અમદાવાદના ખોખરામાં બાબા સાહેબની પ્રતિમા ખંડિત કરવાના કેસમાં વધુ 3 આરોપીની કરાઈ ધરપકડ, કૂલ મળીને 5 આરોપી ઝડપાયા
અમદાવાદના ખોખરામાં બાબા સાહેબની પ્રતિમાને ખંડિત કરવાનું હિન કૃત્ય કરનાર તમામ આરોપીઓ ઝડપાઈ ગયા છે. આ કેસમાં પોલીસે આજે વધુ ત્રણ આરોપીની ધરપકડ કરી છે. આ અગાઉ ગઈકાલે સોમવારના રોજ પોલીસે 2 આરોપીની ધરપકડ કરી હતી. કુલ મળીને પાંચેય આરોપીની ક્રાઈમ બ્રાંચે 48 કલાકમાં ધરપકડ કરી છે.
અમદાવાદના ખોખરા વિસ્તારમાં બાબા સાહેબની પ્રતિમાને ખંડિત કરનારા તમામ તોફાની તત્વોની પોલીસે ધરપકડ કરી લીધી છે. ગઈકાલે સોમવારે પોલીસે બે આરોપીની ધરપકડ કરી હતી અને અન્ય ત્રણ ફરાર હતા. આજે પોલીસે એ બાકી રહેલા ત્રણ આરોપીઓની પણ ધરપકડ કરી લેતા સમગ્ર વિરોધ અને વિવાદનો અંત આવ્યો છે. ક્રાઈબ્રાંચે 48 કલાકમાં 5 આરોપીઓની ધરપકડ કરી લીધી છે. આ તરફ ખંડિત મૂર્તિના સ્થાને નવી મૂર્તિનું સ્થાપન કરવામાં આવ્યુ છે. મૂર્તિના અનાવરણ સમયે મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા અને નવી મૂર્તિના અનાવરણ બાદ લોકોએ ધરણા સમેટ્યા છે. આ સાથે ભવિષ્યમાં આ પ્રકારની ઘટના ન બને તે હેતુથી આંબેડકરની પ્રતિમા પાસે પોલીસ પોઈન્ટ ગોઠવવાની પણ માગ કરી
શું હતો સમગ્ર વિવાદ ?
છેલ્લા બે દિવસથી ટોક ઓફ ધ ટાઉન બન્યો હતો. શનિવારે કેટલાક તોફાની તત્વોએ બાબા સાહેબની પ્રતિમાને કાંકરીચાળો કર્યો અને પ્રતિમાને ખંડિત કરવાનો પ્રયાસ કર્યો. જેના કારણે અહીંના સ્થાનિકોમાં ભારે નારાજગી ફેલાઈ ગઈ. એકતરફ સંસદમાં તો બાબા સાહેબના અપમાન મુદ્દે હોબાળો ચાલી જ રહ્યો હતો અને અમદાવાદના ખોખરામાં બનેલી આ ઘટનાએ જાણે બળતામાં ઘી હોમવાનું કામ કર્યુ અને રાજકારણીઓને પણ વધુ એક મુદ્દો મળી ગયો. બાબા સાહેબની પ્રતિમા ખંડિત કરવા મામલે રવિવારનો આખો દિવસ વિતવા છતા પોલીસે આરોપીઓની ધરપકડ ન કરતા સ્થાનિકોમાં રોષ ફેલાયો. વિસ્તારના આગેવાનો, સ્થાનિકોએ સોમવારે ખોખરા બંધનું એલાન આપ્યુ. બપોર સુધી તો વિસ્તારમાં સજ્જડ બંધ પાળવામાં આવ્યો જે બાદ બંધ મિશ્ર પ્રતિસાદમાં ફેરવાઈ ગયો. આ તરફ કોંગ્રેસે ભાજપ પર બાબા સાહેબના અપમાનનો મુદ્દો ચગાવ્યો અને ભાજપના ઈશારે જ આ બધુ થતુ હોવાનો આરોપ લગાવ્યો તો ભાજપે પણ વળતો પ્રહાર કર્યો. રવિવારથી લઈ સોમવાર સુધી આક્ષેપપ્રતિઆક્ષેપનો દૌર ચાલતો રહ્યો. આખરે બપોર થતા સુધીમાં પ્રતિમાને ખંડિત કરનારા બે આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી ત્યારે વિવાદ થોડો શાંત થયો હતો.
જુની અદાવતમાં આરોપીઓએ પ્રતિમા ખંડિત કરી હોવાનો ખૂલાસો
રવિવારના રોજ આખો દિવસ વિતવા છતા આરોપીને પકડવામાં ન આવતા સ્થનિકોનો રોષ ભભુકી ઉઠ્યો હતો અને રવિવારથી જ લોકો ધરણા પર બેસી ગયા હતા. તેમની માગ હતી કે જ્યાં સુધી તમામ આરોપીઓની પોલીસ ધરપકડ નહીં કરે ત્યા સુધી તેઓ ધરણા નહીં સમેટે. મામલો વધુ ઉગ્ર બનતા સમગ્ર કેસમાં ક્રાઈમ બ્રાંચ પણ જોડાઈ હતી અને આ વિસ્તારના 1000 થી વધુ સીસીટીવી ચકાસવામાં આવ્યા હતા અને આરોપી સુધી પહોંચવામાં પણ સીસીટીવી જ મુખ્ય કડી બન્યા હતા. સોમવારે બપોરના ત્રણ વાગ્યા સુધીમાં પોલીસે 2 આરોપીને ઝડપી લીધા હતા તેમની પૂછપરછમાં સામે આવ્યુ કે જુની અદાવતમાં આરોપીઓએ બદઇરાદા સાથે આંબેડકરની પ્રતિમાને નુકસાન પહોંચાડ્યું હતું. જુગનદાસની ચાલી વિસ્તારમાં નાડીયા અને ઠાકોર સમાજ વચ્ચે પાછલા કેટલાક વર્ષોથી વિવાદ ચાલી રહ્યો છે. વર્ષ 2018માં પણ બંને સમાજ વચ્ચે રાયોટિંગ થયા હતા અને સામે સામે ફરિયાદ નોંધાઇ હતી. ઝડપાયેલા આરોપીઓ પણ ગુનાહિત ભૂતકાળ ધરાવતા હોવાનું સામે આવ્યું છે.
પ્રતિમા ખંડિત કરનારા પાંચેય આરોપીઓની ધરપકડ
જો કે પોલીસે આજે વધુ ત્રણ આરોપીને ઝડપી લેતા હવે સમગ્ર વિવાદનો અંત આવ્યો છે. ક્રાઈમ બ્રાંચે મેહુલ અને ભોલા ઠાકોર બાદ બાદ આજે ચેતન ઠાકોર, જયેશ ઠાકોર અને મુકેશ ઠાકોરની ધરપકડ કરી છે. પોલીસે આજે સવારે બંને આરોપીઓને સાથે રાખી ઘટનાનું રિક્રન્સ્ટ્રક્શન પણ કર્યુ હતુ.