અમરેલી લેટર કાંડમાં પાટીદાર યુવતીને 15 હજારના બોન્ડ પર મળ્યા જામીન, જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકે કાયમી નોકરી આપવાની બતાવી તૈયારી- Video
અમરેલી લેટર કાંડમાં પાટીદાર યુવતીને 15 હજાર ના બોન્ડ પર જામીન મળ્યા છે. બનાવટી લેટરહેડ પર લેટર ટાઈપ કરનાર યુવતીને પોલીસે આરોપી બનાવી ધરપકડ કરી હતી અને છેલ્લા 4 દિવસથી જેલમાં રહ્યા બાદ આજે તે જેલ મુક્ત થઈ છે. બહાર આવતા જ યુવતી રડી પડી હતી.
અમરેલીના બહુ ગાજેલા અને ચર્ચાસ્પદ બનેલા લેટર કાંડમાં આખરે પાટીદાર યુવતીને જામીન મળ્યા છે. અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરીયાના હિતશત્રુ દ્વારા લેટર તૈયાર કરાવવામાં આવ્યો હતો. જેમા પાટીદાર યુવતી તેની ઓફિસમાં ઓપરેટર તરીકે કામ કરતી હતી અને પોલીસે તમામ 4 આરોપીની સાથે બોસના કહેવાથી લેટર ટાઈપ કરનારી પાટીદાર યુવતીને પણ આરોપી બનાવી રાત્રીના 12 વાગ્યે તેની ધરપકડ કરી હતી. પાંચ દિવસ સુધી આ મુદ્દે રાજનીતિ પણ ચરમપર જોવા મળી. આખરે આ તમામ હાઈવોલ્ટેજ ડ્રામાને અંતે યુવતીનો આજે જામીન પર છૂટકારો થયો છે.
અમરેલી જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકે કાયમી નોકરી આપવાની બતાવી તૈયારી
લેટરકાંડમાં યુવતીના સરઘસ બાદ અમરેલી જિલ્લામાં સંગ્રામ જામ્યો હતો. કોંગ્રેસ અને ભાજપ પાટીદાર દીકરી મુદ્દે આમને-સામને આવ્યા હતા. હવે અમરેલી જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકે યુવતીને કાયમી નોકરી આપવાની તૈયારી બતાવી છે. આ અંગે સહકારી બેંકના દિલીપ સંઘાણીએ બેંકની બોર્ડમાં ઠરાવ પણ કરાયો. જેને મંજૂરી આપી દેવામાં આવી છે.
જેલમાંથી બહાર આવતા જ રડી પડી યુવતી
જેલમુક્ત થયા બાદ બહાર આવતા જ યુવતી મતાપિતાને જોઈને રડી પડી હતી. આ સમયે યુવતીના માતાપિતા પણ રડતાં જોવા મળ્યા હતા. પાયલ તેના માતાપિતાને ભેટી પડી હતી અને ભાવુક દૃશ્યો સર્જાયા હતા. જેલમાંથી બહાર આવ્યા બાદ તે માનસિક રીતે અત્યંત અસ્વસ્થ હોવાનુ જોવા મળ્યુ હતુ અને મીડિયા સમક્ષ કંઈ પણ બોલવાની સ્થિતિમાં જણાઈ ન હતી. જિલ્લા સેશન્સ કોર્ટે 15 હજારના બોન્ડ પર યુવતીના જામીન મંજૂર કર્યા હતા.
જેલમાંથી બહાર આવતા જ બોલી ‘સત્યમેવ જયતે’
જેલ બહાર આવતા જ યુવતી ‘સત્યમેવ જયતે’ બોલી હતી. જે બાદ તે તેના ગામ વીઠલપુર જવા રવાના થઈ હતી. તેના ગામમાં પણ ગામલોકોએ ઢોલ નગારા સાથે યુવતીનું સામૈયુ કર્યુ હતુ. આ તરફ યુવતી જેલમુક્ત થતા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જેની ઠુમ્મરે મીડિયા સમક્ષ જણાવ્યુ કે મીડિયાનો અને ગુજરાતની જનતાનો આભાર માનુ છુ. આપ દ્વારા સરકાર પર જે દબાણ ઉભુ કરવામાં આવ્યુ અને પરિણામસ્વરૂપે આજે દીકરીને જામીન મળ્યા છે. આ સમયે કોંગ્રેસ દ્વારા પણ ભરપૂર રાજનીતિ કરવાનો પ્રયાસ થયો. દીકરી બહાર આવતા જ સૌથી પહેલા જેની ઠુમ્મરે તેને પોતાની કારમાં બેસાડી અને દીકરીની સાથે તેઓ પણ વિઠ્ઠલપુર પહોંચ્યા હતા.
Input Credit- Jaydev Kathi – Amreli
અમરેલી સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો