છોટા ઉદેપુરના નસવાડીના ખેંદા ગામે તુરખેડા જેવી ઘટના બનતા અટકી ગઈ. પાકા રસ્તાના અભાવે ખેંદા ગામ સુધી એમ્બ્યુલન્સ પહોંચી ન શકી અને આખરે સગર્ભાએ ઘરે જ બાળકને જન્મ આપ્યો. ખેંદા ગામથી નસવાડી જવા સુધીનો રસ્તો કાચો હોવાથી હાલાકી સર્જાઈ. એપ્રિલ મહિનામાં જ કાચા રસ્તે કલેક્ટર પણ ફસાયા હતા. એપ્રિલ બાદ સાત મહિના વીતવા છતા હજુ અહીં પાકો રસ્તો બન્યો નથી. કલેક્ટર ફસાયા બાદ તેમની કારને ટ્રેકટરથી બાંધી બહાર કાઢવાની નોબત આવી હતી. વર્ષોથી ખેંદા ગામના લોકો પાકો રસ્તો બનાવવાની માગ કરી રહ્યા છે પરંતુ નઘરોળ તંત્રને આ ગામલોકોની પીડામાં કોઈ રસ જ નથી. રસ્તાના અભાવે ગામના લોકો પારાવાર મુશ્કેલીનો સામનો કરે છે. તેમા પણ ચોમાસામાં તો પરિસ્થિતિ વધુ વિકટ બને છે.
છોટા ઉદેપુરમાં આ પહેલી ઘટના નથી જ્યા રસ્તાના અભાવે સગર્ભાને હાલાકી વેઠવી પડી હોય. આ અગાઉ 1 ઓક્ટોબરે અને 8 ઓક્ટોબરે એમ્બ્યુલન્સ ગામ સુધી ન પહોંચી શક્તા પ્રસુતાને ઝોળીમાં નાખીને લઈ જવી પડી હતી. માંડ આવેલી એમ્બ્યુલન્સને પણ ગામલોકોએ ધક્કા મારવાની ફરજ પડી હતી. જો કે એમ્બ્યુલન્સ ગામ સુધી તો પહોંચી જ ન હતી. માત્ર 20 દિવસના અંતરાલમાં આવી ચિંતાજનક ત્રણ-ત્રણ ઘટનાઓ બની છે.
તુરખેડામાં પણ રસ્તાના અભાવે સગર્ભાને ઝોળીમાં લઈ જવાનો વારો આવ્યો હતો. તે સમયસર હોસ્પિટલ ન પહોંચી શકી અને બાળકને જન્મ આપી મોતને ભેટી હતી. આ ઘટનાના અઠવાડિયા બાદ જ ફરી ચિંતાજનક દ્રશ્યો સામે આવ્યા. સરવે માટે પહોંચેલી ખાનગી એમ્બ્યુલન્સ જ અટવાઈ ગઈ. આખરે ગ્રામજનોએ ધક્કો મારીને એમ્બ્યુલન્સને બહાર કાઢી. જો કે સારી વાત એ હતી કે આ દરમિયાન સગર્ભાની મદદ માટે આવેલી 108 સમયસર ગામે પહોંચી. અને એમ્બ્યુલન્સમાં જ મહિલાની પ્રસૂતિ કરાવાઈ. પરંતુ, તે વખતે પણ 3 કિ.મી. સુધી સગર્ભાને ઝોળીમાં લઈ જવાનો વારો આવ્યો હતો.
ત્યારે સવાલ એ છે કે વિકાસના જે મોટા મોટા દાવા કરવામાં આવે છે એ વિકાસ છેવાડાના જિલ્લામાં કેમ જોવા મળતો નથી. શું આ જિલ્લાઓ ગુજરાતને હિસ્સો નથી? કેમ અન્ય મહાનગરો જેવા વિકાસ આ જિલ્લાઓનો થતો નથી અને આઝાદી સમયથી આ જિલ્લાઓને પછાત જ છોડી દેવામાં આવ્યા છે ?
Input Credit- Maqbul Mansuri- Chota Udepur
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો