પેટીએમ પેમેન્ટ્સ બેંકે ક્યારેય વિદેશમાં પૈસા મોકલ્યા નથી : ED ના આરોપો સામે પેટીએમનો બચાવ
Paytm Crisis : એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની તપાસના અહેવાલો સામે આવ્યા બાદ Paytmની પેરન્ટ કંપની One 97 Communications એ કહ્યું હતું કે તેમને હંમેશા તપાસમાં અધિકારીઓને સહકાર આપ્યો છે. વધુમાં ઉમેર્યું હતું કે અમે સ્પષ્ટ કરવા માંગીએ છીએ કે પેમેન્ટ્સ બેંકે ક્યારેય વિદેશમાં પૈસા મોકલવાનું કામ કર્યું નથી.
Paytm Crisis : સંકટોમાં ઘેરાયેલ પેટીએમ પેમેન્ટ્સ બેંક સામે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની તપાસના અહેવાલો બુધવારે સામે આવ્યા હતા. આ આરોપો સામે સ્પષ્ટતા કરતા કંપનીએ બુધવારે સાંજે કહ્યું કે Paytmની પેરન્ટ કંપની One 97 Communications એ હંમેશા તપાસમાં અધિકારીઓને સહકાર આપ્યો છે. અમે સ્પષ્ટ કરવા માંગીએ છીએ કે પેમેન્ટ્સ બેંકે ક્યારેય વિદેશમાં પૈસા મોકલવાનું કામ કર્યું નથી.
અમારી નહીં પણ મર્ચન્ટ સામે તપાસ ચાલી રહી છે : One 97 Communications
કંપનીએ એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે One 97 Communications અને તેની આનુષંગિકોએ ED સહિત તમામ એજન્સીઓને માહિતી, દસ્તાવેજો અને નિવેદનો આપ્યા છે. અમારી ભાગીદાર કંપનીઓ તમામ પ્રકારના પ્રશ્નોના જવાબ આપી રહી છે. પેટીએમ પેમેન્ટ્સ બેંક આઉટવર્ડ ફોરેન રેમિટન્સ કરતી નથી. અમે 5 ફેબ્રુઆરીએ સ્પષ્ટતા કરી હતી કે ED દ્વારા અમારી વિરુદ્ધ કોઈ તપાસ કરવામાં આવી રહી નથી. થોડા સમય પહેલા અમારા પ્લેટફોર્મ પર હાજર કેટલાક વેપારીઓ સામે તપાસ શરૂ કરવામાં આવી હતી. Paytm આ તપાસમાં સંપૂર્ણ સહયોગ કરી રહ્યું છે. અમે સેબીને દરેક માહિતી આપતા રહીએ છીએ.
Paytmના શેરમાં ફરી લોઅર સર્કિટ લાગી
આ પહેલા બુધવારે સવારે અનેક મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો હતો કે પેટીએમ પેમેન્ટ્સ બેંક સામેના આરોપોની ED દ્વારા તપાસ શરૂ થઈ ગઈ છે. આ સમાચાર પછી Paytm શેર લોઅર સર્કિટને સ્પર્શ્યો અને રૂપિયા 342.15 પર બંધ થયો. આ તેનું ઓલ ટાઈમ લો સ્તર છે. Paytmના શેર 52 સપ્તાહની નીચી સપાટીએ પહોંચી ગયા છે. One97 કોમ્યુનિકેશનના શેર બંને મુખ્ય સ્ટોક એક્સચેન્જમાં પ્રથમ વખત રૂપિયા 350થી નીચે ગયા છે.
આરબીઆઈએ સમીક્ષા કરવાનો ઇનકાર કર્યો હતો
આ પહેલા આરબીઆઈએ પેટીએમ પેમેન્ટ્સ બેંકને ઝટકો આપ્યો હતો અને કહ્યું હતું કે તે તેના નિર્ણયની સમીક્ષા કરશે નહીં. આ સાથે બેંકના સ્વતંત્ર નિર્દેશક મંજુ અગ્રવાલે પણ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. પેટીએમને આશા હતી કે આરબીઆઈ તેના નિર્ણય પર પુનર્વિચાર કરશે અને ફિનટેક કંપનીને થોડી રાહત મળશે.
નોંધ : અહેવાલમાં આપવામાં આવેલી માહિતી માત્ર વાંચકની જાણકારી માટે છે. Tv9 ગુજરાતી કોઈ પણ રોકાણ કરવા માટે પ્રોત્સાહિત કરતું નથી. આ માહિતી રોકાણ માટેની સલાહ નથી. કોઈ પણ રોકાણ નિષ્ણાંતની સલાહ લઈને કરવું.