Stock Market Holiday: શેરબજારમાં રોકાણ કરનારા લોકો માટે બોમ્બે સ્ટોક એક્સચેન્જ – BSE અને નેશનલ સ્ટોક એક્સચેન્જ – NSE દ્વારા અપડેટ જાહેર કરવામાં આવ્યું છે. જો તમે પણ શેરબજારમાં ટ્રેડિંગ કરો છો તો તમને જણાવી દઈએ કે શેરબજાર આજથી સતત ત્રણ દિવસ માટે બંધ રહેવાનું છે.
સ્ટોક એક્સચેન્જો BSE અને NSE અનુસાર 75માં ગણતંત્ર દિવસના અવસર પર આજે 26મી જાન્યુઆરીએ કોઈ ટ્રેડિંગ થશે નહીં. આ પછી શનિવાર અને રવિવારે પણ શેરબજારમાં રજા રહેશે. આ કારણોસર BSE અને NSE ત્રણ દિવસ પછી સોમવાર 29 જાન્યુઆરીએ ફરી ખુલશે. તમને જણાવી દઈએ કે ગણતંત્ર દિવસ 26 જાન્યુઆરી 1950ના રોજ ભારતના બંધારણને અપનાવવાનું અને દેશ પ્રજાસત્તાક બનવાનું પ્રતીક છે.
સત્તાવાર વેબસાઈટ MCXIndia.com અનુસાર મલ્ટી કોમોડિટી એક્સચેન્જ – MCX સવાર અને સાંજના સત્રોમાં બંધ રહેશે. MCX સવારના સત્ર દરમિયાન સવારે 9 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી અને સાંજના સત્ર દરમિયાન સાંજે 5 વાગ્યાથી 11:30 અથવા 11:55 વાગ્યા સુધી બંધ રહેશે.
ગુરુવારે શેરબજારો નુકસાનમાં રહ્યા હતા. BSE સેન્સેક્સ 360 પોઈન્ટ તૂટ્યો જ્યારે નિફ્ટી 21,400 પોઈન્ટની નીચે ગયો હતો. આઇટી શેરોમાં વેચવાલીથી બજાર નુકસાનમાં રહ્યું કારણ કે વિદેશી સંસ્થાકીય રોકાણકારો દ્વારા મૂડીનો ઉપાડ ચાલુ રહ્યો હતો.
30 શેરોવાળો સેન્સેક્સ 359.64 અંક એટલે કે 0.51 ટકાના ઘટાડા સાથે 70,700.67 પર બંધ થયો હતો. એક સમયે ટ્રેડિંગ દરમિયાન તે 741.27 પોઈન્ટ્સ તૂટ્યો હતો. સેન્સેક્સના 19 શેર નુકસાનમાં હતા જ્યારે 11 નફામાં હતા.
નેશનલ સ્ટોક એક્સચેન્જનો 50 શેર પર આધારિત નિફ્ટી પણ 101.35 પોઈન્ટ અથવા 0.47 ટકાના ઘટાડા સાથે 21,352.60 પોઈન્ટ પર બંધ રહ્યો હતો.
વર્ષ 2024માં સ્ટોક માર્કેટની રજાઓ વિશે વાત કરીએ તો 26 જાન્યુઆરી પછીની આગામી સત્તાવાર રજા મહાશિવરાત્રીના અવસર પર 8 માર્ચે હશે. આ પછી 25 માર્ચે હોળીના દિવસે શેરબજાર બંધ રહેશે. ગુડ ફ્રાઈડેના કારણે માર્ચ 29 ના રોજ બજાર બંધ રહેશે.