Azadi Ka Amrit Mahotsav : ‘ડોગ્સ એન્ડ ઈન્ડિયન નોટ એલાઉડ’ લખેલું બોર્ડ જોઈને ઉકળી ઉઠ્યુ પ્રિતિલતા વાદ્દેદારનું લોહી, ભારતીયોનું સન્માન પરત અપાવવા જીવની પણ ન કરી પરવા
Azadi Ka Amrit Mahotsav :જે ઉમરે યુવતિઓ પોતાના લગ્ન અને ભવિષ્યના સપના જોતી હોય છે એ ઉમરે પ્રીતિલતા દેશની આઝાદી અને ભારતીયોનું સન્માન કઈ રીતે પાછુ લાવવુ તેના સપના જોઈ રહી હતી.
સ્વતંત્રતા આંદોલન(Freedom Movement) એ સન્માન અને આઝાદી(Freedom)ની એક એવી લડાઈ હતી જેમા પુરુષોની સીથે મહિલાઓ પણ ખભે ખભો મિલાવીને સાથ આપી રહી હતી. આ લડાઈના કેટલાક ચહેરાઓ એવા છે જેના વિશે નવી પેઢીને કોઈ જાણકારી જ નથી. Tv9ની આ ખાસ સિરિઝમાં આજે અમે આપને એક એવી જ ક્રાંતિકારી યુવતિ વિશે જણાવશુ. એ યુવતિ હતી પ્રીતિલતા વાદ્દેદાર, જે ઉમરમાં યુવતિઓ તેના લગ્નના અને ભવિષ્યના સપના સંવારતી હોય છે એ ઉમરે પ્રીતિલતા દેશની આઝાદીનું અને ભારતીયોને તેમનુ સન્માન પરત અપાવવા માટેનુ સપનુ જોઈ રહી હતી. પ્રીતિલતા એ મહિલા છે જેનું ચટગાંવમાં આવેલા પહાડતલી યુરોપિયન (European) ક્લબ પર લટકેલુ બોર્ડ જોઈને લોહી ઉકળી ઉઠ્યુ હતુ. આ બોર્ડ પર લખેલુ હતુ ”ડોગ્સ એન્ડ ઈન્ડિયન નોટ એલાઉડ”
મેધાવી પ્રતિભા હતી પ્રીતિલતા
ક્રાંતિકારી પ્રીતિલતાનો જન્મ 5 મે 1911માં થયો હતો. તે બાળપણથી જ ભણવામાં ઘણી હોશિયાર હતી. સ્નાતકની પદવી લીધા બાદ તે ચટગાંવમાં આવેલા એક બાલિકા વિદ્યાલયમાં ભણાવતી હતી. ત્યાં તેમનો પરિચય ક્રાંતિકારી નેતા સૂર્યસેન સાથે થયો હતો. પ્રીતિલતા તેમનાથી પ્રભાવિત થઈ અને તેમના મનમાં આઝાદીનો સંકલ્પ હિલોળા લેવા લાગ્યો. તેમણે સૂર્યસેન માસ્ટર દા પાસેથી તમામ પ્રકારના શસ્ત્રો ચલાવવાની તાલીમ લીધી હતી.
પ્રીતિલતા હથિયારો લાવવા અને લઈ જવાનું કામ કરતી હતી
સૂર્યસેનએ તેમને પોતાના ક્રાંતિકારી ગૃપ યુગાંતરમાં સામેલ કરી હતી. તે સમયે કોઈ મહિલા માટે ક્રાંતિકારી ગૃપમાં જોડાવુ ઘણી મોટી વાત હતી. ખુદ યુગાંતર ગૃપના અનેક સભ્યોએ પણ તેનો વિરોધ કર્યો હતો. જો કે બાદમાં એ વાત પર સહમતી બની હતી કે પ્રીતિલતા શસ્ત્રો લાવવા અને લઈ જવાનું કામ સરળતાથી કરી શકશે. કારણે યુવતિ હોવાના નાતે અંગ્રેજોને તેના પર ઓછી શંકા કરશે. આ વાત સાચી પણ સાબિત થઈ જ્યારે 1930માં જ્યારે ચટગાંવ શસ્ત્રાગાર પર હુમલો થયો. તે સમયે પ્રીતિલતાએ ટેલિફોન લાઈનો કાપી નાખી હતી અને ટેલિગ્રાફ મશીનોને બંધ કરવાની મહત્વપૂર્ણ કામગીરી નિભાવી હતી. ત્યારબાદ સંગઠનમાં તેમનુ કદ ઘણુ વધી ગયુ હતુ.
આ રીતે બની મોસ્ટ વોન્ટેડ ક્રાંતિકારી
વર્ષ 1932 માં, યુગાંતર સમૂહ તે સમયનું ઘણુ મોટુ ક્રાંતિકારી સંગઠન હતુ. આ જ સમૂહની એક બેઠકના સંદર્ભમાં 1932માં પ્રીતિલતા અને અન્ય ક્રાંતિકારી સૂર્યસેનને મળવા પહોંચ્યા હતા. અંગ્રેજોને અગાઉથી જ તેની ગંધ આવી ગઈ હતી. અહીં ક્રાંતિકારીઓની અંગ્રેજો સાથે ભીષણ અથડામણ થઈ પરંતુ કોઈપણ હિસાબે ક્રાંતિકારીઓ ત્યાંથી ભાગવામાં સફળ થયા. આ અથડામણ બાદ અંગ્રેજોએ પ્રીતિલતાને મોસ્ટ વોન્ટેડ જાહેર કરી હતી.
જ્યારે ઉકળી ઉઠ્યુ લોહી
આ તે સમયગાળો હતો જ્યારે અંગ્રેજોની તમામ ક્લબો પર ”ડોગ્સ એન્ડ ઈન્ડિયન નોટ એલાઉડ”નું બોર્ડ જોવા મળતુ હતુ. ચટગાંવમાં આવેલી પહાડતલી યુરોપિયન ક્લબ પણ તે પૈકીની એક હતી જ્યાં આવુ બોર્ડ જોવા મળતુ હતુ. જ્યારે પ્રીતિલતાને તેની જાણ થઈ તો તેનુ લોહી ઉકળી ઉઠ્યુ હતુ. યુગાંતર સમૂહની બેઠકમાં આ મુદ્દો ઉઠ્યો અને અંગ્રેજોની એ ક્લબ પર હુમલો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો અને તેની જવાબદારી પ્રીતિલતાને આપવામાં આવી. તેને 40 લોકોના સમૂહની લીડર બનાવવામાં આવી અને હુમલાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી. જો કે આ સંગઠનના અન્ય સભ્યો તેની તરફેણમાં ન હતા. પરંતુ માસ્ટર દા સૂર્યસેનને પ્રીતિલતા પર સંપૂર્ણ ભરોસો હતો જેને પ્રીતિલતાએ સાબિત કરી બતાવ્યો હતો.
ઝેર ખાઈને ટૂંકાવ્યુ હતુ જીવન
પ્રીતિલતા ક્લબ પર હુમલો કરતા પહેલા તેની સાથે પોટેશિયમ સાયનાઈડ પણ લઈને ગઈ હતી. 24 સપ્ટેમ્બર 1932માં તેમણે પંજાબી વેશભૂષામાં ક્લબ પર હુમલો કર્યો હતો. તે સમયે ક્લબમાં લગભગ 50 અંગ્રેજો હતા. એક પછી એક બોમ્બ ફેંકી હુમલા કરવામાં આવ્યા હતા. જેમા કેટલાક લોકો ઘાયલ પણ થયા હતા. ચારે તરફ ભાગદોડ મચી ગઈ હતી. પ્રીતિલતા પાસે પણ ભાગવાની તક હતી પરંતુ તેને તે યોગ્ય લાગ્યુ ન હતુ કારણે કે તેની ગૃપના કેટલાક લોકો ત્યાં ફસાયેલા હતા. આથી સૌપ્રથમ તો તેમણે તેના સાથીઓને બહાર ભાગવામાં મદદ કરી, આ દરમિયાન જ અંગ્રેજોએ તેમને ઘેરી લીધી હતી અને તેના બચવાનો કોઈ માર્ગ બચ્યો ન હતો. તો પ્રીતિલતાએ તેની પાસે રહેલી પોટેશિયમ સાયનાઈડ ખાઈ જઈ જીવ દઈ દીધો અને ક્રાંતિની ગાથામાં અને આઝાદીની લડાઈના ઈતિહાસમાં તે અમર થઈ ગઈ. જો કે આ હુમલાની અસર પણ જોવા મળી અને દેશણાં મોટાભાગની ક્લબો પરથી અંગ્રેજોએ આ બોર્ડ હટાવી દીધા હતા.