Dussehra 2024 : વિજયાદશમી મહોત્સવ દરમિયાન ઉજવણીના ભાગરૂપે હરેકૃષ્ણ મંદિર ભાડજ દ્રારા તારીખ 13 ઓક્ટોમ્બર, 2024ના આયોજીત દશેરા મહોત્સવમાં ભાવિકભક્તોએ ઉલ્લાસભેર ભાગ લીધો હતો. ભગવાન શ્રીરામે રાક્ષસી રાવણ પર મેળવેલા વિજયની યાદગીરીરૂપે વિજયાદશમી મહોત્સવ ઉજવવામાં આવે છે.
હરેક્રિષ્ણ મંદિર, ભાડજના પ્રેસિડન્ટ સ્વામી શ્રી જગનમોહન ક્રિષ્ના દાસે “દશેરા મહાઉત્સવ- સંસ્કૃતિ થકી આધ્યાત્મિકતા તરફ ફરીથી પ્રયાણ” વિશે સમજાવતા જણાવ્યું હતું કે દશેરા ઉત્સવ લોકોને ધાર્મિક અને સંસ્કૃતિનું ઉંડી ઝાંખી કરાવે છે.
અનન્ય સંસ્કૃતિ અને ચૈતન્યરૂપી ભગવાનની આધ્યાત્મિકતાને ભેળવીને એકરૂપ કરવાના આ અવસરનો લાભ લઈને હરેકૃષ્ણ મંદિર,ભાડજ દ્રારા દશેરા મહાઉત્સવનું આયોજન કરવામાં આવેલું હતું.
સર્વ શક્તિમાન રાધામાધવને ભવ્ય હનુમદ વાહનપર વિરાજમાન કરી રથમાં મંદિરની પરિસરમાં જાજરમાન સવારીમાં વિહાર કરાવવામાં આવ્યું તથા ભકતો ભગવાન શ્રી રામના ગુણોનું રટણ કરતા સંકિર્તન ગાઈ જોડાયા હતા.
ભગવાન શ્રી રામ અને સીતાદેવી ની દિવ્ય લીલાઓનું ગુણગાન સાથે વિશેષ "રામ લીલા" નાટકનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
ઉત્સવમાં વિશેષ આકર્ષણના ભાગરૂપે 60 ફુટ જેટલા ઉંચા બનાવેલ રાવણ, કુંભકર્ણ અને મેઘનાદના પૂતળાનું દહન કરવામાં આવ્યું. જે સત્યની અસત્ય પરની વિજયના પ્રતિકનું નિર્દેશ કરે છે. જે ઉપસ્થિત દર્શકો અને ભક્તોના આકર્ષણનું કેન્દ્ર રહ્યું હતું.
ભારે જનમેદની વચ્ચે રાવણના પૂતળાનું દહન થતા તેમજ ફટાકડાના શોર અને શાનદાર આતશબાજીથી ચોમેર ભારે હર્ષ અને ઉલ્લાસની લાગણી ફેલાઈ ગઈ હતી. ઉત્સવના અંત ભાગમાં ખાસ રીતે બનાવેલા રામદરબારમાં ભગવાન રામચંદ્રજીની ભવ્ય મહા આરતી કરવામાં આવી હતી.