ભારત સરકાર સંરક્ષણ ક્ષેત્રમાં આત્મનિર્ભર ભારત અભિયાન ચલાવી રહ્યું છે. દેશના સંરક્ષણ ક્ષેત્રને વધુ મજબુત બનાવવાની સાથે નવી ટેકનોલોજી અને નવીનતા પર કામ ઝડપથી ચાલી રહ્યું છે. આજે દેશમાં આવી રહેલા સ્ટાર્ટઅપ્સને નવી પેઢીના સાધનો પૂરા પાડવામાં આવી રહ્યા છે. ભારત સરકારે સંરક્ષણ ક્ષેત્રમાં સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન આપવા માટે વિવિધ યોજનાઓ પણ શરૂ કરી છે.
કોઈપણ સેક્ટરમાં અન્ય દેશ પર નિર્ભરતા હોવી સારી બાબત નથી. જો દેશના સંરક્ષણ સેક્ટરની વાત કરીએ તો અહીં આત્મનિર્ભરતા ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે. કેન્દ્ર સરકાર આ દિશામાં ખૂબ સારું કામ કરી રહી છે. મુશ્કેલી અથવા યુદ્ધના સમયે આપણા માટે જરૂરી ચીજવસ્તુઓ જેમ કે શસ્ત્રો અથવા વિશ્વના અન્ય દેશોમાંથી અન્ય કોઈપણ પ્રકારની ચીજવસ્તુઓ આયાત કરવી ખૂબ જ મુશ્કેલ બની જાય છે. તો જો કોઈ દેશ આ સામાન આપવા માટે તૈયાર હોય તો પણ તે તેના માટે અનેક ગણી કિંમત માંગે છે.
જો આપણે 1962ના ચીન યુદ્ધની વાત કરીએ તો તે સમયે વિશ્વનો કોઈ દેશ આપણને યુદ્ધ માટે જરૂરી શસ્ત્રો કે સામાન આપવા તૈયાર નહોતો. સંરક્ષણ ક્ષેત્રમાં અન્ય દેશો પર નિર્ભરતા યુદ્ધના સમયમાં તમારી જીતની તકોને નબળી પાડે છે. યુદ્ધના સમયે દુશ્મન દેશ અન્ય દેશોને તમને માલ સપ્લાય કરતા અટકાવી શકે છે. આવી સ્થિતિમાં આત્મનિર્ભરતા અભિયાન ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે. દેશના લોકોએ પણ ભારતીય ઉત્પાદનોના ઉપયોગ પર વધુ ભાર આપવો જોઈએ.
સ્વદેશીકરણ 2016માં શરૂ થયું, જ્યારે પ્રથમ પાંચ ફાઇટર એરક્રાફ્ટ તેજસ, ધ્રુવ હેલિકોપ્ટર, એલસીએચ એટેક હેલિકોપ્ટર, એસ્ટ્રા અને આકાશ મિસાઇલનું વિશ્વ સમક્ષ પ્રદર્શન કરવામાં આવ્યું. ભારતે 400 હથિયારો અને સંરક્ષણ ઉત્પાદનો નેગેટિવ લિસ્ટમાં મૂક્યા છે. તેનો અર્થ એ કે તે ફક્ત ભારતમાં જ બનાવવામાં આવશે. જેમ કે, ટાટા અને કલ્યાણી ગ્રુપ DRDO દ્વારા વિકસિત 155 mm આર્ટિલરી ગન (ATAGS)નું ઉત્પાદન કરી રહ્યા છે.
અન્ય દેશો સાથે સંરક્ષણ સોદો કરતી વખતે પ્રથમ શરત એ મુકવામાં આવે છે કે તેમને સ્થાનિક કંપની સાથે જોઈન્ટ વેન્ચર કરવું પડશે. ઉદાહરણ તરીકે, સરકારે 22 હજાર કરોડ રૂપિયાના ખર્ચે 56 સી-295 મેગાવોટ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ માટે એરબસ સાથે ડીલ કરી હતી. આગામી 3 વર્ષમાં 16 એરક્રાફ્ટ સ્પેનથી સીધા ભારતમાં આવશે, બાકીના 40 એરક્રાફ્ટ બરોડાના એરોસ્પેસ કોમ્પ્લેક્સમાં બનાવવામાં આવશે.
એપ્રિલમાં પુણેમાં ભારત-આફ્રિકા આર્મી ચીફ કોન્ક્લેવનું આયોજન કરવામાં આવ્યું હતું. આનાથી ભારતને 42 દેશોને હથિયાર વેચવાની તક મળી. તેમાં ખાસ કરીને અર્જુન ટેન્ક અને ગ્રાઉન્ડ વોરફેર હથિયારોનો સમાવેશ થાય છે.
આજે આત્મનિર્ભર ભારત અને મેક ઈન ઈન્ડિયા હેઠળ થઈ રહેલા પ્રયાસો ખૂબ સફળ રહ્યા છે. ભારતની સંરક્ષણ નિકાસ વર્ષ 2013-14માં લગભગ રૂ. 686 કરોડ હતી જે વધીને વર્ષ 2023-24માં 21,083 કરોડ થઈ છે. આ નોંધપાત્ર 32 ટકાનો વધારો વૈશ્વિક સંરક્ષણ ઉત્પાદન ક્ષેત્રે ભારતની પ્રગતિ દર્શાવે છે. આ વર્ષે જ ભારતે વિશ્વમાં 35 હજાર કરોડ રૂપિયાના શસ્ત્રોની નિકાસ કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે. ભારતના સંરક્ષણ ઉત્પાદનોની નિકાસ 85થી વધુ દેશોમાં કરવામાં આવી રહી છે.
ભારતના સંરક્ષણ ઉદ્યોગે તેના વિકાસની ક્ષમતા વિશ્વને બતાવી છે, કારણ કે હાલમાં 100 કંપનીઓ સંરક્ષણ ઉત્પાદનોની નિકાસ કરી રહી છે. ભારત એક સમયે સંરક્ષણ સાધનોના આયાતકાર તરીકે જાણીતું હતું, હવે તે ડોર્નિયર-228 જેવા એરક્રાફ્ટ, આર્ટિલરી ગન, બ્રહ્મોસ મિસાઇલ્સ, પિનાકા રોકેટ અને લોન્ચર્સ, રડાર, સિમ્યુલેટર, આર્મર્ડ વાહનો સહિત મોટા પ્લેટફોર્મની નિકાસ કરે છે. એલસીએ-તેજસ, લાઇટ કોમ્બેટ હેલિકોપ્ટર, એરક્રાફ્ટ કેરિયર્સ અને એમઆરઓ જેવા ભારતના સ્વદેશી ઉત્પાદનોની માગ પણ વધી રહી છે.
પ્રથમ વિશ્વ યુદ્ધની વાત કરીએ તો, મિત્ર દેશોમાં ફ્રાન્સ, યુકે એમ્પાયર (ભારત સહિત), રશિયા, જાપાન અને ઈટલીનો સમાવેશ થતો હતો, જ્યારે શત્રુ દેશોમાં જર્મની, ઓસ્ટ્રીયા-હંગ્રી, ઓટોમન સામ્રાજ્ય અને તુર્કી સહિતના રાષ્ટ્રો હતા. આ દેશો વચ્ચે થયેલા વિશ્વ યુદ્ધમાં મોટાભાગે અમેરિકાએ જ શસ્ત્રો પુરા પાડ્યા હતા. જ્યારે બીજા વિશ્વ યુદ્ધની વાત કરીએ તો, આ યુદ્ધ દરમિયાન પણ અમેરિકાએ શસ્ત્રો સપ્લાય કર્યા હતા. એટલે કે બંને વિશ્વ યુદ્ધમાં અમેરિકાએ હથિયારો પુરા પાડવાની ભૂમિકા ભજવી હતી.
રશિયા-યુક્રેન યુદ્ધની વાત કરીએ તો, જ્યારે રશિયાએ યુક્રેન પર ઘાતકી હુમલા કરીને તબાહ કર્યું હતું, ત્યારે ભલે પ્રત્યક્ષ નહીં, પરંતુ પરોક્ષ રીતે પણ અમેરિકાએ યુક્રેનને હથિયારો બાબતે મદદ કરી હતી અને યુક્રેને રશિયા પર વળતો પ્રહાર કર્યો હતો અને આ જ કારણ છે કે, રશિયા જેવા તાકાતવર દેશ સામે પણ આ નાનો દેશ હજુ ટક્કર આપી રહ્યો છે.
ત્યારે જો ત્રીજું વિશ્વ યુદ્ધ થાય તો ભારત અમેરિકાની ભૂમિકા નિભાવે તો એમાં નવાઈ નથી. કારણ કે ભારતે છેલ્લા 10 વર્ષમાં સંરક્ષણ ક્ષેત્રે હરણફાળ ભરી છે અને શસ્ત્રો મામલે આયાતકારમાંથી નિકાસકાર બન્યું છે. આવી સ્થિતિમાં જો ત્રીજું વિશ્વ યુદ્ધ થશે તો ભારત અમેરિકાની જેમ હથિયારો સપ્લાય કરવાની ભૂમિકા નિભાવી શકે છે. કારણ કે ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન વચ્ચે થયેલા યુદ્ધમાં પણ ભારતે હથિયારો સપ્લાય કરવાની ભૂમિકા નિભાવી હતી. ત્યારે જો ત્રીજું વિશ્વ યુદ્ધની સ્થિતિ સર્જાય તો ભારત સપ્લાયરની ભૂમિકા ભજવી શકે છે, કારણ કે ભારત હવે સંરક્ષણ ક્ષેત્રે આત્મનિર્ભર બન્યું છે અને હથિયારોની નિકાસમાં મોટો ફાળો ધરાવે છે.
વર્ષ 2023ના અંતે ભારતે વિશ્વના સૌથી ઝડપી વિકસતા મુખ્ય અર્થતંત્ર તરીકે પોતાનું સ્થાન મજબૂત કર્યું છે, કેમ કે ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બરમાં ભારતનો વિકાસદર 8.4 ટકા રહ્યો હતો. વૈશ્વિક અર્થતંત્રનું રેન્કિંગ GDP પ્રમાણે કરવામાં આવે છે, જેમાં દેશની કંપનીઓ, સરકારો અને લોકોની આર્થિક ગતિવિધીઓની ગણતરી કરવામાં આવે છે. અમેરિકાની ઇન્વેસ્ટમેન્ટ મોર્ગન બેન્ક સહિતની ઘણી નાણાકીય સંસ્થાઓએ જાહેર કર્યું છે કે 2027 સુધી જર્મની અને જાપાનને પછાડીને ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની શકે છે.
વર્લ્ડ બેન્ક પ્રમાણે વિશ્વમાં સૌથી વધુ નિકાસ કરતા દેશોમાં ભારત 10મા ક્રમાંકે પહોંચી ગયું છે. તેના નિકાસમાં મુખ્યત્વે શુદ્ધ તેલ, હીરા અને દવાઓ સામેલ છે. આ ઉપરાંત આપણે આ લેખમાં એ પણ જાણી લીધું કે છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતે સંરક્ષણ ક્ષેત્રે પણ હરણફાળ ભરી છે અને ભારત શસ્ત્રો મામલે એક મોટા આયાતકારમાંથી નિકાસકાર બન્યો છે.
આ પણ વાંચો : કિલર વ્હેલ ‘ઓર્કાસ’ કેમ કરી રહી છે બોટ પર હુમલા ? જાણો તેની પાછળનું કારણ
Published On - 4:09 pm, Wed, 12 June 24