ગુજરાતી ભાષા (Gujarati Language)માં પાયાના ગણાતા કવિ, સાહિત્યકાર, સર્જક નર્મદ (Narmad)ની આજે પુણ્યતિથી છે છે. 1833ની 24મી ઓગસ્ટે સુરત (Surat)માં તેમનો જન્મ થયો હતો. અને 26 ફેબ્રુઆરી 1886માં તેમનું અવસાન (Death anniversary) થયુ હતુ. સાહિત્યકારોના મતે નર્મદનું વ્યક્તિત્વ એટલું બધુ તો વિશાળ હતું કે તેમને એક વ્યાખ્યામાં બાંધી શકાય તેમાં નથી.
નર્મદાશંકર લાભશંકર દવે એટલે કવિ નર્મદ. કવિ નર્મદને ગુજરાતી સાહિત્યમાં ‘અર્વાચીનોમાં આદ્ય’ તરીકે ઓળખવામાં આવે છે. વર્ષ 1868માં નર્મદશંકર સાહિત્યકાર-કવિ તરીકે જાણીતા થઈ ચૂક્યા હતા.
કવિ નર્મદ સુરતના રાંદેરમાં શિક્ષક તરીકે કામ કરીને આર્થિક નિર્વાહ ચલાવતા હતા. તેઓએ શિક્ષકની નોકરી છોડીને કલમને સહારે જીવન જીવવાનું નક્કી કર્યું હતું.
નર્મદે સુધારકયુગમાં તેમના સમકાલીન સાહિત્યકારો, કવિઓ અને મુરબ્બીઓ સાથે પત્રવ્યવહાર પણ કર્યો હતો, જેમાં તેઓ સાહિત્ય, સમાજ, પત્રકારત્વ વગેરેની ચર્ચા કરતાં હતા. તેમના ચર્ચાપત્રો પણ જાણીતાં છે.
તેમણે શિક્ષણની નોકરી છોડી ઘરે આવી કલમની સામું જોઈ કહેલું ‘ હવે હું તારે ખોળે છઉં’. ગુજરાતી ભાષામાં અગાઉ કોઈએ ન કર્યું હોય તેવુ શબ્દ કોશ બનાવવાનું ભગીરથ કામ તેમણે હાથમાં લીધું હતું. તેમણે 1864માં ‘ ડાંડિયો ‘ પાક્ષિક શરૂ કર્યું હતું. તેઓ આર્યત્વના ઉપાસક અને ઉપદેશક હતા.
અર્વાચીન યુગમાં ‘ગદ્ય-પદ્યનો પ્રણેતા’ અને ‘અર્વાચીનોમાં આદ્ય’ એવા નામથી જેમને નવાજવામાં આવ્યાં છે તે કવિ નર્મદ સુધારક યુગના પ્રમુખ સર્જક છે. કવિ નર્મદ પાસેથી કવિતા વિશેના વિચારોને રજૂ કરતો કોઈ સ્વતંત્ર ગ્રંથ મળતો નથી. પણ એ અંગેના છૂટાછવાયા લેખો-નિબંધો મળે છે. એમાં એમનો કવિતા વિચાર ગ્રંથસ્થ થયો છે.
નર્મદ પાસેથી ‘સ્વતંત્રતા’, ‘સુરત’, ‘જય જય ગરવી ગુજરાત’, ‘કોની કોની છે ગુજરાત?’, ‘આપણે ગુજરાતી’ જેવા કાવ્યોમાં સ્વદેશાભિમાન તાર સ્વરે રજૂ થયું છે.
‘સુરત’ કાવ્યમાં કવિએ સુરતનો ભવ્ય ઇતિહાસ અને વર્તમાનને આલેખ્યો છે. સુરત શહેર એની ભવ્યતા ને જાહોજલાલી, એની પ્રજાનું ખમીર ને એના બંદરો વગેરેના કારણે સોનાની લંકા હોય એવો અહેસાસ થતો હતો પરંતુ કવિના સમયમાં સુરતની દયનિય સ્થિતિ જોઈને એમનું ર્હદય ઉકળી ઊઠે છે. કવિને ચિંતા થાય છે કે જેમ ગ્રીસ, રોમ, હસ્તિનાપુર અને દિલ્હી વગેરે જેવા શહેરો ફરી પાછા ઊભાં થઈ શક્યા નથી. તો સુરત થશે કે કેમ,-
“નથી કોઈનૂં ચલણ, વલણ બહુજનો કરે રે;
સમયે ચ્હડતૂં કોઈ, સમયથી ઢળી પડે રે.
હતી જેવિ ઓ સુરત, તેવિ શું ફરી થવાની ?
નથી લાગતૂં હાય, હવે તૂં મરી જવાની.”
મધ્યકાળના ધર્મપારાયણતામાંથી સાહિત્યને સંસારાભીમુખ કરવાનો પ્રયાસ હોયકે સાહિત્ય સમજ અને સાહિત્ય વિષયોમાં આમૂલ પરિવર્તન કરવાનો પુરુષાર્થ હોય બન્નેમાં વીર નર્મદનું પ્રદાન ધન્યવાદને પાત્ર છે. વિવિધ પધ સ્વરૂપો અને ગધ સ્વરૂપોમાં નર્મદે કરેલ પહેલાના કારણેજ તો આજે ગુજરાતી સાહિત્ય પાસે પોતાનો કહી શકાય તેવો વિપુલ ભંડાર છે. અને એટલેજ તો નર્મદ ને અર્વાચીન સાહિત્યકારોના આધપીતામહ અને નવયુગના પ્રહરી તરીકે ઓળખવામાં આવે છે. નર્મદનું પ્રદાન માત્ર સાહિત્ય અને આદર્શ રચનાઓ પુરતુજા સીમિત નથી. પરંતુ તેમણે જે આદર્શો એક સાહિત્યકાર તરીકે પોતાના સાહિત્યમાં વર્ણવ્યા એજ આદર્શોને એક ઉમદા સમાજ સુધારક તરીકે જીવી પણ બતાવ્યા.
આ પણ વાંચો-
આ પણ વાંચો-