Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

માતા ચામુંડાએ કેવી રીતે કર્યો ચંડ-મુંડનો સંહાર? જાણો ચોટીલાધામના ચંડી-ચામુંડાનો મહિમા

માતા ચામુંડાએ કેવી રીતે કર્યો ચંડ-મુંડનો સંહાર? જાણો ચોટીલાધામના ચંડી-ચામુંડાનો મહિમા

TV9 Bhakti
| Edited By: | Updated on: Apr 02, 2022 | 8:53 AM

જે પ્રચંડ જ્વાળા રૂપે અનિષ્ટનું ભક્ષણ કરે છે અને સાથે જ માતૃરૂપ ધરી તેના ભક્તોનું રક્ષણ કરે છે તે જ તો છે મા ચંડી ચામુંડા. ગુજરાતના સુરેન્દ્રનગરમાં ચોટીલાના ડુંગરે બિરાજમાન આદ્યશક્તિનું આ રૂપ એટલે તો ભક્તોને ભયમુક્ત કરતું સ્વરૂપ !

શક્તિપીઠોની (shaktipith) માહિતી મેળવવા ભક્તો સદૈવ ઉત્સાહિત રહેતા હોય છે પણ ગુજરાતના સુરેન્દ્રનગરમાં સ્થિત ચોટીલાધામની વિશેષતા જ એ છે કે તે 51 શક્તિપીઠમાં સામેલ ન હોવા છતાં શ્રદ્ધાળુઓને મન તો તેનો મહિમા શક્તિપીઠોથી પણ અદકેરો છે! કારણ કે અહીં તો મા ચામુંડા હાજરાહજૂરપણે બિરાજમાન હોવાની માન્યતા છે. જે પ્રચંડ જ્વાળા રૂપે અનિષ્ટનું ભક્ષણ કરે છે અને સાથે જ માતૃરૂપ ધરી તેના ભક્તોનું રક્ષણ કરે છે તે જ તો છે મા ચંડી ચામુંડા. માતા ચામુંડાનું રૂપ એટલે તો ભક્તોને પરમ વાત્સલ્યની અનુભૂતિ કરાવતું સ્વરૂપ. ત્યારે આવો આજે આપણે આદ્યશક્તિના આ જ દિવ્ય સ્વરૂપની મહત્તાને જાણીએ.

ચોટીલાધામ એ અમદાવાદથી લગભગ 180 કિલોમીટરના અંતરે સ્થિત છે. જ્યારે રાજકોટથી ચોટીલાનું અંતર લગભગ 46 કિલોમીટર જેટલું છે. તમે જેવા ચોટીલા નગરની નજીક પહોંચો તે સાથે જ દૂરથી આ રળિયામણા ડુંગરના દર્શન થવા લાગે છે. સમુદ્રની સપાટીથી ચોટીલા ડુંગરની ઊંચાઈ લગભગ 1173 ફૂટ જેટલી છે. જેના પર બનેલા 635 જેટલાં પગથિયા ચઢીને ભક્તો મા ચામુંડાની શરણે પહોંચી શકે છે. મા ચામુંડાનું આ ધામ હંમેશા જ શ્રદ્ધાળુઓની ભીડથી ઉભરાતું રહ્યું છે. ડુંગર ચઢવાનો ભક્તોનો થાક તો જાણે માના મંદિરના દર્શન થતાં જ ભૂલાઈ જાય છે અને એમાંય જ્યારે મંદિરમાં પ્રવેશ કરી ભક્તો મા ચામુંડાના અત્યંત દિવ્ય રૂપના દર્શન કરે છે, ત્યારે તો જાણે તેમના ભવ-ભવના સંતાપ પણ શાંત થઈ જાય છે.

ચોટીલાના ડુંગરે ગર્ભગૃહ મધ્યે શ્રદ્ધાળુઓને બે એકરૂપ પ્રતિમાના દર્શન થાય છે. ભક્તો દેવીના આ રૂપને ‘જોડિયા’ સ્વરૂપ માને છે! દેવીનું એક રૂપ ‘ચંડી’ તરીકે જ્યારે બીજું રૂપ ‘ચામુંડા’ તરીકે બિરાજમાન છે અને એટલે જ દેવી અહીં ‘ચંડી-ચામુંડા’ના નામે પૂજાય છે. મા ચામુંડાના આ દિવ્ય રૂપના દર્શન માત્ર દેહને જાણે નવચેતનાથી ભરી દે છે. કહે છે કે સદીઓથી ચોટીલાનો ડુંગરો તો મા ચામુંડાના જયકારથી ગુંજતો રહ્યો છે. દેવી ચંડી-ચામુંડાનું આ રૂપ તો સ્વયંભૂ જ મનાય છે. કહે છે કે તેના તો દર્શન માત્ર શ્રદ્ધાળુઓને ભયમુક્ત કરી દે છે.

પ્રાગટ્ય કથા

દંતકથા અનુસાર ચંડ અને મુંડ નામના બે અસુરોએ આ સમગ્ર વિસ્તારમાં ખૂબ જ ત્રાસ વર્તાવી દીધો. આખરે, ઋષિમુનિઓએ મહાયજ્ઞ કરી આદ્યશક્તિ જગદંબાને પ્રસન્ન કર્યા. કહે છે કે ત્યારે હવનકુંડમાંથી ‘મહાશક્તિ’નું પ્રાગટ્ય થયું. તે મહાશક્તિએ એકસમાન જ બે સ્વરૂપ ધારણ કર્યા અને ચંડ-મુંડનો સંહાર કરી દીધો. માન્યતા અનુસાર દેવીના એ જ બે સ્વરૂપ આ ભૂમિ પર ચંડી અને ચામુંડા રૂપે પ્રસ્થાપિત થયા.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

આ પણ વાંચો : જગદંબાની આરાધનામાં જો નહીં રાખો આ સાવધાની તો ભારે પડશે આદ્યશક્તિની નારાજગી !

આ પણ વાંચો : આ નવરાત્રીએ કરો આ 9 સરળ ઉપાય અને મેળવો આદ્યશક્તિના અઢળક આશીર્વાદ

Published on: Apr 02, 2022 08:53 AM
g clip-path="url(#clip0_868_265)">