરમતી નદીનું જળ ભરવામાં આવે છે. ત્યારબાદ આ જળની પૂજા કરવામાં આવે છે. જે બાદ ભગવાનના ગજવેશના દર્શન થશે. ત્યારે આ તમામ તૈયારીઓ મંદિરમાં આરંભી દેવામાં આવી છે.

  • 04 Jun 2023 07:14 AM (IST)

    Ahmedabad: જળયાત્રા પહેલા અમદાવાદના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ

    જળયાત્રા પહેલા અમદાવાદના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે.

  • 04 Jun 2023 06:50 AM (IST)

    Jalyatra 2023: જળયાત્રાને લઇને મંદિરમાં સવારથી જ તૈયારીઓ આરંભી દેવામાં આવી છે

    અમદાવાદમાં યોજાનારી 146મી રથયાત્રા (RathYatra) પૂર્વે રવિવારે જળયાત્રા (Jalyatra) યોજાશે. ત્યારે જળયાત્રાને લઇને મંદિરમાં સવારથી જ તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. રથયાત્રા પૂર્વે યોજાતી જળયાત્રાનું અનોખુ મહત્વ હોય છે. આવતીકાલે યોજાનારી જળયાત્રામાં મુખ્ય અતિથિ તરીકે શિવાનંદ આશ્રમના સ્વામી પરમાત્માનંદ સરસ્વતી મહારાજ હાજર રહેવાના છે.

Published On - Jun 04,2023 6:47 AM

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">