ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીમાં 182માંથી 156 બેઠક ભારતીય જનતા પાર્ટીને મળી છે. જેના પગલે ગુજરાત ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલે અમદાવાદ RSS મુખ્યાલય ડો. હેડગેવાર ભવનની મુલાકાત લીધી હતી. તેમણે મણિનગર સ્થિત હેડગેવાર ભવન ખાતે સંઘના વરિષ્ઠ હોદ્દેદારો સાથે મુલાકાત કરી હતી. તેમજ આ દરમ્યાન આવનારા દિવસોમાં સરકાર ગઠન અને કાર્યપ્રણાલી અંગે ચર્ચા થઇ હોવાની સંભાવના છે.
ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીમાં 182માંથી 156 બેઠક ભારતીય જનતા પાર્ટીને મળી છે. 17 બેઠક પર કોંગ્રેસ પાર્ટીએ, 05 બેઠક પર આમ આદમી પાર્ટી અને 4 બેઠક પર અન્ય એ જીત મેળવી છે. આ પહેલા વર્ષ 2017માં ભારતીય જનતા પાર્ટીને 99 બેઠક મળી છે, આ વર્ષે ભાજપને તેના કરતા 57 બેઠક વધારે મળી છે. કોંગ્રેસ પાર્ટીને વર્ષ 2017માં 77 બેઠક મળી છે જેમાંથી આ વર્ષે તેમણે 60 બેઠક ગુમાવી છે. કોંગ્રેસને આ વર્ષે માત્ર 17 બેઠક પર જીત મળી છે. તેને વિપક્ષની પાર્ટી બનવા માટે જરુરી 10 ટકા બેઠક પણ મળી નથી. આપ પાર્ટી પહેલી વાર ગુજરાત વિધાનસભા ચૂંટણી લડી રહી હતી. તેમના નેતાઓના નિવેદનો અનુસારનું તેઓ પ્રદર્શન ન કરી શક્યા. તેમના તમામ મોટા નેતાઓ પોતાની બેઠક પરથી હાર્યા હતા. અન્યને આ વર્ષે 2 બેઠક ઓછી મળી છે.
દક્ષિણ ગુજરાતની 35 બેઠકના પરિણામ 2022 : ભાજપના ગઢ માનવામાં આવતા દક્ષિણ ગુજરાતમાં કુલ 35 વિધાનસભા બેઠકો છે. તેમાંથી 2022માં ભાજપને 33 બેઠકો , કોંગ્રેસને 1 અને આપને 1 બેઠક મળી છે. વર્ષ 2017માં ભાજપને 25 બેઠકો મળી છે, જેમાં 8 બેઠકોના વધારે સાથે આ વર્ષે 33 બેઠકો પર ભગવો લહેરાયો છે. કોંગ્રેસ પાર્ટીને વર્ષ 2017માં કોંગ્રેસને 10 બેઠક મળી હતી. જે ઘટીને આ વર્ષે માત્ર 1 બેઠક મળી છે. જ્યારે આ વર્ષે આપ પાર્ટીને એક બેઠક મળી છે.
મધ્ય ગુજરાતની 61 બેઠકના પરિણામ 2022 : મધ્ય ગુજરાતની 61 બેઠકમાંથી 2022માં ભાજપને 55 બેઠક, કોંગ્રેસે 05 બેઠક જ્યારે અન્યને 1 બેઠક પર જીત મળી છે. આમ આદમી પાર્ટીને આ ઝોનમાં એક પણ બેઠક પર જીત મળી નથી.
કચ્છ-સૌરાષ્ટ્રની 54 બેઠકના પરિણામ 2022 : કચ્છ-સૌરાષ્ટ્રની 54 બેઠક પર આ વર્ષે ભાજપને 46 બેઠક મળી છે એટલે કે વધારાની 23 બેઠક મળી છે. આ વર્ષે ભાજપને 46 બેઠક પર જીત મળી છે. કોંગ્રેસને 23 બેઠકના નુકશાન સાથે માત્ર 3 બેઠક મળી છે. આમ આદમી પાર્ટીને માત્ર 4 બેઠક અને અન્યને 1 બેઠક પર જીત મળી છે.