01 ઓગસ્ટના મહત્વના સમાચાર: હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં આગામી 24 કલાક બાદ ઘટશે વરસાદનું જોર, આવતીકાલે ઉત્તર ગુજરાત અને કચ્છમાં યલો એલર્ટ તો અંબાલાલે 3 ઓગસ્ટ સુધી અણધાર્યા વરસાદની કરી આગાહી
આજે 01 જુલાઈને ઓગસ્ટના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
આજે 01 જુલાઈને ઓગસ્ટના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
LIVE NEWS & UPDATES
-
ભરુચ: ભાવાલિયા તાલુકાના ડહેલી ગામની સ્થિતિ દયનીય
ભરુચ: ભાવાલિયા તાલુકાના ડહેલી ગામની સ્થિતિ દયનીય બની છે. ગામમાં 30 થી વધુ કાચા મકાનોમાં પૂર ના પાણીએ વિનાશ વેર્યો. ગામની રહીશ મંગીબેન આંસુ સાથે ઘરની અનાજની ખાલી પીપ બતાવી રહી છે. હાલ પૂરની સ્થિતિ સર્જાતા 200 થી વધુ લોકો ભારે કફોડી સ્થિતિમાં મુકાયા છે. ઘરની તમામ ઘરવખરી તણાઈ જતા પહેરેલ કપડે રહેવા મજબુર બન્યા છે. અસરગ્રસ્તો પાસે પહેરવા માટેના અન્ય જોડી કપડા નથી. ખાવા માટે અનાજ નથી અને રહેવ માટે છત નથી. સ્થાનિક તંત્ર તરફ તમામ અસરગ્રસ્તો મીટ માંડીને બેઠા છે.
-
વાવ-થરાદઃ લાખણી તાલુકાના ગેળા ગામે ધોધમાર વરસાદ
વાવ-થરાદઃ લાખણી તાલુકાના ગેળા ગામે ધોધમાર વરસાદ વરસ્યો. ગેળા ગામના પ્રસિદ્ધ હનુમાનજીના મંદિર પાસે પાણી ભરાતા દર્શનાર્થીઓ અને વેપારીઓને ભારે હાલાકી સહન કરવાનો વારો આવ્યો. દુકાનો આગળ પાણી ભરાતા ધંધા-રોજગાર પર અસર થઈ. પાણી ભરાવની સમસ્યાનું કાયમી સમાધાન લાવવા માગ કરાઈ છે.
-
-
બનાસકાંઠા : દાંતામાં બે કલાકમાં ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો
બનાસકાંઠા : દાંતામાં બે કલાકમાં ત્રણ ઇંચ વરસાદ ખાબક્યોો છે. ભારે વરસાદ બાદ અનેક લોકોના ઘરોમાં પાણી ભરાયા છે. રહીશોની ઘરવખરી પલળી જતા લોકો ભારે હાલાકીમાં મુકાઈ ગયા છે. દાંતાની આસપાસ નિચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે.
-
બનાસકાંઠા: કાંકરેજના શિહોરીમાં એક કલાકમાં દોઢ ઈંચ વરસાદ
બનાસકાંઠા: કાંકરેજના શિહોરીમાં એક કલાકમાં દોઢ ઈંચ વરસાદ વરસ્યો છે. આટલા વરસાદમાં પણ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. કુવારવા ગામના ખેતરો બેટમાં ફેરવાયા છે. અનેક સ્થળોએ સર્વિસ રોડ પર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ભારે વરસાદથી શિહોરી બજારમાં પાણી ફરી વળ્યા છે. વરસાદી પાણીથી જનજીવન પર માઠી અસર વર્તાઈ રહી છે. રસ્તા પર પાણી ભરાતા વાહનચાલકો પણ મુશ્કેલીમાં મુકાયા હતા. કેટલાક વાહનો પાણી વચ્ચે બંધ પડી જવાથી લોકો હેરાન પરેશાન જોવા મળ્યા હતા.
-
મોરબીઃ સામાકાંઠા વિસ્તારની અનેક સોસાયટી જળબંબાકાર
મોરબીઃ સામાકાંઠા વિસ્તારની અનેક સોસાયટી જળબંબાકાર થઈ છે. 15થી વધુ સોસાયટીમાં વરસાદી પાણી ભરાયા છે. શહેરી વિસ્તારમાં પણ ટ્રેકટરનો સહારો લેવો પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. રસ્તા પર નદીની માફક પાણી વહેતા જોવા મળી રહ્યા છે. મનપાના અધિકારીઓ કે નેતાઓ ખબર પૂછવા પણ ન આવ્યાના આક્ષેપ થઈ રહ્યા છે. ઘરવખરી પાણીમાં પલળતા સ્થાનિકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. સોસાયટી પાણીમાં ગરકાવ થતા સ્થાનિકોમાં ભારે આક્રોષ જોવા મળી રહ્યો છે.
-
-
વડોદરા : પાદરામાંથી પસાર થતી મહીસાગર નદી બે કાંઠે
વડોદરા : પાદરામાંથી પસાર થતી મહીસાગર નદી બે કાંઠે વહી રહી છે. ડબકા સહિત આજુબાજુનાં કાંઠા વિસ્તારોમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. ઉપરવાસમાં થયેલા ભારે વરસાદના કારણે નદીમાં પાણીની આવક થઈ છે. નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા છે. તલાટી કમ મંત્રી સહિતના લોકોને સ્ટેન્ડ બાય રહેવા સૂચના આપી દેવાઈ છે.
-
માંગરોળ તાલુકામાંથી 5 હજાર લોકોનું કરાયું રેસ્ક્યૂ
સુરતમાં માંગરોળ તાલુકો સૌથી વધુ પ્રભાવિત થયો છે. માંગરોળ તાલુકામાંથી 5 હજાર લોકોનું રેસ્ક્યૂ કરાયું છે. તમામ લોકોનું સુરક્ષિત રેસ્ક્યૂ કરી સલામત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે. SDRF, પોલીસ,અને ફાયર વિભાગની રેસ્ક્યૂ કામગીરી યથાવત છે.
-
સુરત: ભાઠેના વિસ્તારમાં રસ્તાઓ પર ઘૂંટણસમા પાણી
સુરત: ભાઠેના વિસ્તારમાં રસ્તાઓ પર ઘૂંટણસમા પાણી ભરાયા છે. ઘૂંટણસમા પાણી વચ્ચે અંતિમ યાત્રા કાઢવા સ્થાનિકો મજબૂર બન્યા છે. શોકની ઘડીમાં પણ સ્મશાન પહોંચવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. રસ્તાઓ પર પાણી ભરાતા અંતિમ યાત્રાની વિધિ પણ મુશ્કેલ બની છે. પાલિકાની કામગીરી સામે સ્થાનિકોમં રોષ ફેલાયો છે. વરસાદી પાણીના નિકાલના મસમોટા દાવાઓની પોલ ખૂલી ગઈ છે.
-
મોરબી : ભારે વરસાદના કારણે મચ્છુ નદી થઈ બે કાંઠે
મોરબી : ભારે વરસાદના કારણે મચ્છુ નદી બે કાંઠે વહી રહી છે. શહેરમાં આવેલો બેઠો પુલ નદીના પાણીમાં ગરકાવ થયો છે. મચ્છુ-2 ડેમનાં 16 દરવાજા ખોલી પાણી છોડાવામાં આવી રહ્યુ છે. પુલના બંને છેડે પોલીસ અને ફાયરની ટીમનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.
-
સુરેન્દ્રનગર: વઢવાણનું દેદાદરા ગામ બેટમાં ફેરવાયું
સુરેન્દ્રનગર ના વઢવાણ તાલુકામાં આવેલુ ગામ બેટમાં ફેરવાયુ છે. આજુબાજુમાં ભારે વરસાદથી ગામમાં પુષ્કળ પાણી ભરાયા છે. કેડસમા પાણી ભરાતા લોકોની ઘરવખરી પાણીમાં પલળી ગઈ છે. ગામના રસ્તાઓ અને બજારો પાણીમાં ગરકાવ થઈ છે. કેટલાક ઘરોમાં તો રસોઈ પણ બની શકે નહીં તેવી વિકટ સ્થિતિ સર્જાઈ છે. જેના કારણે ગ્રામજનો અને સરપંચે અસરગ્રસ્ત વિસ્તારો માટે ભોજન અને નાસ્તાની વ્યવસ્થા કરી છે.
-
વડોદરાઃ સાવલીમાં ધોધમાર વરસાદથી હાલાકી
વડોદરાઃ સાવલીમાં ધોધમાર વરસાદથી હાલાકીના દૃશ્યો સામે આવ્યા. અંજેસર ગામે પસાર થતી મીની નદીના પુલ પર વરસાદી પાણી ફરી વળ્યા. અંજેસર થી રાણીયા ગામને જોડતા મીની નદીના પૂલ પર પાણી ફરી વળતા પંથક વાસીઓ જોખમી રીતે અવરજવર કરવા મજબૂર બન્યા છે.
-
સાબરકાંઠા: હિંમતનગરની મેડિકલ કોલેજ સામે સ્પામાં ચાલતું કૂટણખાનું ઝડપાયું
હિંમતનગરની મેડિકલ કોલેજ સામે સ્પામાં ચાલતું કૂટણખાનું ઝડપાયું છે. સ્પાની આડમાં સંચાલક દ્વારા દેહવ્યાપાર કરાવવામાં આવતો હતો. એએચટીયુની ટીમે પાલવ સ્પામાં દરોડા પાડી કૂટણખાનું ઝડપ્યુ હતુ. બહારથી મહિલા લાવી દેહવ્યાપાર કરાવતો હોવાનું સામે આવ્યું છે. સંચાલક અને મહિલા વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરાઈ છે.
-
જામનગરમાં ભારે વરસાદની આગાહીને પગલે મનપા તંત્ર એલર્ટ મોડમાં
જામનગરમાં ભારે વરસાદની આગાહીને પગલે મનપા તંત્ર એલર્ટ મોડમાં આવ્યુ છે. મેયર મોનિકા વ્યાસે ફાયર શાખાની મુલાકાત લઈ પૂર્વ તૈયારીઓની સમીક્ષા કરી છે. રેસ્ક્યૂ માટે બોટ, પમ્પ અને ઇમરજન્સી સાધનોની ચકાસણી કરવામાં આવી. નીચાણવાળા અને પાણી ભરાવાની શક્યતા વાળા વિસ્તારો પર ખાસ નજર રાખવા સૂચના આપવામાં આવી છે. આપત્તિ સમયે તાત્કાલિક મદદ માટે ફાયર વિભાગને સજ્જ રહેવા મેયરે આદેશ કર્યા છે. મનપા દ્વારા નાગરિકોને સાવચેતી રાખવા અને ઇમરજન્સીમાં ફાયર કંટ્રોલ રૂમનો સંપર્ક કરવા અપીલ કરાઈ છે.
-
નવસારી શહેરમાં 1 લાખ લોકો પૂરથી પ્રભાવિત
નવસારી શહેરમાં 1 લાખ લોકો પૂરથી પ્રભાવિત થયા છે. 16 કલાકથી શાંતાદેવી વિસ્તારમાં પાણી ભરાયેલા છે. અત્યાર સુધીમાં 3 હજારથી વધુ લોકોનું સ્થળાંતર કરાયુ છે. પૂરની પરિસ્થિતિને પગલે લોકો ઘરોમાં કેદ થયા છે. પૂર્ણાના પાણી ઓસરવાની રાહ જોવા માટે સ્થાનિકો મજબૂર બન્યા છે. નવસારી શહેરના એક લાખ લોકો 16 કલાકથી પૂરના કારણે પ્રભાવિત છે. શહેરના મુખ્ય માર્ગો રિંગ રોડ અને શાંતાદેવી પર એક માળ જેટલા એટલે કે 10 ફૂટ થી લઈને 12 ફૂટ જેટલા પાણી ભરાયા છે. પૂરની પરિસ્થિતિને પગલે લોકો ઘરોમાં કેદ રહેવા મજબૂર બન્યા છે. પૂર્ણા ના પાણી ક્યારે ઉતરશે તેની રાહ જોઈને બેઠા છે.
-
વરસાદી સંકટને લઇ પશ્ચિમ કચ્છ પોલીસ એક્શન મોડમાં
વરસાદી સંકટને લઇ પશ્ચિમ કચ્છ પોલીસ એક્શન મોડમાં આવી છે. જનસુરક્ષા માટે પશ્ચિમ કચ્છ પોલીસની વિશેષ કામગીરી જોવા મળી. ભારે વરસાદની આગાહીને લઇ પોલીસ દ્વારા સઘન પેટ્રોલિંગ શરૂ કરાયુ. ધોધ, નદી અને ડેમ વિસ્તારોથી દૂર રહેવા લોકોને અપીલ કરવામાં આવી રહી છે. ભુજમાં ટ્રાફિક નિયમન સાથે ફૂટ પેટ્રોલિંગ શરૂ કર્યુ છે. ભારે વરસાદને પગલે પશ્ચિમ કચ્છમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. સહેલાણીઓને જોખમી સ્થળોની મુલાકાત ટાળવા અનુરોધ કરાયો છે. જાનહાનિ અટકાવવા સંવેદનશીલ વિસ્તારોમાં સતત પોલીસ દેખરેખ રાખી રહી છે.
-
દાહોદ: ભારે વરસાદને કારણે સીંગવડની કબુતરી નદી બે કાંઠે
દાહોદ: ભારે વરસાદને કારણે સીંગવડની કબુતરી નદી બે કાંઠે થઈ છે. કબુતરી નદીમાં ધસમસતો પાણીનો પ્રવાહ વહી રહ્યો છે. જો કે નદી હાલ ભયજનક સ્તરે પહોંચી છે અને ઘોડાપૂર વચ્ચે યુવકો અને બાળકો માછીમારી કરતા જોવા મળ્યા. જીવના જોખમે નદીમાં ઉતરતા વીડિયો વાયરલ થયા છે. પૂરની સ્થિતિ છતાં લોકોને પોતાના જીવની પણ જાણે કંઈ ચિંતા નથી અને બેદરકારી સામે આવી છે. મોટી દુર્ઘટનાની આશંકા વચ્ચે સ્થાનિકોમાં ચિંતા વ્યાપી છેે. જોખમી સ્થળોએ ભીડ ન કરવા તંત્ર દ્વારા પણ અપીલ કરવામાં આવી રહી છે.
-
ખેડા: વસોમાં 17 ઇંચ વરસાદ ખાબક્તા જળબંબાકારની સ્થિતિ
ખેડા: વસોમાં એકસામટો 17 ઇંચ વરસાદ ખાબકી જતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ખારીકુઈ વિસ્તાર, મુખ્ય બજાર અને ઇન્દિરા નગરી સહિતના વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. વસોના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ઘૂસતાં લોકો મુશ્કેલીમાં મુકાયા છે. ડ્રોન કેમેરામાં જળબંબાકારના ચોંકાવનારા દૃશ્યો કેદ થયા છે. હજારો વિઘા ખેતીની જમીન વરસાદી પાણીમાં ડૂબી જતા ખેડૂતોને ભારે નુકસાનીની ભીતિ સતાવી રહી છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા જનજીવન પ્રભાવિત થયુ છે. સરકારી સ્કૂલ, કોલેજ, પોલીસ લાઈન સહિતના વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે.
-
દ્વારકા: ઝરમર વરસાદ સાથે દરિયામાં કરંટ જોવા મળ્યો
દ્વારકા: ઝરમર વરસાદ સાથે દરિયામાં કરંટ જોવા મળ્યો છે. દરિયામાં ઊંચા મોજા ઉછળતા ઘાટ પર ન જવા સૂચના આપવામાં આવી છે. ગોમતી નદીના ઘાટો પર પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. ગોમતી ઘાટ કે દરિયા નજીક જવાની સખત મનાઈ છે.
-
મહીસાગર: ભારે પવનને કારણે હાઈ ટેન્શન ટાવર ધરાશાયી
મહીસાગર: ભારે પવનને કારણે હાઈ ટેન્શન ટાવર ધરાશાયી થયો છે. વિરપુરના સાલૈયા ગામ નજીક જેટકોનો ટાવર ધરાશાયી થયો હતો. મોડી રાત્રે મોટી ટાવર પડતા મોટી દુર્ઘટના ટળી છે. જેટકો દ્વારા તાત્કાલિક વીજ પુરવઠો બંધ કરી રિપેરિંગ કામ શરૂ કરવામાં આવ્યુ હતુ.
-
મહીસાગર જિલ્લામાં વરસાદથી નદી, કોતરોમાં નવા નીરની આવક
મહીસાગર જિલ્લામાં વરસાદથી નદી, કોતરોમાં નવા નીરની આવક થઈ છે. વીરપુરમાં સારીઆ તરફ જતા રસ્તા પર કોઝવે પર પાણી ફરી વળ્યાં છે. કોઝવે પાણીમાં ગરકાવ થતાં વાહનવ્યવહાર ખોરવાયો છે. આકલિયાના મુવાડા સહિતના ગામના લોકોને ભારે હાલાકી પડી રહી છે.
-
બનાસકાંઠાઃ અંબાજી પંથકમાં અનરાધાર વરસાદ
બનાસકાંઠાઃ અંબાજી પંથકમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. મૂશળધાર વરસાદના પગલે હાઈવે પાણીમાં ગરકાવ થયા છે. રસ્તા પર ઘૂંટણસમા પાણીમાં ભરાતા વાહનચાલકોને ભારે મુશ્કેલી પડી રહી છે. વાહનચાલકો અને રાહદારીઓ બંને હેરાન પરેશાન છે. અંબાજીની અનેક સોસાયટીમાં પાણી ભરાઈ જતા હાલાકીના દૃશ્યો સર્જાયા છે. બાઈક પાણીમાં ફસાઈ જતા મહામુસીબતે બહાર નીકળી શક્યુ હતુ.
-
લીંબડીમાં ધોધમાર વરસાદથી જળબંબાકાર, મુખ્ય માર્ગો પાણીમાં ગરકાવ
સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી શહેરમાં ભારે વરસાદને પગલે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. લીંબડીના મુખ્ય ગેટથી બસ સ્ટેન્ડ સુધીનો માર્ગ વરસાદી પાણીમાં ગરકાવ થઈ ગયો છે, જ્યારે શહેરના અન્ય મુખ્ય માર્ગો પર પણ પાણી ભરાઈ ગયા છે. રસ્તાઓ પર પાણી ફરી વળતાં વાહનચાલકોને જોખમ વચ્ચે પસાર થવાની ફરજ પડી રહી છે અને અનેક વિસ્તારોમાં ટ્રાફિક ધીમો પડતાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યાને કારણે સ્થાનિક જનજીવન પણ પ્રભાવિત બન્યું છે, જ્યારે તંત્ર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે.
-
અરવલ્લીના મોડાસામાં એક કલાકમાં દોઢ ઇંચ વરસાદ, શહેર પાણીમાં ગરકાવ
-
સુરેન્દ્રનગરના નાયકા ડેમમાં જળક્રાંતિ, 10 દરવાજા ખોલાતા નીચાણવાળા ગામો એલર્ટ
સુરેન્દ્રનગર જિલ્લામાં ભારે વરસાદ બાદ જળાશયોમાં પાણીની નોંધપાત્ર આવક થઈ રહી છે. સતત વધતી આવકને પગલે નાયકા ડેમના 10 દરવાજા 1.82 મીટર સુધી ખોલવામાં આવ્યા છે. હાલમાં ડેમમાં 22,666 ક્યૂસેક પાણીની આવક નોંધાઈ રહી છે, જેના કારણે નિયંત્રિત રીતે પાણી છોડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. ડેમમાંથી પાણી છોડાતા નીચાણવાળા ગામોના લોકોને સતર્ક રહેવા અને નદી કાંઠાના વિસ્તારોમાં અવરજવર ટાળવા તંત્ર દ્વારા એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. પરિસ્થિતિ પર સતત નજર રાખીને જરૂરી સાવચેતીના પગલાં લેવામાં આવી રહ્યા છે.
-
વડોદરાના સાવલીમાં વરસાદી પાણી ઘરોમાં ઘૂસ્યા, દસથી વધુ પરિવારોને ભારે હાલાકી
-
આંધ્રપ્રદેશને PM મોદીની મોટી ભેટ, ભોગપુરમ ઇન્ટરનેશનલ એરપોર્ટનું ઉદ્ઘાટન
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આંધ્રપ્રદેશની મુલાકાતે પહોંચ્યા હતા, જ્યાં તેમણે ભોગપુરમ ઇન્ટરનેશનલ એરપોર્ટનું ઉદ્ઘાટન કર્યું. આ એરપોર્ટ રાજ્યના ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને હવાઈ કનેક્ટિવિટીને નવી દિશા આપશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે. એરપોર્ટના પ્રારંભ સાથે પ્રવાસન, વેપાર અને રોકાણને પણ પ્રોત્સાહન મળશે. આ પ્રસંગે પ્રધાનમંત્રી મોદીએ આંધ્રપ્રદેશના વિકાસ માટે કેન્દ્ર સરકારની પ્રતિબદ્ધતા પણ વ્યક્ત કરી હતી.
-
રાજ્યમાં મેઘતાંડવનો કહેર, પૂર વચ્ચે 23 હજારથી વધુ લોકોનું સ્થળાંતર
રાજ્યમાં સતત વરસી રહેલા ભારે વરસાદ અને પૂર જેવી પરિસ્થિતિના કારણે જનજીવન વ્યાપક રીતે પ્રભાવિત બન્યું છે. પૂરની સ્થિતિને ધ્યાનમાં રાખીને અત્યાર સુધીમાં 23 હજારથી વધુ લોકોને સુરક્ષિત સ્થળોએ સ્થળાંતર કરવામાં આવ્યા છે. સૌથી વધુ નવસારી જિલ્લામાં 11,590 લોકોનું સ્થળાંતર કરાયું છે, જ્યારે સુરતમાં 7 હજારથી વધુ લોકોને અન્યત્ર ખસેડવામાં આવ્યા છે. તાપી જિલ્લામાં પણ પૂરના પ્રકોપને કારણે 1,500થી વધુ લોકોને સલામત સ્થળોએ પહોંચાડવામાં આવ્યા છે. ઉપરાંત વડોદરા, આણંદ, નર્મદા, ખેડા અને ડાંગ જિલ્લામાં પણ ભારે વરસાદના કારણે જનજીવન ઠપ્પ બન્યું છે અને તંત્ર દ્વારા બચાવ તેમજ રાહત કામગીરી યુદ્ધના ધોરણે ચાલુ રાખવામાં આવી રહી છે.
-
નવસારીમાં પૂર્ણા નદી હજુ પણ ભયજનક સપાટીથી ઉપર, એક લાખ લોકો પૂરથી પ્રભાવિત
નવસારી શહેરના પૂર્વ વિસ્તારને ડુબાડનાર પૂર્ણા નદીનું જળસ્તર હજુ પણ ભયજનક સપાટીથી ઉપર યથાવત છે. 23 ફૂટની ભયજનક સપાટી સામે પૂર્ણા નદી હાલમાં 28 ફૂટે વહેતી હોવાથી શહેરમાં ચિંતાજનક પરિસ્થિતિ સર્જાઈ છે. નદીના વધેલા જળસ્તરના કારણે પૂર્ણા કાંઠાના 12 વિસ્તારોમાં પૂરનું પાણી ફરી વળ્યું છે, જેના કારણે અંદાજે એક લાખ લોકો પ્રભાવિત થયા છે. તંત્ર દ્વારા સતત પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે અને અસરગ્રસ્ત વિસ્તારોમાં જરૂરી બચાવ અને રાહત કામગીરી ચાલુ રાખવામાં આવી છે.
-
નવસારીમાં અંબિકા નદીનું રૌદ્ર સ્વરૂપ, 35 ફૂટે પહોંચતા 50 હજાર લોકો પ્રભાવિત
નવસારી જિલ્લાના ગણદેવીમાંથી વહેતી અંબિકા નદીએ ભારે વરસાદને પગલે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. ભયજનક સપાટી 28 ફૂટ સામે નદીની જળસપાટી વધીને 35 ફૂટે પહોંચી જતાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. અંબિકા નદીના વધેલા જળસ્તરના કારણે બીલીમોરા શહેરના અંદાજે 50 હજાર લોકો પ્રભાવિત થયા છે. ઉપરાંત અંબિકા કાંઠાના ગણદેવી અને વાંસદા તાલુકાના કુલ 45 ગામો પણ પૂરની અસર હેઠળ આવ્યા છે. નદીમાં સતત વધી રહેલી પાણીની આવકને પગલે તંત્ર એલર્ટ મોડમાં છે અને નીચાણવાળા વિસ્તારોના લોકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી રહી છે.
-
રાજ્યમાં મેઘતાંડવ, એક જ દિવસમાં 8 હજારથી વધુ લોકોનું સ્થળાંતર
રાજ્યના અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદને પગલે જનજીવન વ્યાપક રીતે પ્રભાવિત બન્યું છે. ભારે વરસાદ અને પૂર જેવી પરિસ્થિતિ વચ્ચે એક જ દિવસમાં 8 હજારથી વધુ લોકોને સુરક્ષિત સ્થળોએ સ્થળાંતર કરવામાં આવ્યા છે. સૌથી વધુ નવસારી જિલ્લામાં 4 હજારથી વધુ લોકોનું સ્થળાંતર કરાયું છે, જ્યારે તાપીમાં 1,300થી વધુ અને સુરતમાં 1,400થી વધુ લોકોને અન્યત્ર ખસેડવામાં આવ્યા છે. આણંદ જિલ્લામાં 914 અને વડોદરામાં 300થી વધુ લોકોને પણ સલામત સ્થળોએ પહોંચાડવામાં આવ્યા છે. ભારે વરસાદના કારણે રાજ્યમાં 12 સ્ટેટ હાઈવે અને 252 રસ્તાઓ વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે. પરિસ્થિતિને પહોંચી વળવા NDRFની 17, SDRFની 33 તેમજ ભારતીય સેનાની 6 ટીમોને વિવિધ અસરગ્રસ્ત વિસ્તારોમાં તૈનાત કરવામાં આવી છે.
-
સુરેન્દ્રનગરના ચુડાનો વાંસલ ડેમ ઓવરફ્લો, તંત્રે જાહેર કરી સાવચેતીની સૂચના
સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાનો વાંસલ ડેમ ઓવરફ્લો થતાં તંત્ર એલર્ટ મોડમાં આવ્યું છે. ડેમમાંથી પાણીની આવક વધતાં સાવચેતીની જાહેર સૂચના પ્રસિદ્ધ કરવામાં આવી છે. ખાસ કરીને ચુડા અને ગોખરવાળા ગામના લોકોને સતર્ક રહેવા અને નદીમાં અવરજવર ન કરવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે. ઉપરાંત નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને પોતાની માલમિલકત અને જરૂરી સામાન સલામત સ્થળે ખસેડવાની પણ વિનંતી કરવામાં આવી છે. તંત્ર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે અને લોકોને જરૂરી સાવચેતી રાખવા સૂચના આપી છે.
-
રાજકોટના જસદણમાં સાર્વત્રિક વરસાદ, 2 ઇંચ વરસાદથી ખેડૂતોમાં ખુશી
રાજકોટ જિલ્લાના જસદણ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં મોડી રાતથી શરૂ થયેલો વરસાદ સતત વરસી રહ્યો છે. અત્યાર સુધીમાં જસદણમાં અંદાજે 2 ઇંચ વરસાદ નોંધાયો છે. જસદણ ઉપરાંત આટકોટ, પાંચવડા, જીવાપર, કમળાપુર અને લીલાપુર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. ભારે વરસાદના કારણે જસદણના નવા બસ સ્ટેન્ડ અને ચિતલિયા રોડ પર પાણી ભરાઈ જતા વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. બીજી તરફ વરસાદથી ખેતી માટે અનુકૂળ માહોલ સર્જાતા ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે.
-
દેવ ડેમનું પાણી છોડાતા ઢાઢર નદીમાં ઘોડાપૂર, ડભોઈના 7 ગામોનો સંપર્ક તૂટ્યો
વડોદરા જિલ્લાના દેવ ડેમમાંથી પાણી છોડવામાં આવતા ઢાઢર નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ છે. ડભોઈ તાલુકાના ઢાઢર કાંઠાના ગામોમાં ચિંતાજનક પરિસ્થિતિ ઉભી થઈ છે અને પૂરનાં પાણીના કારણે સાત ગામોનો સંપર્ક તૂટી ગયો છે. ડાંગીવાડા, નારણપુરા, વીરપુરા, બંબોજ, પ્રયાગપુરા, કબીરપુરા તેમજ મગનપુરા અને સુવાલજા સહિતના ગામોમાં જનજીવન પ્રભાવિત બન્યું છે. ડભોઈ-વાઘોડિયા માર્ગ પાણીમાં ગરકાવ થતાં વાહનવ્યવહાર બંધ કરાયો છે, જેના કારણે વાઘોડિયા GIDC અને હોસ્પિટલ સુધી પહોંચવામાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. દર ચોમાસે પૂરનાં પાણીથી પરેશાન બનતા આ ગામોના લોકો માટે ફરી મુશ્કેલી ઊભી થઈ છે. તંત્ર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે અને લોકોને સાવચેત રહેવાની અપીલ કરી છે.
-
નવસારીમાં અતિવૃષ્ટિનો કહેર, 160 રસ્તા બંધ થતાં વાહનવ્યવહાર ખોરવાયો
નવસારી જિલ્લામાં અતિવૃષ્ટિના કારણે જનજીવન અને વાહનવ્યવહાર પર વ્યાપક અસર જોવા મળી રહી છે. જિલ્લામાં કુલ 160 રસ્તાઓ વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે, જેમાં તમામ રસ્તાઓ પંચાયત હસ્તકના માર્ગો છે. સૌથી વધુ વાંસદા તાલુકામાં 53 અને ગણદેવી તાલુકામાં 33 રસ્તાઓ બંધ કરાયા છે. કુલ 155 રસ્તાઓ પર પાણી ફરી વળતાં વાહનવ્યવહાર સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગયો છે. ઉપરાંત ચાર રેલવે અંડરપાસમાં પાણી ભરાઈ જતાં તેને પણ સુરક્ષાના ભાગરૂપે બંધ કરવામાં આવ્યા છે. અસરગ્રસ્ત ગામોના લોકોને અવરજવરમાં મુશ્કેલી ન પડે તે માટે તંત્ર દ્વારા વૈકલ્પિક માર્ગોની વ્યવસ્થા કરવામાં આવી છે.
-
મહીસાગરના લુણાવાડામાં મોડીરાત્રે મેઘતાંડવ, રસ્તાઓ નદીમાં ફેરવાયા
મહીસાગર જિલ્લામાં મોડીરાત્રે પડેલા ધોધમાર વરસાદે લુણાવાડા શહેરને પાણી-પાણી કરી દીધું હતું. ભારે વરસાદના કારણે શહેરના અનેક રસ્તાઓ પર નદીઓ વહેતી હોય તેવા દૃશ્યો સર્જાયા હતા. લુણાવાડા-શામળાજી હાઈવે પર પણ પાણી ફરી વળતાં વાહનવ્યવહારને ભારે અસર પહોંચી હતી. હાઈવે કિનારે આવેલી અનેક દુકાનોમાં વરસાદી પાણી ઘૂસી જતાં વેપારીઓને નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો. જોકે વરસાદ બંધ થતાં ધીમે ધીમે પાણી ઓસર્યા બાદ હાઈવે ફરી વાહનવ્યવહાર માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો.
-
વડોદરામાં વરસાદથી હોસ્ટેલમાં પાણી ભરાયા, 150 વિદ્યાર્થીઓને મધરાતે સ્થળાંતર કરાયા
વડોદરામાં ભારે વરસાદના કારણે પાણી ભરાવાની સમસ્યા સર્જાતા સુમનદીપ વિદ્યાપીઠની લક્ષ્મી હોસ્ટેલમાં પાણી ઘૂસી ગયું હતું. પરિસ્થિતિ ગંભીર બનતા રાત્રે લગભગ 3 વાગ્યે બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. વાઘોડિયા મામલતદાર અને પોલીસની ટીમે સંકલન કરીને હોસ્ટેલમાં રહેતા 150 લોકોને સલામત સ્થળે ખસેડ્યા હતા. સ્થળાંતર કરાયેલા લોકોમાં 100 છાત્રાઓ, 40 છાત્રો અને 10 શ્રમિકોનો સમાવેશ થાય છે. સમયસર હાથ ધરાયેલી બચાવ કામગીરીને કારણે કોઈ જાનહાનિ થઈ નથી અને તમામને સુરક્ષિત સ્થળે પહોંચાડવામાં આવ્યા છે.
-
સુરતના ભાટકોલ ગામમાં પૂરની સ્થિતિ, ગામ બેટમાં ફેરવાતા જનજીવન અસ્તવ્યસ્ત
સુરત જિલ્લાના માંગરોળ તાલુકાનું ભાટકોલ ગામ ભારે વરસાદ અને પૂરના પાણીના કારણે બેટમાં ફેરવાઈ ગયું છે. ગામમાં અનેક ઘરો અને રસ્તાઓ જળમગ્ન થતાં લોકોનું જનજીવન ગંભીર રીતે પ્રભાવિત બન્યું છે. મુખ્ય માર્ગો પર પાણી ફરી વળતાં અનેક ગામોનો સંપર્ક તૂટી ગયો છે અને અવરજવર ઠપ્પ થઈ ગઈ છે. ઘરોમાં પાણી ઘૂસી જતાં ઘરવખરીના સામાનને પણ ભારે નુકસાન પહોંચ્યું છે. સ્થાનિક લોકો મુશ્કેલીમાં મુકાયા છે, જ્યારે તંત્ર પરિસ્થિતિ પર નજર રાખીને જરૂરી કામગીરી કરી રહ્યું છે.
-
અમદાવાદના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘમહેર, વિરમગામમાં 3 ઈંચથી વધુ વરસાદથી જળબંબાકાર
અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદને પગલે જનજીવન પ્રભાવિત બન્યું છે. વિરમગામ અને માંડલ તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો છે, જ્યારે નળકાંઠાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ મેઘરાજાએ જોરદાર હાજરી નોંધાવી છે. વિરમગામ શહેરમાં 3 ઈંચથી વધુ વરસાદ ખાબકતા અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. ભરવાડી દરવાજા, પરકોટા, વિરમગામ-માંડલ રોડ, બસ સ્ટેશન રોડ, શાક માર્કેટ અને સેવાસદન રોડ સહિતના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા વાહનચાલકો અને સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ભારે વરસાદના કારણે શહેરનું જનજીવન પણ ખોરવાયું છે.
-
અમદાવાદમાં CNG મોંઘી, અદાણીએ પ્રતિ કિલો રૂ. 4નો ભાવ વધારો ઝીંક્યો
અમદાવાદના વાહનચાલકોને મોંઘવારીનો વધુ એક ઝટકો લાગ્યો છે. અદાણી CNG ગેસના ભાવમાં પ્રતિ કિલો રૂ. 4નો વધારો કરવામાં આવ્યો છે. ભાવ વધારા બાદ CNGનો દર અગાઉના રૂ. 90.02 પ્રતિ કિલોથી વધીને રૂ. 94.02 પ્રતિ કિલો થયો છે. નવા ભાવ અમલમાં આવતા ખાનગી વાહનચાલકો તેમજ CNG આધારિત ઓટો-રિક્ષા અને ટેક્સી ચાલકોના ઇંધણ ખર્ચમાં વધારો થશે.
-
વલસાડમાં ઔરંગા નદીના બ્રિજ પર પૂર વચ્ચે ફસાયેલા ત્રણ યુવકોનું રેસ્ક્યુ
વલસાડમાં ઔરંગા નદીના બ્રિજ પાસે મોડી રાત્રે પૂરના ઘસમસતા પાણી વચ્ચે ત્રણ યુવાનો ફસાઈ ગયા હતા. નદીના જળસ્તરમાં અચાનક વધારો થતાં બ્રિજ પરથી પસાર થઈ રહેલા ત્રણેય યુવકો બહાર નીકળી શક્યા નહોતા. ઘટનાની જાણ થતાં તંત્ર અને ફાયર ટીમે તાત્કાલિક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. ભારે પાણીના પ્રવાહ વચ્ચે સફળ બચાવ કામગીરી કરીને ત્રણેય યુવકોને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા.
-
વલસાડમાં પૂર વચ્ચે ફસાયેલા ત્રણ યુવકોનું સફળ રેસ્ક્યુ, ફાયર ટીમે બચાવ્યા જીવ
વલસાડના બંદર રોડ પર ઔરંગા નદીના બ્રિજ ઉપર ઘસમસતા પૂરના પાણીમાં ફસાયેલા ત્રણ યુવકોનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. મોડી રાત્રે ઔરંગા નદીના જળસ્તરમાં અચાનક વધારો થતાં ત્રણેય યુવકો બ્રિજ પર જ ફસાઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં વહીવટી તંત્રે તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી હતી. વલસાડ નગરપાલિકાની ફાયર ટીમે અંધારી રાત્રિ અને પૂરનાં તેજ પ્રવાહ વચ્ચે જોખમ ખેડીને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું અને ત્રણેય યુવકોને સલામત રીતે બહાર કાઢી જીવ બચાવ્યા.
-
નર્મદા ડેમમાં પાણીની ધમાકેદાર આવક, પ્રથમ વખત સપાટી 130 મીટરને પાર
ઉપરવાસમાં સતત થઈ રહેલા વરસાદના કારણે નર્મદા ડેમમાં પાણીની આવકમાં નોંધપાત્ર વધારો થયો છે. ચાલુ સિઝનમાં પ્રથમ વખત ડેમની જળસપાટી 130 મીટરને પાર પહોંચી 130.60 મીટર નોંધાઈ છે. હાલ ડેમ તેની કુલ સંગ્રહ ક્ષમતાના અંદાજે 74 ટકા સુધી ભરાયો છે. ઉપરવાસમાંથી હાલમાં 67 હજાર ક્યુસેક પાણીની આવક થઈ રહી છે, જ્યારે કેનાલમાં 1,637 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. સરદાર સરોવરની મહત્તમ જળસપાટી 138.68 મીટર છે. નોંધનીય છે કે જુલાઈ મહિનાની શરૂઆતમાં ડેમની સપાટી 126 મીટર હતી, જેની સરખામણીએ હવે પાણીના જથ્થામાં નોંધપાત્ર વધારો નોંધાયો છે.
-
ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ, 255 તાલુકામાં મેઘમહેરથી જનજીવન પ્રભાવિત
રાજ્યભરમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતાં સાર્વત્રિક વરસાદી માહોલ જામ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 255 તાલુકામાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે. દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં વરસાદનું સૌથી વધુ જોર જોવા મળ્યું છે. સુરતના અંબિકા વિસ્તારમાં 24 ઇંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે, જ્યારે તાપીના ડોલવણમાં 16.72 ઇંચ અને ખેડાના વસોમાં 16.38 ઇંચ વરસાદ નોંધાતા અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. રાજ્યના 30 તાલુકામાં 7 ઇંચથી વધુ અને 145 તાલુકામાં 2 ઇંચથી વધુ વરસાદ વરસતા અનેક વિસ્તારોમાં જનજીવન પ્રભાવિત બન્યું છે.
Published On - Aug 01,2026 7:47 AM
