દરેક ઘરનો સૌથી પવિત્ર ખૂણો કે સ્થાન જો કોઈ હોય તો તે ઘરનું પૂજાઘર હોય છે ! એ ઘરનું પૂજાસ્થાન કે મંદિર જ તો છે કે વ્યક્તિને નવી ચેતના પ્રદાન કરે છે. અનેક પ્રશ્નોથી ઘેરાયેલા લોકો જ્યારે ઘરના પૂજાઘર સન્મુખ બેસીને તેમના આરાધ્યને નતમસ્તક થાય છે, ત્યારે તેમનામાં નવી ઊર્જાનો અને આત્મવિશ્વાસનો સંચાર થાય છે.
પણ, તેનાથી વિપરીત જ્યારે તમે આ જ પૂજાઘર સંબંધી કેટલીક બાબતોની અવગણના કરો છો, ત્યારે તમારે અનેકવિધ મુસીબતોનો સામનો કરવાનો વારો આવે છે. ત્યારે, આવો આજે એ જ જાણીએ કે ઘરના પૂજાઘર સંદર્ભે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું છે અત્યંત જરૂરી ?
⦁ તમે ગમે તેટલા વ્યસ્ત હોવ, પણ નિત્ય જ ઘરના મંદિરમાં સાફ-સફાઈ કરવી જોઈએ અને ત્યારબાદ જ પ્રભુની પૂજા કરવી જોઈએ. જેમ નિત્ય ઘરની સફાઈ જરૂરી છે, તે જ રીતે નિત્ય ઘરના મંદિરની સફાઈ પણ એટલી જ જરૂરી છે. જો તેમ કરવામાં ન આવે તો દેવતાઓ નારાજ થઈ શકે છે !
⦁ પર્વજો પણ દેવતા સમાન છે અને એટલે જ આપણે તેમને પિતૃદેવ કહીએ છીએ. પણ, યાદ રાખો કે, ઘરના પૂજાઘરમાં પૂર્વજોની તસવીર ક્યારેય પણ ન રાખવી જોઈએ. નહીંતર તમે દોષના ભાગીદાર બની જશો.
⦁ ઘરના પૂજાઘરમાં ક્યારેય શનિદેવની તસવીર કે મૂર્તિ પણ ન જ રાખવી જોઈએ. તેને શુભ માનવામાં નથી આવતું.
⦁ પૂજા સ્થાનમાં અગરબત્તી ન પ્રગટાવો. તેના બદલે ધૂપ પ્રજ્વલિત કરો. તે વધુ ફળદાયી બની રહેશે.
⦁ ઘરના પૂજાસ્થાનનો દરવાજો ક્યારેય પણ બંધ ન રાખવો જોઈએ.
⦁ હંમેશા એ વાત ધ્યાનમાં રાખો કે પૂજાઘરની પાસે ક્યારેય સ્ટોર રૂમ કે રસોડું ન જ હોવું જોઈએ. જો આવું કંઈ હોય તો તમારે વાસ્તુદોષનો સામનો કરવો પડી શખે છે.
⦁ ઘરનું મંદિર હંમેશા પૂર્વ કે ઉત્તર દિશામાં જ હોવું જોઇએ. મંદિરનું પશ્ચિમ કે દક્ષિણ દિશામાં હોવું અશુભ ફળ પ્રદાન કરે છે.
⦁ ઘરના મંદિરની આસપાસ ક્યારેય પણ શૌચાલય ન જ હોવું જોઈએ. નહીંતર, પરિવારને અનેક મુસીબતો સહન કરવાનો વારો આવે છે.
⦁ જ્યાં ઘર ખૂબ જ નાના હોય છે, ત્યાં ઘણાં લોકો રસોડામાં જ મંદિર બનાવી દેતા હોય છે. પણ, આવું કરવું બિલ્કુલ પણ યોગ્ય નથી. તેનાથી તમારે મુસીબતોનો સામનો કરવો પડી શકે છે !
⦁ યાદ રાખો, કે ઘરમાં માત્ર એક જ મંદિર હોવું જોઈએ. વધારે મંદિર ન સ્થાપવા જોઈએ. નહીંતર તેના લીધે માનસિક, શારીરિક અને આર્થિક સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.
⦁ મંદિરની તરફ પગ રાખીને ક્યારેય ન સૂવું જોઇએ. તે અશુભદાયી મનાય છે. એટલું જ નહીં, પૂજાનું શુભફળ પણ આપને પ્રાપ્ત નથી થતું.
(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)