સુરતમાં VNSGUની હોસ્ટેલમાં વિદ્યાર્થીઓની દારૂ પાર્ટી, યુનિવર્સિટી રજિસ્ટ્રારે દરોડા પાડતા 1 વિદ્યાર્થી પકડાયો, 5ની શોધખોળ ચાલુ- Video
વિવાદોનો પર્યાય બનેલી સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ફરી એકવાર દારુ પાર્ટીને કારણે વિવાદમાં આવી છે. થર્ટી ફર્સ્ટની રાત્રે હોસ્ટેલમાં કેટલાક વિદ્યાર્થીઓ મદિરા પાન કરતા ઝડપાયા છે. જે પૈકી એકની ધરપકડ કરાઈ છે જ્યારે અન્ય 5 લોકો ફરાર થઈ ગયા હતા. આ કાંડ સામે આવતા યુનિવર્સિટીએ તમામ વિદ્યાર્થીઓના પ્રવેશ રદ કર્યા છે.
સુરતની વીર નર્મદ યુનિવર્સિટીમાં 1200 CCTV બાદ પણ કોઈપણ ડર વગર દારૂની પાર્ટી થઈ. જેને લઈને ફરી એક વખત વીર નર્મદ યુનિવર્સિટી શર્મસાર થઈ. હંમેશા કોઇને કોઇ વિવાદમાં રહેતી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં ફરી દારૂ પાર્ટી ઝડપાઇ છે. સ્વામી વિવેકાનંદ બોયઝ હોસ્ટેલમાં 2025ના નવા વર્ષને આવકારવા માટે વિદ્યાર્થીઓએ દારૂની પાર્ટી કરતા ચકચાર મચી છે. થર્ટી ફર્સ્ટની રાત્રે કરાયેલી રેડ દરમિયાન વિદ્યાર્થીના રૂમમાંથી દારૂની બોટલ, ઈ-સિગાર મળી આવ્યા. દરોડા દરમિયાન એક વિદ્યાર્થી ઘટનાસ્થળેથી ઝડપાયો હતો જ્યારે પાંચ ભાગવામાં સફળ રહ્યા.
વિવાદ બાદ યુનિવર્સિટીના સત્તાધીશો એક્શનમાં આવ્યા. જે વિદ્યાર્થીઓ પર પાર્ટી કરવાનો આરોપ છે તે વિદ્યાર્થીઓનો હોસ્ટેલમાંથી પ્રવેશ રદ કરાયો છે અને આગામી પરીક્ષા આપવા પર પણ પ્રતિબંધ મૂકી દેવાયો છે. હવે આ ઘટના બાદ યુનિવર્સિટી દ્વારા 50 કેમેરા લગાવવા અને એન્ટ્રી-એક્ઝિટ પર ફેસ રીડીંગ સિસ્ટમ ફીટ કરવાનો નિર્ણય કર્યો છે.
યુનિ. દ્વારા 4 વિદ્યાર્થીઓના પ્રવેશ રદ કરાયા
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી એટલે કે VNSGUએ દારૂની મહેફિલ માણતા 4 વિદ્યાર્થીઓના પ્રવેશ રદ કર્યા છે. જેમાં ડિપાર્ટેમેન્ટ ઓફ લોના મનોજ તિવારી ડિપાર્ટમેન્ટ ઓફ જેમએસીના નીરજ રાઠી ડિપાર્ટમેન્ટ ઓફ એમએસસી ફિઝિક્સના અભિન્ન કોમદ તેમજ ઈન્દ્રજિત નામના એક વિદ્યાર્થીનો સમાવેશ થઈ રહ્યો છે.