નશાના રવાડે ચડેલા યુવકો હવે જાણેકે નશો કરવા કોઈ પણ પદાર્થ કે દવાનો ઉપયોગ કરી રહ્યા છે. જોકે સસ્તા નશા માટે ઉપયોગમાં લેવાતાં પદાર્થ કે દવાની અસર પણ ખૂબ ગંભીર સાબિત થતી હોય છે અને આવી જ એક ઘટના અમદાવાદમાં સામે આવી છે. ત્રણ દિવસ પહેલા એક યુવકને તેના મિત્રએ નશીલી દવાનું ઇન્જેક્શન આપ્યું હતું. જેના ઓવરડોઝથી યુવકનું મૃત્યુ થયું હોવાનું સામે આવ્યું છે. મૃતક યુવકની માતાની ફરિયાદને આધારે પોલીસે ઇન્જેક્શન આપનાર મિત્રની ધરપકડ કરી છે.
અમદાવાદમાં યુવા વર્ગને કઈ હદ સુધી નશાની લત લાગી છે અથવા યુવાધનને નશાની આદત લગાડવા માટે અન્ય યુવાનો કંઈ હદ સુધી પહોંચી રહ્યા છે તેનો એક કિસ્સો સામે આવ્યો છે. જો સમગ્ર ઘટનાની વાત કરીએ તો અમદાવાદના પૂર્વ વિસ્તાર ઈસનપુરમાં 6 ડિસેમ્બરના દિવસે ઈસનપુર ગાર્ડનમાં 18 વર્ષીય પ્રિન્સ શર્મા, જયદીપ સુથાર અને અન્ય એક મિત્રે એકઠા થયા હતા. જ્યાં જયદીપ સુથારે પ્રિન્સ શર્માને નશો કરવા માટે મેડાઝોલમ નામનું ઇન્જેક્શન આપ્યું હતું. જેના ઓવરડોઝને કારણે પ્રિન્સ શર્મા બેભાન થયો હતો. જોકે સમગ્ર મામલે ત્યાં હાજર અન્ય એક મિત્ર તરુણ દ્વારા પ્રિન્સના અન્ય મિત્ર રાહુલને જાણ કરી અને રાહુલે પ્રિન્સના પરિવારને જાણ કરી હતી.
પ્રિન્સના પરિવારજનો બગીચામાં પહોંચી પ્રિન્સને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા ત્યાં તેનું મોત નિપજ્યું હતું. સમગ્ર મામલે પ્રિન્સની માતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ઇન્જેક્શન આપનાર જયદીપ સુથારની રાજસ્થાનથી ધરપકડ કરી છે. પ્રિન્સ દહેગામ ખાતે આવેલી મોનાર્ક યુનિવર્સિટીમાં બી.કોમના બીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો. પ્રિન્સ અમદાવાદમાં તેની માતા અને બહેન સાથે રહેતો હતો.
પોલીસની પ્રાથમિક તપાસ અને પૂછપરછ સામે આવ્યું કે ઇન્જેક્શન આપનાર જયદીપ સુથાર અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં મેઈલ નર્સ તરીકે ત્રણ મહિનાથી નોકરી કરતો હતો. જયદીપ સુથાર દ્વારા પ્રિન્સને મેડાઝોલમ નામનું ઇન્જેક્શન આપ્યું હતું પરંતુ તે વધુ માત્રામાં અપાય જતા પ્રિન્સ બેભાન થયો હતો અને તેનું મોત નિપજ્યું હતું. પ્રિન્સ અગાઉ પણ જયદીપ સુથાર પાસેથી બે થી ત્રણ વખત નશો કરવા ઇન્જેક્શન લીધું હોવાનું સામે આવ્યું છે.
મૃતક પ્રિન્સના પરિવારજનોનો આક્ષેપ છે કે જયદીપ સુથાર દ્વારા આ ઇન્જેક્શનથી મજા આવશે તેવું કહીને અનેક યુવાનોને નશો કરાવવાની ટેવ પાડતો હતો. એટલું જ નહિ પરિવારના મત મુજબ પ્રિન્સ અગાઉ પરિવારની જાણ બહાર 2500 થી 3000 રૂપિયા ટ્રાન્સફર કર્યા હોવાનું પણ સામે આવ્યું છે. પોલીસના જણાવ્યા અનુસાર મેડાઝોલમ ઇન્જેક્શન સામાન્ય રીતે ઓપરેશન કરતા પહેલા, ઊંઘ લાવવામાં અને સુસ્તી લાવવા માટે ઉપયોગ કરવામાં આવતો હોય છે. અગાઉ જ્યારે આ ઇન્જેક્શન આપ્યું હશે તે ઓછી માત્રામાં આપવામાં આવ્યું હોય શકે છે અને આ વખત વધુ માત્રામાં આપવામાં આવતા પ્રિન્સનું મોત નિપજ્યું છે.
હાલતો પોલીસ પ્રિન્સના પીએમ રીપોર્ટની રાહ જોઈ રહી છે, પરંતુ જયદીપ સુથારને ખ્યાલ હોવા છતાં પણ તેણે મેડાઝોલમનો ઓવરડોઝ આપ્યો હોવાથી તેના વિરૂદ્ધ સાઅપરાધ માનવવધની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. હાલ પોલીસ તપાસ કરી રહીં છે કે પ્રિન્સને શા માટે ઇન્જેક્શનનો ઓવર ડોઝ આપવામાં આવ્યો હતો, જયદીપ દ્વારા અગાઉ કેટલા યુવાનોને આવા ઇન્જેક્શન આપ્યા હોય શકે છે અને જયદીપ આ ઇન્જેક્શન હોસ્પિટલ માંથી વેચાતું લેતો હતો કે ચોરી કરતો હતો તે અંગે તપાસ શરૂ હાથ ધરવામાં આવી છે.
Published On - 10:02 am, Tue, 10 December 24