પાવન માસ એવાં શ્રાવણ (shravan) માસનો પ્રારંભ થઈ ચૂક્યો છે. સંપૂર્ણ શ્રાવણ માસ દરમિયાન લોકો શિવજીની તન, મન, ધનથી આરાધના કરે છે. મહાદેવને પ્રસન્ન કરવાના ઉપાયો કરતાં હોય છે. પણ, કહે છે કે જો વિશેષ નિયમો સાથે શ્રાવણ માસનું વ્રત અને ઉપવાસ કરવામાં આવે, તો તે વ્યક્તિને સર્વોત્તમ ફળની પ્રાપ્તિ કરાવે છે. એટલું જ નહીં, વ્યક્તિના ભાગ્યોદય આડેના અવરોધો પણ દૂર થઈ જાય છે. આવો, આજે તે વિશે જ માહિતી મેળવીએ.
1.આખા મહિનાનું વ્રત રાખવું :
શ્રાવણ મહિનામાં માત્ર સોમવારનું જ નહીં, પરંતુ આખા મહિનાનું વ્રત રાખવું જોઈએ. હિંદુ ધર્મમાં શ્રાવણ મહિનાને પવિત્ર અને ઉપવાસનો મહિનો માનવામાં આવે છે. એટલે, શ્રાવણ મહિના દરમિયાન માત્ર ફળોનો જ આહાર કરવો જોઈએ ! શાસ્ત્રોમાં પણ શ્રાવણના ઉપવાસનું મહત્વ દર્શાવાયુ છે. અલબત્, ઉપવાસ કરવો અને માત્ર ફળાહાર પર રહેવું અશક્ય હોય તો એકટાણું કરવું. પરંતુ, ત્યારબાદ માત્ર ફળો જ ગ્રહણ કરવા. જો તમે સંપૂર્ણ શ્રાવણ દરમિયાન વ્રત ન રાખી શકો, તો શ્રાવણના સોમવારનું વ્રત તો અચૂક કરવું જોઈએ. જો નિયમ મુજબ ઉપવાસ કરવામાં આવે તો જ તેનું ફળ મળે છે. “દિવસમાં માત્ર ફળ જ ખાવ અને રાત્રે માત્ર પાણી પીવો” એ ઉપવાસની શ્રેષ્ઠ પ્રણાલી છે.
2. ઉપવાસના નિયમો :
જો તમે સમગ્ર શ્રાવણ માસ દરમિયાન ઉપવાસ નથી કરી શકતા અને એકટાણું કરો છો, તો પણ કેટલીક ખાસ બાબતોને ધ્યાનમાં રાખો. તેલ, રીંગણ, પાંદડાવાળા શાકભાજી, મસાલેદાર નમકીન, મીઠાઈ તેમજ સોપારીનું સેવન ન કરો. લસણ-઼ડુંગળી, માંસ અને મદિરાથી તો દૂર જ રહો.
3.સત્સંગ :
શ્રાવણ શબ્દ ‘શ્રવણ’ પરથી આવ્યો છે, જેનો અર્થ સાંભળવું થાય છે. અર્થાત સંપૂર્ણ શ્રાવણ દરમિયાન શિવના ભજનો સાંભળવા. શિવ સંબંધી સ્તોત્રને સાંભળવા. ધર્મની વાતો સાંભળવી. જેમ શ્રાવણમાં વનરાજી ખીલી ઉઠે છે, તેવી જ રીતે સારી બાબતોનું શ્રવણ વ્યક્તિના જીવનમાં પણ હરિયાળી લાવે છે !
4.ખાસ ધ્યાનમાં રાખો :
શક્ય હોય ત્યાં સુધી શ્રાવણ મહિનામાં વાળ અને નખ ન કાપવા.
ક્રોધ ભૂલથી પણ ન કરવો તેમજ કોઈની નિંદા ન કરવી.
શક્ય હોય તો જમીન પર જ સૂવું.
બ્રહ્મચર્યનું પાલન કરવું.
આળસ બિલ્કુલ પણ ન કરવી.
શક્ય હોય તેટલું મૌન રહેવું.
એક આસને બેસી “ૐ નમઃ શિવાય” મંત્રનો જાપ કરો. તે સિવાય પણ સતત મનમાં મંત્રનું રટણ કરતા રહો.
લૌકિક માન્યતા એવી છે કે આ નિયમો સાથે વ્રત કરવાથી મહાદેવ પ્રસન્ન થાય છે, અને ભક્તને મનોવાંચ્છિત ફળની પ્રાપ્તિ કરાવે છે.
આ પણ વાંચો : જાણો પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથના પ્રાગટ્યની કથા, શા માટે અહીં દર્શનનો છે વિશેષ મહિમા ?
આ પણ વાંચો : ફટાફટ જાણી લો, શ્રાવણમાં કયા દ્રવ્યના અભિષેકથી મળશે સુખ, સમૃદ્ધિ અને સંપતિના આશિષ