મક્કામાં ભીષણ ગરમી બની જીવલેણ, 550થી વધુ હજ યાત્રીઓના મૃત્યુ, અનેક સારવાર હેઠળ
આ વર્ષે સમગ્ર વિશ્વમાં ગરમીનો પારો ઉચકાયેલો રહ્યો છે. સાઉદી અરેબિયામાં તાપમાનનો પારો 50 ડિગ્રીને પાર થઈ ગયો છે. આ વર્ષે દુનિયાભરમાંથી હજ યાત્રાએ જતા લોકોને સાઉદી અરેબિયામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આકરી ગરમીના કારણે અત્યાર સુધીમાં 577 જેટલા હાજીઓ મૃત્યુ પામ્યા છે અને હજારો લોકોની ગરમીને કારણે તબીયત બગડતા, સારવાર આપવામાં આવી રહી છે
વધતા જતા તાપમાનના કારણે સમગ્ર વિશ્વમાં અનેક સમસ્યાઓ સર્જાઈ રહી છે. ભારતમાં જ હીટવેવના કારણે, અત્યાર સુધીમાં મૃત્યુઆંક 65ને વટાવી ગયો છે. ખાડી દેશ સાઉદી અરેબિયાની હાલત અસહ્ય ગરમીને કારણે વધુ ખરાબ છે, સાઉદી અરેબિયામાં ગરમી પહેલાથી જ જીવલેણ છે. પરંતુ આ વખતે ગરમીએ તમામ રેકોર્ડ તોડીને તાપમાન 50 ડિગ્રીને પાર કરી ગયું છે. મંગળવારે સાઉદી સરકારે માહિતી આપી હતી કે ભારે ગરમીના કારણે લગભગ 577 હજ યાત્રીઓના મોત થયા છે.
મોટાભાગના મૃત હજ યાત્રીઓમાં ઈજીપ્તના 323 હજયાત્રીઓનો સમાવેશ થાય છે. અધિકારીઓએ, સમાચાર સંસ્થા એએફપીને જણાવ્યું હતું કે, મૃતક ઇજિપ્તવાસીઓમાંથી એક ભીડ સાથે અથડાયા બાદ ઇજાને કારણે મૃત્યુ પામ્યો હતો, બાકીના મૃત્યુ ગરમીને કારણે જવાબદાર હતા. મૃતક હજ યાત્રીઓમાં ઘણા દેશોના નાગરિકોનો સમાવેશ થાય છે. ઓમ્માનના અધિકારીઓએ જણાવ્યું કે, જોર્ડનના લગભગ 60 હજ યાત્રીઓના મોત થયા છે.
હવામાન પરિવર્તનથી હજ પર અસર થઈ રહી છે
હજ, એ ઇસ્લામના પાંચ સ્તંભોમાંથી એક છે અને તમામ સક્ષમ મુસ્લિમોએ તેને ઓછામાં ઓછું એકવાર કરવું જરૂરી છે. ગયા મહિને જાહેર કરાયેલા એક સાઉદી રિપોર્ટ અનુસાર, હજ યાત્રા પર હવામાન પરિવર્તનની નોંધપાત્ર અસર થઈ રહી છે, રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, જ્યાં હજ કરવામાં આવે છે ત્યાં તાપમાન દર દાયકામાં 0.4 ડિગ્રી સેલ્સિયસ વધી રહ્યું છે. સાઉદી અરેબિયાના હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આ વર્ષે મક્કાની ગ્રાન્ડ મસ્જિદમાં તાપમાન 51.8 ડિગ્રી સેલ્સિયસ પર પહોંચી ગયું છે.
❗ – During the Hajj pilgrimage in Saudi Arabia, at least 323 Egyptian pilgrims died, mainly due to heat-related illnesses, according to Arab diplomats.
Only one of the deaths was caused by injuries at a small gathering.
Additionally, 60 Jordanians also died, exceeding… pic.twitter.com/fRDdKEz61t
— The Informant (@theinformant_x) June 18, 2024
મૃત્યુઆંક બમણા કરતા પણ વધુ
ગયા વર્ષે, હજ દરમિયાન, લગભગ 240 હજયાત્રીઓ ગરમીના કારણે મૃત્યુ પામ્યા હતા, જેમાં મોટા ભાગના ઇન્ડોનેશિયાના હતા. સાઉદી અધિકારીઓના જણાવ્યા અનુસાર ગરમીના કારણે બીમાર પડેલા લગભગ બે હજાર હજ યાત્રીઓની સારવાર કરવામાં આવી રહી છે. ઇજિપ્તના વિદેશ મંત્રાલયે, ગઈકાલ મંગળવારે કહ્યું કે તેઓ કૈરો હજ દરમિયાન ગુમ થયેલા ઇજિપ્તવાસીઓને શોધવા માટે સાઉદી અધિકારીઓ સાથે કામ કરી રહ્યા છે.