ગુજરાત અને રાજસ્થાનની સરહદે આવેલા સાબરકાંઠા (Sabarkantha) જિલ્લાના ગુણભાંખરી (Gunbhankhari Fair) માં અનોખો મેળો યોજાય છે. ચિત્ર વિચિત્ર નો મેળા (Chitra Vichitra Melo) તરીકે ઓળખાતા આ મેળામાં રાત ખુશીઓ ભરેલી અને સવાર આંખોમાં આંસુઓ ભરેલી હોય છે. આ અનોખો મેળાની બીજી સવારે પોતાના સ્વજનની યાદમાં પરીવારજનો રુદન કરે છે. રાતભર મેળાને હશી-ખુશીથી મનાવ્યા બાદ, બીજા દિવસે સવારે મેળવામાં આવનારા પરિવારજનો વર્ષ દરમિયાન ગુમાવેલા સ્વજનને યાદ કરીને રડતા જોવા મળતા હોય છે. સાથે જ કેટલાક પરિવારો તર્પણની વિધી પણ મેળા બાદ અહીં કરતા હોય છે. સામાન્ય રીતે મેળો એટલે આનંદ અને ઉત્સાહ સાથે ખુશીઓ મનાવવાનો માહોલ માનવામાં આવતો હોય છે. મેળામાં પરિવાર સાથે આવીને આનંદ વ્યક્ત કરવાનો હોય છે.
જોકે અહીં આવનારા આ લોકો પણ અમાસની રાત્રીએ મેળામાં પુષ્કળ આનંદ મનાવતા હોય છે. બીજી સવારે જ તેઓનો આનંદ ગમમાં ફેરવાઈ જતો હોય છે. આમ મેળો પણ તેના નામ પ્રમાણેના જ ગુણ ધરાવે છે અને એટલે જ કારણ કે આ મેળાનુ નામ પણ ચિત્ર વિચિત્ર છે, અને જે મહાભારત કાળથી અહીં સાબરમતી, આકળ અને વ્યાકળ એમ ત્રણ નદીના સંગમ સ્થાને યોજાતો આવ્યો હોવાનો મનાય છે.
આ અંગે સ્થાનિક રેવાભાઈ કહે છે, કે અમે અહીં પરીવાર સાથે આવવાનો રિવાજ છે. વર્ષ દરમિયાન પરીવારમાંથી ગુમાવેલા સ્વજનની તર્પણવીધી ત્રિવેણી સંગમ સ્થળે કરીએ છે. આ દરમિયાન સ્વજનને યાદ કરીને આંખો ભરાઈ જાય છે. આ પહેલા રાત ભર મેળાને મહાલવાનો માહોલ હોય છે.
આદિવાસી આગેવાન નિલેશ બુબડીયા કહે છે, કે મહાભારત કાળથી આ સ્થળની પ્રસિદ્ધી છે અહીં ગુજરાત, રાજસ્થાન થી આદીવાસી સમાજના લોકો આવતા હોય છે અને તેને જોવા માટે કોરોના કાળ પહેલા સુધી વિદેશી પ્રવાસીઓ પણ મોટા પ્રમાણમાં આવતા રહ્યા છે.
રાજસ્થાન અને ગુજરાતના આદીવાસી સમાજના લોકો મોટી સંખ્યામાં ઉમટે છે અને અહી રાત ભર મેળામાં ઉભરાતા જાય છે અને સાબરમતીનો પટ ભરી દે છે. ચિત્ર વિચિત્ર થી પ્રચલીત આ મેળો કાંઇક ખાસ એટલે જ તો પ્રસિધ્ધ છે. મેળામાં રાત ભર ઉલ્લાસ કરાય છે પણ સવાર જેમ પડવા આવે એમ બસ આ મેળો તેની અસલ ખાસીયત પર દેખાવા લાગે છે અને માહોલ શોકમાં ફેરવાઇ જાય છે. કહે છે કે આ મેળામાં અહી મહાદેવજીનુ સ્થાન મહાભારત કાળ થી છે અને ચિત્ર વિચિત્ર નામ પણ પૌરાણીક કાળથી જ ચાલતુ આવ્યુ હોવાનુ માનાવમાં આવે છે. અને એટેલે જ આ અનોખો મેળો મહાલ્વા માટે પણ લોકો આવતા હોય છે.
આ મેળામાં યુવક અને યુવતીઓને એક બીજાને પસંદ કરીને સગપણ કરવાની પણ અનોખી પરંપરા હતી, જોકે તે હાલ તો લુપ્ત થઈ ચુકી છે. અહીં પસંદગીના પાત્રને પાન ખાવા માટે કહેવામાં આવતુ હોય અને જો પાન ખાઈ લેવામાં આવેતો સંબંધ પાકો માની લેવામાં આવતો હતો. પરંતુ હવે સમય જતા આ અનોખી પરંપરા વિસરાઈ ચુકી છે.
વર્તમાન સમયમાં સામાજીક બાબતોમાં પણ પરીવર્તન આવ્યુ છે અને એ સાથે જ આ અનોખી પરંપરા પણ ભૂલાઈ ચુકી છે. આજે પાન કે જેને સ્થાનિકો ડૂસો કહે છે તેની હાટડીઓ નાની નાની લાગે છે પણ હવે તેની સંખ્યા પણ જૂજ છે. જે પહેલા મોટા પ્રમાણમાં રહેતી હતી. જે ડૂસો ખવડાવવાની ઓફર સ્વિકારી લીધા બાદ એક બીજાનો સાથ નિભાવવાનો કોલ આપનારા યુગલો પણ અહીં મેળાનો માહોલ ખૂબ જ સુંદર બનાવી દેતા હતા. કારણ કે નિખાલસ સંબંધની ઝલક યુગલોના ચહેરાઓ પર છલકાતી હતી.
આ અંગે વર્ષોથી મેળામાં પાનની હાટડી લગાવનારે કહ્યુ હતુ કે, સમય જતા સામાજીક રીતોમાં પણ સમયની અનુકૂળતા મુજબ પરિવર્તન આવી રહ્યુ છે. એવી જ રીતે હવે ડૂસાની આ રીત પણ વિસરાઈ ગઈ છે અને હવે ડૂસો માત્ર શોખ તરીકે મેળામાં ખવાય છે.
મેળાનુ આયોજન દર વર્ષે સરકાર દ્વારા પણ સુંદર રીતે કરવામાં આવે છે. અહીં પ્રધાનો અને નેતાઓ પણ રાત્રી દરમિયાન આવતા હોય છે અને મેળાના માહોલને માણવા સાથે આયોજનને સુંદર બનાવવા પ્રયાસ કરે છે. આદીજાતી રાજ્યકક્ષા પ્રધાન નિમિષાબેન સુથાર અને ઉચ્ચ શિક્ષણ પ્રધાન કુબેરભાઈ ડીંડોર પણ ઉપસ્થિત આ વખતે રહ્યા હતા. બંને એ મેળાને પ્રતિવર્ષ વધુ આકર્ષક અને યોગ્ય આયોજન સાથે સુવિધાઓમાં વધારો કરવા માટે પણ આશ્વાસન સ્થાનિકોને આપ્યુ હતુ.
Published On - 2:35 pm, Sat, 2 April 22