કરાચીમાં પાકિસ્તાન અને ઈંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ મેચ રમાઈ રહી છે. ઈંગ્લેન્ડની ટીમ હાલમાં પાકિસ્તાન પ્રવાસે છે, જ્યાં ત્રણ ટેસ્ટ મેચોની શ્રેણી રમાઈ રહી છે. શ્રેણીની અંતિમ ટેસ્ટ મેચ કરાચીમાં રમાઈ રહી છે અને જેમાં હવે ઈંગ્લેન્ડ માટે જીત વેંત છેટી જ દૂર છે. આમ થતાં જ પાકિસ્તાની શરમજનક હાર થનારી છે. કારણ કે પાકિસ્તાન અને ઈંગ્લેન્ડ વચ્ચેની હાર જીતમાં ઈંગ્લીશ ટીમને માત્ર 55 રનની જરુર છે. જેની સામે પાકિસ્તાને 8 વિકેટ આટલા રનમાં જ ઝડપવી જરુરી છે, જો શરમજનક હારથી બચવુ હોય તો, જોકે તે મુશ્કેલ છે.
ટોસ જીતીને પાકિસ્તાનની ટીમે પ્રથમ બેટિંગ કરી હતી. પ્રથમ ઈનીંગમાં પાકિસ્તાને 304 રન નોંધાવ્યા હતા. જ્યારે બીજી ઈનીંગમાં ઈંગ્લીશ બોલરો અને ખાસ કરીને રેહાન અહેમદની સામે પાકિસ્તાની બેટ્સમેનો એક બાદ એક પેવિલિયનનો રસ્તો માપવા લાગ્યા હતા. આમ બીજી ઈનીંગમાં પાકિસ્તાનની ટીમ 216 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી. આમ ઈંગ્લેન્ડ સામે 167 રનનુ લક્ષ્ય પાકિસ્તાને રાખ્યુ હતુ.
આમ તો મેચનુ પરિણામ ઈંગ્લેન્ડની રમત જોતા મેચના ત્રીજા દિવસે જ આવી જાય એમ લાગી રહ્યુ હતુ. જોકે ત્રીજા દિવસની રમતના અંત સુધીમાં ઈંગ્લેન્ડે 2 વિકેટના નુક્શાન પર 112 રન નોંધાવ્યા હતા. આમ હવે 8 વિકેટ હાથ પર રહી ઈંગ્લેન્ડને હવે 55 રન લક્ષ્યને પાર કરવા જરુરી છે. બેન ડકેટ અડધી સદી નોંધાવી રમતમાં છે. જ્યારે સુકાની બેન સ્ટોક્સ પણ રમતમાં 10 રન નોંધાવી જારી છે. આમ ચોથા દિવસની રમતની શરુઆતે જ પરિણામ સામે આવી જશે એમ લાગી રહ્યુ છે.
આ પહેલા પાકિસ્તાને ત્રીજા દિવસની રમત 21 રન વિના કોઈ વિકેટના નુક્શાને શરુ કરી હતી. પરંતુ પાકિસ્તાની બેટ્સમેનોએ ઈંગ્લીશ બોલરો સામે ઘૂંટણ ટેકવી દીધા હતા. રેહાન અહેમદે એક જ દિવસમાં 5 વિકેટ ઝડપીને પાકિસ્તાનની મુશ્કેલીઓ વધારી દીધી હતી.
આ પહેલા ટી20 શ્રેણી ઈંગ્લેન્ડ અને પાકિસ્તાન વચ્ચે ગત સપ્ટેમ્બર માસમાં રમાઈ રહી હતી. એ વખતે પણ પાકિસ્તાને ઘર આંગણે 4-3 થી હારનો સામનો કર્યો હતો. ત્યાર બાદ બીજા તબક્કામાં પ્રવાસમાં બંને દેશ વચ્ચે 3 મેચોની ટેસ્ટ શ્રેણી રમાઈ રહી છે. સિરીઝની પ્રથમ ટેસ્ટ મેચ રાવલપિંડીમાં રમાઈ હતી. જે ટેસ્ટ મેચમાં પાકિસ્તનની 74 રનથી હાર થઈ હતી. ત્યાર બાદ બીજી ટેસ્ટ મેચ મુલ્તાનમાં રમાઈ હતી. જે ટેસ્ટ મેચ પણ ઈંગ્લેન્ડે 26 રનથી જીતી લીધી હતી. આ સાથે ટેસ્ટ સિરીઝ પણ ઈંગ્લેન્ડના નામે થઈ હતી. હવે ત્રીજી અને અંતિમ ટેસ્ટ મેચ પણ પાકિસ્તાન ગુમાવવાની અણી પર છે. જો ત્રીજી ટેસ્ટ પણ ગુમાવશે તો, પાકિસ્તાનની 3-0 થી શરમજનક હાર થશે.
Published On - 11:53 pm, Mon, 19 December 22