ગીરનાર લીલી પરિક્રમાના પથ પર ઠલવાતા પ્લાસ્ટિક અંગે લોકોને જાગૃત થવા અપીલ, જુઓ વીડિયો
વસુંધરા નેચર ક્લબ દર વર્ષે ગિરનાર પરિક્રમા બાદ પરિક્રમા કરનાર લોકો દ્વારા ફેલાવવામાં આવેલો પ્લાસ્ટિકનો કચરો એકત્ર કરે છે. ગત વર્ષે આ સંસ્થા દ્વારા મેન્યુઅલી આ કામ કરીને 4.5 ટન પ્લાસ્ટિક એકત્ર કર્યું હતું. સાથે આ વખતે સંસ્થા દ્વારા એક અલગ પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. સમગ્ર પરિક્રમાના માર્ગ પર સતત થોડા થોડા અંતર પર પ્લાસ્ટિક ડસ્ટબીન બેગ મુકવામાં આવ્યા છે. સાથે પરિક્રમાં કરનાર લોકોને કચરો ન ફેલાવવા અપીલ કરવામાં આવી છે.
ગીરનું જંગલ અને જંગલની કેડી એ ગીરનારની સંપત્તિ છે અને તેનું આંગણું છે. લીલી પરિક્રમા એ ગીરનાર પર્વતની આસપાસ થતી પ્રદક્ષિણા છે. શ્રદ્ધાળુઓ ગિરનારી મહારાજને રાજી કરવા, પુણ્ય કમાવા અને પોતાની શ્રદ્ધાને ઘુંટવા લીલી પરિક્રમા કરે છે. પણ જાણે અજાણે કેટલાક લોકો ગીરના જંગલમાં વસતા જીવોના અને પર્વતના ગુનેગાર બને છે.
દશે દિશાએથી આવતા યાત્રાળુઓ પોતાની સાથે પ્લાસ્ટિક કચરો લાવે છે અને લીલી પરિક્રમાના પથ પર એ પ્લાસ્ટિક ઠલવાય છે. કદાચ નાની લાગતી આ વાતનું ગંભીર સ્વરૂપ ડેટા સાંભળીએ ત્યારે સમજાય જાય તેવું છે.
આ પણ વાંચો : જૂનાગઢ : ગિરનાર પરિક્રમાના રૂટમાં દીપડાએ હૂમલો કરતા 11 વર્ષની બાળકીનું મોત, જુઓ વીડિયો
વસુંધરા નેચર ક્લબે ગયા વર્ષે 4.5 ટન પ્લાસ્ટિક એકત્ર કર્યું હતું. આ અનુસંધાને હાલના વર્ષે વસુંધરા નેચર ક્લબે પાણી પહેલા પાળ બાંધવાની શરુઆત કરી છે. લીલી પરિક્રમાના પથ પર કુલ 400 જેટલી મોટી ડસ્ટબીન બેગ રાખી છે. દર ચોક્કસ અંતરે મૂકાયેલી આ પ્લાસ્ટિક બેગમાં કચરો ઠલવાશે તો પ્રકૃતિમૈયા રાજી થશે અને લીલી પરિક્રમાનું ખરું પુણ્ય કમાશે યાત્રાળુઓ.
વસુંધરા નેચર ક્લબમાં પર્યાવરણપ્રેમી મિત્રો કામ કરી રહ્યા છે. ડૉક્ટર્સ, એન્જિનિયર્સ, શિક્ષકો, પ્રાધ્યાપકો, ફોટોગ્રાફર્સ અને પ્રકૃતિને પ્રેમ કરનારા પ્રકૃતિવિદો. આ સૌ મિત્રોના અનોખા યજ્ઞમાં આપણે આહુતિ આપવી જરૂરી છે.