‘સોના’ એ તો ગ્રાહકોની ઊંઘ હરામ કરી… આ એક નિયમ ખિસ્સું ખાલી કરાવશે અને બજેટ બગાડશે
જો તમે તહેવારોની સિઝનમાં સોનાના ઘરેણાં ખરીદવાનું પ્લાનિંગ કરી રહ્યા છો, તો તમારે તમારા ખિસ્સા પર થોડી વધુ અસર જોવા મળી શકે છે. BIS દ્વારા સોનાના ઘરેણાં માટે એક મહત્વનો નિર્ણય લેવાયો છે, જેની સીધી અસર તમારા ખિસ્સામાં પર પડશે અને તમારું બજેટ ખોરવાઈ જશે.

જો તમે આ દિવાળી કે ધનતેરસ પર સોનાની જ્વેલરી ખરીદવાની તૈયારી કરી રહ્યા છો, તો તમારા માટે એક જરૂરી સમાચાર સામે આવ્યા છે. સોનાની કિંમત ઉપરાંત હવે જ્વેલરી પર લાગતી હૉલમાર્કિંગ ફી પણ વધી ગઈ છે. બ્યુરો ઑફ ઇન્ડિયન સ્ટૅન્ડર્ડ્સ (Bureau of Indian Standards) એટલે કે BIS એ ગૉલ્ડ જ્વેલરીની હૉલમાર્કિંગ ફીમાં આશરે 67% નો વધારો કર્યો છે.

આ નવો ફેરફાર 14 સપ્ટેમ્બર, 2026 થી લાગુ થઈ ચૂક્યો છે. એવામાં તહેવારોની સિઝનમાં સોનાની ખરીદી કરતી વખતે તમને તમારા બિલમાં એક વધારાનો ખર્ચ પણ જોવા મળી શકે છે. BIS એ હૉલમાર્કિંગ રેગ્યુલેશન્સ (Hallmarking Regulations) માં સંશોધન કરતાં સોનાની જ્વેલરીની હૉલમાર્કિંગ ફી 45 રૂપિયાથી વધારીને 75 રૂપિયા પ્રતિ આર્ટિકલ કરી દીધી છે. ટૂંકમાં, હવે જ્વેલર્સને હૉલમાર્કિંગ સેન્ટર પર દરેક સોનાના આર્ટિકલ માટે 30 રૂપિયા વધુ ખર્ચ કરવા પડશે. આમ જોવા જઈએ તો, 'ફી' માં આ વધારો આશરે 67% છે.

જો કે, આ શુલ્ક પ્રતિ આર્ટિકલના હિસાબે નક્કી કરવામાં આવ્યો છે. એક કન્સાઇનમેન્ટ પર ન્યૂનતમ 200 રૂપિયાની ફી પણ લાગુ થશે. જો જ્વેલર હૉલમાર્કિંગ માટે ઓછી સંખ્યામાં ઘરેણાં મોકલે છે, તો પણ તેણે ન્યૂનતમ નિર્ધારિત શુલ્ક ચૂકવવો પડી શકે છે. આ ઉપરાંત BIS તરફથી માન્યતા પ્રાપ્ત Assaying And Hallmarking Centre (AHC) દ્વારા પણ પ્રતિ ગૉલ્ડ આર્ટિકલ 7.50 રૂપિયા ફી લેવામાં આવશે. આના માટે ન્યૂનતમ કન્સાઇનમેન્ટ શુલ્ક 20 રૂપિયા નિર્ધારિત કરવામાં આવ્યો છે.

સોનાની હૉલમાર્કિંગ ફી વધારવામાં આવી છે પરંતુ ચાંદીની જ્વેલરી ખરીદનારાઓ માટે હાલ રાહત છે. BIS એ સિલ્વર હૉલમાર્કિંગ ફી માં કોઈ ફેરફાર કર્યો નથી. જ્વેલર્સને પહેલાની જેમ ચાંદીના પ્રત્યેક આર્ટિકલની હૉલમાર્કિંગ માટે 35 રૂપિયા આપવાના રહેશે. આના પર ન્યૂનતમ 150 રૂપિયા પ્રતિ કન્સાઇનમેન્ટનું શુલ્ક લાગુ રહેશે.

આ સિવાય હૉલમાર્કિંગ સેન્ટરોએ BIS માટે ચાંદીના પ્રત્યેક આર્ટિકલ પર 3.50 રૂપિયા ફી આપવી પડશે. તેની ન્યૂનતમ કન્સાઇનમેન્ટ ફી 15 રૂપિયા નિર્ધારિત કરવામાં આવી છે. હવે સવાલ એ છે કે, હૉલમાર્કિંગ ફી માં 67% ના વધારાનો બોજ શું સીધો ગ્રાહકોના ખિસ્સા પર પડશે?

વાસ્તવમાં, જ્વેલર્સ હૉલમાર્કિંગનો ખર્ચ સામાન્ય રીતે ગ્રાહકોના ફાઇનલ બિલમાં જોડે છે. તેથી, નવી ફી ની અસર જ્વેલરીની ખરીદી પર પણ પડી શકે છે. આનો અર્થ એ નથી કે, સોનાની જ્વેલરીનું આખું બિલ 67% મોંઘું થઈ જશે. ધ્યાન રાખો કે, આ વધારો હૉલમાર્કિંગ શુલ્કમાં થયો છે; સોનાની કિંમતમાં થયો નથી. આમાં પ્રતિ આર્ટિકલ જ્વેલરનો વધારાનો ખર્ચ 30 રૂપિયા છે. ગ્રાહક પાસેથી વસૂલવામાં આવતી વાસ્તવિક રકમ જ્વેલરની બિલિંગ વ્યવસ્થા પર નિર્ભર કરશે.

સોનાની શુદ્ધતા સુનિશ્ચિત કરવા માટે હૉલમાર્કિંગ અત્યંત જરૂરી છે. હૉલમાર્ક ગ્રાહકને થર્ડ પાર્ટી ભરોસો આપે છે કે, તેને જે શુદ્ધતાનું સોનું વેચવામાં આવી રહ્યું છે, તેની કિંમત પણ તેના અનુસાર જ છે. વર્તમાન વ્યવસ્થામાં 9K, 14K, 18K, 20K, 22K, 23K અને 24K સોનાની જ્વેલરીની હૉલમાર્કિંગ થાય છે. 1 જુલાઈ 2021 થી લાગુ HUID વ્યવસ્થા હેઠળ હૉલમાર્ક પર BIS નો Logo, સોનાની શુદ્ધતા અને 6 અંકનો અલ્ફાન્યૂમેરિક HUID નંબર દર્શાવેલ હોય છે.
નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. TV9 Gujarati કોઈપણ રીતે શેરમાં, સોના-ચાંદીમાં, મ્યુચ્યુઅલ ફંડમાં અને IPO માં પૈસા લગાવવાની કે વેચવાની સલાહ આપતું નથી. બજારમાં રોકાણ સંભવિત જોખમ સાથે સંકળાયેલું છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાંકીય સલાહકાર અથવા માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂરથી લો.
‘સોનું’ 6 વર્ષની નીચી સપાટીએ… ધનતેરસ-દિવાળી સુધીમાં ભાવ વધશે કે ઘટશે?
