અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર બેફામ સ્પીડે ગાડી ચલાવી 9 લોકોને રહેંસી નાખનાર તથ્ય પટેલને 1 વર્ષ બાદ મળ્યા જામીન- Video
અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર બેફામ સ્પીડે જેગુઆર કાર ચલાવી મધરાત્રે દારૂના નશામાં અકસ્માત સર્જનાર માલેતુજાર બાપના ફરજંદ તથ્ય પટેલને 13 મહિના બાદ માત્ર એક દિવસના જામીન મળ્યા છે. તથ્ય પટેલે 19 જૂલાઈની રાત્રે માત્ર મોજશોખ માટે બેફામ સ્પીડે કાર ચલાવી 9 લોકોને મોતની ચાદર ઓઢાડી દીધી હતી.
અમદાવાદના અત્યંત ચકચારી અને કંપારી છોડાવી દેનારા ઈસ્કોન બ્રિજ અકસ્માત કાંડના આરોપી તથ્ય પટેલને અમદાવાદની ગ્રામ્ય સેશન્સ કોર્ટે 13 મહિના બાદ જામીન આપ્યા છે. તથ્યને બરાબર એક વર્ષ બાદ હંગામી જામીન મળ્યા છે. માત્ર 1 દિવસ માટે પોલીસ જાપ્તા સાથે કોર્ટે તથ્યના જામીન મંજૂર કર્યા છે. દાદાની મરણક્રિયા માટે તથ્યએ જામીન માગ્યા હતા. દાદાની અંતિમવિધિ બાદ તથ્યને જેલમાં પરત લઈ જવાનો કોર્ટે આદેશ કર્યો છે.
દાદાની અંતિમવિધ પૂર્ણ થયા બાદ તથ્યને ફરી જેલમાં જવાનું રહેશે. આપને જણાવી દઈએ કે આ માલેતુજાર બાપના ફરજંદે 19 જૂલાઈ 2023ની રાત્રે બેફામ સ્પીડે જેગુઆર કાર ચલાવી 9 લોકોને ઘટના સ્થળે જ રહેંસી નાખ્યા હતા અને 20થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. અકસ્માત સમયે તથ્યની કારની સ્પીડ 150થી પણ વધુ હોવાનુ સામે આવ્યુ હતુ. એ સમયે અગાઉથી જ એક થાર ગાડીનો અકસ્માત થયેલો હતો અને લોકો ત્યાં ટોળે વળેલા હતા, એજ સમયે અચાનક બેફામ સ્પીડે તથ્યની જેગુઆર આવી અને અનેક લોકોને તેની સાથે ફંગોળતી ગઈ હતી. રાત્રિના સમયે સમગ્ર હાઈવે મરણચીસોથી ગૂંજી ઉઠ્યો હતો.
અકસ્માત બાદની તપાસમાં તથ્ય ડ્રિન્ક કરીને કાર ચલાવતો હોવાનું પણ સામે આવ્યુ હતુ. માત્ર આ એક અકસ્માત નહીં એ અગાઉ પણ તથ્ય સિંધુ ભવન રોડ પર અકસ્માત સર્જી ચુક્યો હતો. બેફામ ગાડી હંકારવાના શોખીન આ નબીરાના કારણે 9 લોકોએ તેમની જિંદગીથી હાથ ધોવા પડ્યા હતા. ત્યારે આ ગુનાની ગંભીરતાને જોતા યેનકેન કારણોથી અનેક જામીન અરજી કરવા છતા તથ્યને 13 મહિના દરમિયાન એકપણ જામીન અપાયા નથી. 13 મહિનામાં પ્રથમવાર તથ્યને આ માત્ર એક દિવસના દાદાની અંતિમ વિધિ માટેના જામીન મળ્યા છે. જેમા પણ પોલીસ જાપ્તા સાથે તેને જવાનુ રહેશે અને અંતિમવિધિ પૂર્ણ થયા બાદ પોલીસ જાપ્તા સાથે તેને જેલમાં પરત લાવવાનો રહેશે આ જ શરતો સાથે ગ્રામ્ય સેશન્સ કોર્ટે તથ્ય પટેલને જામીન આપ્યા છે.