પાયમાલ પાકિસ્તાન, પગાર ચૂકવવાના પણ ફાંફાં, છ સરકારી વિભાગો બંધ કર્યા, દોઢ લાખ સરકારી જગ્યાઓ રદ કરી નાખી
ગંભીર આર્થિક કટોકટીમાં સપડાયેલા પાકિસ્તાનની હાલત બહુ જ ખરાબ થઈ છે. સરકારી કર્મચારીઓને પગાર ચૂકવવાના પણ ફાંફા પડી રહ્યાં છે. જેને લઈને પાકિસ્તાને છ સરકારી વિભાગોના પાટીયા પાડી દીધા છે. જ્યારે દોઢ લાખ સરકારી નોકરીઓ સમાપ્ત કરી દીધી છે.
પાકિસ્તાનની આર્થિક સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ છે કે, ઉછીના રૂપિયા લેવા માટે સરકારી વિભાગો બંધ કરી દેવા પડ્યા છે. એટલુ જ નહીં, સરકારી નોકરીની દોઢ લાખ જગ્યાએ રાતોરાત બંધ કરી દેવામાં આવી છે. આમ કરવાથી પાકિસ્તાન સરકારનો ખર્ચ બચી જશે તેમ પાકિસ્તાનની શાહબાઝ સરકારનું માનવું છે. પાકિસ્તાન સરકાર તો એવો પણ સરમુખ્તયાર જેવો નિર્ણય લેવા જઈ રહી છે કે, જે વ્યક્તિ પાકિસ્તાનમાં વેરો ભરતી હોય તેને જ નવુ વાહન કે મિલકત ખરીદવાની મંજૂરી આપવી. જો વેરો નહીં ભરતા હોય તેમને નવા વાહન કે મિલકત ખરીદવાની મંજૂરી નહીં આપવામાં આવે.
ભૂખમરાની સ્થિતિમાં ધીમે ધીમે સરકી રહેલા પાકિસ્તાનની આર્થિક સ્થિતિ બહુ જ અત્યંત ખરાબ સ્તરે પહોંચી છે. આર્થિક સંકટથી બચવા માટે પાકિસ્તાને હવે 1.5 લાખ સરકારી નોકરીઓ નાબૂદ કરી દીધી છે. આ સિવાય 6 સરકારી મંત્રાલયોને કાયમી તાળુ મારવાનો નિર્ણય કર્યો છે.
પાકિસ્તાન સરકારે આવું એટલા માટે કર્યું છે કે, જેથી સરકારી ખર્ચને અટકાવી શકાય. એટલું જ નહીં, બે સરકારી મંત્રાલયોને અન્ય વિભાગો સાથે જોડી દેવામાં આવ્યા છે. પાકિસ્તાન સરકારે IMFના ટુંકા નામે ઓળખાતા ઈન્ટરનેશનલ મોનિટરી ફંડ પાસેથી 7 બિલિયન ડોલરની લોન ડીલ હેઠળ આ પગલાં મજબૂર થઈને લીધાં છે.
પાકિસ્તાન સતત આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યું છે અને ઈન્ટરનેશનલ મોનિટરી ફંડ પાસેથી લોનનો હપ્તો મળ્યા બાદ પણ તેનું સંકટ સમાપ્ત થયું નથી. હવે તે લોનનો બીજો હપ્તો મેળવવા માટે આકરા પગલાં લઈ રહ્યું છે.
ઈન્ટરનેશનલ મોનિટરી ફંડે ગત, 26 સપ્ટેમ્બરે પાકિસ્તાન માટે મંજૂર કરાયેલ લોનનો પ્રથમ હપ્તો જાહેર કર્યો હતો. આ અંતર્ગત 1 અબજ ડોલરના પેકેજની જાહેરાત કરવામાં આવી છે. આ સાથે ઈન્ટરનેશનલ મોનિટરી ફંડે પાકિસ્તાન સરકારને પોતાનો ખર્ચ ઘટાડવા, ટેક્સ વધારવા અને કૃષિ અને રિયલ એસ્ટેટ જેવા ક્ષેત્રો પર ટેક્સ લગાવવાનો આદેશ આપ્યો છે.
આ સિવાય સબસિડી નાબૂદ કરવી જોઈએ અને કેટલીક યોજનાઓ પણ મર્યાદિત કરવી જોઈએ. અમેરિકાથી પરત ફરેલા પાકિસ્તાનના નાણામંત્રી મોહમ્મદ ઔરંગઝેબે કહ્યું કે ઈન્ટરનેશનલ મોનિટરી ફંડ સાથે ડીલ કરવામાં આવી છે. આ તેની સાથે છેલ્લો સોદો હશે.
આ અંતર્ગત આપણે કેટલીક નીતિઓ અમલમાં મૂકવાની છે. તેમણે કહ્યું કે આ અંતર્ગત અમે સરકારી ખર્ચમાં પણ ઘટાડો કરી રહ્યા છીએ. છ મંત્રાલયો બંધ કરવામાં આવશે અને બે સરકારી વિભાગને મર્જ કરવામાં આવશે. આ સિવાય વિવિધ મંત્રાલયોમાં 1.5 લાખ સરકારી જગ્યાઓ નાબૂદ કરવામાં આવશે. તેમણે કહ્યું કે અમે ટેક્સ વધારવાનો પણ પ્રયાસ કરીશું. ગયા વર્ષે 3 લાખ વધારાના કરદાતા ઉમેરાયા હતા.
આ વર્ષે અત્યાર સુધીમાં 7 લાખથી વધુ નવા કરદાતાઓ જોડાયા છે. તેમણે કહ્યું કે ટેક્સ નિયમો વધુ કડક કરવામાં આવશે. જે લોકો ટેક્સ નહીં ભરે તેમને પ્રોપર્ટી અને વાહનો ખરીદવા દેવામાં નહીં આવે. ઔરંગઝેબે કહ્યું કે જો પાકિસ્તાન G-20નો હિસ્સો બનવા માંગે છે તો તેણે અર્થવ્યવસ્થાને મજબૂત કરવી પડશે. તેમણે કહ્યું કે હવે અમારી નિકાસ પણ વધી રહી છે.