ભરૂચના ઝઘડિયામાં વિજય પાસવાન નામના હૈવાનની હવસનો શિકાર બનેલી માસૂમ 10 વર્ષિય બાળકીનું સારવાર દરમિયાન મોત થયુ છે. દિલ્હીના નિર્ભયા કાંડની જેમ જ આ હવસખોરે બાળકી પર બર્બરતાપૂર્ણ અને ક્રુરતાની તમામ હદો વટાવી દુષ્કર્મ આચર્યુ હતુ. નિર્ભયા દુષ્કર્મકાંડની જેમ જ હવસખોર હૈવાને બાળકી સાથે દુષ્કર્મ કર્યા બાદ તેના પ્રાઈવેટ પાર્ટમાં સળિયો નાખી દીધો હતો. જેના કારણે બાળકી ભયંકર હદે ઈજાગ્રસ્ત થઈ હતી. ઈન્ટરનલ ઈન્જરી એટલી હદે હતી અને તેના કારણે સમગ્ર શરીરમાં ઈન્ફેક્શન ફેલાઈ ગયુ હતુ. જે બાદ બાળકીને સારવાર અર્થે ખસેડાઈ હતી.
16 ડિસેમ્બરથી 23 ડિસેમ્બર સુધી બાળકી તેની પીડા સામે ઝઝુમતી રહી. ઘટનાથી બાળકી એટલી હદે ડરી ગઈ હતી અને તેના મસ્તિષ્ક પર એટલી ખરાબ અસર થઈ હતી કે તેનામાંથી કોઈ ચિત્કાર પણ નીકળતો ન હતો. એસએસજી હોસ્પિટલના ડોક્ટરની ટીમ સતત બાળકીની દેખરેખ રાખી રહી હતી અને સારવાર કરી હતી. 2 દિવસમાં બાળકીને 3 યુનિટ બ્લડ પણ ચડાવવામાં આવ્યુ હતુ. પરંતુ સ્થિતિ એટલી ક્રિટીકલ બની ગઈ હતી કે ગઈકાલથી જ બાળકી કોઈ રિસ્પોન્સ આપી રહી ન હતી. ઓપરેશન બાદ અને અન્ય સારવાર બાદ પણ બાળકીના શરીરમાં ઈન્ફેક્શન યથાવત રહ્યુ હતુ. SSGના 10 થી વધુ ડૉક્ટરની ટીમ બાળકીની સારવારમાં લાગેલી હતી પરંતુ સ્થિતિ અત્યંત નાજુક બનેલી હતી અને તેના બ્લડ પ્રેશરમાં પણ સતત ઉતારચડાવ આવતો હતો. અંતે બાળકીએ જિંદગી સામે જાણે હાર માની લીધી અને હોસ્પિટલના બિસ્તર પર જ છેલ્લા શ્વાસ લીધા.
આ સમગ્ર ઘટનાક્રમ પર નજર કરીએ તો 16 ડિસેમ્બરે બાળકી સાથે બર્બરતાપૂર્ણ દુષ્કર્મ ગુજારવામાં આવ્યુ. જે બાદ તેને ભરૂચની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાઈ હતી. જો કે સ્થિતિ વધુ ગંભીર હોવાથી તેને વડોદરા SSG હોસ્પિટલમાં રિફર કરવામાં આવી હતી. બાળકીની માતાની ફરિયાદ બાદ પોલીસે 6 લોકોની ટીમ બનાવી સઘન તપાસ હાથ ધરી અને 17 ડિસેમ્બરે પોલીસે દુષ્કર્મ આચરનાર હવસખોર વિજય પાસવાનની ધરપકડ કરી. આરોપી ઝારખંડ ભાગી જવાની પેરવીમાં હતો. જો કે પોલીસે એ પહેલા જ તેને દબોચી લીધો હતો. આરોપી ઝઘડિયાની જ થર્મેક્સ કંપની હેલ્પર તરીકે કામ કરતો હતો. તે બાળકીની બાજુમાં જ રહેતો હતો અને બાળકીના માતાપિતાને પણ ઓળખતો હતો. બાળકીના માતાપિતા પણ ઝારખંડથી જ ગુજરાત આવેલા હતા. શ્રમિક પરિવારની આ બાળકી પર આ નરાધમે આ બીજીવાર દુષ્કર્મ આચર્યુ હતુ. જો કે પહેલીવાર તો તેના માતાપિતાએ આબરુ જવાના ડરથી કોઈ ફરિયાદ નોંધાવી હતી. જેના કારણે જ આ નરાધમની હિંમત વધી ગઈ અને બાળકીને બીજીવાર હવસની શિકાર બનાવી. ન માત્ર તેની પર દુષ્કર્મ આચર્યુ પરંતુ બર્બરતાની તમામ હદો પાર કરી દીધી.
પોલીસે આરોપી વિજય પાસવાનને પકડી 18 ડિસેમ્બરે કોર્ટમાં રજૂ કર્યો હતો. કોર્ટે આરોપીના 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. પીડિત પરિવાર ઝારખંડનો હોવાથી 18 ડિસેમ્બરે ઝારખંડ સરકારના મહિલા અને બાળકલ્યાણ મંત્રી સહિત ત્રણ સભ્યોની ટીમ ગુજરાત આવી હતી. તેમણે ભોગ બનનારના પરિવાર સાથે મુલાકાત કરી અને ઝારખંડ સરકારે પીડિત પરિવારને 4 લાખની આર્થિક સહાય આપી હતી. આ મુદ્દે રાજનીતિ પણ શરૂ થઈ. કોંગ્રેસે પણ પીડિત પરિવારની મુલાકાત કરી સાંત્વના પાઠવી હતી. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહે રાજ્યની સરકાર સામે સવાલ ઉઠાવ્યા કે રાજ્ય સરકારના એકપણ મંત્રી પીડિત પરિવારને મળવા પણ ગયો નથી.
પોલીસે 19 ડિસેમ્બરે આરોપીને સાથે રાખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યુ અને 23 ડિસેમ્બરે આરોપીના વધુ 7 દિવસના રિમાન્ડ મંજૂર થયા અને આ તરફ જીવન મરણ વચ્ચે 8 દિવસથી ઝોલા ખાતી બાળકીએ અંતે છેલ્લા શ્વાસ લીધા.
ઝઘડિયાની આ બાળકી સાથે થયેલા દુષ્કર્મએ ફરીએકવાર દિલ્હીના નિર્ભયાકાંડની યાદ અપાવી દીધી. દિલ્હીમાં નિર્ભયા સાથે 16 ડિસેમ્બરની રાત્રે દુષ્કર્મ આચરવામાં આવ્યુ હતુ, આ બાળકી સાથે પણ 16 ડિસેમ્બરે દુષ્કર્મ આચરવામાં આવ્યુ. દુષ્કર્મની પેટર્ન પણ સરખી જ હતી. નિર્ભયા સાથે જે પ્રકારે પાશવી રીતે દુષ્કર્મ આચરાયુ એજ પેટર્નથી આરોપીએ દુષ્કર્મ આચર્યુ અને એ જ પ્રકારે બાળકીના યોનિમાર્ગમાં મેટલનો સળિયો નાખી તેને ભયંકર ઈજા પહોંચાડી હતી.
આજે 12 વર્ષ બાદ ફરી નિર્ભયાકાંડનું પૂનરાવર્તન થયુ છે. કાયદો તો કડક કરાયો પરંતુ કાયદા પ્રત્યેનો ડર કોઈપણ આરોપીમાં જોવા મળતો નથી. આથી જ વારંવાર આ પ્રકારે બાળકીઓ- દીકરીઓ હવસખોરોનો ભોગ બનતી રહે છે અને મોતને ભેટતી રહે છે. ત્યારે દરેક દીકરી ચિત્કાર સાથે પૂછી રહી છે કે આ સ્થિતિ ક્યારે બદલાશે? સલામત ગુજરાતના મોટા મોટા દાવાઓ તો કરાય છે પરંતુ અહીં સ્કૂલમાં પણ બાળકીઓ સલામત નથી. ઘરના આડોશ પડશોમાં પણ સેફ નથી. કેટકેટલા થી બચતી ફરે એ મોટો સવાલ છે. ક્યારેક શિક્ષકના અડપલાનો ભોગ બને છે તો ક્યારેક ઘરના જ કોઈ સ્વજનની હવસનો ભોગ બને છે.
Input Credit- Anjali Ojha- Vadodara
Published On - 8:54 pm, Mon, 23 December 24