અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં BAPS સંસ્થાનો કાર્યકર સુવર્ણ મહોત્સવ, PM મોદીએ ગીતની પંક્તિથી આપ્યો સંદેશ, જુઓ Video
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે એટલે કે, 7 ડિસેમ્બર, 2024 ના રોજ BAPS સ્વામિનારાયણ સંસ્થા વધુ એક ઇતિહાસ રચવા જઈ રહી છે. ન ભૂતો ન ભવિષ્યતિ કહેવાય એવો 'કાર્યકર સુવર્ણ મહોત્સવ' યોજાઈ રહ્યો છે. આ ઉત્સવમાં PM મોદીએ વીડિયો સંદેશ મોકલ્યો હતો.
PM મોદીએ વીડિયો સંદેશ મોકલ્યો જેમાં તેમણે જણાવ્યું કે, પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ, સંતગણ અને અન્ય મહાનુભાવ અને વિશાળ સ્ટેડિયમમાં પધારેલા દેવીઓ અને સજ્જનો. કાર્યકર સુવર્ણ મહોત્સવના અવસરે ભગવાન સ્વામિનારાયણના ચરણમાં પ્રણામ કરું છું. આજે પ્રમુખ સ્વામી મહારાજની 103મી જન્મ જયંતી છે, હું તેમને નમન કરું છું.
આયોજનની ઉર્જાનો અહેસાસ કરી રહ્યો છું – PM મોદી
તેમણે જણાવ્યું કે, પ્રમુખ સ્વામિની શિક્ષા અને સંકલ્પ આજે પરમ પૂજ્ય મહંત સ્વામીના સમર્પણથી ફલિત થઈ રહ્યા છે. એક લાખ કાર્યકર, આટલો મોટો કાર્યક્રમ. બીજ, વૃક્ષ અને ફળના ભાવને અભિવ્યક્ત કરતા હું તમારી વચ્ચે ભલે સાક્ષાત ઉપસ્થિત ન થઈ શક્યો, પરંતુ આ આયોજનની ઉર્જાનો અહેસાસ કરી રહ્યો છું. હું પરમ પૂજ્ય મહંત સ્વામી અને અન્ય સંતગણોને નમન કરું છું.
PM મોદીએ BAPSના કાર્યો અંગે કહ્યું કે, BAPSના કાર્યકરો આખા વિશ્વમાં ભારતના પ્રભાવને શક્તિ આપે છે. 28 દેશોમાં 1800 ભગવાન સ્વામિનારાયણના મંદિર, 21000થી વધુ અધ્યાત્મિક કેન્દ્ર દુનિયા જ્યારે આ જોવે છે.
અબુધાબીના મંદિરની પ્રતિષ્ઠા અંગે કરી વાત
ત્યારે ભારતના અધ્યાત્મિક વારસાના દર્શન કરે છે. આ મંદિર ભારતની સંસ્કૃતિનું પ્રતીક છે. કોઈપણ વ્યક્તિ તેની સાથે જોડાય છે ત્યારે ભારતથી આકર્ષિત થયા વિના રહેતા નથી. થોડા સમય પહેલા જ અબુધાબીના મંદિરની પ્રતિષ્ઠા થઈ હતી અને હું પણ તેમાં હાજર રહ્યો હતો. જેનો દુનિયાએ ભારતની સાંસ્કૃતિક વિવિધતા જોઇ છે.
PM મોદી એ કહ્યું, હું તમામ કાર્યકરોને શુભકામના પાઠવું છું. સાથીઓ તમારા મોટા મોટા સંકલ્પો આટલી સહજતાથી સિદ્ધ થઈ જવું એ ભગવાન સ્વામિનારાયણની તપસ્યાનું જ પરિણામ છે. તેમણે જે મૂલ્યોની સ્થાપના કરી છે આજે BAPS એ જ પ્રકાશને વિશ્વમાં ફેલાવી રહ્યું છે.