05 જુનના મહત્વના સમાચાર : આજથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત અને દમણ પ્રવાસે
આજે 05 જુન શુક્રવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
LIVE NEWS & UPDATES
-
ગાંધીનગર: ઘાસ કાપવાના થ્રેસરમાં હાથ ફસાતા યુવક ઘાયલ
ગાંધીનગર જિલ્લાના બાસણ ગામમાં ઘાસ કાપવાના થ્રેસરમાં હાથ ફસાઈ જતાં એક યુવક ગંભીર રીતે ઘાયલ થયો હતો. અકસ્માત દરમિયાન યુવકનો અંગૂઠો અને એક આંગળી કપાઈ ગઈ હતી. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને કાળજીપૂર્વક રેસ્ક્યૂ ઓપરેશન ચલાવી યુવકનો હાથ થ્રેસરમાંથી બહાર કાઢ્યો હતો. ત્યારબાદ ઘાયલ યુવકને વધુ સારવાર માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. સદનસીબે આ અકસ્માતમાં મોટી જાનહાનિ ટળી હતી, જોકે યુવકને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર હેઠળ રાખવામાં આવ્યો છે.
-
આણંદઃ લાઓસમાં ફસાયેલી બોરસદની બે યુવતીનું સફળ રેસ્ક્યૂ
આણંદ જિલ્લાના બોરસદની બે યુવતીઓ લાઓસમાં ફસાયેલી હોવાની માહિતી મળ્યા બાદ તેમના બચાવ માટે હાથ ધરાયેલી કામગીરી સફળ રહી છે. ‘ઓપરેશન મહિસાગર 2.0’ હેઠળ વિદેશ મંત્રાલય, ભારતીય દૂતાવાસ અને આણંદના સાંસદ મિતેષ પટેલના સંકલિત પ્રયાસોથી બંને યુવતીઓને સુરક્ષિત બહાર કાઢવામાં આવી છે. સાંસદ મિતેષ પટેલની રજૂઆત બાદ બચાવ કામગીરીને વેગ મળ્યો હતો, જ્યારે સાંસદ કાર્યાલયની ટીમે દિવસ-રાત સતત સંકલન કરીને સમગ્ર પ્રક્રિયા પાર પાડી હતી. હાલમાં કાયદાકીય કાર્યવાહી પૂર્ણ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે, ત્યારબાદ બંને યુવતીઓને સુરક્ષિત રીતે ભારત પરત લાવવામાં આવશે. નોંધનીય છે કે અગાઉ પણ ‘ઓપરેશન મહિસાગર’ હેઠળ આણંદના નાગરિકોને વિદેશમાંથી સુરક્ષિત વતન પરત લાવવામાં આવ્યા હતા. કેન્દ્ર સરકાર વિદેશમાં ફસાયેલા ભારતીય નાગરિકોની સુરક્ષિત વતન વાપસી માટે સતત પ્રતિબદ્ધ હોવાનું ફરી એકવાર સાબિત થયું છે.
-
-
સુરત અને દમણમાં અંદાજે ₹18,800 કરોડના વિકાસ કાર્યોની ભેટ આપશે PM
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે, જ્યાં તેઓ સુરત અને દમણમાં અંદાજે ₹18,800 કરોડના વિકાસ કાર્યોની ભેટ આપશે. બપોરે 2:30 વાગ્યે તેઓ સુરત એરપોર્ટ પર પહોંચશે અને ત્યારબાદ હજીરા સ્થિત એલ એન્ડ ટી પ્લાન્ટની મુલાકાત લેશે. તેમના હસ્તે વડોદરા-મુંબઈ એક્સપ્રેસવે તેમજ ESIC હોસ્પિટલનું લોકાર્પણ કરવામાં આવશે. સુરતના ઇન્ડોર સ્ટેડિયમમાં તેઓ વિશાળ જનસભાને પણ સંબોધશે. ઉપરાંત, દમણ ખાતે નમો એરપોર્ટના નવનિર્મિત ટર્મિનલ બિલ્ડિંગનું ઉદ્ઘાટન કરીને વિકાસ કાર્યોને નવી ગતિ આપશે.
-
વડાપ્રધાન દમણની મુલાકાત દરમિયાન પણ કરોડોના વિકાસ કાર્યોની ભેટ આપશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંઘપ્રદેશ દમણની મુલાકાત દરમિયાન પણ કરોડોના વિકાસ કાર્યોની ભેટ આપશે. વડાપ્રધાન મોદીના હસ્તે આશરે 2970 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા અને પ્રસ્તાવિત કુલ 56 વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે. દમણના ડોમેસ્ટિક એરપોર્ટને હવે “નમો એરપોર્ટ” નામ આપવામાં આવ્યું છે, જ્યારે કે દમણની જાણીતી મરવડ હોસ્પિટલ પણ હવે “નમો હોસ્પિટલ” તરીકે ઓળખાશે. વડાપ્રધાનની મુલાકાત પૂર્વે બંને મહત્વપૂર્ણ યોજનાઓના નામ નરેન્દ્ર મોદીના નામ સાથે જોડાતા દમણવાસીઓમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત આઇકોનિક બ્રિજ, કન્વેન્શન સેન્ટર સહિત અનેક નવા વિકાસકાર્યોના ખાતમુહૂર્ત પણ વડાપ્રધાનના હસ્તે કરવામાં આવશે. વડાપ્રધાનના આગમનને લઈને સમગ્ર દમણમાં તંત્ર અને ભાજપ સંગઠન દ્વારા તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. બીજી તરફ પીએમના કાર્યક્રમને લઇને ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે.
આજે 05 જુન શુક્રવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
Published On - Jun 05,2026 7:27 AM
