આવતીકાલે ભારતના Chandrayaan 3ને દુનિયા કરશે સલામ, આ 5 ફેરફારોને કારણે થશે સુરક્ષિત લેન્ડિંગ
Chandrayaan 3 News : આખરે એ ક્ષણ નજીક છે જેની રાહ ઈસરોને વૈજ્ઞાનિકો સહિત તમામ ભારતીયો જોઈ રહ્યા હતા. ઈસરોએ એ વાતની પુષ્ટિ કરી છે કે આવતીકાલે 23 ઓગસ્ટ, 2023ના સાંજે 6.04 કલાકે ચંદ્રયાન 3 ચંદ્રની સપાટી પર લેન્ડિંગ કરશે. આ ક્ષણ તમામ ભારતીયો માટે ઐતિહાસિક હશે.
Moon Mission : 23 ઓગસ્ટ, 2023નો સાંજે 6 વાગ્યાનો સમય તમામ ભારતીયો માટે રોમાંચક અને ગૌરવપૂર્ણ ક્ષણ હશે. આજ સમયે ઈસરોનું ચંદ્રયાન 3 ચંદ્રની સપાટી પર લેન્ડિંગ કરશે. વિક્રમ લેન્ડરની સોફ્ટ લેન્ડિંગથી આખી દુનિયાને ભારતની સાચી તાકાતની સાબિતી મળશે. રશિયાનું મૂન મિશન લૂના 25 ક્રેશ થયા બાદ આખા વિશ્વની નજર ભારતના ચંદ્રયાન 3 (Chandrayaan 3) પર છે.
ઈસરોના ચેરમેન એસ સોમનાથે વિક્રેમની લેન્ડિંગને લઈને જણાવ્યુ હતુ કે, જો ચંદ્રયાન 3ના સેન્સર સહિત દરેક વસ્તુ ફેઈલ થશે તો પણ લેન્ડર વિક્રમ ચંદ્ર પર લેન્ડ કરશે. ઈસરોએ જાણકારી આપી છે કે જો લેન્ડિંગ દરમિયાન વિક્રમના બંને એન્જિન બંધ થઈ જશે, તેમ છતાં ચંદ્રયાન 3 લેન્ડ કરવામાં સક્ષમ હશે. ચાલો જાણીએ કે ચંદ્રયાન 2માંથી શીખ લઈને ચંદ્રયાન 3માં કયા કયા ફેરફાર કરવામાં આવ્યા છે. આ ફેરફારને કારણ ચંદ્રયાન 3ની લેન્ડિંગને સફળ માનવામાં આવી રહી છે.
આ પણ વાંચો : પૃથ્વીથી ચંદ્ર સુધી સીડી દ્વારા જઈ શકાય ? સીડીથી ચંદ્ર પર પહોંચવામાં કેટલો સમય લાગશે ? જાણો આ અહેવાલમાં
- મજબૂત લેન્ડિંગ લેગ્સ – વિક્રમ લેન્ડરને ચંદ્ર પર ઉતારવા માટે તેમાં લગાવવામાં આવેલા રોબોટિક લેગ્સને વધુ મજબૂત બનાવવામાં આવ્યા છે. તેની મદદથી જ વિક્રમ લેન્ડર ચંદ્ર પર ઉતરશે અને ત્યારબાદ તેની અંદર હાજર પ્રજ્ઞાન રોવર તેમાંથી બહાર આવશે. લેન્ડિંગ દરમિયાન 3 મીટર/સેકન્ડની ઝડપે પણ તેના લેગ્સ તૂટશે નહીં.
- ચંદ્રયાન-2 કરતાં વધુ ઇંધણ – આ વખતના ચંદ્રયાનમાં, ચંદ્રયાન-2 કરતાં વધુ ઇંધણ છે. જો વિક્રમ લેન્ડરને લેન્ડિંગ કરતી વખતે યોગ્ય સ્થાન ન મળે તો તેને ત્યાંથી હટાવીને કોઈ અન્ય જગ્યાએ લેન્ડ કરવામાં આવશે. આવી સ્થિતિમાં, જો ઇંધણ વધુ હોય, તો તેને યોગ્ય અને સપાટ સ્થાન પર ઉતરવામાં કોઈ સમસ્યા નહીં થાય.
- ચંદ્રયાન-3માં નવું સેન્સર – ચંદ્રયાનમાં લેસર ડોપ્લર વેલોસિટી મીટર સેન્સર ઉમેરવામાં આવ્યું છે. તેની મદદથી વિક્રમ લેન્ડરને ચંદ્ર પર યોગ્ય રીતે લેન્ડ કરવામાં મદદ મળશે. સેન્સર કેમેરાની મદદથી ચંદ્રની સપાટીની તપાસ કરશે કે તે જગ્યાએ વિક્રમ લેન્ડર લેન્ડ કરવું યોગ્ય છે કે નહીં. વિક્રમ ત્યારે જ ચંદ્રની સપાટી પર ઉતરશે જ્યારે સેન્સર સંપૂર્ણપણે ઓકે આદેશ આપશે.
- એડવાન્સ સોફ્ટવેર – વિક્રમ લેન્ડર ચંદ્ર પર પહોંચવાની 19 મિનિટ પહેલા પૃથ્વી પરથી કમાન્ડ લેવાનું બંધ કરી દેશે. તેમાં ઈન્સ્ટોલ કરેલ સોફ્ટવેર સંપૂર્ણ રીતે એક્ટિવ થઈ જશે અને યોગ્ય જગ્યાની શોધ કરશે. સેન્સર, કેમેરા અને એડવાન્સ સોફ્ટવેરની મદદથી વિક્રમ લેન્ડરને યોગ્ય જગ્યાએ લેન્ડ કરવામાં મદદ મળશે. આ ભૂલને કારણે ચંદ્રયાન-2 જેવી ઘટના ફરી નહીં થાય અને ચંદ્રયાન-3 ચંદ્ર પર સોફ્ટ લેન્ડ કરી શકશે.
- એડવાન્સ સોલર પેનલ અને એન્ટેના – વિક્રમ લેન્ડરમાં વધુ સારી વીજ ઉત્પાદન માટે વિસ્તૃત સોલાર પેનલ લગાવવામાં આવી છે. તેની મદદથી પ્રજ્ઞાન રોવરને વધુ સારી રીતે કામ કરવામાં મદદ મળશે. ચંદ્રયાન-3 , 14 દિવસના મિશનમાં ચંદ્ર પર રહેશે. આ દરમિયાન તે ચંદ્રની સપાટીની તસવીરો મોકલશે. આ દરમિયાન ચંદ્રયાન 3 ચંદ્રના વાતાવરણ, ખનિજો અને માટી સંબંધિત માહિતી આપશે.
આ પણ વાંચો : Chandrayaan 3ની મજાક ઉડાવવા બદલ પ્રકાશ રાજ મુશ્કેલીમાં મુકાયા, અભિનેતા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ