શા માટે સિદ્ધેશ્વર મહાદેવને કરવામાં આવે છે મહા અભિષેક ? જાણો, શિવજીના દિવ્ય મૂર્તિ રૂપની મહત્તા
શ્રાવણ માસ કે શિવરાત્રી જેવાં અવસરો પર તો મોટી સંખ્યામાં ભાવિકો સિદ્ધેશ્વર મહાદેવની (siddheshwar mahadev) મહાપૂજા માટે ઉમટી પડે છે. અહીં મહાપૂજામાં શિવજી પર અભિષેક કરવાનો મહિમા છે. આ પૂજાવિધિ માટે તો વિદેશમાં વસતાં ભાવિકો પણ તત્પર રહે છે.
પાવનકારી શ્રાવણ માસમાં (shravan2022) શિવભક્તો દેવાધિદેવના દિવ્ય સ્વરૂપોનું શરણું લેતા હોય છે. મહેશ્વરના મનોહારી શિવલિંગની સ્વહસ્તે પૂજા કરી ધન્યતાની અનુભૂતિ કરતા હોય છે. પરંતુ, અમારે આજે એક એવાં શિવજીની વાત કરવી છે કે જે શિવલિંગ સ્વરૂપે નહીં, પરંતુ, મૂર્તિ રૂપે ભક્તોને દર્શન આપી રહ્યા છે. મહાદેવનું આ સ્વરૂપ સિદ્ધેશ્વર મહાદેવના (siddheshwar mahadev) નામે ખ્યાત છે. જૂનાગઢના જવાહર રોડ પર પ્રાચીન સ્વામિનારાયણ મંદિર સ્થિત છે. અને આ જ મંદિર મધ્યે સિદ્ધેશ્વર મહાદેવનું અત્યંત દિવ્ય મૂર્તિ સ્વરૂપ પ્રસ્થાપિત થયું છે. સૌથી મહત્વની વાત તો છે કે શિવજી અહીં દેવી પાર્વતી અને પુત્ર ગજાનન સાથે બિરાજમાન થયા છે.
આ એ સ્થાનક છે કે જ્યાં મહાદેવના સાકાર સ્વરૂપના ભક્તોને આશીર્વાદ મળી રહ્યા છે. અને એટલે જ તો શિવભક્તોને મન પ્રભુના આ દિવ્ય રૂપના દર્શનનો સવિશેષ મહિમા છે. સિદ્ધેશ્વર મહાદેવનું મંદિર આમ તો બારેમાસ શ્રદ્ધાળુઓની ભીડથી ઘેરાયેલું જ રહે છે. પણ, શ્રાવણ માસ કે શિવરાત્રી જેવાં અવસરો પર તો મોટી સંખ્યામાં ભાવિકો અહીં મહાપૂજા માટે ઉમટી પડે છે. અહીં મહાપૂજામાં સિદ્ધેશ્વર મહાદેવ પર અભિષેક કરવાનો મહિમા છે. આ પૂજાવિધિ માટે તો વિદેશમાં વસતાં ભાવિકો પણ તત્પર રહે છે. કારણ કે આ અભિષેક માત્રથી પ્રભુ અસાધ્ય રોગોથી મુક્તિ અપાવતા હોવાની માન્યતા પ્રચલિત છે. અભિષેક સમયનું સિદ્ધેશ્વરનું સાદગીપૂર્ણ રૂપ અત્યંત મનોહર ભાસે છે. અને જ્યારે આ જ દેવાધિદેવ દિવ્ય શણગાર સજે છે ત્યારે તો ભક્તોના નેત્ર પ્રભુ પર જ સ્થિર થઈ જાય છે.
સિદ્ધેશ્વરના આ રૂપ સંબંધી સૌથી મહત્વની વાત તો એ છે કે આ મૂર્તિ સ્વયં પ્રભુ સ્વામિનારાયણના હસ્તે સ્થાપિત થઈ છે. ઐતિહાસિક ઉલ્લેખ અનુસાર વિ.સં. 1884ના રોજ જૂનાગઢમાં સિદ્ધેશ્વર મહાદેવની સ્થાપના થઈ હતી. અને ત્યારથી જ મંદિર ભક્તોની પરમ આસ્થાનું કેન્દ્ર બની ગયું. માન્યતા તો એવી છે કે સિદ્ધેશ્વર પાસે આસ્થા સાથે આવનારને ક્યારેય નિરાશ થવાનો વારો નથી આવતો. એવાં તો અનેક શ્રદ્ધાળુઓ છે કે જેમને સિદ્ધેશ્વર મહાદેવના પરચા મળ્યા છે. સામાન્ય રીતે શિવમંદિરોમાં સોમવારના દિવસે ભાવિકોની ભીડ ઉમટી પડતી હોય છે. પણ, સિદ્ધેશ્વરના સાનિધ્યે તો પૂનમના દર્શનનો સવિશેષ મહિમા છે. પૂનમના દિવસે તો આ મંદિરમાં શ્રદ્ધાળુઓની એટલી ભીડ જામે છે કે જાણે મેળો જામ્યો હોય. સૌ કોઈ સિદ્ધેશ્વરના આશીર્વાદ લઈ ધન્યતાની અનુભૂતિ કરે છે.
(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)