અરવિંદ કેજરીવાલે દિલ્હીના રામલીલા મેદાન ખાતે ત્રીજીવાર મુખ્યમંત્રી પદના શપથ લીધા છે. એક સામાન્ય માણસથી તેઓ આ પદ સુધી પહોંચ્યા છે અને દિલ્હીમાં ભાજપ અને કોંગ્રેસના શાસનને ટક્કર આપી છે. કેજરીવાલનું નામ પડતા જ લોકો મફલરને યાદ કરતાં હોય છે અને સોશિયલ મીડિયામાં એક નેતા તરીકે તેમના મફલરના વ્યંગ પણ તમે જોયા જ હશે. દિલ્હીમાં કેજરીવાલના મફલરે નહીં પણ તેમના લાલ રંગના સ્વેટરે લોકોનું દિલ જીતી લીધું છે તેવું જાણવા મળી રહ્યું છે.
કેટલી છે આ સ્વેટરની કિંમત?
દિલ્હીના ચૂંટણી પ્રચાર વખતે ઠંડી હોવાથી તેઓ સ્વેટર સાથે જ જોવા મળ્યા હતા. તેઓ જે સ્વેટર પહેરે છે તે મોન્ટે કાર્લો નામની કંપનીનું છે તેવી જાણકારી અમને મળી રહી છે. આ લાલ રંગના સ્વેટર માટે જ્યારે ઓનલાઈન તપાસ કરી તો 1600 રુપિયા ભાવ જોવા મળ્યો હતો.
દિલ્હીમાં કેજરીવાલની શપથવિધિ વખતે લોકોએ પોતાના બાળકોને લાલ રંગના સ્વેટર અને મફલર સાથે નાના કેજરીવાલ તરીકે તૈયાર કરીને લાવ્યા હતા. આમ આ શપથવિધિમાં નાના કેજરીવાલને જોઈને લોકો મનમોહિત થઈ જતા. સોશિયલ મીડિયામાં પણ એક નાના કેજરીવાલનો ફોટો વાયરલ થયો હતો જેમાં એક બાળકને કેજરીવાલના ગેટએપમાં તૈયાર કરવામાં આવ્યું હતું.