સરકારી વિભાગોમાં પીરિયડ લીવને સામેલ કરવાને લઈને હાલ કોઈ વિચારણા નથી, સ્મૃતિ ઈરાનીએ લોકસભામાં આપ્યો જવાબ
Period Leave: મહિલા અને બાળ કલ્યાણ વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાનીએ લોકસભામાં જણાવ્યુ કે સેન્ટ્રલ સિવિલ સર્વિસિસ (લીવ) રૂલ 1972માં પિરિયડ લીવની કોઈ જોગવાઈ નથી.
સરકારી વિભાગોમાં પીરિયડ લીવને સામેલ કરવા સંબંધિત કોઈપણ પ્રસ્તાવ હાલ વિચારણામાં નથી. આ અંગેની જાણકારી કેન્દ્ર સરકારે લોકસભામાં આપી છે. લોકસભા (Lok Sabha)માં એક સવાલના લેખિત જવાબમાં મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાની (Smriti Irani)એ કહ્યુ કે સેન્ટ્રલ સિવિલ સર્વિસિસ (લીવ) રૂલ 1972માં પીરિયડ લીવ(Period Leave)ની કોઈ જોગવાઈ નથી. આટલુ જ નહીં આ પ્રકારની રજાઓને આ નિયમોમાં સામેલ કરવાને લઈને પણ હાલ કોઈ પ્રસ્તાવ નથી.
આ સાથે ઈરાનીએ એ વાતનો પણ ઉલ્લેખ કર્યો કે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય 2011થી જ 10-19 વર્ષની કિશોરીઓમા પીરિયડ્સ હાઈઝીન(સ્વચ્છતા) વધારવા માટે યોજનાઓ લાગુ કરી કરી રહ્યુ છે. આ યોજનાનો ઉદ્દેશ્ય કિશોરીઓ, યુવતિઓ અને મહિલાઓમાં પીરિયડ્સ હાઈઝીન અંગે જાગૃતિ વધારવાનો છે. આટલુ જ નહીં તેમને હાઈ ક્વોલિટીવાળા સેનેટરી નેપકિન અપાવવા, તેમના ઉપયોગ પર ભાર મુકવો અને નેપકિનનો સુરક્ષિત નિકાલ કરવાનો પણ આ યોજનાનો ઉદ્દેશ્ય છે.
કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ “મેન્સ્ટ્રુએશન બેનિફિટ બિલ 2018” અંગે લોકસભામાં ઉઠાવાયેલા સવાલના જવાબમાં આ નિવેદન આપ્યુ હતુ. જે પિરિયડ લીવ સાથે પણ સંબંધિત છે. સંસદના સદસ્ય ડી. રવિકુમારે સદનમાં પીરિયડ લીવની જોગવાઈઓ અંગે પણ સવાલ ઉઠાવ્યા હતા.
પીરિયડ લીવ અંગે નથી કોઈ જોગવાઈ
તેના જવાબમાં કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ જણાવ્યુ કે કેન્દ્ર સરકારના કર્મચારીઓ પર લાગુ થનારી “કેન્દ્રીય સિવિલ સેવા (રજા) નિયમ 1972″માં પીરિયડ લીવની કોઈ જોગવાઈ નથી. તેમણે જણાવ્યુ કે આ નિયમો અંતર્ગત સરકારી મહિલા કર્મચારીઓને અલગ અલગ પ્રકારની રજા આપવામાં આવી છે. જેમા અર્ન્ડ લીવ(Earned Leave) હાફ-પે લીવ, એક્સ્ટ્રાઓર્ડિનરી લીવ, ચાઈલ્ડ કેર લીવ, કમ્યુટેડ લીવ, મેટરનિટી લીવ, મેડિકલ સર્ટિફિકેટના આધારે લીવનો સમાવેશ છે.
સાર્વજનિક કાર્યાલયોની મહિલા સ્ટાફ માટે સેનેટરી નેપકિન અને દવાઓ ઉપલબ્ધ કરાવવા અંગે સ્મૃતિ ઈરાનીએ કહ્યુ કે કેમિકલ ફર્ટિલાઈઝર મિનિસ્ટ્રી અંતર્ગત ફાર્માસ્યુટિકલ ડિપાર્ટમેન્ટે પ્રધાનમંત્રી ભારતીય જનઔષધિ પરિયોજના લાગુ કરી છે. જે મહિલાઓના સ્વાસ્થ્યની દિશામાં જરૂરી તમામ પગલા લેશે. આ પરિયોજના અંતર્ગત સમગ્ર દેશમાં 8700થી વધુ જનઔષધિ કેન્દ્ર સ્થાપિત કરવામાં આવ્યા હતા. જ્યાં એક રૂપિયા પ્રતિ પેડની કિંમતે ઓક્સો-બાયોડિગ્રેડેબલ સેનેટરી નેપકિન આપવામાં આવે છે.