Breaking News : અંબાજી મંદિરમાં સોનાની ભેટમાં ‘મોટો ઘટાડો’, મોંઘવારીની અને ગોલ્ડના વધતા ભાવની અસર મા અંબાના દરબારમાં દેખાઈ
આસમાને પહોંચેલી મોંઘવારી અને સોનાના વધતાં ભાવની અસર હવે અંબાજી મંદિરમાં પણ જોવા મળી રહી છે. છેલ્લા પાંચ વર્ષમાં ભક્તો દ્વારા અપાતી સોનાની ભેટમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. વર્ષ 2022માં 633 ગ્રામથી વધુ સોનું મળતું હતું, જે વર્ષ 2026માં ઘટીને માત્ર 36.5 ગ્રામ થયું છે. જો કે, ભક્તોની શ્રદ્ધા યથાવત છે પરંતુ બજેટ પર અસર પડી છે.

સોનાના વધતાં ભાવ અને આસમાને પહોંચેલી મોંઘવારીની સીધી અસર હવે જગદંબાના દરબાર એટલે કે અંબાજી મંદિરમાં પણ જોવા મળી રહી છે. મા અંબાના પ્રખ્યાત ભાદરવી પૂનમના મેળા દરમિયાન ભક્તો દ્વારા શ્રદ્ધાપૂર્વક અપાતી સોનાની ભેટમાં છેલ્લા પાંચ વર્ષમાં સૌથી મોટો ઘટાડો નોંધાયો છે. સોનાના ઊંચા ભાવના કારણે અંબાજી મંદિરમાં સોનાની ભેટનો જથ્થો ઘટ્યો છે.
સોનાની ખરીદી ભક્તોના ‘ગજા બહાર’
ભક્તોની આસ્થા મા અંબા પ્રત્યે આજે પણ અડીખમ છે પરંતુ સોનાની ખરીદી સામાન્ય ભક્તોના ગજા બહાર થતાં હવે ભેટમાં મળતા સોનાનો જથ્થો ઘટ્યો છે. અંબાજી મંદિરમાં ભક્તોએ અર્પણ કરેલી સોનાની ભેટના છેલ્લા પાંચ વર્ષના આંકડા આ બદલાવની સ્પષ્ટ તસવીર રજૂ કરે છે.
વર્ષ 2022માં અંબાજી મંદિરમાં 633.290 ગ્રામ સોનું ભેટમાં મળ્યું હતું. વર્ષ 2023માં 520 ગ્રામ સોનાની ભેટ મળી, જ્યારે વર્ષ 2024માં 575.520 ગ્રામ સોનું ભક્તોએ માતાજીને અર્પણ કર્યું. જો કે, વર્ષ 2025માં આ પ્રમાણ ઘટીને 232.610 ગ્રામ રહ્યું.
સોનાની ભેટમાં ‘ભારે ઘટાડો’
ચાલુ વર્ષે એટલે કે 2026 માં સોનાની ભેટનો આંકડો વધુ ઘટીને માત્ર 36.500 ગ્રામ નોંધાયો છે. આ આંકડા દર્શાવે છે કે, વર્ષ 2022ની સરખામણીએ વર્ષ 2026માં સોનાની ભેટમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે.
Gold Price ના વધતા ભાવની અસર ભક્તોના બજેટ પર પડી રહી છે. મોંઘવારીના સમયમાં સોનું ખરીદવું વધુ ખર્ચાળ બન્યું છે, જેના કારણે સોનાની ભેટના પ્રમાણમાં ઘટાડો જોવા મળ્યો છે.
