Bhavnagar: મહુવામાં ડુંગળીના 150થી વધુ ડિહાઇડ્રેશન પ્લાન્ટ બંધ થાય તેવી સ્થિતિ, જાણો શું છે કારણ
આ વર્ષે કન્ટેઇનરના ઊંચા ભાડા અને બળતણનાં ઊંચા ભાવને કારણે સૌરાષ્ટ્રના (Saurashtra)150થી વધુ ડીહાઇડ્રેશન પ્લાન્ટ (Dehydration plant) મુશ્કેલીમાં આવી ગયા છે.
સૌરાષ્ટ્રમાં (Saurashtra) પાકતી સફેદ કસ્તુરીનો પાઉડર વિશ્વના અનેક દેશોમાં પ્રચલિત બની ગયો છે. દર વર્ષે અંદાજે 60 હજાર ટનથી વધુ પાઉડરની નિકાસ કરવામાં આવે છે. પરંતુ આ વર્ષે કન્ટેઇનરના ઊંચા ભાડા અને બળતણનાં ઊંચા ભાવને કારણે સૌરાષ્ટ્રના 150થી વધુ ડિહાઇડ્રેશન પ્લાન્ટ (Dehydration plant) મુશ્કેલીમાં આવી ગયા છે. અનેક ડિહાઈડ્રેશન પ્લાન્ટ બંધ થાય તેવી સ્થિતિ સર્જાઈ છે. વેપારીઓનું કહેવું છે કે કન્ટેઈનરના ઊંચા ભાડાના કારણે મોટું નુકસાન થઈ રહ્યું છે. જેથી ખેડૂતો (Farmers) અને વેપારીઓને વધુ નુકસાન ન જાય તે માટે સરકાર મદદ કરે.
સફેદ ડુંગળી માટેનું પીઠ ગણાતુ મહુવા માર્કેટિંગયાર્ડ સિઝનમાં મહુવા યાડૅમાં સફેદ ડુંગળીની આવક મોટા પ્રમાણમાં થતી હોય છે અને આ સફેદ ડુંગળીની ખરીદી ડિહાઇડ્રેશન પ્લાન્ટ દ્વારા કરવામાં આવે છે. જેનો ઉપયોગ સફેદ પાઉડર કરી વિદેશોમાં નિકાસ કરવામાં આવે છે. જેથી ડિહાઇડ્રેશન પ્લાન્ટની સંખ્યામાં વધારો થયો છે. હાલમાં સૌરાષ્ટ્રમાં 150 જેટલા ડિહાઈડ્રેશન પ્લાન્ટ છે અને અમેરીકા,રશિયા,યુરોપ વિશ્વના દેશો માં વર્ષે 60 હજાર ટન પાઉડરની નિકાસ થાય છે.
સૌરાષ્ટ્રમાં લાલ અને સફેદ ડુગળીની મબલક આવક થાય છે. જો કે ડીઝલના ભાવ વધતા કન્ટેનરના ભાડામાં વધારો થયો છે. જેથી મહુવાના 150 જેટલા ડિહાઇડ્રેશનના પ્લાન્ટ ભારે મુશ્કેલીમાં મુકાયા છે. તાઉતે વાવાઝોડુ અને પ્રતિકૃળ હવામાનને કારણે આ વર્ષે ડુંગળીના ઉત્પાદનમાં પહેલેથી જ માઠી અસર પડી છે. ત્યારે હવે તેમની મુશ્કેલીઓમાં વધારો થયો છે.
મહત્વનું છે કે ડિહાઇડ્રેશન ઉદ્યોગ અને ડુંગળીનુ ખેત ઉત્પાદન એકબીજાના પૂરક છે. ડિહાઇડ્રેશન ઉદ્યોગોના કારણે ખેડૂતોનો નબળો માલ પણ વેચાય જાય છે. જો કે આ વર્ષે કન્ટેનરના ભાડામા વધારો થતા સાથે બળતણના ભાવમાં વધારો થયો છે અને હવે 150થી વધારે ડિહાયડ્રેશન પ્લાન્ટની મુશ્કેલીઓ વધી છે. આ બાબતે ડિહાયડ્રેશન પ્લાન્ટ માલિકો દ્વારા સરકારને પણ રજુઆત કરવામાં આવી છે.
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો