જુનાગઢના મગફળી સંશોધન કેન્દ્ર એ મગફળીમાં કર્યુ ક્રાંતિકારી સંશોધન, જાણો શું છે વિશેષતા ગિરનાર-4 અને ગિરનાર-5 જાતની
જુનાગઢથી ખેડૂતો અને સામાન્ય જનતા માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. જુનાગઢના મગફળી સંશોધન કેન્દ્ર દ્વારા મગફળીની ક્રાંતિકારી જાતો 'ગિરનાર 4' અને 'ગિરનાર 5' તૈયાર કરવામાં આવી છે. આ નવી જાતોની વિશેષતા એ છે કે તે ખેડૂતોની પાણીની ચિંતા ઘટાડશે. અને ઓછા પાણીમાં સારી આવક મેળવી શકશે. સાથોસાથ આ જાતો તેલની ગુણવત્તામાં પણ મોટો ફેરફાર લાવશે. આ નવી જાતથી માત્ર ખેડૂતોની આવક જ નહીં વધે પરંતુ સ્વાસ્થ્ય માટે પણ મગફળીનું તેલ આશીર્વાદરૂપ સાબિત થશે.
જૂનાગઢ મગફળી સંશોધન કેન્દ્ર દ્વારા ‘ગિરનાર 4’ અને ‘ગિરનાર 5’ નામની મગફળીની નવી સંશોધિત જાતોનું સફળ ઉત્પાદન કરવામાં આવ્યું છે. આ નવી જાતો ખેડૂતો માટે આર્થિક રીતે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ રહી છે. સામાન્ય મગફળીની સરખામણીએ આ પાકમાં હેક્ટર દીઠ 35 થી 45 મણ સુધીનું વિક્રમજનક ઉત્પાદન મેળવી શકાશે. આ નવી જાતોની સૌથી મોટી વિશેષતા એ છે કે તેમાં રોગપ્રતિકારક શક્તિમાં ઉત્તમ ફેરફાર કરવામાં આવ્યા છે, જેના કારણે પાકને રોગ-જીવાત ઓછી લાગે છે. એટલું જ નહીં, આ પાક ઓછી સિંચાઈ એટલે કે ઓછા પાણીમાં પણ ભરપૂર ઉત્પાદન આપે છે. આ ઉપરાંત, પાક તૈયાર થયા બાદ પશુઓ માટે પૌષ્ટિક અને કિંમતી લીલો ચારો પણ વિપુલ પ્રમાણમાં મળી રહે છે. માત્ર ખેડૂતો માટે જ નહીં, પરંતુ ગ્રાહકોના સ્વાસ્થ્ય માટે પણ આ મગફળીનું તેલ અમૃત સમાન છે.
આ મગફળીના તેલમાં ‘ઓલેઈક એસિડ’નું પ્રમાણ 60 ટકાથી વધીને 80 ટકા સુધી પહોંચ્યું છે. જેના કારણે આ તેલ હૃદયરોગના દર્દીઓ માટે અત્યંત રામબાણ ઈલાજ સમાન બની રહે છે. બજારમાં મળતા ખૂબ જ મોંઘા ઓલિવ ઓઈલનો આ એક શ્રેષ્ઠ અને સસ્તો વિકલ્પ છે, જે માત્ર 250 થી 300 રૂપિયા પ્રતિ લીટરમાં ઉપલબ્ધ થઈ શકશે. આ તેલની સંગ્રહ ક્ષમતા પણ ખૂબ જ વધારે છે, જેથી તે લાંબા સમય સુધી તાજું રહે છે અને ખરાબ થતું નથી. સામાન્ય રીતે તેલ એકવાર વાપર્યા પછી કાળું પડી જતું હોય છે, પરંતુ આ તેલને 4 થી 5 વાર તળવા માટે વપરાશમાં લીધા છતાં તેની ગુણવત્તા સુરક્ષિત રહે છે અને તે સ્વાદિષ્ટ રહે છે. હાલમાં યોજાયેલા કૃષિ સેમિનારમાં બિયારણ પ્રદર્શન સ્ટોલ પર ખેડૂતોને આ અંગેની વિગતવાર માહિતી આપવામાં આવી હતી, જેને ખેડૂતો તરફથી ખૂબ જ ઉત્સાહજનક પ્રતિસાદ મળ્યો છે. આમ, જુનાગઢના વૈજ્ઞાનિકોનું આ સંશોધન ખેડૂતોની સમૃદ્ધિ વધારવાની સાથે સાથે સામાન્ય લોકોના સ્વાસ્થ્યની રક્ષા કરવામાં પણ માઇલસ્ટોન સાબિત થશે.
Input Credit- Vijaysinh Parmar- Junagadh
દુબઈની ફ્લાઈટમાં કેપ્ટન સ્મિત મચ્છર પર હુમલો કરતા પહેલા ઓમાની પાયલટ શું બોલ્યો? આ કથિત આતંકી પાયલોટનું નામ કેમ જાહેર નથી કરાયુ?
જુનાગઢના મગફળી સંશોધન કેન્દ્ર એ મગફળીમાં કર્યુ ક્રાંતિકારી સંશોધન
ગુજરાતમાં વરસાદની સંભાવના નહીં, ગરમીની અસર શરૂ, પવનની દિશા પલટાશે
કાળી પટ્ટી અને પોસ્ટર સાથે અમદાવાદમાં વેપારીઓએ MDRનો કર્યો વિરોધ
ઝડપાયેલી પાકિસ્તાની બોટનું નામ ‘આઝાદ’ હોવાનું સામે આવ્યું
