અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં એક દુઃખદ ઘટના સામે આવી છે, જેમાં રાત્રીના સમયે માનસિક અસ્થિર યુવકને ઝાડ સાથે બાંધીને કેટલાક શખસો અને મહિલાઓ દ્વારા માર મારવામાં આવ્યો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેની ચકચાર મચી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, યુવક મહિલાઓની ઝૂંપડી નજીક ઊભો હતો, જેનાથી આસપાસના લોકોને શંકા ઉપજી હતી. આ શંકાના કારણે મહિલાઓ અને તેમના પરિજનોએ યુવકને ઝાડ પાસે લઈ જઈ કપડાં ઉતારી માર માર્યો.
ઘટના સમયે હોસ્પિટલનો સિક્યોરિટી સ્ટાફ પણ હાજર હતો, પરંતુ તેમણે યુવકને બચાવવાનો કોઈ પ્રયાસ કર્યો નહોતો. પોલીસને જાણ થતાં તેઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા.
પોલીસ તપાસ દરમિયાન જાણવા મળ્યું કે યુવક માનસિક અસ્થિર છે. તેના માનસિક અસ્થિર થવાનું કારણ તેનાં જીવનમાં થયેલા દુઃખદ ઘટના છે—યુવકની દીકરીનું અવસાન થયાં બાદ તે માનસિક રીતે અસ્વસ્થ થયો હતો. યુવકની પત્ની સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ છે.
યુવકને માર મારનારા લોકો સિવિલ હોસ્પિટલમાં શ્રમિક તરીકે કામ કરતા હતા અને ઘટના પછી તેઓ દાહોદ પરત ફરી ગયા હતા.
સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ ડૉ. રાકેશ જોશીએ જણાવ્યું કે, “આ વીડિયો હોસ્પિટલ કેમ્પસનો જ છે, પરંતુ મારપીટમાં હોસ્પિટલના કોઈ કર્મચારી સંડોાયેલો નથી. પોલીસને ઘટના અંગે તાત્કાલિક જાણ કરી દેવાઈ હતી અને યુવકને પોલીસની તહેવાળમાં સોંપવામાં આવ્યો હતો.”
શાહીબાગ પોલીસ સ્ટેશનના પીઆઇ જે.ડી. ઝાલાએ જણાવ્યું કે, “યુવક માનસિક અસ્થિર હોવાથી તેને તેના પિતાને સોંપવામાં આવ્યો છે. યુવક કે માર મારનાર લોકોની તરફથી કોઈ પોલીસ ફરિયાદ કરવામાં આવી નથી.”
આ મામલે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે અને યુવકની માનસિક સ્થિતિના સંદર્ભે આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટના સમાજ માટે સવાલ ઊભા કરે છે કે માનસિક અસ્થિર લોકોની સલામતી માટે વધુ જાગૃતતા જરૂરી છે.
Published On - 5:43 pm, Thu, 27 March 25