AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

17 ઓગસ્ટના મહત્વના સમાચાર : તલાટીઓ માટે સરકારનો મોટો નિર્ણય, મહેસૂલી અને રેવન્યૂ તલાટીની કામગીરીની વહેંચણી, મહેસૂલી તલાટીને 45 અને રેવન્યૂ તલાટીને 70 પ્રકારની સોંપાઇ જવાબદારી

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 17, 2026 | 9:12 PM
Share

Gujarat Live Updates આજ 17 ઓગસ્ટના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો..

17 ઓગસ્ટના મહત્વના સમાચાર : તલાટીઓ માટે સરકારનો મોટો નિર્ણય, મહેસૂલી અને રેવન્યૂ તલાટીની કામગીરીની વહેંચણી, મહેસૂલી તલાટીને 45 અને રેવન્યૂ તલાટીને 70 પ્રકારની સોંપાઇ જવાબદારી

આજે 17 ઓગસ્ટને સોમવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 17 Aug 2026 08:56 PM (IST)

    અમદાવાદમાં EDની ‘મોટી કાર્યવાહી’! રિયલ એસ્ટેટ છેતરપિંડી કેસમાં ₹129.80 કરોડની મિલકત એટેચ કરી

    અમદાવાદમાં રિયલ એસ્ટેટ છેતરપિંડી કેસમાં ED દ્વારા મોટી કાર્યવાહી કરીને 129.80 કરોડ રૂપિયાની સ્થાવર મિલકત એટેચ કરવામાં આવી છે. આ કાર્યવાહી રોનક સોનાણી, વિપુલ ગાંગાણી, કેશવ નારાયણ ગ્રુપ સહિત અન્ય લોકો સામે ઘર ખરીદનારાઓ અને રોકાણકારો સાથે થયેલી છેતરપિંડી અંગે કરવામાં આવી છે.

    આ તપાસમાં છારોડી, શેલા અને કડી સહિતના સ્થળોની જમીન એટેચ કરાઈ છે, જ્યાં છારોડીમાં આશરે 250 રોકાણકારો અને અક્ષર અનંત પ્રોજેક્ટમાં 44 રોકાણકારો પાસેથી નાણાં એકત્ર કરવામાં આવ્યા હતા. ED ના ખુલાસા મુજબ, રેરા (RERA) અને NA પરમિશન વિના જ પ્રોજેક્ટનું માર્કેટિંગ કરવામાં આવ્યું હતું, જેમાં 54 થી 100 ટકા સુધીના વળતરની લાલચ આપી નાણા ઉઘરાવવામાં આવ્યા હતા. વધુમાં ડમી વેચાણ દસ્તાવેજો અને ખોટી ચૂકવણીની વિગતો દર્શાવવામાં આવી હતી.

  • 17 Aug 2026 08:53 PM (IST)

    દેવભૂમિ દ્વારકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની કોંગ્રેસની માંગ

    દેવભૂમિ દ્વારકા જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ સાથે કોંગ્રેસની આગેવાનીમાં મોટી સંખ્યામાં ખેડૂતો એકઠા થયા હતા. કોંગ્રેસે 21 ઓગસ્ટે જિલ્લા કલેક્ટરને લેખિત આવેદનપત્ર આપવાની જાહેરાત કરી છે. જિલ્લામાં માત્ર 6% વરસાદ નોંધાયો હોવાનો દાવો કરી તમામ ડેમો સૌની યોજનાથી ભરવાની માંગ કરાઈ છે. આ ઉપરાંત ઘાસચારા વિતરણ કેન્દ્રો અને પાંજરાપોળ શરૂ કરવા, ચાલુ વર્ષનું પાક ધિરાણ તથા ખેડૂતોના ફિક્સ વીજ બિલ માફ કરવાની માંગ કરાઈ છે. માંગ નહીં સંતોષાય તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી સાથે “સૌની યોજનાનું બેસણું” રાખી અનોખો વિરોધ કરાયો.

  • 17 Aug 2026 08:35 PM (IST)

    અમદાવાદની SMS હોસ્પિટલમાં દર્દીના સગા અને સિક્યુરિટી ગાર્ડ વચ્ચે મારામારી

    અમદાવાદના ચાંદખેડા સ્થિત SMS હોસ્પિટલમાં દર્દીના સગાં અને સિક્યુરિટી ગાર્ડ વચ્ચે ઉગ્ર મારામારીની ઘટના સામે આવી છે. સામાન્ય બોલાચાલી બાદ સિક્યુરિટી ગાર્ડે ડંડા વડે માર માર્યો હોવાનો આક્ષેપ દર્દીના સગાંઓ દ્વારા કરવામાં આવ્યો છે, જે બાદ પોલીસે વાયરલ વીડિયોના આધારે સિક્યુરિટી ગાર્ડ વિરુદ્ધ અટકાયતી પગલાં ભરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

  • 17 Aug 2026 08:12 PM (IST)

    ગોંડલમાં મહિલાઓને નિશાન બનાવનાર આરોપીનું રી-કન્સ્ટ્રક્શન

    રાજકોટના ગોંડલમાં મહિલાઓને નિશાન બનાવનાર આરોપી ચેતન રામજી રૈયાણીને રાજકોટ ગ્રામ્ય LCBએ ઝડપી પાડ્યો છે, જેની પૂછપરછ દરમિયાન બે જૂના અનડીટેક્ટ ગુનાનો પણ ભેદ ઉકેલાયો છે અને બી-ડિવિઝન પોલીસે આ આરોપીને ઘટના સ્થળે લઈ જઈને સમગ્ર ઘટનાનું રી-કન્સ્ટ્રક્શન કરાવ્યું છે.

  • 17 Aug 2026 08:03 PM (IST)

    દાહોદ નકલી સરકારી ઓફિસ કૌભાંડમાં EDની મોટી કાર્યવાહી, રૂ. 22.70 કરોડની મિલકતો જપ્ત કરાઈ

    દાહોદના નકલી સરકારી કચેરી કૌભાંડમાં EDએ મોટી કાર્યવાહી કરી છે. EDએ અબુબકર જાકીરઅલી સૈયદ અને પરિવાર સહિત સહયોગીઓની રૂ.22.70 કરોડની મિલકતો કામચલાઉ ધોરણે જપ્ત કરી છે. તપાસમાં દાહોદમાં 6 નકલી સરકારી કચેરી ઊભી કરી 121 નકલી કામોને મંજૂરી અપાવી સરકારી નાણાં મેળવ્યાનું સામે આવ્યું છે. નકલી સીલ-સહી અને દસ્તાવેજો બનાવી સરકારી અધિકારી તરીકે ખોટી ઓળખ અપાઈ હતી. 9 નકલી સરકારી ખાતામાં રકમ જમા કરાવી 18 મધ્યસ્થી અને 118 અન્ય ખાતાઓમાં નાણાં ટ્રાન્સફર કરાયા હતા. EDએ 7 જમીનના પ્લોટ, મ્યુચ્યુઅલ ફંડ અને બેંક બેલેન્સ જપ્ત કર્યા છે. તપાસ હજુ ચાલુ છે.

  • 17 Aug 2026 07:50 PM (IST)

    ભાવનગર: SMS સ્ટોક ટીપ કૌભાંડ મામલે SEBIના દરોડા

    ભાવનગરમાં SMS સ્ટોક ટીપ કૌભાંડ મામલે SEBIની ટીમે કાર્યવાહી હાથ ધરી છે. ઈવા કોમ્પ્લેક્સમાં આવેલી ‘ઈકોનો બ્રોકિંગ’ની ઓફિસમાં SEBIની ટીમ દ્વારા સઘન તપાસ કરવામાં આવી રહી છે. ઘણા કલાકોથી ચાલી રહેલી તપાસ દરમિયાન દસ્તાવેજો અને અન્ય બાબતોની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે. SMS સ્ટોક ટીપ કૌભાંડના તાર ઈકોનો બ્રોકિંગ સુધી પહોંચ્યા હોવાની માહિતી સામે આવી છે. અગાઉ પણ આ જ મામલે ED અને SEBI દ્વારા ભાવનગરમાં કાર્યવાહી કરવામાં આવી હતી. વર્ષ 2023માં સામે આવેલા અંદાજે રૂ. 1,500 કરોડના SMS સ્ટોક ટીપ કૌભાંડ સાથે કનેક્શન હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. કથિત માસ્ટરમાઇન્ડ હનીફ શેખ અગાઉથી SEBIના રડાર પર હોવાનું પણ સામે આવ્યું છે. તપાસ બાદ સમગ્ર મામલે વધુ વિગતો સામે આવવાની શક્યતા છે.

  • 17 Aug 2026 07:30 PM (IST)

    હાર્વર્ડ યુનિવર્સિટીમાં પ્રથમ વખત યોજાઈ મોરારી બાપુની રામકથા

    મોરારી બાપુની ઐતિહાસિક રામ કથા અમેરિકામાં આવેલી હાર્વર્ડ યુનિવર્સિટીમાં પ્રથમ વખત યોજાઈ.,.,નવ દિવસની ‘માનસ ગુરુ પ્રસાદ’ કથા 15 ઓગસ્ટથી 23 ઓગસ્ટ સુધી ચાલશે. ભારતના 80મા સ્વતંત્રતા દિવસ અને પવિત્ર શ્રાવણ મહિનાના અવસરે, મોરારી બાપુએ ભારતીય ધ્વજને નમન કર્યું, અને કહ્યું, “ભારતીય ધ્વજને અમે સલામની સાથે નમન પણ કરીએ છીએ.

    હાર્વર્ડ યુનિવર્સિટીમાં આ પ્રથમ વખત મોરારી બાપુની રામ કથાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. 19 ઓગસ્ટના રોજ, તુલસી જયંતિના દિવસે, પ્રથમ વખત તુલસી, વ્યાસ, વાલ્મીકિ અને રત્નાવલી પુરસ્કારો ભારતની બહાર રજૂ કરવામાં આવશે…આયોજકોના મતે, આ ફક્ત ભારતની વાર્તા વિશ્વને સમજાવવાની તક નથી, પરંતુ તેને ભારતના પોતાના અવાજમાં વૈશ્વિક પ્રેક્ષકો સુધી પહોંચાડવાની તક છે.

  • 17 Aug 2026 07:30 PM (IST)

    દાહોદ: ચોસાલા કાળી ડેમમાં બોટિંગમાં લાઈફ જેકેટ વિના બેસાડ્યા પ્રવાસી

    દાહોદના ચોસાલા કાળી ડેમમાં બોટિંગ દરમિયાન ગંભીર બેદરકારી સામે આવી છે. ડેમમાં બોટિંગ કરી રહેલા કેટલાક પ્રવાસીઓ લાઈફ જેકેટ વિના જોવા મળ્યા હતા. સમગ્ર ઘટનાના દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. ખાસ કરીને બાળકો અને તરતા ન આવડતા પ્રવાસીઓની સુરક્ષાને લઈને ગંભીર સવાલો ઉભા થયા છે. બોટ સંચાલકો દ્વારા સુરક્ષાના નિયમોનું પાલન કરવામાં આવતું ન હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. બોટિંગ દરમિયાન લાઈફ જેકેટ ફરજિયાત હોવા છતાં નિયમોનું ઉલ્લંઘન થતું હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. ઘટનાને પગલે જવાબદાર બોટ સંચાલકો સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. પ્રવાસીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા નિયમોનું કડક પાલન કરાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

  • 17 Aug 2026 07:05 PM (IST)

    સુરેન્દ્રનગર: પાણશીણા ગામની શાળામાં વિદ્યાર્થીએ ફિનાઈલ પીધું

    સુરેન્દ્રનગરના પાણશીણા ગામની સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળામાં ધોરણ-12ના વિદ્યાર્થીએ ફિનાઈલ પીધું હોવાની ઘટના સામે આવી છે. ધોરણ-12માં અભ્યાસ કરતા ધવલ મકવાણાએ ફિનાઈલ પીધું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. પરિવારજનોના આક્ષેપ મુજબ, શિક્ષક ભરત સોલંકીના માનસિક ત્રાસથી કંટાળીને વિદ્યાર્થીએ આ પગલું ભર્યું હતું. આચાર્યની બદલીના કાવતરામાં વિદ્યાર્થીનો મુખ્ય ફાળો હોવાનું જણાવી તેને બદનામ કરવામાં આવ્યો હોવાનો પણ આક્ષેપ છે. ફિનાઈલ પીધા બાદ ધવલ મકવાણાની તબિયત લથડતા તેને તાત્કાલિક સારવાર માટે લીંબડી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. સમગ્ર મામલે વિદ્યાર્થીએ કયા સંજોગોમાં આ પગલું ભર્યું તે અંગે તપાસની માંગ ઉઠી છે.

  • 17 Aug 2026 07:00 PM (IST)

    ભાવનગર: મહુવામાં ફરજ બજાવતા PSI પ્રવીણ પરમાર સસ્પેન્ડ

    ભાવનગરના મહુવા ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા PSI પ્રવીણ પરમારને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તાજેતરમાં બુટલેગર લાલો બારૈયા અને PSI પ્રવીણ પરમાર વચ્ચે હપ્તાને લઈને થયેલી કથિત વાતચીતનો ઓડિયો વાયરલ થયો હતો. ઓડિયો ક્લિપમાં હપ્તા અંગે વાતચીત થયાનો દાવો કરવામાં આવ્યો હતો. સમગ્ર મામલે બુટલેગર લાલો બારૈયાએ ભાવનગર ACBમાં ફરિયાદ પણ કરી હતી. ત્યારબાદ વાયરલ થયેલા કથિત ઓડિયોને લઈને તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ બાદ મહુવા ટાઉન પોલીસમાં ફરજ બજાવતા PSI પ્રવીણ પરમાર સામે સસ્પેન્શનની કાર્યવાહી કરવામાં આવી છે. સમગ્ર મામલે અધિકારીઓ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

  • 17 Aug 2026 06:50 PM (IST)

    તલાટીઓ માટે રાજ્ય સરકારનો અત્યંત મહત્વપૂર્ણ નિર્ણય

    ગુજરાતમાં મહેસૂલ તલાટી અને તલાટી-કમ-મંત્રીની કામગીરીને લઈને રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. બંનેની જવાબદારીઓની સ્પષ્ટ વહેંચણી કરવામાં આવી છે. મહેસૂલ તલાટીને કુલ 45 પ્રકારની અગત્યની જવાબદારીઓ સોંપવામાં આવી છે, જ્યારે તલાટી-કમ-મંત્રીને 70 પ્રકારની કામગીરી સોંપવામાં આવી છે. તલાટી-કમ-મંત્રીએ ગ્રામ પંચાયતના હિસાબો સાચવવા, નાણાપંચની કામગીરી અને વિવિધ સરકારી યોજનાઓનું અમલીકરણ કરવાનું રહેશે. આ ઉપરાંત જન્મ-મરણ નોંધણી, લગ્ન નોંધણી તેમજ આવક અને જાતિના દાખલા સહિતની કામગીરી પણ તલાટી-કમ-મંત્રી દ્વારા કરવામાં આવશે. બીજી તરફ, મહેસૂલ તલાટી જમીન અને જમીનના રેકોર્ડ સંબંધિત કામગીરી કરશે. PM-સ્વામિત્વ યોજના સંબંધિત તમામ કામગીરીની જવાબદારી પણ મહેસૂલ તલાટીને સોંપવામાં આવી છે.

  • 17 Aug 2026 06:28 PM (IST)

    બોટાદમાં થયેલી કરોડોની હીરા ચોરીમાં બાવળાથી 3 ભેજાબાજની ધરપકડ

    બોટાદમાં થયેલી કરોડો રૂપિયાની હીરા ચોરીના મામલે અમદાવાદ ગ્રામ્ય LCB અને બોટાદ પોલીસે સંયુક્ત કામગીરી કરી છે. પોલીસે બાવળાથી ચોરીમાં સંડોવાયેલા ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. ઝડપાયેલા આરોપીઓમાં પિતા-પુત્રી અને જમાઈનો સમાવેશ થાય છે. પોલીસે આરોપીઓ પાસેથી ચોરીનો તમામ મુદ્દામાલ રિકવર કર્યો છે. તપાસ દરમિયાન નેત્રમ CCTV ફૂટેજના આધારે આરોપીઓ રિક્ષામાં બેસીને બોટાદ રેલવે સ્ટેશન પહોંચ્યા હોવાનું સામે આવ્યું હતું. ત્યારબાદ તેઓ ટ્રેન મારફતે અમદાવાદ તરફ જઈ રહ્યા હોવાની માહિતી મળી હતી. આ અંગે અમદાવાદ ગ્રામ્ય SPને જાણ કરવામાં આવી હતી. RPF અને રેલવે સ્ટેશનના CCTV કેમેરાની મદદથી બાવળા રેલવે સ્ટેશનની બહારથી ત્રણેય આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા.

  • 17 Aug 2026 06:27 PM (IST)

    ચોટીલામાં પ્રદૂષિત પાણીથી પશુઓના મોતનો આક્ષેપ, તંત્ર પાસે તપાસની માંગ

    સુરેન્દ્રનગરના ચોટીલામાં પ્રદૂષિત પાણીથી પશુઓના મોત થયા હોવાના આક્ષેપથી ચકચાર મચી છે. હણીયા અને ગઢેચી ગામમાં પશુઓના મોત થયાનો પશુપાલકોએ આરોપ લગાવ્યો છે. ખાનગી કંપની દ્વારા કેમિકલયુક્ત પાણી છોડવામાં આવતું હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. ડમ્પિંગ સાઈટ પર જમા થતા પાણી પીવાથી પશુઓના મોત થયા હોવાનો પશુપાલકોનો દાવો છે. આ ઉપરાંત કેમિકલયુક્ત પાણીના કારણે લોકોને ચામડીના રોગોની પણ અસર થઈ હોવાના આક્ષેપ છે. આ પાણી ભાદર ડેમ મારફતે ભાલ વિસ્તારમાં પહોંચવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. આગામી દિવસોમાં વધુ રોગચાળો ફેલાવાની ભીતિ વચ્ચે તંત્ર પાસે તપાસ અને કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. દરમિયાન પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે સોલિડ ડમ્પિંગ સાઈટનું ઈન્સ્પેક્શન કરી કલરવાળા પાણીના સેમ્પલ તપાસ માટે મોકલ્યા છે.

  • 17 Aug 2026 05:49 PM (IST)

    અમદાવાદ સિવિલમાં ઓપરેશન બાદ યુવકના મોત કેસમાં પેનલ પોસ્ટમોર્ટમ કરાયું

     અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ઓપરેશન બાદ યુવકના મોતના મામલે પરિવારજનોની પેનલ પોસ્ટમોર્ટમની માંગ સ્વીકારવામાં આવી છે. શાહીબાગ પોલીસે AD દાખલ કરી મૃતક યુવરાજ નાડિયાનું પેનલ પોસ્ટમોર્ટમ કરાવ્યું છે. યુવરાજ નાડિયાને અકસ્માત બાદ પગમાં ઈજા થઈ હતી. ઈજાના કારણે સિવિલ હોસ્પિટલમાં તેનું ઓપરેશન કરવામાં આવ્યું હતું, જે બાદ યુવકનું મોત થયાનો પરિવારજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. સમગ્ર મામલે હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડેન્ટે તપાસના આદેશ આપ્યા હતા. મૃતકની સારવારના રિપોર્ટ અને અન્ય જરૂરી ડોક્યુમેન્ટ્સ FSLમાં મોકલવામાં આવશે. પોસ્ટમોર્ટમ અને FSL રિપોર્ટ આવ્યા બાદ જો કોઈની બેદરકારી કે કસૂરવાર હોવાનું સામે આવશે તો નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવશે.

  • 17 Aug 2026 05:25 PM (IST)

    અમદાવાદ: યુવકે વીડિયો કોલ કરી બનાવ્યો ગર્લફ્રેન્ડનો ન્યૂડ વીડિયો

    અમદાવાદના ઘુમા વિસ્તારમાં રહેતી 19 વર્ષીય યુવતીએ બોપલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફોરેન્સિક સાયન્સનો અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ કર્તવ્ય નામના યુવક સામે ગંભીર આક્ષેપ કર્યા છે. ફરિયાદ મુજબ, યુવકે વીડિયો કોલ દરમિયાન યુવતીનો ન્યૂડ વીડિયો બનાવ્યો હતો. ત્યારબાદ વીડિયો વાયરલ કરવાની ધમકી આપી બ્લેકમેઈલ કર્યાનો આક્ષેપ છે. યુવતીના આક્ષેપ મુજબ, આરોપીએ કાતરથી તેના પગ પર પોતાના નામનો પ્રથમ અક્ષર લખાવવા દબાણ કર્યું હતું. તેમજ બ્લેકમેઈલ કરીને પૈસા પડાવ્યાની પણ ફરિયાદમાં વાત કરવામાં આવી છે. સમગ્ર મામલે બોપલ પોલીસે ફરાર આરોપી કર્તવ્ય મણિયાર સામે ગુનો નોંધી તેની શોધખોળ શરૂ કરી છે. પોલીસ દ્વારા ઘટનાની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

  • 17 Aug 2026 05:05 PM (IST)

    જુનાગઢઃ સિવિલ હોસ્પિટલમાં મહિલાએ કર્યો આપઘાત

    જુનાગઢની સિવિલ હોસ્પિટલમાં મહિલાએ આપઘાત કરી લેતા ચકચાર મચી છે. મહિલાએ હોસ્પિટલના સાતમા માળેથી ઝંપલાવી આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. મૃતક મહિલા દોલતપરા વિસ્તારની રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. પ્રાથમિક માહિતી મુજબ મહિલા માનસિક બીમારીથી પીડિત હતી અને તેની સારવાર ચાલી રહી હતી. ઘટનાની જાણ થતાં હોસ્પિટલ તંત્ર અને પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. મહિલાએ કયા કારણોસર આ પગલું ભર્યું તે અંગે પોલીસે તપાસ શરૂ કરી છે. ઘટનાને પગલે હોસ્પિટલ પરિસરમાં પણ ચકચાર મચી ગઈ હતી.

  • 17 Aug 2026 04:50 PM (IST)

    જામનગર: સુઝલોન કંપનીના કન્ટેનરમાંથી કોપર વાયરની ચોરીમાં 4ની ધરપકડ

    જામનગરમાં સુઝલોન કંપનીના કન્ટેનરમાંથી કોપર વાયરની ચોરીના કેસમાં પોલીસે કાર્યવાહી કરી છે. ચોરીમાં સંડોવાયેલા 10 આરોપીઓની ઓળખ કરવામાં આવી છે, જેમાંથી ચાર આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે. 26 જૂને કન્ટેનરનું તાળું તોડી રૂ. 10 લાખથી વધુની કિંમતના કેબલની ચોરી કરવામાં આવી હતી. તપાસ દરમિયાન પોલીસે ચોરીમાં ઉપયોગમાં લેવાયેલા વાહનો અને અન્ય સામાન જપ્ત કર્યો છે. પોલીસે 488 કિલોગ્રામ કોપર વાયર સહિત પ્લાસ્ટિક અને રબરનું કવર પણ કબજે કર્યું છે. ઝડપાયેલા ચારેય આરોપીઓનો અગાઉનો ગુનાહિત ઇતિહાસ હોવાનું સામે આવ્યું છે. પોલીસે ફરાર આરોપીઓને ઝડપી પાડવા વધુ તપાસ હાથ ધરી છે.

  • 17 Aug 2026 04:25 PM (IST)

    સુરત: કામદારોની હડતાળ મામલે 500 લોકોના ટોળા વિરુદ્ધ ગુનો દાખલ

    સુરતમાં કામદારોની હડતાળ દરમિયાન થયેલા વિરોધ મામલે પોલીસે આશરે 500 લોકોના ટોળા સામે ગુનો નોંધ્યો છે. રજા, પગાર અને બોનસ સહિતની માંગણીઓને લઈને કામદારો વિરોધ કરી રહ્યા હતા. વિરોધ દરમિયાન કેટલાક કારીગરોએ પોલીસ પર હુમલો કરતા પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. સમગ્ર ઘટનાને પગલે પોલીસે આશરે 500 લોકોના ટોળા વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પોલીસ પર પથ્થરમારો કરનારા લોકોની ઓળખ કરવા માટે તપાસ હાથ ધરવામાં આવી છે. CCTV ફૂટેજ સહિત અન્ય ઉપલબ્ધ પુરાવાના આધારે પથ્થરમારો કરનારા શખ્સોની ઓળખ કરવાની કામગીરી ચાલી રહી છે. ઓળખ થયા બાદ આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. ઘટનાને પગલે વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે.

  • 17 Aug 2026 04:07 PM (IST)

    આણંદની શાળા બની દારૂનો અડ્ડો ! આચાર્ય ફરાર હોવાનો આક્ષેપ

    આણંદના સોજિત્રાની લીંબાલી પ્રાથમિક શાળામાંથી દારૂની બોટલો મળી આવતા ચકચાર મચી છે. કેળવણી નિરીક્ષકની સરપ્રાઇઝ તપાસ દરમિયાન શાળામાંથી દારૂની બોટલો મળી આવી હતી. આચાર્ય સુરેશ માછીની તિજોરીમાંથી દારૂની ખાલી બોટલો મળી હોવાનો દાવો છે. જ્યારે ટેબલ નીચેથી બે અડધી ભરેલી દારૂની બોટલો પણ મળી આવી હતી. શાળામાંથી દારૂનો જથ્થો મળી આવ્યા બાદ આચાર્ય સુરેશ માછી ફરાર થયાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ઘટનાને પગલે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. શાળામાંથી દારૂની બોટલો મળવાની ઘટનાથી શિક્ષણ જગતમાં પણ અરેરાટી ફેલાઈ છે. સોજિત્રા પોલીસ મથકે ગુનો નોંધી સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે.
  • 17 Aug 2026 03:47 PM (IST)

    પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરમાં ઉમટ્યા ભોળાનાથના ભક્તો

    શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારે સોમનાથ મંદિરમાં મોટી સંખ્યામાં શિવ ભક્તોની ભીડ જામી.  લાંબી લાંબી કતારો, શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર હોવા છતા સટીક વ્યવસ્થા અને યોગ્ય આયોજનના પગલે અહીં સરળતાથી શ્રદ્ધાળુઓએ ભોલેનાથના દર્શન કરીને ધન્યતા અનુભવી. સવારથી અત્યાર સુધી હજારો શ્રદ્ધાળુઓએ ભોલેનાથના દર્શન કર્યા અને મહાપ્રસાદનો આનંદ માણ્યો. ભક્તોનો પણ દાવો છે કે સુચારૂ વ્યવસ્થાને પગલે તેઓને શાંતિથી અને સરસ રીતે દર્શનનો લાહ્વો મળ્યો. એટલું જ અન્ય રાજ્યોમાંથી સોમનાથ આવેલા દર્શનાર્થીઓએ યોગ્ય વ્યવસ્થાની પ્રશંસા કરી.

  • 17 Aug 2026 03:43 PM (IST)

    ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નિતિન નબીનની નવી ટીમની જાહેરાત, ગુજરાતના 4 નવા ચહેરાનો સમાવેશ

    ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નિતિન નબીનની નવી ટીમની જાહેરાત કરવામાં આવી છે. નવી ટીમમાં સ્મૃતિ ઈરાની, વસુંધરા રાજે અને રામ માધવ સહિતના નેતાઓને સ્થાન મળ્યું છે. ભાજપે 13 રાષ્ટ્રીય ઉપાધ્યક્ષોની જાહેરાત કરી છે, જેમાં સ્મૃતિ ઈરાની અને વસુંધરા રાજેનો સમાવેશ થાય છે. પિયુષ ગોયલને રાષ્ટ્રીય કોષાધ્યક્ષની જવાબદારી સોંપવામાં આવી છે.

    નિતિન નબીનની નવી ટીમમાં ગુજરાતમાંથી પણ ચાર નવા ચહેરાને સ્થાન મળ્યું છે. ગુજરાતમાંથી વર્ષા દોશી, જગદીશ પટેલ, રોહન ગુપ્તા અને હેમાંગ જોશીની વરણી કરવામાં આવી છે. વર્ષા દોશીને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. જ્યારે જગદીશ પટેલ અને રોહન ગુપ્તાને રાષ્ટ્રીય મંત્રીની જવાબદારી સોંપવામાં આવી છે. હેમાંગ જોશીને યુવા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે.

  • 17 Aug 2026 03:30 PM (IST)

    ગુજરાતમાં 17 થી 23 ઓગસ્ટ સુધી સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી

    અમદાવાદમાં હવામાન વિભાગે આગામી દિવસોના વરસાદને લઈને આગાહી કરી છે. 17થી 23 ઓગસ્ટ દરમિયાન ગુજરાતમાં સામાન્યથી મધ્યમ વરસાદ રહેવાની શક્યતા છે. સૌરાષ્ટ્રમાં પણ મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, દમણ, વલસાડ, નર્મદા અને ડાંગમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. અમદાવાદમાં આગામી દિવસોમાં વાદળછાયું વાતાવરણ રહેવાની સાથે છૂટાછવાયા વરસાદની શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ રાજ્યમાં હાલ પાંચ સિસ્ટમ સક્રિય છે. જેમાં મોન્સૂન, ડ્રાફ્ટ શીયર ઝોન, અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન અને ડિપ્રેશન જેવી સિસ્ટમનો સમાવેશ થાય છે. આગામી દિવસોમાં વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા છે.

  • 17 Aug 2026 03:10 PM (IST)

    સુરેન્દ્રનગર: અકાળાથી પાસવાડા ગામનો રસ્તો બિસ્માર

    સુરેન્દ્રનગરના અકાળાથી પાસવાડા ગામનો રસ્તો બિસ્માર થતાં ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા છે. બિસ્માર રસ્તાને કારણે વિદ્યાર્થીઓ, દર્દીઓ અને વૃદ્ધોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. મુખ્ય રોડ સુધી પહોંચવા માટે ગ્રામજનોને 3 કિલોમીટર સુધી પગપાળા જવાની ફરજ પડી રહી છે. બીજી તરફ, નર્મદા નિગમનો વાલ્વ લીકેજ થતાં રસ્તા પર પાણી ફરી વળ્યું છે. જેના કારણે પીવાના પાણીનો પણ વેડફાટ થઈ રહ્યો છે. રસ્તાની સ્થિતિ એટલી ખરાબ છે કે ગામમાં એમ્બ્યુલન્સ પણ પહોંચી શકતી નથી. ગ્રામજનોએ તાત્કાલિક લીકેજ વાલ્વ બદલવા અને રસ્તાનું સમારકામ કરાવવાની માંગ કરી છે. ગ્રામજનોનો આક્ષેપ છે કે વારંવાર રજૂઆત છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.

  • 17 Aug 2026 02:54 PM (IST)

    જુનાગઢઃ ખડીયા ગામે નકલી દૂધ બનાવનાર ઝડપાયો

    જુનાગઢના ખડીયા ગામે નકલી દૂધ બનાવવાનું કૌભાંડ ઝડપાતા ચકચાર મચી છે. પોલીસે નકલી દૂધ બનાવતા એક શખ્સને ઝડપી પાડ્યો છે. પોલીસે સ્થળ પરથી 60 લિટર નકલી દૂધ, પામ ઓઈલ અને મિલ્ક પાવડર સહિતનો જથ્થો જપ્ત કર્યો છે. સમગ્ર મામલે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમે પણ કાર્યવાહી હાથ ધરી છે. નકલી દૂધના નમૂના તપાસ માટે મોકલવામાં આવ્યા છે. આ નકલી દૂધ કોને વેચવામાં આવતું હતું અને આરોપી કેટલા પ્રમાણમાં નકલી દૂધ બનાવતો હતો તે અંગે પોલીસ અને ફૂડ વિભાગે તપાસ શરૂ કરી છે. નકલી દૂધ બનાવવાના કૌભાંડ પાછળ અન્ય કોઈ લોકો સંડોવાયેલા છે કે નહીં તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે.

  • 17 Aug 2026 02:53 PM (IST)

    મુંબઈઃ આવકવેરા વિભાગની ઓફિસમાં આગ

    મુંબઈના ચર્ચગેટ વિસ્તારમાં આવેલી આવકવેરા વિભાગની ઓફિસમાં આગ લાગતા અફરાતફરી મચી છે. આગની જાણ થતાં ફાયર બ્રિગેડની 12 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવાની કામગીરીમાં લાગી છે. IT ઓફિસની ઈમારતમાં ફસાયેલા કર્મચારીઓને સુરક્ષિત રીતે બહાર કાઢવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે. ફાયર બ્રિગેડ ઉપરાંત મુંબઈ પોલીસ અને 108ની ટીમ સહિતની એજન્સીઓ ઘટનાસ્થળે તૈનાત કરવામાં આવી છે. પ્રાથમિક અનુમાન મુજબ ઈમારતના બેસમેન્ટમાં આગ લાગી હોવાનું માનવામાં આવી રહ્યું છે. જોકે આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી સામે આવ્યું નથી. આગ સંપૂર્ણપણે કાબૂમાં આવ્યા બાદ જ નુકસાનીનો અંદાજ સામે આવશે. ઘટના અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

  • 17 Aug 2026 02:47 PM (IST)

    નડિયાદ-અમદાવાદ સ્ટેટ હાઇવે પર ભૂવો પડ્યો,

    ખેડાના નડિયાદ-અમદાવાદ સ્ટેટ હાઇવે પર ભૂવો પડતા વાહનચાલકોની મુશ્કેલીમાં વધારો થયો છે. દેવકી વણસોલ ગામના પાટિયા નજીક હાઇવે પર મોટો ભૂવો પડ્યો હોવાની ઘટના સામે આવી છે. હાઇવે પર ભૂવો પડતા વાહનચાલકોને અવરજવરમાં હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. રસ્તાની વચ્ચે ભૂવો પડવાથી અકસ્માતનો ભય પણ ઊભો થયો છે. ખાસ કરીને રાત્રિના સમયે વાહનચાલકો માટે આ સ્થળ જોખમી બન્યું છે. હાઇવે પરથી સતત વાહનોની અવરજવર રહેતી હોવાથી તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે ભૂવાનું સમારકામ કરી માર્ગને સલામત બનાવવામાં આવે તેવી માંગ ઉઠી છે. ઘટનાને પગલે વાહનચાલકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે.

  • 17 Aug 2026 02:30 PM (IST)

    ખંભાતના ભાલ વિસ્તારમાં કેમિકલયુક્ત પાણીથી 15થી વધુ પશુના મોતનો આક્ષેપ

    આણંદના ખંભાતના ભાલ વિસ્તારમાં કેમિકલ પ્રદૂષણને લઈને ચિંતા વધી છે. સોખડા GIDCની કેમિકલ કંપનીઓ સામે સ્થાનિકોએ ગંભીર આક્ષેપ કર્યા છે. કંપનીઓ દ્વારા દૂષિત પાણી દરિયામાં છોડવામાં આવતું હોવાનો સ્થાનિકોનો દાવો છે. આ કેમિકલયુક્ત પાણી પીવાથી 15થી વધુ દુધાળા પશુઓના મોત થયા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. સોખડા-લુણેજ વિસ્તારમાં પશુઓ ચરવા જતા હોવાથી પશુપાલકોમાં ચિંતાનો માહોલ છે. પશુઓના મોતને લઈને તંત્રની કામગીરી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે. ભાલ વિસ્તારમાં કેમિકલ પ્રદૂષણના આક્ષેપોને પગલે સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. દૂષિત પાણી અંગે તાત્કાલિક તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે.

  • 17 Aug 2026 02:15 PM (IST)

    સુરત: દોઢ કરોડના સાયબર ફ્રોડમાં મુખ્ય આરોપી ઝડપાયો

    દોઢ કરોડના સાયબર ફ્રોડના ગુનામાં સાયબર ક્રાઇમે મુખ્ય આરોપી રિયાઝની દ્વારકાના ખંભાળિયાથી ધરપકડ કરી છે. રિયાઝ મ્યુલ એકાઉન્ટમાંથી ફ્રોડના પૈસા ઉપાડી તેને USDTમાં કન્વર્ટ કરી કંબોડિયા મોકલતો હતો. આ કેસમાં અગાઉ મિનેશકુમાર સોલંકી, અનિલ ગુપ્તા અને વિકાસ ભદોરીયા નામના ત્રણ ખાતાધારકોની ધરપકડ થઈ ચૂકી છે. તપાસમાં સામે આવ્યું છે કે આખું સ્કેન્ડલ મુંબઈથી ઓપરેટ થતું હતું. મ્યુલ એકાઉન્ટ ધારકોને પહેલા જયપુર અને ત્યારબાદ મુંબઈ લઈ જવાતા હતા. મુંબઈના સાકીનાકા સ્થિત એપાર્ટમેન્ટમાં તેમને ત્રણ દિવસ રાખી તેમના ખાતામાં ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડના નાણાં ટ્રાન્સફર કરાતા હતા. ત્યારબાદ તેમને પરત મોકલી દેવાતા હતા. રિયાઝના અન્ય બે સાગરીતોને વોન્ટેડ જાહેર કરાયા છે.
  • 17 Aug 2026 01:55 PM (IST)

    નવસારીમાં કાંસ પરના દબાણ સામે તંત્રની લાલ આંખ, નિરાલી હોસ્પિટલનું દબાણ દૂર

    નવસારીમાં કાંસ ઉપર થયેલા દબાણ સામે જિલ્લા વહીવટી તંત્રએ કડક કાર્યવાહી કરી છે. નિરાલી હોસ્પિટલની બહાર કાંસ પર કરવામાં આવેલું દબાણ તંત્ર દ્વારા દૂર કરવામાં આવ્યું છે. નિરાલી હોસ્પિટલે કાંસ પર દબાણ કર્યું હોવાના સ્થાનિકોએ આક્ષેપ કર્યા હતા. સ્થાનિકો દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવ્યા બાદ તંત્ર દ્વારા ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી. પ્રાંત અધિકારી સહિત પોલીસ બંદોબસ્ત વચ્ચે દબાણ પર બુલડોઝર ફેરવાયું હતું. મહત્વનું છે કે નવસારીમાં ગત દિવસોમાં સર્જાયેલી પૂર જેવી સ્થિતિ અને સિસોદ્રા ગામ નજીક નેશનલ હાઇવે-48 પર પાણી ભરાવા પાછળ કાંસ પરના દબાણને જવાબદાર માનવામાં આવે છે. ફરિયાદોને પગલે તંત્રએ દબાણ દૂર કર્યું છે.

  • 17 Aug 2026 01:35 PM (IST)

    રાજપીપળામાં સ્વચ્છતા મુદ્દે કડક કાર્યવાહી, 70ને નોટિસ

    નર્મદાના રાજપીપળામાં સ્વચ્છતા મુદ્દે પાલિકા તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. ચીફ ઓફિસર અને તેમની ટીમે શહેરમાં સ્વચ્છતાની સ્થિતિ અંગે સમીક્ષા કરી હતી. દરમિયાન સ્વચ્છતા જાળવવામાં બેદરકારી બદલ કુલ 70 વ્યક્તિઓને નોટિસ ફટકારવામાં આવી છે. જ્યારે 40 વેપારીઓને ગંદકી અને સ્વચ્છતા ન જાળવવા બદલ દંડ ફટકારાયો છે. મેડિકલ સ્ટોરના વેપારીએ દંડની રકમ નહીં ભરતા તેની સામે પણ કાર્યવાહી કરવામાં આવી હતી. આ ઉપરાંત શહેરમાં રખડતા ઢોરના મામલે પણ કાર્યવાહી કરવાની ચીફ ઓફિસરે ખાતરી આપી છે. ચીફ ઓફિસરની કડક કામગીરીથી વેપારીઓમાં ફફડાટ ફેલાયો

  • 17 Aug 2026 01:30 PM (IST)

    અંકલેશ્વર GIDCમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં યોજાયા કાર્યક્રમ

    ભરૂચ જિલ્લામાં આવેલી અંકલેશ્વર GIDCમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં વિવિધ કાર્યક્રમ યોજાયા. પ્રોજેક્ટ અસ્મિતા અંતર્ગત ભરૂચની 526 દીકરીઓને વિવિધ કંપનીઓમાં નિમણૂકપત્ર એનાયત કરાયા. ભરૂચ પોલીસે વિવિધ ઔદ્યોગિક એકમો સાથે સંકલન કરીને 500થી વધુ દીકરીઓને વિવિધ પોસ્ટ પર નોકરીઓ અપાવી હતી. સાથે હર્ષ સંઘવીના હસ્તે..ઔદ્યોગિક વસાહતોમાં રૂ.482 કરોડના 10 વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. અંકલેશ્વર ટ્રાન્સપોર્ટ નગર, વેરહાઉસ સહિતના પ્રોજેક્ટોનું લોકાર્પણ કરાયું. આ પ્રસંગે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓનું સન્માન પણ કરાયું.

  • 17 Aug 2026 01:13 PM (IST)

    અમદાવાદઃ ગ્રામ્ય વિસ્તારમાં ફરી એકવાર દીપડો દેખાયો

    અમદાવાદના સાણંદના ગ્રામ્ય વિસ્તારમાં ફરી એકવાર દીપડો દેખાયો હોવાના સ્થાનિકોના દાવાથી ચકચાર મચી છે. સાણંદ આસપાસના વિસ્તારમાં દીપડો જોવા મળ્યો હોવાની માહિતી મળતાં વન વિભાગની ટીમ તાત્કાલિક દોડતી થઈ હતી. મોટી દેવતી ગામે તકેદારીના ભાગરૂપે વન વિભાગ દ્વારા પાંજરું ગોઠવવામાં આવ્યું છે. સાણંદથી આશરે 12 કિલોમીટર દૂર કડી-વિરમગામ રોડ તરફ દીપડાના પગલાં જોવા મળ્યા હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે. ઘટનાને પગલે વન વિભાગે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે. દીપડાની હિલચાલ અંગે તમામ સંભવિત સ્થળોએ તપાસ કરવામાં આવી રહી છે. ગ્રામજનોને પણ સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી છે.

  • 17 Aug 2026 12:35 PM (IST)

    ઓડિશાઃ કેન્દ્રાપાડામાં પૂરની સ્થિતિ, આશ્રમ શાળામાં 150 વિદ્યાર્થીઓ ફસાયા

    ઓડિશાના કેન્દ્રાપાડા જિલ્લામાં બ્રહ્માણી નદીના પાણીના સ્તરમાં વધારો થતાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. નદીના પૂરના પાણી અનેક વિસ્તારોમાં ફરી વળતા લોકોની હાલાકી વધી છે. કેન્દ્રાપાડાના કુલસાહી વિસ્તારમાં આવેલી આશ્રમ રહેણાંક શાળામાં પૂરના પાણી ભરાતા આશરે 150 વિદ્યાર્થીઓ ફસાયા હોવાની માહિતી સામે આવી છે. બ્રહ્માણી નદીના પાણીનું સ્તર સતત વધતા શાળાના પરિસરમાં પણ પાણી ફરી વળ્યું છે. વિદ્યાર્થીઓને સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે રેસ્ક્યૂ ટીમોને મોકલવામાં આવી છે. જોકે, પૂરના પાણી અને મુશ્કેલ પરિસ્થિતિને કારણે હજુ સુધી રેસ્ક્યૂ ટીમો વિદ્યાર્થીઓ સુધી પહોંચી શકી નથી. વિદ્યાર્થીઓને સલામત સ્થળે ખસેડવા માટે બચાવ કામગીરી શરૂ કરવામાં આવી રહી છે, પરંતુ ભારે પાણીના કારણે રેસ્ક્યૂ ઓપરેશનમાં મુશ્કેલીઓ ઊભી થઈ રહી છે.

  • 17 Aug 2026 12:30 PM (IST)

    સુરતઃ ડિંડોલીની હોટલમાં યુવક અચાનક ઢળી પડ્યો

    સુરતના ડિંડોલી વિસ્તારમાં આવેલી RJD પ્લાઝા હોટલમાં યુવકના મોતના CCTV દ્રશ્યો સામે આવ્યા છે. હોટલના રિસેપ્શન પર વાતચીત કરી રહેલો યુવક અચાનક ઢળી પડ્યો હતો. CCTVમાં જોઈ શકાય છે કે યુવક રિસેપ્શન પર ઊભો રહીને વાત કરી રહ્યો હતો. વાતચીત દરમિયાન અચાનક તે જમીન પર ઢળી પડ્યો હતો. ઘટનાને પગલે હોટલ સ્ટાફ દ્વારા તાત્કાલિક તેને મદદ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પ્રાથમિક માહિતી મુજબ, યુવકને હૃદયરોગનો હુમલો આવ્યો હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે, યુવકના મોતનું ચોક્કસ કારણ પોસ્ટમોર્ટમ અને તબીબી તપાસ બાદ જ સ્પષ્ટ થશે. સમગ્ર ઘટનાના CCTV દ્રશ્યો સામે આવતા ચકચાર મચી છે.

  • 17 Aug 2026 12:20 PM (IST)

    સુરતઃ વેસુ પોલીસ સ્ટેશનના જવાને ખાખીનો રોફ જમાવ્યાનો આરોપ

    સુરતના પાલ વિસ્તારમાં આવેલા ગાર્ડેનિયા રો-હાઉસમાં પોલીસ કર્મચારી અને પાડોશી પરિવાર વચ્ચે મારામારીની ઘટના સામે આવી છે. વેસુ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારી નરેશ ગઢવી સામે મારામારી અને દાદાગીરીના આક્ષેપો કરવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ, કાર પાર્કિંગ અને મેન્ટેનન્સના મુદ્દે પોલીસ કર્મચારી નરેશ ગઢવી અને પાડોશી પરિવાર વચ્ચે તકરાર થઈ હતી. ત્યારબાદ તકરાર ઉગ્ર બનતા મારામારી થઈ હોવાનો આક્ષેપ છે. આ સમગ્ર ઘટનામાં નિલેશ પટેલ, તેમની પત્ની અને 77 વર્ષીય માતા સાથે મારામારી કરવામાં આવી હોવાનો પરિવારનો આક્ષેપ છે.

    પરિવારના આક્ષેપ મુજબ, મારામારી દરમિયાન વૃદ્ધ માતાને ધક્કો મારી નીચે પટકવામાં આવતા તેમને ઈજા થઈ હતી. સમગ્ર ઘટનાના વીડિયો પુરાવા પણ સામે આવ્યા છે, જેના આધારે પરિવાર દ્વારા પોલીસ કર્મચારી સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. પરિવારનો વધુમાં આક્ષેપ છે કે પોલીસ કર્મચારી અવારનવાર સોસાયટીમાં દાદાગીરી કરતા હતા. ઘટનાને લઈને ભોગ બનનાર પરિવારે કોઈપણ પ્રકારનું સમાધાન ન કરતાં પોલીસ કર્મચારી સામે કડક FIR નોંધવાની અને કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે.

  • 17 Aug 2026 12:10 PM (IST)

    વડોદરાઃ ડભોઇ રોડના ઢાબામાં દાળમાંથી નીકળ્યો મકોડો

    વડોદરાના ડભોઇ રોડ પર આવેલા ક્રિષ્ના કાઠીયાવાડી ઢાબામાં ભોજનની ગુણવત્તા સામે સવાલો ઉઠ્યા છે. ધરવાસા ચોકડી નજીક આવેલા ઢાબામાં ગ્રાહકની દાળમાંથી મકોડો મળી આવ્યો હોવાનો આક્ષેપ છે. એટલું જ નહીં, પનીરના શાકમાંથી પણ વાળ મળી આવતા ગ્રાહકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. ગ્રાહકના જણાવ્યા મુજબ, ભોજન દરમિયાન દાળમાં મકોડો જોવા મળ્યો હતો. જ્યારે પનીરના શાકમાં પણ વાળ મળી આવતા ખાણીપીણીની ગુણવત્તા અને સ્વચ્છતા સામે ગંભીર સવાલો ઊભા થયા છે. ઘટનાને લઈને ગ્રાહકે ઢાબા સંચાલકને ફરિયાદ કરી હતી, પરંતુ સંચાલકે ઉડાઉ જવાબ આપ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

    આ સમગ્ર મામલે ઢાબામાં રસોઈ બનાવવામાં આવતી જગ્યાની સ્વચ્છતા સામે પણ સવાલો ઉઠ્યા છે. જ્યાં રસોઈ બનાવવામાં આવે છે ત્યાં ગંદકી જોવા મળી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. રેસ્ટોરન્ટ સંચાલકોની બેદરકારીના કારણે લોકોના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા હોવાના આક્ષેપો વચ્ચે હવે તંત્ર દ્વારા તપાસ કરવામાં આવે છે કે કેમ તે જોવું રહ્યું.

  • 17 Aug 2026 11:55 AM (IST)

    વડોદરા: ડભોઇ તાલુકામાં લાંબા વિરામ બાદ વરસાદનું આગમન

    ડભોઇ તાલુકામાં લાંબા વિરામ બાદ ફરી વરસાદનું આગમન થતાં ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. તાલુકાના વિવિધ વિસ્તારોમાં વરસાદ વરસતા ખેતરોમાં વાવેલો પાક ખીલી ઉઠવાની આશા જાગી છે. ડભોઇ શહેરના મહુડી ભાગોળ, નવીનગરી, એસટી ડેપો રોડ, લાલ બજાર, ટાવર અને શિનોર ચોકડી સહિતના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. આ ઉપરાંત કરનાળી, ચાણોદ, નંદેરીયા, શંકરપુરા, તેનતળાવ અને પીપરીયા જેવા ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ નોંધાયો છે. લાંબા સમયથી ખેડૂતો વરસાદની રાહ જોઈ રહ્યા હતા. વરસાદનું આગમન થતાં વાવેલા પાકને જીવનદાન મળવાની આશા છે. વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
  • 17 Aug 2026 11:33 AM (IST)

    સુરત: સુમુલ ડેરીના પ્રમુખ-ઉપપ્રમુખની આજની ચૂંટણી મુલતવી

    સુરતઃ સુમુલ ડેરીના પ્રમુખ અને ઉપપ્રમુખની આજે યોજાનારી ચૂંટણી એકાએક મુલતવી રાખવામાં આવતા વિવાદ સર્જાયો છે. ભાજપ નેતાઓ વચ્ચેની આંતરિક ખેંચતાણને કારણે ચૂંટણી મુલતવી રાખવામાં આવી હોવાની ચર્ચા ચાલી રહી છે. જોકે, ચૂંટણી મુલતવી રાખવા અંગે સત્તાવાર કારણ સ્પષ્ટ થયું નથી.સુમુલ ડેરીની ચૂંટણીમાં કુલ 15 બેઠકો પર ભાજપે વિજય મેળવ્યો હતો. ત્યારબાદ આજે ચૂંટણી અધિકારીના અધ્યક્ષસ્થાને સુમુલ ડેરીના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજાવાની હતી. જોકે, ચૂંટણી શરૂ થાય તે પહેલાં જ તેને મુલતવી રાખવાનો નિર્ણય લેવાયો હતો.

    ચૂંટણી મુલતવી રાખવામાં આવતા સુમુલ ડેરીના પૂર્વ ડિરેક્ટર જયેશ દેલાડે ભાજપની આંતરિક ખેંચતાણને લઈને ગંભીર આક્ષેપ કર્યા છે. તેમનો દાવો છે કે અગાઉ પણ ચૂંટણી યોજવામાં વિલંબ કરવામાં આવ્યો હતો અને હવે ભાજપના નેતાઓ વચ્ચેની આંતરિક ખેંચતાણના કારણે પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી પાછી ઠેલવામાં આવી છે.જયેશ દેલાડે વધુમાં આક્ષેપ કર્યો છે કે વહીવટદાર શાસન લંબાતા પશુપાલકોને આર્થિક નુકસાન થઈ રહ્યું છે. તેમનું કહેવું છે કે અન્ય ડેરીઓમાં દૂધના ભાવમાં વધારો થયો હોવા છતાં સુમુલ ડેરીમાં દૂધ ભરાવતા પશુપાલકોને તેનો યોગ્ય લાભ મળી રહ્યો નથી.

    ચૂંટણી ફરી ક્યારે યોજાશે તે અંગે હજુ સુધી સ્પષ્ટતા કરવામાં આવી નથી. જયેશ દેલાડે ચીમકી ઉચ્ચારી છે કે જો આગામી 10 દિવસમાં સુમુલ ડેરીના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજવામાં નહીં આવે તો ડેરીનો ઘેરાવ કરીને આંદોલન કરવામાં આવશે.

  • 17 Aug 2026 11:31 AM (IST)

    અમરેલીઃ ટ્રેકર પર હુમલો કરનારી સિંહણ પાંજરે પુરાઈ

    અમરેલીના ચાંદગઢ ગામે વનવિભાગના ટ્રેકર્સ પર હુમલો કરનારી સિંહણને આખરે પાંજરે પુરવામાં આવી છે. સિંહણના હુમલાને પગલે ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં વનવિભાગની ટીમે સિંહણને પકડવા માટે કામગીરી હાથ ધરી હતી. સતત નજર રાખ્યા બાદ વનવિભાગની ટીમે સિંહણને સફળતાપૂર્વક પાંજરે પૂરી હતી. સિંહણ પાંજરે પુરાતા ચાંદગઢના ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો છે. વનવિભાગ દ્વારા પકડાયેલી સિંહણને વધુ તપાસ અને નિરીક્ષણ માટે ક્રાંકચ એનિમલ સેન્ટર ખાતે ખસેડવામાં આવી છે. સિંહણનું વર્તન અને સ્વાસ્થ્ય અંગે નિષ્ણાતો દ્વારા જરૂરી તપાસ કરવામાં આવશે. ઘટનાને પગલે વનવિભાગે વિસ્તારમાં સાવચેતી વધારી છે.

  • 17 Aug 2026 11:31 AM (IST)

    કુબેર ભંડારી મહાદેવ મંદિરમાં શ્રાવણના સોમવારે ભક્તોની ભારે ભીડ

    વડોદરા જિલ્લાના ડભોઈના કરનાળી સ્થિત કુબેર ભંડારી મહાદેવ મંદિરમાં શ્રાવણના સોમવારે ભક્તોની ભારે ભીડ જોવા મળી. સોમવાર નિમિત્તે દાદાના દર્શન કરવા માટે સમગ્ર ગુજરાત સહિત દેશભરમાંથી હજારોની સંખ્યામાં ભક્તો પહોંચ્યા..​હજારો ભક્તોએ નર્મદા નદીમાં સ્નાન કર્યા બાદ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી. ભક્તોએ કતારબદ્ધ ઊભા રહી કુબેર દાદાને દૂધ, બિલીપત્ર, કાળા તલ અને પુષ્પ અર્પણ કરી વિશેષ પૂજા-અર્ચના કરી અને સુખ-શાંતિ માટે પ્રાર્થના કરી. ભક્તોનું કહેવુ છે કે કુબેર ભંડારી મંદિરમાં દર્શન કાર્યા બાદ ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે.

  • 17 Aug 2026 11:30 AM (IST)

    આરોપીને માર મારવા મુદ્દે DCP નકુમ સામે હાઈકોર્ટમાં સુઓમોટોનો કેસ

    આરોપીને માર મારવાના આક્ષેપોને લઈને DCP નકુમ સામે હાઈકોર્ટમાં સુઓમોટો કાર્યવાહી થઈ છે. આ મામલે ભાજપના નેતા મુકેશ ગુજરાતી દ્વારા DCP નકુમના સમર્થનમાં કરવામાં આવેલી સોશિયલ મીડિયા પોસ્ટ પણ ચર્ચામાં આવી છે. જોકે, આ પોસ્ટમાં હાઈકોર્ટના જજ અંગે કરાયેલી ટિપ્પણીને લઈને વિવાદ સર્જાયો હતો. વિવાદ વધ્યા બાદ મુકેશ ગુજરાતીએ પોતાના બચાવમાં બીજી પોસ્ટ કરી હતી. તેમણે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, હાઈકોર્ટ અને ન્યાયતંત્ર પ્રત્યે તેમને સંપૂર્ણ આસ્થા, આદર અને સન્માન છે. સમગ્ર મામલે સોશિયલ મીડિયા પોસ્ટ અને તેમાં કરાયેલી ટિપ્પણીઓને લઈને પણ ચર્ચા તેજ બની છે. હાઈકોર્ટની કાર્યવાહી વચ્ચે હવે મામલો વધુ ગંભીર બન્યો છે.

  • 17 Aug 2026 08:30 AM (IST)

    બોટાદની કરોડોની હિરાચોરીનો ભેદ ઉકેલતી અમદાવાદ પોલીસ

    બોટાદ બજારમાંથી કરોડો રૂપિયાના હીરા ચોરીનો કેસ પોલીસે ઉકેલી નાખ્યો. 1885 કેરેટ કાચા હીરા ચોરીની ઘટનામાં બોટાદ અને અમદાવાદ ગ્રામ્ય પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરી આરોપીઓને ઝડપી લીધા. સીસીટીવી, નેત્રમ કેમેરા અને રિક્ષા ચાલકોની પૂછપરછથી પોલીસને આરોપીઓનું પગેરું મળ્યું હતું. આરોપીઓ ટ્રેન મારફતે અમદાવાદ તરફ જઈ રહ્યા છે. તેવી માહિતી મળતા પોલીસે બાવળા રેલવે સ્ટેશન પર નાકાબંદી કરી પિતા-પુત્રી અને જમાઈની ધરપકડ કરી. નેત્રમ પ્રોજેક્ટના કેમેરાની મદદથી ક્લિયર પિક્ચર મેળવી આરોપીઓ રિક્ષામાં બેસી આગળ ગયા હોય તેવું જાણાવા મળ્યું.. જેથી રિક્ષાચાલકની પૂછપરછ કરતા જણાવ્યું કે, આરોપીઓને જે જગ્યાએ ઉતાર્યા છે. ત્યાં 10થી 20 રિક્ષાઓ ઊભી હતી.પોલીસે રિક્ષાચાલકોની પૂછપરછ કરતાં જાણવા મળ્યું કે એક રિક્ષાવાળાએ આરોપીઓને બોટાદ રેલવે સ્ટેશને ઉતાર્યાં છે. જેથી બોટાદ રેલવે સ્ટેશનના સીસીટીવી તપાસ્યા જેમાં સામે આવ્યું કે, આરોપીઓ અમદાવાદ તરફ જતી ટ્રેનમાં બેસી રવાના થયા છે.

  • 17 Aug 2026 08:20 AM (IST)

    કરોડોની હિરાચોરીનો ભેદ ઉકેલતી અમદાવાદ ગ્રામ્ય પોલીસ

    બોટાદ બજારમાંથી કરોડો રૂપિયાના હીરા ચોરીનો કેસ પોલીસે ઉકેલી નાખ્યો.  1885 કેરેટ કાચા હીરા ચોરીની ઘટનામાં બોટાદ અને અમદાવાદ ગ્રામ્ય પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરી આરોપીઓને ઝડપી લીધા. સીસીટીવી, નેત્રમ કેમેરા અને રિક્ષા ચાલકોની પૂછપરછથી પોલીસને આરોપીઓનું પગેરું મળ્યું હતું. આરોપીઓ ટ્રેન મારફતે અમદાવાદ તરફ જઈ રહ્યા છે. તેવી માહિતી મળતા પોલીસે બાવળા રેલવે સ્ટેશન પર નાકાબંદી કરી પિતા-પુત્રી અને જમાઈની ધરપકડ કરી. નેત્રમ પ્રોજેક્ટના કેમેરાની મદદથી ક્લિયર પિક્ચર મેળવી આરોપીઓ રિક્ષામાં બેસી આગળ ગયા હોય તેવું જાણાવા મળ્યું.. જેથી રિક્ષાચાલકની પૂછપરછ કરતા જણાવ્યું કે, આરોપીઓને જે જગ્યાએ ઉતાર્યા છે. ત્યાં 10થી 20 રિક્ષાઓ ઊભી હતી.પોલીસે રિક્ષાચાલકોની પૂછપરછ કરતાં જાણવા મળ્યું કે એક રિક્ષાવાળાએ આરોપીઓને બોટાદ રેલવે સ્ટેશને ઉતાર્યાં છે. જેથી બોટાદ રેલવે સ્ટેશનના સીસીટીવી તપાસ્યા જેમાં સામે આવ્યું કે, આરોપીઓ અમદાવાદ તરફ જતી ટ્રેનમાં બેસી રવાના થયા છે.

  • 17 Aug 2026 08:15 AM (IST)

    હાર્વર્ડ યુનિવર્સિટીમાં પ્રથમ વખત યોજાઈ મોરારી બાપુની રામકથા

    મોરારી બાપુની ઐતિહાસિક રામ કથા અમેરિકામાં આવેલી હાર્વર્ડ યુનિવર્સિટીમાં પ્રથમ વખત યોજાઈ. નવ દિવસની ‘માનસ ગુરુ પ્રસાદ’ કથા 15 ઓગસ્ટથી 23 ઓગસ્ટ સુધી ચાલશે. ભારતના 80મા સ્વતંત્રતા દિવસ અને પવિત્ર શ્રાવણ મહિનાના અવસરે, મોરારી બાપુએ ભારતીય ધ્વજને નમન કર્યું, અને કહ્યું, “ભારતીય ધ્વજને અમે સલામની સાથે નમન પણ કરીએ છીએ.

    હાર્વર્ડ યુનિવર્સિટીમાં આ પ્રથમ વખત મોરારી બાપુની રામ કથાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. 19 ઓગસ્ટના રોજ, તુલસી જયંતિના દિવસે, પ્રથમ વખત તુલસી, વ્યાસ, વાલ્મીકિ અને રત્નાવલી પુરસ્કારો ભારતની બહાર રજૂ કરવામાં આવશે. આયોજકોના મતે, આ ફક્ત ભારતની વાર્તા વિશ્વને સમજાવવાની તક નથી, પરંતુ તેને ભારતના પોતાના અવાજમાં વૈશ્વિક પ્રેક્ષકો સુધી પહોંચાડવાની તક છે.

  • 17 Aug 2026 08:15 AM (IST)

    હાર્વર્ડ યુનિવર્સિટીમાં યોજાઈ મોરારીબાપુની રામકથા

    મોરારી બાપુની ઐતિહાસિક રામ કથા અમેરિકામાં આવેલી હાર્વર્ડ યુનિવર્સિટીમાં પ્રથમ વખત યોજાઈ. નવ દિવસની ‘માનસ ગુરુ પ્રસાદ’ કથા 15 ઓગસ્ટથી 23 ઓગસ્ટ સુધી ચાલશે. ભારતના 80મા સ્વતંત્રતા દિવસ અને પવિત્ર શ્રાવણ મહિનાના અવસરે, મોરારી બાપુએ ભારતીય ધ્વજને નમન કર્યું, અને કહ્યું, “ભારતીય ધ્વજને અમે સલામની સાથે નમન પણ કરીએ છીએ.

    હાર્વર્ડ યુનિવર્સિટીમાં આ પ્રથમ વખત મોરારી બાપુની રામ કથાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. 19 ઓગસ્ટના રોજ, તુલસી જયંતિના દિવસે, પ્રથમ વખત તુલસી, વ્યાસ, વાલ્મીકિ અને રત્નાવલી પુરસ્કારો ભારતની બહાર રજૂ કરવામાં આવશે. આયોજકોના મતે, આ ફક્ત ભારતની વાર્તા વિશ્વને સમજાવવાની તક નથી, પરંતુ તેને ભારતના પોતાના અવાજમાં વૈશ્વિક પ્રેક્ષકો સુધી પહોંચાડવાની તક છે.

Published On - Aug 17,2026 11:29 AM

Follow Us
g clip-path="url(#clip0_868_265)">