17 સપ્ટેમ્બરના મહત્વના સમાચાર : ખેડા જિલ્લાના વસોમાં ગણેશ વિસર્જનની શોભાયાત્રા દરમિયાન DJ બંધ કરવા બાબતે તકરાર
આજે 17 સપ્ટેમ્બરના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો
PM મોદીએ ગાંધીનગરને મેટ્રોની ભેટ આપી છે. તો દેશની પહેલી ‘નમો ભારત રેપિડ રેલ’ને લીલીઝંડી આપી હતી. સાથે જ રાજભવનમાં બંધ બારણે બેઠક પણ કરી. આજે PM મોદીનો 74મો જન્મદિવસ છે. સુરતમાં વડાપ્રધાનના જન્મદિવસ નિમિત્તે 2500થી વધુ વેપારીઓએ ડિસ્કાઉન્ટ સ્કીમ જાહેર કરી છે. દિલ્લીના CM પદેથી કેજરીવાલ આજે રાજીનામું આપશે. AAP બપોરે 12 વાગ્યા સુધીમાં CM પદના નવા ચેહરાની જાહેરાત કરી શકે છે. શિંદે જૂથ શિવસેના નેતા સંજય ગાયકવાડનું વિવાદીત નિવેદન આપ્યુ છે. રાહુલ ગાંધીની જીભ કાપનારને 11 લાખનું ઇનામ આપવાનું નિવેદન આપ્યુ. અનામત પર રાહુલાના નિવેદન પર ભડક્યા હતા ગાયકવાડ.મુન્દ્રા પોર્ટ પરથી 41 કરોડની ટ્રામાડોલ ઝડપાવાના કેસમાં રાજકોટના રેઈન ફાર્માનું લાઈસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યુ.
LIVE NEWS & UPDATES
-
ખેડા જિલ્લાના વસોમાં ગણેશ વિસર્જનની શોભાયાત્રા દરમિયાન DJ બંધ કરવા બાબતે તકરાર
ખેડા જિલ્લાના વસોમાં ગણેશ વિસર્જનની શોભાયાત્રા દરમિયાન DJ બંધ કરવા બાબતે તકરાર થવા પામી હતી. વસોની જામા મસ્જિદ પાસેની ઘટના બની હોવાની વિગતો સામે આવી છે. શોભાયાત્રા દરમિયાન અજાણ્યા શખ્સ દ્વારા લાકડી ફેંકતા મામલો વધુ ઉગ્ર બન્યો હતો. બોલાચાલી ઉગ્ર થતા પોલીસ ઘટના સ્થળે પહોચી હતી. હાલ એસપી વસો પોલીસ મથકે પહોંચ્યા છે અને સ્થિતિ વધુ વણસે નહી તે માટે કાર્યવાહી હાથ ધરી છે.
-
ભાવનગર અને બોટાદ જિલ્લામાં જમીન મિલકતના ખોટા સાટાખત તથા પાવર ઓફ એટર્ની કરનારા 5 સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી
ભાવનગર અને બોટાદ જિલ્લામાં જમીન મિલકતના ખોટા સાટાખત તથા પાવર ઓફ એટર્ની કરનારા પાંચ સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. આ કેસની વિગત એવી છે કે, આરોપીઓ ખોટા દસ્તાવેજોના આધારે મિલકત જમીન ખરીદનારના ટાઈટલ ક્લિયરની નોટિસ સામે વાંધા અરજી કરી પૈસા પડાવતા હતા. આ પ્રકારે ગુનો આચરનાર (1) મહાવીરસિંહ કનુભા ગોહિલ ઉર્ફે ગલકુ, (2) અમદાવાદના ચંદ્રકાંત પુરુષોત્તમ સોલંકી (3) પ્રદ્યુમનસિંહ ઉર્ફે પદુભા થોરડી (4) રવિરાજસિંહ મહાવીર સિંહ ગોહિલ (5) પથુભા મેરૂભા ગોહિલ વિરુદ્ધ ભાવનગર પોલીસ દ્વારા ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે.
-
-
સુરતના કતારગામ દરવાજા પાસે પ્રભુ નગરના યુવકની હત્યા
સુરતના કતારગામ દરવાજા પાસે પ્રભુ નગરના યુવકની હત્યા કરાઈ છે. સાંઈબાબા મંદિર સામે તિક્ષ્ણ હથિયાર દ્વારા હત્યા કરવામાં આવી છે. અજાણ્યા શખ્સો હત્યા કરીને ફરાર થઈ ગયા હતા. અંગત અદાવતમાં હત્યા થઈ હોવાનું સામે આવ્યું છે. કતારગામ પોલીસે હત્યા અંગે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
-
ગીરસોમનાથમાં SPએ બે પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કર્યા
ગીરસોમનાથમાં SPએ બે પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કર્યા છે. ઈદ સબબ બંદોબસ્તમાં ગેરહાજર રહેતા જિલ્લા પોલીસ વડાએ તેની ગંભીર નોંધ લઈને બન્ને પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરી દીધા છે. નવાબંદર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા બન્ને પોલીસ કર્મચારીઓ કોબ ગામે બંન્દોસ્તમાં ગેરહાજર રહ્યા હતા. ASI માલદે નાજા ભોળા અને કાનજી હમીર મોરીને સસ્પેન્ડ કરાયા છે.
-
પીએમ મોદી 21 સપ્ટેમ્બરે અમેરિકા જવા રવાના થશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 21 સપ્ટેમ્બરે અમેરિકા જશે. વિદેશ મંત્રાલય દ્વારા માહિતી આપવામાં આવી છે કે પીએમ મોદી 23 સપ્ટેમ્બર સુધી અમેરિકા જશે. પીએમ મોદી 21 સપ્ટેમ્બરે યુએસએના ડેલાવેરના વિલ્મિંગ્ટનમાં ચોથી ક્વાડ કોન્ફરન્સમાં ભાગ લેશે. ત્યારબાદ PM મોદી 23 સપ્ટેમ્બરે ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ભવિષ્યના સમિટને સંબોધિત કરશે. આ સિવાય તેઓ 23મીએ ન્યૂયોર્કમાં ભારતીય સમુદાયના લોકોને સંબોધિત કરશે.
-
-
જવાહર ચાવડાના પત્રથી સૌરાષ્ટ્રમાં રાજકારણ ગરમાયું, સાવજ ડેરીના અધ્યક્ષે કહ્યું, પક્ષ વિરોધી કામ કરે છે ચાવડા
જવાહર ચાવડાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લખેલા પત્ર મુદ્દે સાવજ ડેરીના ચેરમેન અને ભાજપ અગ્રણી દિનેશ ખટારિયાએ જવાહર ચાવડા પર કર્યાં અનેક આક્ષેપ. જવાહર ભાઈ કોંગ્રેસમાં હતા ત્યારે પણ પક્ષ વિરોધી કામ કરતા હતા અને બીજેપીમાં છે ત્યારે પણ એ જ કામ કરે છે. કિરીટ પટેલને હોદ્દા તેમના કાર્યકર્તા તરીકેની કામગીરીના આધારે મળ્યાં છે. જવાહર ચાવડાએ અરવિંદ લાડાની અને મનસુખ માંડવીયાને હરાવવા કોશિશ કરી પાર્ટી વિરૂદ્ધ કામ કર્યું છે. પાર્ટીનું કાર્યાલય કાયદેસર બનાવેલું છે એમાં કોઈ ગેરરીતિ નથી. પાર્ટીમાં કોઈ વિરોધ કે સામ સામા પક્ષો નથી, બધા એકજૂથથી જ મનપા, ધારાસભા અને લોકસભાની ચૂંટણી જીત્યા છે.
-
ભાવનગર હાઇવે ત્રંબા ગામ નજીક ગણેશ વિસર્જન દરમિયાન 4 લોકો ડૂબ્યા, ગામના લોકોએ રેસ્ક્યુ કર્યું
ભાવનગર હાઇવે ત્રંબા ગામ નજીક ગણેશ વિસર્જન દરમિયાન 4 લોકો ડૂબ્યા છે. ત્રિવેણી નદીમા ગણેશ વિસર્જન કરતા દરમિયાન આ દૂર્ઘટના બની હતી. ડૂબતા લોકોનું ગામના લોકોએ રેસ્ક્યુ કર્યું. ત્રણ લોકોને હેમખેમ બહાર કાઢવામાં આવ્યા છે. ગામના તરવૈયા યુવાનો દ્વારા બચાવાયા. એકની હાલત ગંભીર હોવાથી સારવાર અર્થે 108માં રાજકોટ ખસેડાયો છે. મામલતદાર સહિતના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. બનાવની જાણ થતા, ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા.
-
RE INVEST-2024ના બીજા દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ગુજરાત સેશન યોજાયું, 179 હજાર કરોડના MoU સાઈન થયા
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં RE INVEST-2024ના બીજા દિવસે ગુજરાત સેશન યોજાયું હતું. જેમાં કુલ ચાર MoU સાઈન કરવામાં આવ્યા હતા. PGCIL અને ગુજરાત સરકાર વચ્ચે રૂ. 5 હજાર કરોડ, GSEC અને GUVNL વચ્ચે રૂ. 59 હજાર કરોડ, અવાડા એનર્જી અને GPCL વચ્ચે રૂ. 85 હજાર કરોડ તેમજ જુનીપર ગ્રીન એનર્જી અને GEDA વચ્ચે રૂ. 30 હજાર કરોડના MoU સાઈન થયા છે.
-
સીએમ કેજરીવાલે એલજી વીકે સક્સેનાને સોંપ્યુ રાજીનામુ
અરવિંદ કેજરીવાલે તેમની કેબિનેટ સાથે રાજીનામું આપી દીધું છે. કેજરીવાલ સીએમ હાઉસથી એલજી હાઉસ ગયા છે. કેજરીવાલે સીએમ પદ પરથી રાજીનામું આપી દીધુ છે. કેજરીવાલ હાલમાં લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેના સાથે મુલાકાત કરી રહ્યા છે. આતિશી ઉપરાંત તેમની સાથે, આમ આદમી પાર્ટીના અન્ય ઘણા નેતાઓ પણ છે.
-
કડી તાલુકાના ઝુલાસણ ખાતે એટેન પેપર મીલમાં લાગી આગ
મહેસાણાના કડી તાલુકાના ઝુલાસણ એટેન પેપર મીલમાં આગ લાગી છે. એટેન પેપર મીલમાં અચાનક આગ ભભૂકતા અફડાતફડી થવા પામી હતી. એટેન પેપર મીલમાં આગ લાગતાં ધૂમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા. આગ લાગતા કડી, કલોલ તેમજ મહેસાણા ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ધટનાની જાણ થતાં ફાયર ફાઈટરની ટીમો ધટના સ્થળે દોડી આવી અને મહામુસીબતે આગ ઉપર કાબૂ મેળવાયો છે. મોટી જાનહાનિ થતાં ટળી છે.
-
ભરૂચના દહેજની ઓર્ગેનિક ઇન્ડિયા લિમિટેડ કંપનીમાં આગ
ભરૂચના દહેજમાં આવેલ ખાનગી કંપનીમાં ભીષણ આગ લાગી હતી. ઓર્ગેનિક ઇન્ડિયા લિમિટેડ કંપનીમાં ભયાનક આગ લાગી હતી. આગને કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી નજરે પડી રહ્યાં હતા. કેમિકલ કંપનીમાં આગ ફાટી નિકળતા દોડધામ થઈ હતી. જો કે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવી લેવાયો છે
-
અમદાવાદના સાયન્સ સિટી વિસ્તારમાં હીટ એન્ડ રન, માતા-પુત્રને ટક્કર મારી કાર ચાલક ફરાર
અમદાવાદના ગોતા ઓગણજમાં રહેતા અને યુકેની કંપની માટે સોફ્ટવેર ડેવલોપર તરીકે કામ કરતા રણજિતસિંહ ભલગરીયા ગત તારીખ 15 સપ્ટેમ્બરના રોજ સાંજે સાડા સાતથી આઠ વાગ્યાના સુમારે પોતાના પત્ની તથા 12 વર્ષીય દીકરો પ્રતિરાજસિંહ સાથે ઉમિયા સર્કલથી ન્યુ સાયન્સ સીટી રોડ શ્રીજી પાર્ટી પ્લોટ તરફ ઇવનિંગ વોક માટે નીકળેલ હતા. ત્યારે અચાનક પાછળથી પુરપાટ ઝડપે આવી રહેલ એક કારના ચાલકે તેઓના પત્નિ અને દીકરાને ટક્કર મારતાં ડાબી સાઇડમાં ચાલતા દીકરા પ્રતિરાજસિંહ, પત્ની જીવુબેનને ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેઓને સારવાર અર્થે તાત્કાલિક દવાખાને ખસેડ્યા હતા. કાર ચાલક અકસમાત સર્જી ફરાર થઇ ગયો છે. અકસ્માત સંદર્ભે એ ડિવિઝન ટ્રાફિક પોલીસ દ્વારા અજાણ્યા કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેની શોધખોળ શરૂ કરી છે.
-
વડોદરાઃ મહાનગરપાલિકા ફરી એક વખત વિવાદમાં
વડોદરાઃ મહાનગરપાલિકા ફરી એક વખત વિવાદમાં આવી છે. મનપાના કર્મચારી જાહેરમાં દારૂ પીવાની વાત કરતા હોવાનો વીડિયો વાયરલ થયો છે. મનપાનો કર્મચારી જાહેરમાં દારૂ પીવાની વાત કરી રહ્યો છે. દારૂ પીતા કોઈ રોકી ન શકે તેવો દાવો કરી રહ્યો છે. વિસર્જન સમયે ગોરવા તળાવ પાસે VMCનો કર્મી હતો. કોઈક સાહેબ સાથે બેસીને દારૂ પીધો હતો તેવું રટણ કરતો હતો.
-
સુરેન્દ્રનગરને પૂરગ્રસ્ત જાહેર કરવા કોંગ્રેસની માંગ
સુરેન્દ્રનગરને પૂરગ્રસ્ત જાહેર કરવા કોંગ્રેસે માગ કરી છે. ખેડૂતો સાથે મળીને જિલ્લા કલેક્ટર કચેરીનો ઘેરાવ કર્યો. સુરેન્દ્રનગરમાં વરસાદને પગલે ખેડૂતોને વ્યાપક નુકસાન થયુ છે. સર્વે કર્યા વગર જ પેકેજ જાહેર કરવાની કોંગ્રેસની માગ છે. ખેડૂતોના તલ, કપાસ, મગફળીના પાકને મોટાપાયે નુકસાન થયુ છે.
-
બનાસકાંઠા: અંબાજી મંદિરમાં વિશ્વની સૌથી મોટી ધજા ચઢાવાઈ
બનાસકાંઠા: અંબાજી મંદિરમાં વિશ્વની સૌથી મોટી ધજા ચઢાવાઈ. અમદાવાદના દેવીપૂજક સંઘ તરફથી 1352 ગજની ધજા અર્પણ કરાઈ. સંઘના ત્રણ હજાર 500 ભાવિભક્તોએ મંદિરમાં વિશાળ ધજા ચઢાવી. એક હજાર 352 ગજની ધજા ચઢાવી ભક્તોએ ધન્યતા અનુભવી. મા અંબાના દર્શન કરીને સુખ-શાંતિ અને સમૃદ્ધિની પ્રાર્થના કરી.
-
હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની આગાહી
હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે કે રાજ્યમાં વધુ એક વરસાદી રાઉન્ડ જામશે. સપ્ટેમ્બરના છેલ્લા સપ્તાહમાં વરસાદની આગાહી છે. બંગાળની ખાડીની સિસ્ટમ સક્રિય છે. 24 સપ્ટેમ્બરથી રાજ્યમાં વરસાદની શક્યતા છે. ચારથી પાંચ દિવસ સુધી વરસાદ પડી શકે છે. રાજ્યમાં બેથી પાંચ ઇંચ જેટલો વરસાદ પડી શકે છે. ઓક્ટોમ્બર મહિનામાં ચોમાસાની વિદાય થશે.
-
કેજરીવાલ 4.30 વાગ્યે રાજીનામું આપશે
AAP નેતા ગોપાલ રાયે કહ્યું કે આતિશી આગામી ચૂંટણી સુધી દિલ્હીના મુખ્યમંત્રી રહેશે. મુશ્કેલ સંજોગોમાં તેમને આ જવાબદારી સોંપવામાં આવી છે. અમે જનતાની અદાલતમાં જઈશું. ભાજપ ઈચ્છતી હતી કે કેજરીવાલ જેલમાં જ રાજીનામું આપે. જ્યાં સુધી જનતા કેજરીવાલને સીએમ નહીં બનાવે ત્યાં સુધી આતિશી દિલ્હીના સીએમ રહેશે. આતિશીને મુખ્યત્વે બે જવાબદારીઓ સોંપવામાં આવી છે. તે ભાજપ સામે લડવાનું ચાલુ રાખશે. દિલ્હીના વિકાસ માટે કામ કરતા રહીશું.
-
વડાપ્રધાન મોદી આજે ત્રણ શહેરોની મુલાકાતે
જન્મદિવસે પણ સતત વિકાસ કાર્યોમાં PM મોદી વ્યસ્ત રહેશે. વડાપ્રધાન મોદી આજે ત્રણ શહેરોની મુલાકાતે છે. PM મોદી કાશી, ભુવનેશ્વર અને નાગપુર જશે. વારાણસી પહોંચી કાશી વિશ્વનાથ મંદિરમાં પૂજા-અર્ચના કરી શકે. PM મોદી વારાણસી બાદ ઓડિશાના ભુવનેશ્વર પહોંચશે. વડાપ્રધાન ભુવનેશ્વરમાં અનેક યોજનાઓનો શુભારંભ કરાવશે. PM મોદી ભુવનેશ્વર બાદ નાગપુર માટે રવાના થશે.
-
નર્મદાઃ ઉપરવાસમાંથી પાણીની આવક વધતા 5 દરવાજા ખોલાયા
નર્મદાઃ ઉપરવાસમાંથી પાણીની આવક વધતા 5 દરવાજા ખોલાયા છે. પાંચ દરવાજા 1.65 મીટર સુધી ખોલાયા છે. ઉપરવાસમાંથી પાણીની આવક 94, 128 ક્યુસેક થઇ છે. નર્મદા ડેમની જળ સપાટી 137.25 મીટરે પહોંચી છે. નદીમાં 60, 000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. પાવર હાઉસમાંથી 41, 707 ક્યુસેક પાણી નદી છોડાયું. નર્મદા નદીમાં કુલ 101,707 ક્યુસેકની જાવક છે.
-
ગાંધીનગરઃ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે પીએમને આપી જન્મદિવસની શુભેચ્છા
ગાંધીનગરઃ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે પીએમને જન્મદિવસની શુભેચ્છા આપી. ભૂપેન્દ્ર પટેલે દાદા ભગવાનનું પુસ્તક ભેટમાં આપ્યું. જ્ઞાની પુરુષ નામનું પુસ્તક ભેટ આપ્યું.
-
PM મોદીના જન્મદિવસની અનોખી ઉજવણીનું આયોજન
ગુજરાતના પનોતા પુત્ર અને દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રમોદીના જન્મદિવસ નિમિત્તે ભાજપના નેતાઓ દ્વારા ખાસ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે.એરપોર્ટ પર ધાર્મિક પુસ્તકો નરેન્દ્ર મોદીને ભેટ સ્વરૂપે આપવામાં આવશે.ત્યાકે સાંસદ નરહરી અમિને PM મોદીના જન્મદિવસ નિમિત્તે ખાસ શુભેચ્છા પાઠવી હતી. સાથે જ PM મોદીના જન્મદિવસ નિમિત્તે આરોગ્ય ભવનમાં રક્ત દાન સિબિરનુ આયોજન કરવામાં આવ્યું છે. સાથે જ 100 સાંભળી ન શકતા વિદ્યાર્થીઓને શ્રવણ યંત્ર પણ આપવામાં આવશે. આવી વિશેષ રીતે PM મોદીનો જન્મદિવસ ઉજવવામાં આવશે.
-
જામનગર: દેશી દારૂની હેરાફેરી સામે પોલીસની કાર્યવાહી
જામનગર: દેશી દારૂની હેરાફેરી સામે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. ખોડીયાર કોલોની રોડ પર પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. દેશી દારૂ સાથે એક યુવક બાઇક પર લઇને જતો હતો. બાઇકની ટક્કર વાગતા રોડ પર દારૂની રેલમછેલ થઇ. પોલીસે આરોપીની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે.
-
દ્વારકા: કોસ્ટલ પેટ્રોલિંગ દરમિયાન મળ્ચા ચરસના પેકેટ
દ્વારકા: કોસ્ટલ પેટ્રોલિંગ દરમિયાન ચરસના પેકેટ મળ્ચા. બેટ દ્વારકાના પૂર્વ કાંઠા તરફ દરિયા કિનારેથી ચરસ મળ્યુ. બીનવારસી અફઘાની ચરસના બે પેકેટ મળ્યા,. 93 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરાઇ.
Published On - Sep 17,2024 7:33 AM