પેટ્રોલ અને ડીઝલ થશે સસ્તું ? સરકારે ટેક્સને લઈને લીધો મોટો નિર્ણય
ટેક્સમાં સતત વધારો કર્યા બાદ 1 મેના રોજ સરકારે ક્રૂડ ઓઈલ પર વિન્ડફોલ ટેક્સ ઘટાડવાનો નિર્ણય લીધો હતો. એ સમયે વિન્ડફોલ ટેક્સ રૂ. 9,600 પ્રતિ ટનથી ઘટાડીને રૂ. 8,400 પ્રતિ ટન કરવામાં આવ્યો હતો. અગાઉ વિન્ડફોલ ટેક્સમાં સતત વધારો કરવામાં આવી રહ્યો હતો.
ચૂંટણી પરિણામો પહેલા સામાન્ય જનતા માટે મોટા સમાચાર આવી શકે છે. સરકારે સ્થાનિક સ્તરે ઉત્પાદિત ક્રૂડ ઓઈલ પર વિન્ડફોલ ટેક્સ 8,400 રૂપિયા પ્રતિ ટનથી ઘટાડીને 5,700 રૂપિયા પ્રતિ ટન કર્યો છે. અગાઉ સરકાર વિન્ડફોલ ટેક્સમાં સતત વધારો કરી રહી હતી. ત્યારે હવે સરકાર સતત બીજી વખત ટેક્સમાં ઘટાડો કરી રહી છે. આ ટેક્સ સ્પેશિયલ એડિશનલ એક્સાઈઝ ડ્યુટી (SAED)ના રૂપમાં વસૂલવામાં આવે છે.
ડીઝલ, પેટ્રોલ અને જેટ ઇંધણ અથવા ATFની નિકાસ પર SAEDને ‘શૂન્ય’ પર યથાવત રાખવામાં આવ્યો છે. CBIC એટલે કે સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સે તેના એક આદેશમાં કહ્યું છે કે નવા દર 16 મેથી લાગુ કરવામાં આવી રહ્યા છે. તમને જણાવી દઈએ કે 16 મેના રોજ અમદાવાદમાં પેટ્રોલની કિંમત 94.44 રૂપિયા પ્રતિ લીટર છે. જ્યારે ડીઝલ 90.11 રૂપિયા પ્રતિ લીટરના ભાવે ઉપલબ્ધ છે.
1 મેના રોજ છેલ્લે ટેક્સમાં ઘટાડો કરવામાં આવ્યો હતો
તમને જણાવી દઈએ કે ટેક્સમાં સતત વધારો કર્યા બાદ 1 મેના રોજ સરકારે ક્રૂડ ઓઈલ પર વિન્ડફોલ ટેક્સ ઘટાડવાનો નિર્ણય લીધો હતો. એ સમયે વિન્ડફોલ ટેક્સ રૂ. 9,600 પ્રતિ ટનથી ઘટાડીને રૂ. 8,400 પ્રતિ ટન કરવામાં આવ્યો હતો. અગાઉ વિન્ડફોલ ટેક્સમાં સતત વધારો કરવામાં આવી રહ્યો હતો. એક મહિના પહેલા 16 એપ્રિલની સમીક્ષામાં વિન્ડફોલ ટેક્સ રૂ. 6,800 પ્રતિ ટનથી વધારીને રૂ. 9,600 પ્રતિ ટન કરવામાં આવ્યો હતો, જ્યારે આ નાણાકીય વર્ષની પ્રથમ સમીક્ષામાં તે રૂ. 4,900 પ્રતિ ટનથી વધારીને રૂ. 6,800 પ્રતિ ટન કરવામાં આવ્યો હતો.
2022માં પ્રથમ વખત ટેક્સ લાદવામાં આવ્યો હતો
ભારતે સૌપ્રથમ 1 જુલાઈ 2022ના રોજ વિન્ડફોલ ટેક્સ લગાવ્યો હતો અને ભારત એ દેશોની યાદીમાં સામેલ થયો હતો જે ઊર્જા કંપનીઓના નફા પર ટેક્સ લગાવે છે. એ જ રીતે ડીઝલ, પેટ્રોલ અને એવિએશન ફ્યુઅલની નિકાસ પર પણ ડ્યુટી લાદવામાં આવી હતી. ઘણી ખાનગી રિફાઈનરી કંપનીઓ વધુ નફો મેળવવા માટે તેને સ્થાનિક બજારમાં વેચવાને બદલે ડીઝલ, પેટ્રોલ અને એટીએફની નિકાસ કરતી હતી. વિન્ડફોલ ટેક્સ પણ નિકાસ પર લાદવામાં આવતો એક પ્રકારનો કર છે. સરકાર દર પખવાડિયે તેની સમીક્ષા કરે છે અને આંતરરાષ્ટ્રીય બજાર અનુસાર તેને વધારવા કે ઘટાડવાનો નિર્ણય લે છે.