વડોદરામાં હવે ગુનાગારોની ખેર નહીં ! ક્રાઇમ બ્રાન્ચે 9 આરોપીઓ સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધી કરી ધરપકડ
વડોદરા ક્રાઇમ બ્રાન્ચે કાસમઆલા ગેંગના 9 સભ્યો સામે GUJCTOC, 2015 હેઠળ ગુનો દાખલ કર્યો છે. આ ગેંગ ખંડણી, લૂંટ, હત્યાના પ્રયાસ જેવા ગુનાઓમાં સંડોવાયેલી હતી. પોલીસે 8 આરોપીઓની ધરપકડ કરી છે, એક જેલમાં છે. આ કાર્યવાહીથી શહેરમાં ગેંગ કલ્ચર પર પ્રહાર થયો છે. પોલીસે છેલ્લા 10 વર્ષમાં ગુનાઓની વિગતો એકત્રિત કરી છે.
વડોદરામાં ગુનેગારો સામે આખરે ક્રાઇમ બ્રાન્ચે આકરુ વલણ અપનાવ્યુ છે. શહેરમાં હત્યાની કોશિશ, ખંડણી, લૂંટ, મારામારી, ચોરી ધાક-ધમકી, સહિતના ગુનાઓ આચરનારા હુસૈન સુન્ની સહિત 9 આરોપીઓ સામે વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ગુજસીટોકનું શસ્ત્ર ઉગામ્યું છે. પોલીસે તમામ વિરૂદ્ધ ગુજસીટોક 2015 અંતર્ગત ગુનો નોંધીને વધુ કાર્યવાહી શરૂ કરી છે.
આ ગેંગ પોતાનું વર્ચસ્વ રાખવા માટે દારૂ અને જુગારની પ્રવૃત્તિઓ કરતી હતી. ત્યાર બાદ વેપારીઓ પાસેથી ખંડણી ઉઘરાવતી હતી. આ આરોપીઓ તમામ ગુનાઓમાં એકબીજા સાથે સંકળાયેલા હતા અને સતત એકબીજાના સંપર્કમાં રહેતા હતા. કાસમઆલા ગેંગના નામથી આતંક મચાવતી ટોળકીના હવે વળતા પાણી થયા હોય તેમ લાગી રહ્યું છે. પોલીસે આરોપીની 8 આરોપીની ધરપકડ કરી છે અને એક આરોપી હાલ જેલમાં છે. તેની પણ પોલીસ ટ્રાન્સફર વોરંટથી ધરપકડ કરશે.
કાસમઆલા ગેંગ સામે ગુજસીટોકનો ગુનો દાખલ
વડોદરા શહેરમાં ધીમે ધીમે આવે ગેંગ કલ્ચરનો ખાતમો થઈ રહ્યો છે. ચાર વર્ષ પહેલાં વડોદરા ક્રાઈમ બ્રાન્ચે બિચ્છુ ગેંગના અસલમ બોડિયા સહિતના તમામ સાગરીતો સામે ગુજસીટોકનો ગુનો દાખલ કર્યો હતો અને હવે ચાર વર્ષ પછી કાસમઆલા ગેંગ સામે ગુજસીટોકનો ગુનો દાખલ કર્યો છે. વડોદરા શહેરના કાસમઆલા કબ્રસ્તાન પાસે રહેતો મુખ્ય આરોપી હુસેન કાદરમીયા સુન્ની અને અન્ય આરોપીઓએ સાથે મળીને કાસમઆલા ગેંગ નામની ગુના આચરતી ટોળકી બનાવી હતી. તેમના દ્વારા વિતેલા 10 વર્ષમાં એકલા તથા સાથે મળીને ગુનાઓ આચરવામાં આવતા હતા.
આ ટોળકી વડોદરામાં પોતાની ધાક ઉભી કરવા માટે હથિયારો વડે ખુનની કોશિશ, અપહરણ, ચોરી, લૂંટ, ધાડ, બળજબરીથી પડાવી લેવું, જાનથી મારી નાંખવાની ધમકી, મારામારી જેવા કુલ 164 જેટલા ગુનાઓ આચરીને ભયનું વાતાવરણ ઉભુ કર્યું હતું.
3 સામે ખંડણી-લૂંટની ફરિયાદ
આરોપીઓના ગુનાહિત ઇતિહાસના કારણે નાગરિકો ડરના માર્યા તેમના વિરૂદ્ધ ફરિયાદ કરવાનું ટાળતા હોવાનું પણ ધ્યાને આવ્યું હતું. આરોપીઓ દ્વારા જુગાર અને વિદેશી દારૂની ગેરકાયદે પ્રવૃત્તિઓ પણ કરવામાં આવતી હોવાનું ધ્યાને આવ્યું હતું. 1 જાન્યુઆરી, 2019 બાદ આ ટોળકીના સભ્યો દ્વારા ગુનાખોરી ચાલુ રાખવામાં આવી હતી. તાજેતરમાં આ ટોળકીના ત્રણ માથાભાર શખસો વિરૂદ્ધમાં કારેલીબાગ પોલીસ મથકમાં ખંડણી અને લૂંટની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જે બાદ વડોદરા ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ આર. જી. જાડેજા દ્વારા આરોપીઓ વિરૂદ્ધ ફરિયાદ આપવામાં આવી છે. જેની તપાસ વડોદરા ક્રાઇમ બ્રાન્ચના ACP એચ. એ. રાઠોડ કરી રહ્યા છે.