સુરેન્દ્રનગર: હવે સિરામિક ઉદ્યોગને લાગ્યુ મંદીનું ગ્રહણ, સરકાર પાસે મદદની આશાએ મીટ માંડતા ઉદ્યોગકારો- Video
સુરેન્દ્રનગરનો થાન તાલુકો તેના સિરામીક અને ચિનાઈ માટીના ઉદ્યોગ માટે રાજ્યભરમાં પ્રખ્યાત છે. જો કે હાલ આ ઉદ્યોગ મંદીના ભરડામાં આવ્યો છે અને ઉદ્યોગકારો સરકાર પાસે મદદની અપેક્ષા લગાવીને બેઠા છે.
છેલ્લા ઘણા સમયથી સુરેન્દ્રનગરના થાન સિરામિક ઉદ્યોગમાં ઐતિહાસિક મંદી જોવા મળી રહી છે. સરકારના પ્રોત્સાહનના અભાવે અત્યારે ઉદ્યોગ ડામાડોળ સ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે. સિરામિક ઉદ્યોગમાં ગેસના ભાવ વધારો અને રસ્તા જેવી પ્રાથમિક સુવિધાઓનો અભાવની ખરાબ અસર વર્તાઈ રહી છે. ઉદ્યોગ હવે ચાઈના બજાર સામે ટકી શકે તેવી પરિસ્થિતિમાં પણ નથી. જેથી ઉદ્યોગપતિઓ ભારે ચિંતામાં મુકાયા છે. જોકે અનેક એકમોને તો બંધ કરવા સુધીની સ્થિતિ ઉભી થઈ છે. ત્યારે સિરામિક ઉદ્યોગનું અસ્તિત્વ ટકાવા માટે સરકાર પાસે ઉદ્યોગકારોએ માગ કરી છે.
સૌરાષ્ટ્રમાં મોરબી, થાન, વાંકાનેર અને ઉતર ગુજરાતમાં સિરામીક ઉદ્યોગ ચાલી રહ્યો છે. જેમા ખાસ કરીને મોરબી અને થાન સિરામીકના હબ ગણાય છે. સામાન્ય રીતે શિયાળાની ઋતુ માં સિરામિક ઉદ્યોગમાં ડોમેસ્ટિક માંગ વધતી હોય છે પરંતુ હાલ બજારમાં કોઈ માગ જોવા મળતી નથી. વિશ્વ સ્તરે યુદ્ધને કારણે તેમજ કન્ટેનરના ભાડામાં વધારો અને એન્ટી ડમ્પીંગ ડ્યૂટીના કારણે એક્સપોર્ટ સાવ ઘટી ગઈ છે. ગત વર્ષે 18 હજાર કરોડના એક્સપોર્ટના ઓર્ડર સામે આ વર્ષે માંડ 15 હજાર કરોડની એક્સપોર્ટ રહેવાની શક્યતા જણાઈ રહી છે.
હાલ એક માસ યુનિટ બંધ રાખી માલ ઉત્પાદન ઘટાડી નુકસાન ઓછું કરવાની ફરજ ઊભી થઈ છે. જો આ સ્થિતિ લાંબો સમય રહેશે તો આગામી સમયમાં સિરામીક પ્રોડકશન બંધ કરવાની ફરજ પડશે. જેને કારણે સિરામિક ઉદ્યોગમાં લાખો શ્રમિકોની રોજગારી ઉપર પણ તરાપ લાગવાની શક્યતા દેખાઈ રહી છે.