01 જાન્યુઆરીના મહત્વના સમાચાર : ગુજરાતની નવી નવ મહાનગરપાલિકામાં મ્યુ કમિશનરની કરાઈ નિમણૂંક

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 01, 2025 | 9:05 PM

આજે 01 જાન્યુઆરીના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો..

01 જાન્યુઆરીના  મહત્વના સમાચાર : ગુજરાતની નવી નવ મહાનગરપાલિકામાં મ્યુ કમિશનરની કરાઈ નિમણૂંક

સુરતમાં હજીરાની એક કંપનીની ચીમનીમાં આગ લાગી. આગમાં 4 લોકોના મોત થયા છે.તો 10 લોકો ઈજાગ્રસ્ત થયા. રાજકોટમાં રૈયા ચોકડી પાસે PSI અને પબ્લિક વચ્ચે મારામારી થઇ, વાહન રોકતાં PSI અને યુવક વચ્ચે મારામારી થઈ.  નવા વર્ષને આવકારવાની તૈયારી. દારૂડિયાઓ અને અસામાજિક તત્વોને પકડવા માટે પોલીસ પણ સજ્જ . વિશ્વભરમાં નવા વર્ષની ઉજવણીઓ શરૂ. ઓસ્ટ્રેલિયા, હોંગકોંગ, ન્યૂઝીલેન્ડ અને જાપાનમાં ઉલ્લાસ સાથે કરાઈ ઉજવણી. જયપુરમાં ગેસ ફિલિંગ પ્લાન્ટમાં ગેસ લીકેજ થતાં ખળભળાટ. પોલીસ અને સિવિલ ડિફેન્સની ટીમ લાગી કામે. ઉત્તર ભારતના રાજ્યોમાં હાડ થિજવતી ઠંડીની આગાહી. નવા વર્ષના પ્રથમ સપ્તાહે  ભયંકર ઠંડી પડશે.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 01 Jan 2025 08:34 PM (IST)

    બુલેટ ટ્રેનના ટ્રેક લગાવવાના કારણે, ઝઘડિયા બ્રિજથી મણિનગર રેલવે પોલીસ ચોકી સુધીનો માર્ગ 3 મહિના બંધ રહેશે

    અમદાવાદ શહેરમાં ભારત સરકારના બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંતર્ગત મણિનગર રેલ્વે સ્ટેશન નજીક બુલેટ ટ્રેનના તૈયાર થયેલ પીલ્લર ઉપર રેલ્વે ટ્રેક (સેગમેન્ટ) લગાવવાનું કામકાજ કરવામાં આવનાર છે. જે કામગીરી અનુસંધાને મણિનગર રેલવે સ્ટેશનના બહારના ભાગે આવેલ ઝઘડિયા બ્રિજથી મણિનગર રેલવે પોલીસ ચોકી સુધીનો આશરે 100 મીટર જેટલો રોડ 3-માસ સુધીના સમયગાળા દરમિયાન બંધ કરવામાં આવનાર છે. આ કામકાજ દરમિયાન નીચે મુજબની વિગતે ટ્રાફિક ડાયવર્ઝન કરવામાં આવનાર છે.

    વાહનોની અવર-જવર માટે પ્રતિબંધિત માર્ગ

    મણિનગર રેલ્વે સ્ટેશનના બહારના ભાગે આવેલ ઝઘડિયા બ્રિજથી મણિનગર રેલ્વે પોલીસ ચોકી સુધીનો આશરે ૧૦૦ મીટર જેટલો એક તરફનો રોડ વાહન વ્યવહારની અવર-જવર માટે બંધ રહેશે.

    વૈકલ્પિક માર્ગ

    1. ભૈરવનાથ રોડ, જશોદાનગર ચોકડી, જયહિંદ ચાર રસ્તા, સ્વામીનારાયણ મંદિર તથા દક્ષિણી સોસાયટી તરફથી આવતાં વાહનો રેલ્વે સ્ટેશન તરફનો એક સાઇડનો રોડ ચાલુ છે તેનો ઉપયોગ કરી અલગ અલગ મુખ્ય માર્ગો તરફ જઈ શકાશે.

    2. કાંકરિયા તળાવ, રામબાગ, મણિનગર ચાર રસ્તા, કૃષ્ણબાગ ચાર રસ્તા, એલ.જી.હોસ્પિટલ, સિદ્ધિ વિનાયક હોસ્પિટલ, ગુરુદ્વારા તરફથી આવતાં વાહનો રેલ્વે સ્ટેશન તરફનો એક સાઈડનો રોડ ચાલુ છે, તેનો ઉપયોગ કરી અલગ અલગ મુખ્ય માર્ગો તરફ જઈ શકાશે.

  • 01 Jan 2025 08:30 PM (IST)

    ગુજરાતની નવી નવ મહાનગરપાલિકામાં મ્યુ કમિશનરની કરાઈ નિમણૂંક

    ગુજરાત સરકારે આજે જાહેર કરેલ નવી નવ મહાનગરપાલિકામાં નવા કમિશનરની નિમણુંક કરી છે. મોરબી મનપા કમિશનર તરીકે સ્વપનિલ ખરેની નિમણુંક કરાઈ છે. આણંદ મનપા કમિશનર તરીકે મિલિન્દ બાપનાની નિમણુંક કરવામાં આવી છે. નડિયાદ મનપા કમિશનર તરીકે મીરાંત પરીખની નિમણુંક કરાઈ છે. વાપી મનપા કમિશનર તરીકે યોગેશ ચૌધરીની નિમણુંક કરવામાં આવી છે.

    મહેસાણા મનપા કમિશનર તરીકે રવિન્દ્ર ખટાલેની નિમણુંક કરાઈ છે. સુરેન્દ્રનગર મનપા કમિશનર તરીકે જી એચ સોલંકીની નિમણુંક કરવામાં આવી છે. નવસારી મનપા કમિશનર તરીકે દેવ ચૌધરીની નિમણુંક થઈ છે. પોરબંદર મનપા કમિશનર તરીકે એચ જે પ્રજાપતિની નિમણુંક કરાઈ છે. જ્યારે ગાંધીધામ મનપા કમિશનર તરીકે એમ પી પંડ્યાની નિમણુંક કરવામાં આવી છે.

  • 01 Jan 2025 06:34 PM (IST)

    અમેરિકામાં નવા વર્ષની ઉજવણી કરી રહેલ ભીડ પર ચડાવાઈ ટ્રક, પછી કર્યો ગોળીબાર, 10ના મોત

    દક્ષિણ અમેરિકાના શહેર ન્યૂ ઓર્લિયન્સમાં એક ભયાનક અકસ્માત થયો છે. નવા વર્ષના પ્રથમ દિવસે એક ઝડપી પીકઅપ ટ્રક, નવા વર્ષની ઉજવણી કરી રહેલ ભીડમાં ઘુસી ગઈ હતી. આ અકસ્માતમાં 10 લોકોના મોત થયા છે. પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે અકસ્માત બાદ ડ્રાઈવર ટ્રકમાંથી બહાર આવ્યો અને તેણે ગોળીબાર શરૂ કર્યો.

  • 01 Jan 2025 06:22 PM (IST)

    સુરતના ગોડાદરામાં ગેસ લીકેજથી  લાગેલી આગમાં બે બાળકોના મોત

    સુરતના ગોડાદરામાં ગેસ લીકેજથી  લાગેલી આગમાં બે બાળકોના મોત થયા છે. ગત 26 ડિસેમ્બરના રોજ ગોડાદરા ખાતે ગેસ લીકેજના કારણે લાગેલી આગમાં એક જ પરિવારના ચાર સભ્યો દાઝી ગયા હતા. જે પૈકી 9 વર્ષ બાળક અને અઢી વર્ષની બાળકીનું સારવાર દરમ્યાન મોત થયું છે. જો કે માતા પિતા ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ છે. ગોડાદરા પોલીસે અકસ્માતે મોત નોંધ કરીને તપાસ શરૂ કરી છે.

  • 01 Jan 2025 05:10 PM (IST)

    મોદી સરકારે ખેડૂતોને આપી ભેટ, પીએમ ફસલ યોજનાની ફાળવણીમાં કર્યો વધારો, DAP પર સબસિડી વધારાઈ

    આજે બુધવારે પીએમ નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં ખેડૂતોને લઈને ઘણા નિર્ણયો લેવામાં આવ્યા હતા. કેબિનેટની બેઠકમાં પીએમ ફસલ યોજના માટે નાણાકીય ફાળવણી વધારીને 69515 કરોડ રૂપિયા કરવામાં આવી હતી. માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, કેન્દ્રીય કેબિનેટે DAP માટે રૂ. 3,850 કરોડના વિશેષ પેકેજને મંજૂરી આપી છે.

  • 01 Jan 2025 04:50 PM (IST)

    ઘોઘંબાના રણજીત નગર ખાતે આવેલ GFL કેમિકલ કંપનીને ફટકારાઈ નોટિસ

    ઘોઘંબા તાલુકાના રણજીત નગર ખાતે આવેલ GFL કેમિકલ કંપનીને, પંચમહાલના જિલ્લા ઓદ્યોગિક સલામતી સ્વાસ્થ્ય કચેરી દ્વારા નોટિસ ફટકારાઈ છે. નાયબ નિયામક દ્વારા પ્લાન્ટની મુલાકાત દરમ્યાન GFL કેમિકલ કંપનીના પ્લાન્ટમાં ગંભીર પ્રકારની ક્ષતીઓ જોવા મળી હતી. પ્લાન્ટના અમુક એરિયામાં કાટ લાગેલ હોવાનું તપાસમાં જણાઈ આવ્યું હતું. જેને લઈને કંપનીને કારણ દર્શક નોટિસ આપવામાં આવી અને ક્ષતીઓ દૂર કરી 10 દિવસમાં ટેસ્ટ રિપોર્ટ રજૂ કરવા નોટિસ દ્વારા જણાવ્યું છે.

    ભરૂચ દહેજમાં GFL કેમિકલ કંપનીમા ગેસ ગળતરની બનેલી ઘટનામા 4 કામદારોના મોત બાદ સંલગ્ન વિભાગ એક્શનમાં આવ્યો છે. નોંધનીય છે ગત 16 ડિસેમ્બર 2021 ના રોજ પંચમહાલ ના ઘોઘંબાના રણજીતનગર માં આવેલી GFL કેમિકલ કંપનીના પ્લાન્ટમાં બ્લાસ્ટની ઘટના બનવા પામી હતી, જેમાં 7 કામદારના કમકમાટી ભર્યા મોત થયા હતા

  • 01 Jan 2025 04:25 PM (IST)

    અમદાવાદના ઘાટલોડિયા જનતાનગર ફાટક 8મી જાન્યુઆરી સુધી બંધ રહેશે

    પશ્ચિમ રેલવે અમદાવાદ ડિવિઝનના અમદાવાદ-વિરમગામ સેક્શનના ચાંદલોડિયા “A” અને આંબલી રોડ સ્ટેશન વચ્ચે આવેલ રેલ્વે ક્રોસિંગ નંબર 7 કિમી 507/37-39 ઘાટલોડિયા જનતા નગર ફાટક અતિ આવશ્યક સમારકામ માટે, આવતીકાલ 02 જાન્યુઆરી 2025 ના રોજ સવારે 08.00 વાગ્યા થી 08 જાન્યુઆરી 2025 ના રોજ સાંજે 18.00 વાગ્યા સુધી બંધ રહેશે.

  • 01 Jan 2025 03:54 PM (IST)

    ખ્યાતિ હોસ્પિટલમાં છેતરપિંડીનો ભોગ બનેલા 15 લોકોએ હાઈકોર્ટના ખખડાવ્યા દ્વાર

    ખ્યાતિ હોસ્પિટલમાં તમામ નીતિ નિયમો નેવે મૂકીને દર્દીને  શારીરિક અને આર્થિક રીતે ચીરી નાખવાના કેસમાં ગુજરાત હાઈકોર્ટમાં 15 અરજી દાખલ થઈ છે. ખ્યાતિ હોસ્પિટલના કૌંભાડનો ભોગ બનેલા દર્દીના પરિવારજનોએ કરેલ અરજીમાં એવી દાદ માંગવામાં આવી છે કે, વ્યક્તિગત ફરિયાદ કરવામાં આવવા દેવાય. આ કેસમાં અત્યાર સુધી માત્ર એક જ ફરિયાદ દાખલ થઈ છે. હોસ્પિટલ દ્વારા શારીરિક અને આર્થિક રીતે ચીરી નાખવાના કૌંભાડમાં, ન્જીઓ ગ્રાફિ અને એન્જીઓ પ્લાસ્ટી કરાયેલ દર્દીઓમાં કોઈને કોઈ શારીરિક તકલીફ રહેવા પામી છે. આવા લોકોના અત્યાર સુધીમાં કોઈ જ તપાસ એજન્સી કે આરોગ્ય વિભાગ તરફથી સત્તાવાર નિવેદન લેવામાં નથી આવ્યા.

  • 01 Jan 2025 02:38 PM (IST)

    સાબરકાંઠા: BZ કૌભાંડ મામલે CIDની તપાસનો ધમધમાટ

    સાબરકાંઠા: BZ કૌભાંડ મામલે CIDની તપાસનો ધમધમાટ ચાલુ છે. રિમાન્ડ દરમિયાન ભૂપેન્દ્ર ઝાલા તપાસમાં સહકાર નથી આપી રહ્યો. ભૂપેન્દ્ર ઝાલા રાજકીય આકાઓના નામને લઈ મૌન સેવી રહ્યો છે. કેટલાક અધિકારીઓએ જ ભૂપેન્દ્ર ઝાલાને રાજકીય પાઠ શિખવ્યા હતા. ભૂપેન્દ્ર ઝાલા અને પોલીસ અધિકારી 2022માં પત્રિકા કાંડમાં વિવાદમાં આવ્યા હતા.

  • 01 Jan 2025 12:58 PM (IST)

    નવી 9 કોર્પોરેશનને અપાઇ સત્તાવાર મંજૂરી

    નવી 9 કોર્પોરેશનને પણ સત્તાવાર મંજૂરી મળી છે. નવસારી, વાપી, મહેસાણા, નડિયાદ, આણંદ કોર્પોરેશન બનશે. સુરેન્દ્રનગર, ગાંધીધામ, મોરબી, પોરબંદર પણ કોર્પોરેશન બનશે. 9 પાલિકા હવે મહાનગર પાલિકા બનશે. આજે સાંજે સત્તાવાર જાહેરાત થશે.

  • 01 Jan 2025 12:41 PM (IST)

    રાજ્યમાં વધુ એક જિલ્લો આવશે અસ્તિત્વમાં

    રાજ્યમાં વધુ એક જિલ્લો અસ્તિત્વમાં આવશે. બનાસકાંઠા જિલ્લામાંથી વધુ એક જિલ્લાને મંજૂરી મળી છે. બનાસકાંઠામાંથી વિભાજીત થઈ વાવ-થરાદ નવો જિલ્લો બનશે. વાવ થરાદના 8 તાલુકા જ્યારે બનાસકાંઠામાં 6 તાલુકા રહેશે. વાવ-થરાદ જિલ્લાનું મુખ્ય કેન્દ્ર થરાદ રહેશે.

  • 01 Jan 2025 11:21 AM (IST)

    મહેસાણામાં ફરી ચાઈનીઝ દોરીનો ભોગ બની યુવતી

    મહેસાણામાં ફરી ચાઈનીઝ દોરીનો ભોગ યુવતી બની છે. આંબલિયાસણમાં યુવતીને ચાઈનીઝ દોરી વાગતા ગળું કપાયું છે. રેલવે પુલ પરથી મોપેડ લઈને જતાં સમયે આ ઘટના બની છે. ગળાના ભાગે દોરી વાગતા યુવતી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઇ. યુવતીને તાત્કાલિક હોસ્પિટલે સારવાર અર્થે ખસેડાતા જીવ બચી ગયો છે. થોડા દિવસ પહેલા ચાઈનીઝ દોરી વાગતા યુવકનું મોત થયું હતું.

  • 01 Jan 2025 10:17 AM (IST)

    મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક

    મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક મળી છે. આગામી બજેટની તૈયારીઓ તથા બજેટ સત્ર સંદર્ભે કેબિનેટમાં ચર્ચા થશે. PM જયમાં થયેલી ગેરરીતિ બાદ આરોપીઓ સામે લીધેલા પગલાં બાબતે ચર્ચા થશે. ટેકાના ભાવે મગફળી ખરીદીની સમિક્ષા થશે. ગણતંત્ર દિવસની ઉજવણીના કાર્યક્રમો બાબતે ચર્ચા થશે. રાજ્ય સરકાર ના આગામી આયોજનો અને નીતિગત વિષયો પર સમિક્ષા થશે.

  • 01 Jan 2025 10:07 AM (IST)

    મહેસાણા: ઊંઝા APMCમાં જીરૂની આવક વધી

    મહેસાણા: ઊંઝા APMCમાં જીરૂની આવક વધી છે. APMCમાં દરરોજ ₹ 7થી 8 હજાર બોરી જીરૂની આવક થઇ. નિકાસ ગુણવત્તા વાળા જીરૂના ભાવ ₹ 4500થી 4800 છે. ગુજરાત અને રાજસ્થાનમાં ચાલુ વર્ષે વાવેતર ઓછું થયાનો અંદાજ છે. હાલના ભાવ મુજબ પણ જીરૂની નિકાસ સારી રહેશે. સ્થાનિક વેપાર પણ સારો રહેવાનો અંદાજ છે.

  • 01 Jan 2025 10:05 AM (IST)

    અમદાવાદમાં આજથી રિક્ષામાં મીટર ફરજિયાત

    અમદાવાદમાં આજથી રિક્ષામાં મીટર ફરજિયાત રહેશે. મીટર ફરજિયાત કરવાના નિર્ણયને રિક્ષાચાલક યુનિયને આવકાર્યો. મીટર ન લગાવ્યું હોય તેના પર કાર્યવાહી કરવાની યુનિયનની માગ છે. શટલ રિક્ષાચાલકો સામે પણ કાર્યવાહી કરવાની માગ છે. મીટર લગાવવાની સમય મર્યાદામાં વધારો કરવાની જરૂર હોવાની માગ કરવામાં આવી.

  • 01 Jan 2025 08:56 AM (IST)

    બનાસકાંઠા: સૂઇગામના ઉચોસણ પાસે ગોઝારો અકસ્માત

    બનાસકાંઠા: સૂઇગામના ઉચોસણ પાસે ગોઝારો અકસ્માત સર્જાયો છે. ખાનગી બસ અને ટેન્કર વચ્ચે ટક્કર થતા 2 લોકોના મોત થયા છે. બસમાં સવાર 25થી વધુ મુસાફરોને ઇજા પહોંચી છે. 7થી વધુ એમ્બ્યુલન્સ મારફતે ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા છે. ખાનગી બસ રાજસ્થાનથી રાજકોટ તરફ જઇ રહી હતી. ઘટનાની જાણ થતા આસપાસના સ્થાનિકો  મદદ માટે દોડી આવ્યા હતા.

  • 01 Jan 2025 07:52 AM (IST)

    દેશભરમાં નવા વર્ષની ઉજવણી

    દેશમાં નવું વર્ષ એટલે કે 2025 શરૂ થઈ ગયું છે. રાજધાની દિલ્હીથી લઈને મુંબઈ અને બેંગ્લોર સુધી આતશબાજી જોવા મળી રહી છે. લોકો ફટાકડા ફોડીને નવા વર્ષની ઉજવણી કરતા જોવા મળ્યા.

  • 01 Jan 2025 07:47 AM (IST)

    સુરતઃ હજીરાની AMNS કંપનીના પ્લાન્ટમાં આગ

    સુરતના હજીરામાં વર્ષના અંતિમ દિવસના અંતિમ કલાકોમાં જ આગની દુર્ઘટના સર્જાતા ચાર કર્મચારીઓના કરૂણ મોત નિપજ્યા હતા. હજીરા ખાતે આવેલી AMNS કંપનીના કોરેક્સ-2 પ્લાન્ટમાં આગની દુર્ઘટના સર્જાય હતી. ઘટનામાં 4 મજૂરોના મોત નીપજ્યા, જ્યારે 10 લોકો દાઝી ગયા હોવાથી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે. તમામ ઈજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા. ઘટના બનતા જ નોટિફાઇડ એરિયાની ફાયરની ટીમ સ્થળે પહોંચી હતી.

Published On - Jan 01,2025 7:46 AM

Follow Us:
અમરેલી લેટર કાંડમાં પાટીદાર યુવતીને 15 હજારના બોન્ડ પર મળ્યા જામીન
અમરેલી લેટર કાંડમાં પાટીદાર યુવતીને 15 હજારના બોન્ડ પર મળ્યા જામીન
અમરેલી લેટરકાંડમાં પાટીદાર દીકરી મુદ્દે રાજનીતિ ચરમસીમાએ
અમરેલી લેટરકાંડમાં પાટીદાર દીકરી મુદ્દે રાજનીતિ ચરમસીમાએ
બોપલમાં ધોળા દિવસે જ્વેલર્સની દુકાનમાં લૂંટ, લાખોના દાગીનાની ચોરી
બોપલમાં ધોળા દિવસે જ્વેલર્સની દુકાનમાં લૂંટ, લાખોના દાગીનાની ચોરી
આ 4 રાશિના જાતકોને કાર્યક્ષેત્રે લાભના સંકેત
આ 4 રાશિના જાતકોને કાર્યક્ષેત્રે લાભના સંકેત
અંબાલાલ પટેલે કરી કમોસમી વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે માવઠું !
અંબાલાલ પટેલે કરી કમોસમી વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે માવઠું !
સાબરકાંઠામાં 7 વર્ષ બાદ સિક્સલેન ઓવરબ્રિજની કામગીરી પૂર્ણ
સાબરકાંઠામાં 7 વર્ષ બાદ સિક્સલેન ઓવરબ્રિજની કામગીરી પૂર્ણ
ડાયમંડ બાદ સિરામિક ઉદ્યોગને લાગ્યુ મંદીનું ગ્રહણ
ડાયમંડ બાદ સિરામિક ઉદ્યોગને લાગ્યુ મંદીનું ગ્રહણ
દાહોદમાં કારચાલકને હેલ્મેટ ન પહેરવા બદલ ફટકારાયો મેમો- Video
દાહોદમાં કારચાલકને હેલ્મેટ ન પહેરવા બદલ ફટકારાયો મેમો- Video
સુરતની VNSGU યુનિવર્સિટીમાં 5 વિદ્યાર્થી મદિરા પાર્ટી કરતા ઝડપાયા
સુરતની VNSGU યુનિવર્સિટીમાં 5 વિદ્યાર્થી મદિરા પાર્ટી કરતા ઝડપાયા
પાટીદાર દીકરીનું સરઘસ કાઢવા મુદ્દે બેઠકમાં સધાઈ સર્વસંમતિ
પાટીદાર દીકરીનું સરઘસ કાઢવા મુદ્દે બેઠકમાં સધાઈ સર્વસંમતિ
g clip-path="url(#clip0_868_265)">