ચોમાસાની શરુઆત થતા જ શાકભાજીના વધતા ભાવો ગૃહિણીઓને પરેશાન કરી દેતા હોય છે. અમદાવાદવાસીઓ પણ વધતા ભાવોથી પરેશાન બન્યા છે. મોંઘવારીમા એક તરફ વધારો થઈ રહ્યો છે, ત્યાં જ શાકભાજીના ભાવો વધી રહ્યા છે. જેને લઈ ગૃહિણીઓ પરેશાન બની છે. તો વળી હજુ પણ એક મહિના લગી અમદાવાદ વાસીઓને મોંઘા શાકભાજી ખાવા માટે તૈયારીઓ રાખવી પડશે. તમને આ વાત સાંભળીને આંચકો જરુર લાગશે, પરંતુ આગામી એક મહિના કરતા વધારે સમય સુધી મોંઘાદાટ શાકભાજી ખરીદવા પડશે.
ખાવાની વાત આવતો સુરત બાદ અમદાવાદીઓનો નંબર આવતો હોવાનુ માનવામાં આવે છે. અમદાવાદીઓ ચટાકેદાર વાનગીઓ આરોગવાના શોખીન હોય છે. તેઓની થાળીમાં જુદા જુદા શાક જરુર જોવા મળતા હોય છે.પરંતુ આ થાળી હવે દિવસે દિવસે મોંઘી થઈ રહી છે. તો વળી હાલમાં છેલ્લા કેટલાક દિવસોથી ટામેટાએ પરેશાન કરતા ગુજરાતીઓની પ્રિય દાળ અને સલાડ પણ મોંઘા થયા છે. તો આદુ અને કોથમીર પણ મોંઘા બન્યા છે.
જૂન મહિનામાં બિપરજોય વાવાઝોડાના સમયથી જ સતત શાકભાજીના ભાવમાં વધારો થયો છે. જોકે ત્યારબાદ સતત શાકભાજીના ભાવમાં વરસાદને લઈ વધારો થયો છે. કેટલાક શાકભાજીના ભાવ તો પ્રતિ કિલોએ 100 રુપિયાના આંકને વટાવી ગયા છે. હાલમાં ચોમાસાની સિઝન જામી છે અને રાજ્યમા અને જે વિસ્તારોમાંથી શાકભાજી આયાત થતી હોય છે. એ વિસ્તારમાં વરસાદી વાતાવરણને લઈ શાકભાજીના ભાવમાં વધારો થઈ રહ્યો છે. જે હજુ પણ ઓછો થવાની કોઈ શક્યતા નજીકના સમયમાં જોવાતી નથી.
અમદાવાદના હોલસેલ બજારમાં 10 થી 15 ટકા જેટલો ભાવ વધારો નોંધાયો હતો. જ્યારે રિટેઇલ બજારમાં 20 થી 25 ટકા જેટલો ભાવ વધારો નોંધાયો હતો. જેમાં વાવાઝોડાની શાકભાજી પર અસર થતા હોલસેલમાં 15 ટકા જેટલા ભાવ વધ્યા, જ્યારે રિટેલમાં 20 થી 25 ટકા જેટલો ભાવ વધારો નોંધાયો હતો. જે બાદ ચોમાસુ શરૂ થયું ત્યારે પણ ભાવ વધતા જ જોવા મળ્યા.
શાકભાજી સાથે હાલમાં બટાકા અને ડુંગળી માં પણ 5 થી 10 રૂપિયા ભાવ વધારો નોંધાયો છે. અને તેમાં પણ હવે જ્યારે શ્રાવણ મહિનો નજીક આવી રહ્યો છે. આ દરમિયાન બટાકા, સુરણ અને રતાળુ નો ઉપયોગ વધતો હોય છે. જેના ભાવ વધવાની શકયતા વેપારીએ વ્યક્ત કરી છે. બટાકા ડીસા આવે છે તો, સુરણ શામળાજી તરફથી આવે છે. બટાકા અને ડુંગળી હાલ 30 થી 40 ના કિલો વેચાઈ રહ્યા છે. સુરણ 80 થી 100 ભાવ મળી રહ્યા છે. હજુ શ્રાવણ મહિનામાં આ ભાવ વધશે.
Published On - 5:40 pm, Fri, 7 July 23