16 મેના મહત્વના સમાચાર : પાકિસ્તાન સામે ભારતનો નવો મોરચો, સર્વપક્ષીય સાંસદો વિદેશમાં પાકિસ્તાનનો આંતક પ્રત્યેનો પ્રેમ ખુલ્લો પાડશે
આજે 16 મે 2025ને શુક્રવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

આજે 16 મે 2025ને શુક્રવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
LIVE NEWS & UPDATES
-
જીઓ હોટ સ્ટારનો કન્ટેન્ટ ચોરીને પાકિસ્તાનની 800 ચેનલને પ્રોવાઈડ કરનાર આરોપી ઝડપાયો
ગાંધીનગર સાયબર ક્રાઈમે, IPTV એપ મારફતે પાકિસ્તાનની 800 જેટલી ચેનલો ઉપર જીઓ હોટ સ્ટારનો કન્ટેન્ટ પ્રોવાઈડ કરવા બદલ એક આરોપીની ધરપકડ કરી છે. આ અંગે મળતી માહિતી અનુસાર, જીઓ હોટ સ્ટાર તરફથી સાઈબર ક્રાઈમને ફરિયાદ મળી હતી. કે, કોપીરાઈટ એક્ટનો ભંગ કરીને કન્ટેન્ટ ચોરી થઈ રહી છે. પોલીસ હાથ ધરેલ તપાસમાં ચોકાવનારી વિગતો સામે આવી છે, અન્ય સર્વર મારફતે IPTVમાં કન્ટેન્ટ સપ્લાય કરતા હતા. આરોપી છેલ્લા 2 વર્ષથી નવા નવા એપ બનાવી હોટ સ્ટારનો કન્ટેન્ટ ચોરી કરતો હતો. જલંધરના રહેવાસી મુર્તજા મોહમદ અલી આ સમગ્ર કૌંભાડના માસ્ટર માઈન્ડ છે. 9 ડેબિટ કાર્ડ, 12 પાસપોર્ટ, 3 લેપટોપ, 3 હાર્ડ ડિસ્ક, 4 મોબાઈલ, મેમરી કાર્ડ, કબ્જે કરીને વૈજ્ઞાનિક તપાસ કરવામાં આવી છે.
-
પાકિસ્તાન સામે ભારતનો નવો મોરચો, સર્વપક્ષીય સાંસદો વિદેશમાં પાકિસ્તાનનો આંતક પ્રત્યેનો પ્રેમ ખુલ્લો પાડશે
ઓપરેશન સિંદૂર પછી, ભારત હવે પાકિસ્તાનના આતંકવાદ પ્રત્યેના પ્રેમ પર રાજદ્વારી હુમલો કરવા જઈ રહ્યું છે. આ દ્વારા ભારત આખી દુનિયાને પાકિસ્તાનનો અસલી ચહેરો બતાવશે. મોદી સરકારે ઓપરેશન સિંદૂર પર ભારતનો પક્ષ રજૂ કરવા માટે સાંસદોના જૂથોને વિદેશ મોકલવાનો નિર્ણય લીધો છે. આ સંદર્ભમાં, સંસદીય બાબતોના મંત્રાલયે તમામ રાજકીય પક્ષો સાથે વાતચીત શરૂ કરી છે. સંસદીય બાબતોના પ્રધાન કિરેન રિજિજુ તમામ પક્ષોના સંસદીય દળના નેતાઓનો સંપર્ક કરી રહ્યા છે.
-
-
વ્યાજખોરીથી વ્યાજખોરોએ વસાવેલી કરોડોની મિલકતોને ટાંચમા લેવાઈ
પ્રથમવાર વ્યાજખોરોની મિલ્કત જપ્ત કરવામાં આવી છે. આમ કરીને ગુજરાતે વ્યાજખોરો સામે દાખલો બેસાડ્યો છે. આરોપીઓએ વ્યાજખોરી દ્વારા મેળવેલા ચાર મકાન, બે પ્લોટ અને એક સ્કોર્પિયો ગાડી સહિતની મિલ્કત જપ્ત કરવામાં આવી છે. અંજારના વ્યાજંકવાદી આરોપીઓ ભાઈ બહેન સામે કાર્યવાહી કરવામાં આવી છે. રીયા ગોસ્વામી અને તેના ભાઈ બહેનો પર વ્યાજકવાદના અનેક ગુન્હા નોંધાયેલા છે. વ્યાજખોરીના દૂષણને ડામવા પોલીસે હાથ ધરેલ જીણવટભરી તપાસ બાદ કડક કાર્યવાહી કરી છે. ગૃહરાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ કચ્છ પૂર્વના SP તથા સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા છે. ગૃહ વિભાગના હુકમ આધારે આ મિલ્કતોને જપ્ત કરવામાં આવી છે.
-
સ્ટેટ જીએસટી વિભાગના તમાકુ અને વાસણના વેપારીઓ ઉપર દરોડા
ગુજરાત GST વિભાગ, કરચોરી પકડવા માટે તમાકુ અને વાસણના વેપારીઓ ઉપર દરોડા પાડ્યા છે. અમદાવાદમાં વાસણના 13 વેપારીઓના ત્યાં સ્ટેટ GST એ કાર્યવાહી હાથ ધરી છે. વેપારી પેઢી દ્વારા બિલ વિના માલના ખરીદ વેચાણ થકી કરચોરીની મોડસ ઓપરેન્ડી શોધી કાઢવામાં આવી છે. અગાઉ વિજાપુર, ઊંઝા અને ઉનાવા ખાતે તમાકુના વેપારીઓના 70 સ્થળોએ પણ તપાસની કામગીરી કરવામાં આવી હતી.
-
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 27મીએ દાહોદ આવે તેવી સંભાવના
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 27મી મેના રોજ ગુજરાત આવી શકે છે. ગુજરાતમાં દાહોદ ખાતે તેઓ નવા બનેલા રેલવે વર્કશોપની સાથે સાથે દાહોદ સ્માર્ટ સીટી અંતર્ગત પૂર્ણ થયેલા વિકાસલક્ષી કાર્યોનું લોકાર્પણ કરે તેવી સંભાવના છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દાહોદની સંભવિત મુલાકાતને લઈને જિલ્લા કલેકટરે અધિકારીઓ સાથે એક બેઠક પણ યોજી છે.
-
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 22 મેના રોજ બિકાનેરની મુલાકાત લેશે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 22 મેના રોજ બિકાનેરના નાલ એરપોર્ટ પહોંચશે. આ પછી તેઓ બિકાનેરથી 20 કિમી દૂર પલાણા ખાતે રેલવે સ્ટેશનનું ઉદ્ઘાટન કરશે. પીએમનો પલાનામાં એક મોટી જાહેર સભાનો કાર્યક્રમ પણ છે.
-
જૂનાગઢના વિસાવદરના યુવાનનું સુરતના કામરેજના ફાર્મહાઉસમાં મોત
સુરતના કામરેજના સેવણી ગામ ખાતે એક ફાર્મ હાઉસમાં યુવકનું મોત થયું છે. જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાનો રહેવાસી એવા 20 વર્ષીય અવિ કમલેશભાઈ હીરપરા પરિવાર સાથે ફાર્મ હાઉસ ગયો હતો. સ્વિમિંગ પુલમાં નાહવા પડતા યુવકને કરંટ લાગ્યો હતો. યુવકને તુરત બારડોલીની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં હાજર તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. જુવાનજોધ દીકરાનું મોત થતા પરિવાર શોકમાં ડૂબી ગયો છે. હાલ કામરેજ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
-
લોધિકા ગ્રામપંચાયતનામહિલા સરપંચને જમીન કૌભાંડ મામલે સસ્પેન્ડ કરાયા
રાજકોટના લોધિકા ગ્રામ પંચાયત જમીન કૌભાંડ મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. રાજકોટના વિવાદિત મહિલા સરપંચને જિલ્લા વિકાસ અધિકારીએ સસ્પેન્ડ કર્યાં છે. લોધિકા ગ્રામ પંચાયતમાં જમીન કૌભાંડ થતાં DDO દ્વારા સરપંચને સસ્પેન્ડ કરાયા છે. લોધિકા ગ્રામ પંચાયત એ રાજકોટની સૌથી મોટી ગ્રામ પંચાયત ગણાય છે. સરપંચે લોધિકાના જૂના તેમજ નવા ગામતળમાં કુલ 14 પ્લોટ સત્તા બહાર હરાજી કરી નાખી હતી. લોધિકાના સરપંચ સુધાબેન વસોયને કલમ નંબર 57(1) મુજબ સસ્પેન્ડ કરાયા છે. DDO અનંદુ સુરેશ ગોવિંદ દ્વારા સરપંચને જમીનમાં ગેરરીતિ બદલ સસ્પેન્ડ કરતા સૌપો પડી ગયો છે.
-
સુરેન્દ્રનગરઃ થાનગઢના ખાખરાળી ગામે મોટપાયે ખનીજ ચોરીનો પર્દાફાશ
સુરેન્દ્રનગરઃ થાનગઢના ખાખરાળી ગામે મોટપાયે ખનીજ ચોરીનો પર્દાફાશ થયો છે. ચોટિલા પ્રાંત અધિકારી અને ટીમના દરોડા દરમિયાન આરોપીઓ ફરાર થયા. પ્રાંત અધિકારીની તપાસમાં ખનીજ ચોરી કરવા માટે 3 કુવા ઝડપાયા છે. 1 ડમ્પર, 35 ટન કારર્બોશેલ સહિત 50 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો. પ્રાંત અધિકારીની ટીમે ફરાર આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
-
રાજ્યમાં 7 દિવસ છૂટા-છવાયા વરસાદની આગાહી
રાજ્યમાં 7 દિવસ છૂટા-છવાયા વરસાદની આગાહી છે. ગાજવીજ સાથે વરસાદ પડે તેવી શક્યતા છે. દક્ષિણ ગુજરાત નજીક અપર એર સાયક્લોનિક સર્કયુલેશન સક્રિય બન્યુ છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં છૂટાછવાયા વરસાદની આગાહી છે. આવતીકાલે રાજકોટ, બોટાદ, ભાવનગરમાં વરસાદની શક્યતા છે. સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગરમાં વરસાદની આગાહી છે.
-
ગુજરાતમાં ચોમાસુ વહેલું આવવાની શકયતા
હાલ ચોમાસુ આંદામાન નિકોબાર ટાપુ પર પહોંચ્યું છે. પરિબળો સાનુકૂળ હોવાથી ચોમાસુ વહેલું આવશે. કેરળમાં 27 મે સુધીમાં ચોમાસુ પ્રવેશ કરશે. ગુજરાતમાં પણ ચોમાસુ વહેલું આવવાની શકયતા છે.
-
આ ‘સિંદૂર’ સૌંદર્યનું નહીં સંકલ્પનું પ્રતીક-રાજનાથ સિંહ
રાજનાથ સિંહે જણાવ્યુ તે ઓપરેશન સિંદૂર શૌર્યનું પ્રતીક છે. આ ‘સિંદૂર’ સૌંદર્યનું નહીં સંકલ્પનું પ્રતીક છે. આ સિંદૂર આતંકવાદના માથા પર લાલ રેખા છે.
-
દુષ્ટો સાથે વિનમ્રતા ન કરવી જોઇએ-રાજનાથ સિંહ
રાજનાથ સિંહે કહ્યુ કે દુષ્ટો સાથે વિનમ્રતા ન કરવી જોઇએ. પાકિસ્તાનને હાલમાં પ્રોબેશન પીરિયડ પર રાખવામાં આવ્યુ છે. જો નહીં સુધરે તો તેને નહીં છોડવામાં આવે. સીઝફાયર ઉલ્લંઘન કરશે તો કાર્યવાહી કરવામાં આવશે.
-
IMFના ફંડથી આતંકી ઢાંચો બનાવશે પાકિસ્તાન-રાજનાથ સિંહ
રાજનાથ સિંહે ભૂજમાં કરેલા સંબોધનમાં IMFએ પાકિસ્તાનને કરેલા ફંડિગ પર સવાલ ઉઠાવ્યા છે. તેમણે જણાવ્યુ કે પાકિસ્તાન IMFના ફંડથી આતંકી ઢાંચો બનાવશે તેવુ લાગી રહ્યુ છે. તેમણે કહ્યુ કે પાકિસ્તાન અને આતંકનો નજીકનો સંબંધ છે. પાકિસ્તાન આતંકવાદના નશામાં છે. IMFના ફંડથી આતંકવાદને પ્રોત્સાહન આપવાનું કામ ન થવુ જોઇએ. તેમણે જણાવ્યુ કે નવુ ભારત સહન નથી કરતુ, તે પલટવાર કરે છે.
-
ભારત હવે વિદેશી હથિયારો પર નિર્ભર નથી-રાજનાથ સિંહ
રાજનાથ સિંહે જણાવ્યુ કે ભારત હવે વિદેશી હથિયારો પર નિર્ભર નથી. આપણા સ્વદેશી હથિયારોએ પોતાની તાકાત બતાની દીધી છે. તેમા પણ બ્રહ્મોસ મિસાઇલે રાતના અંધારામાં દિવસના તારા તે દેશને બતાવી દીધા છે.
-
ઓપરેશન સિંદૂરથી ભારતનું મસ્તક ઊંચુ થયુ-રાજનાથસિંહ
ભારતના સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ ભૂજ એરફોર્સ સ્ટેશન પહોંચ્યા છે. તેમણે અહીંથી સંબોધન કર્યુ કે ઓપરેશન સિંદૂરથી ભારતનું મસ્તક ઊંચુ થયુ છે. આપણે દુશ્મન દેશની ધરતી પર જઇને મિસાઇલ ફેંકી છે. જેની ગુંજ માત્ર દુશ્મન દેશ જ નહીં આખી દુનિયામાં સંભળાઇ છે. તેમણે કહ્યુ કે ઓપરેશન સિંદૂરનું નેતૃત્વ આપણી એરફોર્સે કર્યુ છે. તેમણે કહ્યુ કે એરફોર્સની પહોંચ પાકિસ્તાનના દરેક ખુણા સુધી છે. આ સાથે જ તેમણે કહ્યુ કે ભારતીય સીમા સંપૂર્ણ રીતે સુરક્ષિત છે.
-
સ્થાનિકોએ રોડને ઓક્સિજનની બોટલ ચઢાવી કર્યો વિરોધ
વડોદરા: તાંદલજામાં બિસ્માર રસ્તાને લઈ અનોખો વિરોધ કરવામાં આવ્યો. સ્થાનિકોએ રોડને ઓક્સિજનની બોટલ ચઢાવી વિરોધ કર્યો. દોઢ મહિનાથી રોડ ખોદી નાખ્યો હોવાનો દાવો છે. સમયસર રસ્તાનું કામ પૂર્ણ ન થતાં લોકોને હાલાકી છે. મનપાનાં અણઘડ વહીવટને કારણે સ્થાનિકો ત્રસ્ત છે.
-
સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ ભૂજ એરપોર્ટ પહોંચ્યા
કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથ સિંહ આજે ગુજરાતના પ્રવાસે છે. તેઓ ભુજ એરપોર્ટ પહોંચ્યા છે. તેઓ આજે ભૂજ એરફોર્સ સ્ટેશન પહોંચી વાયુસેના, BSF અને અન્ય સુરક્ષા એજન્સીઓના કર્મચારીઓ સાથે મુલાકાત કરશે. રાજનાથ સિંહ સાથે લેફ્ટનન્ટ જનરલ ધીરજ સેઠ, જનરલ ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ, સધર્ન કમાન્ડ હાજર રહેશે. ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે ભુજે અનેક પાકિસ્તાની ડ્રોનને તોડી પાડ્યા હતા.
-
મહેસાણા: ખેરાલુ વિસનગર રોડ પર દારૂ ભરેલી કાર ઝડપાઈ
મહેસાણા: ખેરાલુ વિસનગર રોડ પર દારૂ ભરેલી કાર ઝડપાઈ. કારમાંથી 6 લાખ 34 હજારની કિંમતની 692 દારૂની બોટલ મળી આવી છે. દારૂનો જથ્થો લાવનારા રાજસ્થાનના ડ્રાઈવર અને હેલ્પરની ધરપકડ કરવામાં આવી. કાર, દારૂ સહિત કુલ 16 લાખ 44 હજારનો મુદ્દામાલ જપ્ત કરાયો. દારૂનો જથ્થો મોકલનારો અને મંગાવનારા સહિત કારનો માલિક વોન્ટેડ જાહેર કરાયો.
-
બનાસકાંઠા: પાંજરાપોળમાં એક બાદ એક 36 ગાયના મોતથી ચકચાર
બનાસકાંઠા: પાંજરાપોળમાં એક બાદ એક 36 ગાયના મોતથી ચકચાર મચી ગઇ છે. ડીસાના બળોધર ગામમાં ભીલડીયાજી પાંજરાપોળ 36 ગાયના મોત થયા છે. લીલો ઘાસચારો ખાધા બાદ ગાયોના મોત થયું હોવાનું સામે આવ્યું છે. ગરમીને કારણે લીલા ઘાસચારામાં બફારો થતા ગાયોના મોતનો ખુલાસો થયો છે. પશુધન નિરીક્ષક તબીબોના પોસ્ટમાર્ટમમાં ઘાસચારાને કારણે ગાયોના મોત થયાનું સામે આવ્યુ છે. થોડા સમયમાં જ 36 ગાયના મોતથી સંચાલકો પણ દોડી આવ્યાં હતા. અન્ય 15 ગાયને તાત્કાલિક સારવાર માટે ખસેડાઈ છે.
-
રાજકોટના ધોરાજીના ગ્રામ્ય વિસ્તારમાં દીપડાના આંટાફેરા
રાજકોટના ધોરાજીના ગ્રામ્ય વિસ્તારમાં દીપડાના આંટાફેરા જોવા મળી રહ્યા છે. ધોરાજી તાલુકાના પાટણવાવમાં દીપડો દેખાયો. દીપડો દેખાતા ખેડૂતો અને ગ્રામજનોમાં ભયનો માહોલ છે. રાત્રિના સમયે ખેતરમાં કામ કરતા ખેડૂતોમાં ડર ફેલાયો છે. પાણી અને શિકારની શોધમાં આવી ચડ્યો હોવાનું અનુમાન છે.
-
જૂનાગઢ :14 વર્ષના સગીરે ગળે ફાંસો ખાઈ ટૂંકાવ્યું જીવન
જૂનાગઢના માળીયા હાટીનામાં વિદ્યાર્થીએ આપઘાત કર્યો. ભણતર બાબતે માતા-પિતાએ ઠપકો આપતા આપઘાત કર્યો. 14 વર્ષના સગીરે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું. દિકરાના આપઘાતથી પરિવાર પર આભ તૂટ્યુ. પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી.
-
સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ આજે ભૂજ આવશે
રક્ષા મંત્રી રાજનાથ સિંહ આજે ગુજરાત આવશે. તેઓ કચ્છ જિલ્લાના ભૂજ એરફોર્સ સ્ટેશનની મુલાકાત લેશે અને સેનાના જવાનો સાથે વાતચીત કરશે.
Published On - May 16,2025 7:33 AM