PAK vs ENG: 18 વર્ષના ઈંગ્લીશ બોલરે પાકિસ્તાનના ઉડાવ્યા હોશ, રચી દીધો વિશ્વ વિક્રમ
ઈંગ્લેન્ડની ટીમ હાલમાં પાકિસ્તાન પ્રવાસે છે, જ્યાં બંને વચ્ચે ટેસ્ટ શ્રેણીની ત્રીજી મેચ કરાચીમાં રમાઈ રહી છે. મેચના બીજા દાવમાં પાકિસ્તાનની હાલત મુશ્કેલ બનાવી દીધી હતી.
પાકિસ્તાન અને ઈંગ્લેન્ડ વચ્ચે કરાચીમાં ટેસ્ટ શ્રેણીની ત્રીજી મેચ રમાઈ રહી છે. મેચના ત્રીજા દીવસે જ પાકિસ્તાનની હાલત કફોડી થઈ ચુકી છે. ઈંગ્લેન્ડ સામે હવે ઘર આંગણે જ 3-0 થી શ્રેણી ભૂંડી હાર સાથે થવાની ઘડીઓ ગણાઈ રહી છે. કારણ કે ચોથા દિવસની રમતની શરુઆતે જ ઈંગ્લેન્ડ પાકિસ્તાનને હારનો સ્વાદ ચખાડી દેશે. પરંતુ પાકિસ્તાનની હાલત ખરાબ કરવામાં કોઈની મહત્વની ભૂમિકા હોય તો એ 18 વર્ષના બોલર રેહાન અહેમદની છે, તેણે બીજી ઈનીંગમાં 5 વિકેટ ઝડપીને પાકિસ્તાનને મુશ્કેલ સ્થિતીમાં મુકી દીધુ હતુ.
18 વર્ષીય બોલર રેહાન અહમદે કરાચીમાં પાકિસ્તાન સામે ત્રીજા દિવસની રમતમાં 5 વિકેટ ઝડપી હતી. આ સાથે જ તેણે રેકોર્ડ પણ પોતાના નામે નોંધાવી દીધો હતો. તેણે 145 વર્ષના ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં પોતાનુ નામ નોંધાવી દીધુ છે. રેહાન ડેબ્યૂ ટેસ્ટ મેચમાં જ 5 વિકેટ લેનારો ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસનો સૌથી યુવાન બોલર તરીકે નોંધાયો છે.
કમિન્સનો તોડ્યો રેકોર્ડ
ઓસ્ટ્રેલિયાના પેટ કમિન્સનો રેકોર્ડ રેહાને તોડી દીધો છે. કમિન્સે 18 વર્ષ અને 196 દિવસની ઉંમરમાં જ ડેબ્યૂ મેચમાં 5 વિકેટ ઝડપી હતી. જ્યારે રેહાને આ જ કમાલ માત્ર 18 વર્ષ અને 128 દિવસની ઉંમરમાં કરી દેખાડ્યો છે. રેહાને ત્રીજી ટેસ્ટમાં પ્રથમ ઈનીંગમાં 2 અને બીજી ઈનીંગમાં 5 વિકેટ ઝડપી હતી. આમ કરાચી ટેસ્ટમાં કુલ 7 વિકેટ મેળવી છે.
1933ના વર્ષ બાદ ઈંગ્લેન્ડના કોઈ લેગ સ્પિનર તરફથી આ સર્વશ્રેષ્ઠ ડેબ્યૂ રહ્યુ છે. રેહાન પહેલા 1933ની સાલમાં ઈંગ્લેન્ડની ક્રિકેટ ટીમ તરફથી સીએસ મેરિયટે વેસ્ટ ઈન્ડિઝ સામે એક જ મેચમાં 11 વિકેટ ઝડપી હતી. તેણે આ માટે 96 રન ગુમાવ્યા હતા.
ઈંગ્લેન્ડ જીતથી માત્ર 55 રન દુર
યજમાન ટીમના કેપ્ટન બાબર આઝમ સહિતના પાંચ ખેલાડીઓને ત્રીજા દિવસની રમતમાં રેહાને પોતાનો શિકાર બનાવ્યા હતા. શકિર, રિઝવાન, આઘા સલમાન અને મોહમ્મદ વસીમને તેણે પેવેલિયનનો રસ્તો દેખાડ્યો હતો. રેહાનના તરખાટ સામે પાકિસ્તાનની ક્રિકેટ ટીમ માત્ર 216 રનમાં જ સમેટાઈ ગઈ હતી. આમ પાકિસ્તાને ઈંગ્લેન્ડને 167 રનનુ આસાન લક્ષ્ય આપ્યુ હતુ.
જવાબમાં ઈંગ્લેન્ડ ટીમે ત્રીજા દિવસની રમતના અંત સુધીમાં જીતથી માત્ર 55 રન દુર રહી છે. આમ હવે 8 વિકેટ બાકી છે અને સરળ લક્ષ્ય ચોથા દિવસની શરુઆતે ઈંગ્લેન્ડની ટીમ હાંસલ કરી લેશે.