રંગોત્સવના પર્વે રાજ્યમાં રાજકોટ, સુરત અને પંચમહાલમાં અલગ અલગ ઘટનામાં થઈ મારામારી- જુઓ વીડિયો
રાજ્યમાં રંગોત્સવના પર્વે પણ અલગ અલગ શહેરમાંથી મારામારીના દૃશ્યો સામે આવ્યા છે. જેમા રાજકોટમાં ખાનગી રિસોર્ટમાં બે જૂથ વચ્ચે બબાલ થઈ. સુરતમાં 10થી વધુ લોકોના ટોળાએ બબાલ કરી અને પંચમહાલમાં અકસ્માત સર્જાયા બાદ સામસામે મારામારીમાં 50થી વધુ લોકો ઘાયલ થયા છે.
રંગોત્સવના દિવસે જ રાજયમાં વિવિધ સ્થળોએ અકસ્માત અને મારામારીની ઘટનાઓ સામે આવી છે. જેમાં પ્રથમ ઘટના રાજકોટથી સામે આવી હતી. જ્યાં ધુળેટીના રંગમાં ભંગ પડ્યો હતો. ખીરસરા નજીક આવેલા ખાનગી રિસોર્ટમાં ઉજવણી સમયે બે જુથ વચ્ચે બબાલ થઈ હતી. જે બાદ મારામારીના દ્રશ્યો સર્જાયા. જેનો વીડિયો વાયરલ થયો. જેમાં યુવતી અને કેટલાક શખ્સો યુવકને માર મારતા હોવાનું નજરે પડે છે. આ ઘટના બાદ આયોજકોએ બંન્ને જુથને બહાર કાઢ્યા. ત્યારે શા માટે બબાલ થઈ તે સામે જાણી શકાયું નથી.
આ તરફ સુરતના ચોકબજાર વિસ્તારમાં જાહેરમાં એક જ જૂથના લોકો વચ્ચે મારામારી થઈ. 10થી વધુ લોકોનું ટોળું ઘસી આવતા દોડધામ મચી હતી. જેમાં એક વ્યક્તિને ઇજા પહોંચી. જે મારામારીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
જ્યારે પંચમહાલમાં માર્ગ અકસ્માત અને મારામારીની ઘટનામાં 50થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા. અલગ અલગ ઘટનામાં 50થી વધુ ઈજાગ્રસ્તો ગોધરા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા. જ્યારે 10 ગંભીર રીતે ઈજાગ્રસ્તોને વધુ સારવાર અર્થે વડોદરા ખસેડાયા.