Chaitri Navratri : જગદંબાની આરાધનામાં જો નહીં રાખો આ સાવધાની તો ભારે પડશે આદ્યશક્તિની નારાજગી !
આદ્યશક્તિની કૃપાથી જ વ્યક્તિના ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિનો વાસ થાય છે. જો ચૈત્રી નવરાત્રી દરમિયાન કેટલીક સાવધાની સાથે જગદંબાની પૂજા કરવામાં આવે તો વ્યક્તિના તમામ ધાર્યા કામ પાર પડે છે.
આવી ગયો છે આદ્યશક્તિની આરાધનાનો પર્વ. 2 એપ્રિલથી ચૈત્રી નવરાત્રી (Chaitri Navratriનો પર્વ શરૂ થઈ રહ્યો છે. ચૈત્રી નવરાત્રીના નવ દિવસો સુધી માતા દુર્ગાના અલગ અલગ સ્વરૂપોની ઉપાસના કરવામાં આવે છે. માન્યતા છે કે ચૈત્રી નવરાત્રીમાં જે પણ વ્યક્તિ માતા દુર્ગાની ઉપાસના સાચા મન અને ભક્તિભાવ સાથે કરે છે તેની દરેક મનોકામના માતા દુર્ગા પૂર્ણ કરે છે. સાથે જ માતા ભગવતીને પ્રસન્ન કરવા માટે આ નવ દિવસો ખાસ માનવામાં આવે છે. કહેવાય છે કે આ નવ દિવસ જગદંબાની આરાધના કરવામાં આવે તો વ્યક્તિના ઘરમાં સુખ અને સમૃદ્ધિનો વાસ થાય છે સાથે જ ઘરની નકારાત્મક શક્તિઓનો નાશ થાય છે.
ચૈત્રી નવરાત્રીના પ્રથમ દિવસે આદ્યશક્તિનું આહ્વાન કરવામાં આવે છે. માતાનું અનુષ્ઠાન કરવામાં આવે છે અને આ અનુષ્ઠાન આપ ઘટસ્થાપન દ્વારા કરી શકો છો. આવો જાણીએ કે ઘટસ્થાપન અને સંપૂર્ણ ચૈત્રી નવરાત્રી દરમિયાન કઈ કઈ બાબતોનું રાખશો વિશેષ ધ્યાન ?
⦁ ચૈત્રી નવરાત્રી દરમ્યાન પૂજામાં રાખવાની સાવધાની
1. લાલ કે સફેદ ઊનના આસન પર બેસીને જ નવરાત્રિમાં માતાજીની ઉપાસના કરવી જોઇએ.
2. ઘરમાં ભગવતી માતાની 3 પ્રતિમા એકસાથે ન હોવી જોઇએ.
3. સાથે જ મા દુર્ગાના પૂજનમાં દૂર્વા, તુલસી અને આંબળાનો ઉપયોગ ન કરવો.
4. માતાજીને પુષ્પમાં માત્ર સુગંધિત પુષ્પ જ અર્પણ કરવા.
5. માતાજીને આંકડો કે મંદારના પુષ્પ ક્યારેય અર્પણ ન કરવા.
6. ચૈત્રી નવરાત્રીમાં ઘરમાં સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખવું
7. આ વાતનો ખાસ ખ્યાલ રાખવો કે મા દુર્ગાની પૂજા, ઉપાસના, આરાધના કરતી વખતે સ્વચ્છ અને રેશમી કપડા અવશ્ય પહેરવા.
8. દેવીના મંદિરની માત્ર એક જ પરિક્રમા કરવી જોઇએ.તેનાથી માતાજીની પરમ કૃપાની પ્રાપ્તિ થાય છે.
9. ચૈત્રી નવરાત્રી દરમ્યાન જો કોઇએ ઘરમાં નવરાત્રીના અનુષ્ઠાન કર્યા હોય તો ઘરમાં કંકાશ ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું.
10. ચૈત્રી નવરાત્રી દરમ્યાન માતાજીને ધરાવવામાં આવતા ભોગમાં ગાયના દૂધ અને ગાયના ઘીનો ઉપયોગ કરવાથી માતાજીની વિશેષ કૃપાની પ્રાપ્તિ થાય છે.
(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)
આ પણ વાંચો : ઈન્દ્રને કેવી રીતે મળી ભયંકર શ્રાપમાંથી મુક્તિ ? જાણો જૂનાગઢના ઈન્દ્રેશ્વર મહાદેવનો મહિમા
આ પણ વાંચો : જયપુરના મોતી ડુંગરી ગણેશજી એટલે તો લડ્ડુપ્રિય ગણેશજી ! તમને ક્યાંય જોવા નહીં મળે લાડુનો આવો પ્રસાદ !