કોઈ જ નિર્ધારીત કાર્યક્રમ વિના મુખ્યમંત્રી અચાનક પહોંચી ગયા ગાંધીનગર ડેપો એ.. અને પછી થઈ જોવા જેવી- જુઓ Video
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર બસ ડેપોની ઓચિંતી મુલાકાતે પહોંચ્યા હતા. કોઈ જ નિર્ધારીત કાર્યક્રમ વિના અચાનક જ CM ને આવેલા જોઈ થોડી પળો માટે તો ડેપોના કર્મચારીઓ પણ ચોંકી ગયા હતા.
મક્કમ અને મૃદુ સ્વભાવથી જાણીતા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમના આગવા અંદાજ માટે પણ જાણીતા છે. આજે કોઈ નિર્ધારીત કાર્યક્રમ વિના CM અચાનક જ ગાંધીનગર ST બસ સ્ટેશન પહોંચી ગયા હતા. અહીં તેઓ સીધા ટિકિટ વિન્ડોની અંદર ગયા અને કોઈને કંઈપણ બોલ્યા વિના ત્યાં પડેલી ખુરશી પર બેસી ગયા. જે બાદ તેઓ ટિકિટ વિન્ડોની કામગીરીનું ઝીણવટભર્યુ નિરીક્ષણ કરવા લાગ્યા હતા. આ દરમિયાન ટિકિટ વિન્ડોના કર્મચારીને સીએમના આગમનની જાણ થઈ હતી અને તેમણે અભિવાદન કર્યુ હતુ.
CM એ ટિકિટ વિન્ડોની કામગીરીનું કર્યુ નિરીક્ષણ
આ દરમિયાન મુખ્યમંત્રીએ ત્યાં બેઠા બેઠા કંટ્રોલ રૂમ અને ટીકિટ વિન્ડોની કામગીરી ઝીણવટ પૂર્વક નિહાળી હતી. જે બાદ તેમણે બસ સ્ટેન્ડની સાફ સફાઈનું પણ નિરીક્ષણ કર્યુ. બસ સ્ટેન્ડ પર હાજર મુસાફરો સાથે પણ વાતચીત કરતા જોવા મળ્યા હતા. તેમને મળતી સુવિધાઓની પણ તેમણે જાણકારી મેળવી એક પ્રકારનું ફિડબેક સીધુ મુસાફરો પાસેથી જ લીધુ હતુ.
બસ સ્ટેશન પરના મુસાફરો પાસેથી CM એ લીધુ ફીડબેક
ગાંધીનગરના મુખ્ય બસ મથકની ઓચિંતી મુલાકાત દરમિયાન CM ની સાથે અધિક મુખ્ય સચિવ એમ.કે. દાસ પણ પહોંચ્યા હતા અને મુસાફરો, સામાન્ય નાગરિકો તથા એસટી બસ મથકના કર્મચારીઓ સાથે સંવાદ કરીને જાણકારી મેળવી હતી. જો કે આ પ્રથમવાર નથી કે આ પ્રકારે સીએમ ઓચિંતા પહોંચી ગયા હોય. મુખ્યમંત્રીએ સરકારી કચેરીઓ, બસ મથકો વગેરેમાં રાજ્યના નાગરિકોને મળતી સેવા-સુવિધાઓની નિયમિતતા અને ગુણવત્તા ચકાસવા માટે અવાર-નવાર ઓચિંતી મૂલાકાતનો ઉપક્રમ અપનાવ્યો છે.